અલૌકિક દર્શન : સિદ્ધયોગી જેઓ આજે પણ સિદ્ધદેહે વિચરે છે
-ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
ચૈતન્ય મહા પ્રભુના સમયની આ વાત છે.
૧૨. એક વાર પૂ. ભાઈ અને પૂ. મકરંદભાઈ જૂનાગઢ ગયા હતા. તે વખતે તેઓ બંનેને નરસિંહ મહેતાના ચોરે પણ ગયા હતા. ત્યાં એક મંડપ બાંધવામાં આવ્યો હતો. લોકોની માન્યતા એવી છે કે આ મંડપના સ્થાને નરસિંહ મહેતાને ભગવત્સાક્ષાત્કાર થયો હતો.
પૂ. ભાઈ તે વખતે મકરંદભાઈને કહે છે:
‘આ સ્થાને નરસિંહ મહેતાને સાક્ષાત્કાર નહોતો થયો.’
પછી બાજુમાં રહેલી એક નવેળા જેવી જગ્યા બતાવીને પૂ. ભાઈ કહે છે:
‘નરસિંહ મહેતાના સાક્ષાત્કારની ભૂમિ અહીં છે. તેમને રાસલીલાનું દર્શન અહીં થયું હતું.’
૧૩. પૂ. ભાઈ અને પૂ. મકરંદભાઈ સાથે બેઠેલા છે. બંને વચ્ચે સત્સંગ ચાલે છે.
આ સત્સંગના ક્રમમાં પૂ. ભાઈ મકરંદભાઈને કહે છે:
‘ગોરખનાથ સિદ્ધયોગી હતા. તેઓ આજે પણ સિદ્ધદેહે વિચરે છે.’
૧૪. અન્ય એક વાર પૂ. ભાઈ અને પૂ. મકરંદભાઈ ગોરખનાથ વિશે વાતો કરતા હતા. તે વખતે પૂ. ભાઈ મકરંદભાઈને કહે છે:
‘અત્યારે ગોરખનાથ ગિરનારપર્વત પર છે અને આપણી વાતચીત સાંભળી રહ્યા છે. યોગીના ચિત્તની વિશ્ર્વ-બ્રહ્માંડ સાથે એકતા સિદ્ધ હોય છે. તેમને માટે બ્રહ્માંડની કોઈ વસ્તુ કે સ્થાન દૂર રહેતું નથી.
દત્તાત્રેય, ગોરખનાથ, ગોપીચંદ આદિ સિદ્ધ યોગીપુરુષો આજે પણ સિદ્ધદેહથી અસ્તિત્વ ધરાવે છે અને ઈચ્છે ત્યારે સ્થૂળ સ્વરૂપ ધારણ કરીને ભક્તોને સહાય કરે છે.’
પૂ. ભાઈ મકરંદભાઈને આગળ કહે છે: ‘ગોરખનાથ સાથે તમારે પૂર્વજન્મનો સંબંધ છે. આ જન્મે પણ તમને તેમનો પ્રત્યક્ષ અનુભવ થશે અને ત્યારે તમે તેમને ઓળખી શકશો.’
પૂ. ભાઈ આગળ કહે છે:
‘હઠયોગની સાધનામાં ગમે તેટલા સમર્થ યોગી હોય, પરંતુ આ પંચમહાભૂતનું માનવશરીર તેમણે ધારણ કર્યું હોય ત્યારે તેમણે આ વાયુના ઉપદ્રવો સહન કરવા પડે છે. ગોરખનાથને પણ વાયુની – હેડકી આવવાની તકલીફ થઈ હતી અને પછી આ તકલીફનું નિવારણ પણ થયું હતું.’
પૂ. ભાઈ મકરંદભાઈને આગળ કહે છે:
‘મત્સ્યેન્દ્રનાથ પોતે વજ્રયાની બૌદ્ધ યોગીઓના પ્રભાવમાં આવી ગયા હતા અને સ્ત્રીઓ સાથે રહ્યા હતા. તેમના સમર્થ શિષ્ય ગોરખનાથે તેમને ચેતવી દીધા હતા:
‘ચેત મછંદર! ગોરખ આયા’નો આ જ અર્થ છે.’
આમ પૂ. ભાઈ અને મકરંદભાઈ વચ્ચે વર્ષો સુધી અપરંપાર અને ગહન સત્સંગ થયો છે.
Also read: માનસ મંથન: ધીરજ આપણી સંપદા છે ને તેની કસોટી તો આપદ્કાલમાં જ થાય
૧૫. એક વાર પૂ. ભાઈને વાયુની ખૂબ તકલીફ હતી. ખૂબ વેદના થતી હતી. તેઓ પથારીમાં તરફડતા હતા. બાજુમાં પૂ. મકરંદભાઈ ઊભા હતા. પૂ. ભાઈની આ વેદના અને વેદનાજન્મય તરફડાટ મકરંદભાઈથી જોવાયો નહીં.
પૂ. મકરંદભાઈ પૂ. ભાઈને કહે છે: ‘મારાથી તમારી વેદના જોવાતી નથી. આ વેદના તમે મને આપી દો.’
પૂ. ભાઈ કહે છે:
‘રહેવા દો. તમારાથી આ સહન નહીં થાય.’
પૂ. મકરંદભાઈ પોતાની માગણીમાં મક્કમ રહ્યા અને તેમણે કહ્યું:
‘તમારી વેદના હું સહન કરી લઈશ. આ વેદના મને આપી દો.’
અને પછી તરત પૂ. ભાઈની વેદના પૂ. મકરંદભાઈમાં આવી ગઈ. આખી રાત આ વેદનાને કારણે મકરંદભાઈ પથારીમાં તરફડતા રહ્યા.
સવારે વેદના ચાલી ગઈ અને તેઓ પુન: સ્વસ્થ બની ગયા.
૧૬. મા ઇચ્છે ત્યારે કોઈ જીવાત્માને કે સિદ્ધપુરુષને પોતાની પાસે બોલાવી શકે.
એક વાર મકરંદભાઈની પ્રાર્થનાથી માએ એક મૃતાત્માને બોલાવ્યો. તે આવ્યો અને પૂ. ભાઈના રૂમમાં ખુરશી પર બેઠો પણ ખરો!
એક વાર પૂ. મકરંદભાઈએ માને પ્રાર્થના કરી:
‘અશ્ર્વત્થામાને બોલાવો.’
મા કહે છે:
‘અરે! તે સિદ્ધપુરુષ છે. તમે તેના દશબફિશિંજ્ઞક્ષત (સ્પંદનો) સહન ન કરી શકો. તમને લકવો થઈ જાય.’
૧૭. એક વાર પૂ. મકરંદભાઈએ પોતાના ફળિયામાં એક ભૂત જોયું. પૂ. મકરંદભાઈએ પૂ. ભાઈને કહ્યું. મા કહે છે: ‘તે એક વ્યભિચારી તરછોડાયેલો અને અસંતુષ્ટ જીવ છે. અવગતિ પામ્યો છે.’ તેની મુક્તિ માટે માએ એક મંત્ર આપ્યો. મકરંદભાઈએ જપ કર્યા. તેની મુક્તિ થઈ. રાત્રે તે મકરંદભાઈના રૂમમાં આવ્યો. ખૂબ નાચીને પોતાની ખુશી વ્યક્ત કરી અને પછી બારીએથી ચાલ્યો ગયો.
૧૭. નાની વયથી જ અધ્યાત્મ તરફ અભિમુખતા છે. લોકભારતીમાં પ્રાધ્યાપક તરીકે જોડાયો છું. લોકભારતીનું ગ્રંથાલય ખૂબ સમૃદ્ધ છે. ગ્રંથાલય મારું પ્રિય સ્થાન છે. ગ્રંથાલયમાં જવાનું તો પ્રતિદિન એકાધિક વાર બને છે, પરંતુ આજનો પ્રવેશ ઘણો વિશિષ્ટ બની રહ્યો.
ગ્રંથાલયના પ્રવેશદ્વારની પાસે જ ડાબી બાજુ એક ખુલ્લો કબાટ રહે છે. આ કબાટમાં નવાં આવેલાં પુસ્તકો મુકાય છે. ગ્રંથાલયમાં પ્રવેશ કરતાં જ દૃષ્ટિ પ્રત્યેક વાર આ કબાટ પર જાય છે, પરંતુ આજે દૃષ્ટિ એક વિશિષ્ટ પુસ્તક પર ગઈ. પુસ્તક છે:
‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ – લેખક મકરંદ દવે.
પુસ્તક હાથમાં લીધું. બાજુમાં મૂકેલી ખુરશી પર બેસી ગયો. વાંચવાનો પ્રારંભ થયો. પુસ્તકમાં લખાયેલા પ્રસંગોમાં જાણે ડૂબી જ ગયો. કેટલુંક ડૂબવું એવું હોય છે કે ડૂબવાથી તરી જવાય! આજનું ડૂબવું એવું જ ડૂબવું સિદ્ધ થયું. પુસ્તક સડસડાટ વંચાય છે અને હું જાણે પુસ્તકમાં વર્ણવેલી અલૌકિક ઘટનાઓ સાથે એકાકાર બની ગયો.
સમય બહુ ઝડપથી પસાર થઈ ગયો અને હું પુસ્તકમાંથી પણ ઝડપથી પસાર થઈ ગયો. પુસ્તકના છેલ્લા પાના પર અને છેલ્લી પંક્તિ પર પહોંચ્યો અને કાન પર અવાજ આવ્યો:
‘ભાઈ! ગ્રંથાલય બંધ કરવાનો સમય થયો છે!’
ગ્રંથાલયના એક કર્મચારીએ જ મને જાગ્રત કર્યો છે. લોકભારતીમાં કોઈને ‘સાહેબ’ કહેવાની પરંપરા નથી, તદ્નુસાર અહીં ‘ભાઈ’ કહેવાયું છે!
પુસ્તક તો પૂરું થયું, પરંતુ મારી અંદર કાંઈક નવું જ શરૂ થયું છે. ગ્રંથાલય તો બંધ થયું, પરંતુ મારી અંદર કશુંક ઊઘડી ગયું.
આ પુસ્તકના પ્રારંભમાં જ સાંઈ મકરંદ લખે છે:
‘ગિરનારી યોગી હરનાથને જોતાં જ મને લાગ્યું કે આ માણસે માત્ર અમૃતની વાતો સાંભળી નથી, પણ અમૃત પીધું લાગે છે.’
આ શબ્દો પરથી બે વાત નિશ્ર્ચિત થઈ:
૧. યોગી હરનાથ એવા પુરુષ છે, જેમણે અમૃતનું પાન કર્યું છે.
૨. યોગી હરનાથ ગિરનારી યોગી છે, અર્થાત્ ગિરનારમાં વસે છે.
જેમણે અમૃતનું પાન કર્યું છે તેમનાં દર્શન-સત્સંગ માટે જવું જ જોઈએ. જવાનો સંકલ્પ થઈ ગયો, પરંતુ આ ગિરનારી યોગી હરનાથ ક્યાં વસે છે? મકરંદભાઈના શબ્દો પ્રમાણે તો યોગી હરનાથ ગિરનારી યોગી છે. તદ્નુસાર તેમનાં દર્શન-સત્સંગ માટે ગિરનાર જ જવું જોઈએ. પરંતુ ગિરનાર કાંઈ નાનોસૂનો નથી. ગિરનારમાં ક્યાં જવું? ગિરનારી યોગી હરનાથના નિવાસસ્થાનની તપાસ ચાલી. એક મિત્રે કહ્યું: ‘અરે! આ ગિરનારી યોગી હરનાથ અત્યારે ગિરનારમાં નહીં, પરંતુ ગોંડલમાં રહે છે.’
પહેલા જ સોમવારે અમે બંનેએ ગોંડલ જવાનું નિર્ધારિત કર્યું. લોકભારતીમાં સાપ્તાહિક રજા સોમવારે હોય છે, તદ્નુસાર અમારું ગોંડલ પ્રત્યે પ્રયાણ સોમવારે જ થયું.
Also read: શિવ રહસ્ય -: તમે વરદાન આપવા જ માગતા હો તો મને એવું વરદાન આપો કે હું વનમાં વનચર બની શકું
ગોંડલમાં હરનાથના નિવાસસ્થાનની ખાસ જાણકારી હતી નહીં, પરંતુ ‘પૂછતા નર પંડિતા’ તદ્નુસાર અમે પણ પૂછતાં-પૂછતાં પંડિત બની ગયા અને પહોંચી ગયા ભગવત્ સાધન સંઘના દ્વાર પર! (ક્રમશ:)