ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

શ્રાવણ, સોમવાર ને અમાવસ્યા: શિવભક્તિનો ત્રિવેણી સંગમ

પ્રાંસગિક -કવિતા યાજ્ઞિક

શ્રાવણનો મહિનો અને સોમવતી અમાવસ્યા હોય એવો સંયોગ વારંવાર નથી આવતો. ભગવાન મહાદેવનો સંબંધ શ્રાવણ માસ, અમાવસ્યા અને સોમવાર ત્રણેય સાથે છે. આ વર્ષે આ ત્રિવેણી સંગમ એક જ દિવસે છે. શું છે સોમવતી અમાવસ્યાનું મહત્ત્વ?

એ કહેવાની જરૂર નથી કે સોમવારને દિવસે આવતી અમાવસ્યાને સોમવતી અમાસ કહેવાય છે. આ રીતે આવતી અમાવસ્યાને હિન્દુ ધર્મમાં મહાપર્વ કહેવામાં આવે છે. સોમવતી અમાવસ્યા એ કળિયુગના શુભ તહેવારોમાંનો એક છે, પરંતુ સોમવતી અમાવસ્યાને અન્ય અમાવસ્યા કરતાં વધુ પુણ્યપૂર્ણ ગણવા પાછળ શાસ્ત્રીય અને પૌરાણિક કારણો છે. સોમવારને ભગવાન શિવ અને ચંદ્રનો દિવસ કહેવામાં આવે છે.

અમાવસ્યા બે શબ્દો અમા અને વાસ્યથી બનેલો છે. શિવ મહાપુરાણમાં ભગવાન શિવે માતા પાર્વતીને આ સંધિ વિચ્છેદ સમજાવ્યો હતો. કારણ કે સોમને અમૃત પણ કહેવામાં આવે છે, અમા એટલે ભેગું કરવું અને વાસ્ય એટલે વાસ. અર્થાત જેમાં સર્વનો એક સાથે વાસ થાય છે. તેથી આ દિવસ ભક્તોને અમૃતની પ્રાપ્તિ કરાવતો દિવસ પણ મનાય છે. ધર્મગ્રંથોમાં ચંદ્રની ૧૬મી કલાને ‘અમા’ કહેવાઈ છે. ચંદ્રમંડળની ‘અમા’ નામની મહાકલા છે જેમાં ચંદ્રની સોળેય કલાઓની શક્તિ શામેલ છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મનના દેવતા કહેવાય છે. શિવ સ્વયં ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કરે છે. આ દિવસે ચંદ્ર દ્રશ્યમાન નથી થતો, જેની મન પર અસર થાય છે. તેથી એવું કહેવાય છે કે ભાવુક વ્યક્તિઓને તેની અસર વધુ થાય છે. કેમકે મનના ભાવો સાથે ચંદ્રનો સંબંધ સંકળાયેલો માનવામાં આવે છે, તેથી અમાવસ્યાના દિવસે મનને સદાશિવની ભક્તિમાં લિન રાખીને, તેને સંતુલિત, અને સકારાત્મક રાખવાનો આધ્યાત્મિક પ્રયોગ આપણાં શાસ્ત્રોએ વર્ષમાં આવતી બધીજ અમાવસ્યાઓ માટે
બતાવ્યો છે.

સનાતન ઋષિએ પણ નારદજીને દર મહિને આવતી અમાવસ્યાનું મહત્ત્વ જણાવ્યું છે. ઋષિ અનુસાર, જ્યારે અમાવસ્યા સોમવારે આવે છે, ત્યારે તે સોમવતી અમાવસ્યાનો સંયોગ બને છે. મહાભારતમાં ભીષ્મે યુધિષ્ઠિરને આ દિવસનું મહત્ત્વ સમજાવ્યું હતું અને કહ્યું હતું કે જે વ્યક્તિ આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે તે સમૃદ્ધ, સ્વસ્થ અને તમામ દુ:ખોથી મુક્ત રહેશે. એવી પણ માન્યતા છે કે સ્નાન કરવાથી પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે. પીપળાના વૃક્ષમાં પૂર્વજો અને તમામ દેવતાઓનો વાસ છે. કહેવાય છે કે, સોમવતી અમાવસ્યાના દિવસે, જો દૂધમાં પાણી અને કાળા તલ ભેળવીને સવારે પીપળાના ઝાડને અર્પણ કરવામાં આવે તો તેમને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. પીપળાના વૃક્ષની પૂજા અને પ્રદક્ષિણા કરવાથી તમામ દેવતાઓ પ્રસન્ન થાય છે.

આ દિવસે મૌન વ્રત રાખવાથી હજારો ગોદાનનું ફળ મળે છે. શાસ્ત્રોમાં અશ્ર્વત્થ પ્રદક્ષિણા વ્રત પણ કહેવામાં આવ્યું છે. અશ્ર્વત્થ એટલે પીપળનું વૃક્ષ. સોહાગણો માટે આ દિવસે દૂધ, જળ, ફૂલ, અક્ષત, ચંદન વગેરેથી પૂજા કરવાની અને ઝાડની આસપાસ ૧૦૮ વાર પ્રદક્ષિણા કરવાની વિધિ છે. અને કેટલીક અન્ય પરંપરાઓમાં પણ ભંવરી આપવાની પરંપરા છે. એવી પરંપરા છે કે પ્રથમ સોમવતી અમાવસ્યાના દિવસે ડાંગર, સોપારીના પાન અને પીસી હળદર મિશ્રિત કરવામાં આવે છે અને ધાર્મિક રીતે તુલસીના ઝાડને અર્પણ કરવામાં આવે છે. તેના પછીની સોમવતી અમાવસ્યાએ પોતાની ક્ષમતા મુજબ ફળો, મીઠાઈઓ, સુહાગ સામગ્રી, ખાદ્યપદાર્થો વગેરેની ભંવરી આપવામાં આવે છે. ભંવરી પર ચઢાવવામાં આવેલ સામાન કોઈ લાયક બ્રાહ્મણ, નણંદ કે ભાણેજને આપી શકાય છે. કોઈના પોતાના ગોત્રને દાન આપવું જોઈએ નહીં અથવા કોઈના કરતાં નિમ્ન ગોત્ર ને આપવું જોઈએ. આ યોગમાં કરેલું દાન શુભ માનવામાં આવે છે. કાલસર્પનો દોષ ધરાવનાર વ્યક્તિ માટે પણ આ દિવસે નાગનું વિધિવત પૂજન કરવાનું ઘણું મહત્ત્વ મનાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button