હું એ પુરુષને વરી ચૂકી છું, એ નહીં મળે તો હું મારી જીવન-લીલા સમાપ્ત કરી દઈશ
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
દેવર્ષિ નારદ જુએ છે કે એક જંગલમાં એક અસુર શિવ આરાધના કરી રહ્યો છે. તેનો સ્વર અવકાશમાં ગૂંજવા લાગ્યો. બીજી તરફ માતા પાર્વતી અને ભગવાન શિવ કાશીથી કૈલાસ તરફ આગળ વધી રહ્યા હતા, તેમને પણ એ અસુરનો સ્વર સંભળાવા લાગ્યો. તેઓ તેની સમક્ષ પ્રગટ થઈ કહે છે, ‘બાણાસુર આંખ ખોલો, વરદાન માગો.’ હર્ષઘેલો બાણાસુર કહે છે, ‘પ્રભુ તમને જોઈ હું હર્ષની લાગણી અનુભવું છું. જો તમે વરદાન આપતાં હો તો મને સહસ્ત્ર ભૂજા આપો.’ ભગવાન શિવ ‘તથાસ્તુ’ બોલતાં જ બાણાસુર સહસ્ત્ર ભૂજાઓ મેળવે છે. એક પર્વત જેટલી સહસ્ત્ર ભૂજાઓ જોઈ બાણાસુર અટ્ટહાસ્ય કરવા લાગ્યો. એના અટ્ટહાસ્યથી સંસારના દરેક પ્રાણીઓમાં ભયનો માહોલ ફેલાવવા લાગ્યો. સમય વિતવા માંડયો, બાણાસુર પોતાના દુશ્મન રાજાઓ પર આક્રમણ કરવા લાગ્યો. તેની પર્વત જેટલી ઊંચી સહસ્ત્ર ભૂજાઓ જોઈ દુશ્મન રાજાઓ રણસંગ્રામ છોડીને ભાગી જવા માંડયા. તેની સામે કોઈપણ શસ્ત્ર ઉઠાવવા તૈયાર નહોતું. બાણાસુરે સ્વર્ગલોક પર દૃષ્ટિ કરી દેવરાજ ઇન્દ્ર પર આક્રમણ કર્યું. બાણાસુરની સહસ્ત્ર ભૂજાઓ જોઈ દેવરાજ ઇન્દ્ર પણ દબાણ હેઠળ આવી પલાયન કરી ગયા. થોડા સમયમાં જ બાણાસુરને પોતાની સહસ્ત્ર ભૂજાઓ ભારરૂપ લાગવા માંડી. પોતાના નગર શોણિતપુરના રાજમહેલમાં વૈભવી સુખસગવડ હોવા છતાં પણ બાણાસુર દુ:ખી રહેવા લાગ્યો. દુ:ખી પતિને જોઈ રાજમતી કહે છે, ‘સ્વામી તમે સ્વર્ગલોકના વિજય બાદ પણ પ્રસન્ન નથી. મારી વિનંતી છે કે તમે ફરી ભગવાન શિવની આરાધના કરો અને તેઓ પ્રસન્ન થતાં જ વરદાનમાં સહસ્ત્ર ભૂજાઓ પરત કરી દો.’ પત્ની રાજમતીની વાત યોગ્ય લાગતાં બાણાસુર પોતાની સહસ્ત્ર ભુજાઓથી તાળી વગડાતાં વગાડતાં તાંડવ નૃત્ય દ્વારા ભગવાન શિવની ફરી આરાધના કરવા લાગ્યો. એના એ નૃત્યથી ભક્તવત્સલ ભગવાન શિવ સંતુષ્ટ થઈ ગયા. પ્રસન્ન થઈ તેમણે બાણાસુરને વરદાન આપવાની ઈચ્છા પ્રગટ કરી. એણે સ્તુતિ કરતા કહ્યું, ‘હે પ્રભો જો તમો પ્રસન્ન થયા હો તો આપ મારા રક્ષક બની પુત્રો તથા ગણો સહિત મારા નગરના અધ્યક્ષ બનીને સર્વથા પ્રીતિનો નિર્વાહ કરતાં કરતાં મારી પાસે મારી સાથે જ નિવાસ કરો. ઐશ્ર્વર્યશાળી ભક્ત-વત્સલ ભગવાન શિવ એને વરદાન આપીને પુત્રો અને ગણો સહિત પ્રેમપૂર્વક શોણિતપૂર રાજ્યમાં નિવાસ કરવા લાગ્યાં.
ભગવાન શિવ રક્ષક બનતાં જ બાણાસુર અને તેના અસુર સૈનિકો ક્રમશ: યમદેવ, અગ્નિદેવ, વરુણદેવ, કુબેરને બંદી બંદી બનાવે છે. તે દરમિયાન બાણાસુર ફરી તાંડવનૃત્ય કરી ભગવાન શિવને પ્રસન્ન કરે છે.
ભગવાન શિવ: ‘બાણાસુર હવે ફરી શું થયું, શું મેળવવા માટે તમે તાંડવનૃત્ય કરી રહ્યા છો.
બાણાસુર: ‘પ્રભુ, શું કહું, હું રહ્યો અસુર, મારી બુદ્ધિ અસુરો જેવી જ છે, તમે સમસ્ત દેવતાઓના શિરોમણી છો, વરદાન મેળવવાની લયમાં મેં સહસ્ત્ર ભૂજા માગી લીધી, પણ હવે એ સહસ્ત્ર ભુજા મને ભારરૂપ લાગી રહી છે કેમકે હવે મને એ મહાન ભારરૂપ લાગી રહી છે, કેમ કે આ ત્રિલોકીમાં મને આપના સિવાય મારી સમકક્ષ કોઈ યોદ્ધો જ મળ્યો નથી અને આ પર્વત જેટલી વિશાળ સહસ્ત્ર ભુજાઓ લઈને હું શું કરું? મેં આપની પરિપુષ્ટ ભુજાઓની ચળ મટાડવા યુદ્ધની લાલસાથી નગર અને પર્વતોને ચૂર્ણ કરી પૃથ્વીના દિગ્ગજોની પાસે ગયો.પરંતુ દેવરાજ ઇન્દ્ર સહિત તેઓ પણ ભયભીત બનીને પલાયન થઈ ગયા. મેં દેવરાજ ઈન્દ્ર, યમદેવ, વરુણદેવ અને કુબેરને બંદી બનાવી રાખ્યા છે. હે મહેશ્ર્વર હવે મને કોઈ એવા યુદ્ધની પ્રાપ્તિ કરાવો જેમાં હરીફો મારી સહસ્ત્ર ભુજાને જર્જરિત કરીને પાડી નાંખે અથવા કોઈપણ પ્રકારે શત્રુઓ સહસ્ત્ર ભુજાને કાપી નાંખે એ જ મારી અભિલાષા છે, એને પૂર્ણ કરવાની કૃપા કરો.’
આટલું સાંભળતા જ ક્રોધિત ભગવાન શિવે કહ્યું કે, ‘હે અભિમાની સંપૂર્ણ દૈત્યોમાં તમને સર્વથા ધિક્કાર છે, તું બલિનો પુત્ર અને મારો ભક્ત છે, તારે આવી વાત કહેવી ઉચિત છે. તારી ઇચ્છા મુજબ થોડા જ સમયમાં મહાન ભીષણ યુદ્ધ થશે અને એ સંગ્રામમાં તારી આ પર્વત જેવી સહસ્ત્ર ભુજાઓ જલાઉ લાકડાંની જેમ બળીને છિન્નભિન્ન થઈ ભૂમિ પર પડશે, હે દુષ્ટ આત્મા તારા આયુધાગાર પર સ્થાપિત નારી જે આ મનુષ્યના માથાવાળી મયૂરધ્વજ ફરકાવી રહી છે તેનો જ્યારે વાયુ-ભય વગર પતન થશે ત્યારે સમજી લેવું કે તે મહાન ભયાનક યુદ્ધ આવી પહોંચ્યું છે. એ સમયે તું ઘોર સંગ્રામનો નિશ્ર્ચય કરીને પોતાની સમગ્ર સેના સાથે ત્યાં જજે, ત્યાં તને મોટા મોટા ઉત્પાતો જોવા મળશે. હમણાં તું પોતાના મહેલમાં પાછો ચાલ્યો જા, એમાં જ તારું કલ્યાણ છે.’
આટલું સાંભળીને બાણાસુરે દિવ્ય પુષ્પોની કળીઓથી અંજલિ ભરીને ભગવાન શિવની અભ્યર્થના કરીને તે પોતાના ઘરે પાછો ફયો. ઘણો સમય વિતવા લાગ્યો, તદ્નંતર એક દિવસે આયુધાગારપર સ્થાપિત નારી જે આ મનુષ્યના માથાવાળી મયૂરધ્વજ ફરકાવી રહી છે તેનું પતન થયું. એ જોઈને બાણાસુર હર્ષિત થઈ ગયો અને યુદ્ધ માટે તૈયાર થયો. એ પોતાના વિચારમાં મગ્ન થઈ ગયો કે, કયો યુદ્ધ પ્રેમી યોદ્ધો કયા દેશથી આવશે જે વિવિધ પ્રકારનાં શસ્ત્ર-અસ્ત્રો પારગામી વિદ્વાન હશે અને મારી સહસ્ત્ર ભુજાઓને ઈંધણની જેમ કાપી નાંખશે તથા હું પણ પોતાના અત્યંત તીક્ષ્ણ શસ્ત્રોથી સહસ્ત્ર ભુજાના સેંકડો ટુકડા કરી દઈશ. એ જ સમયે ભગવાન શિવની પ્રેરણાથી બાણાસુરની પુત્રી ઉષા માંગલિક શૃંગાર કરીને સુસજિજત થઈને રાત્રિના સમયે પોતાના ગુપ્ત અંત:પુરમાં સુઈ રહી હતી. એ જ સમયે તે (કામભાવ)ને પ્રાપ્ત થઈ અને તેને સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર અનિરુદ્ધનું મિલન પ્રાપ્ત થયું. જાગ્યા પછી તે વ્યાકુળ થઈ ગઇ અને એણે એની સખી ચિત્રલેખાને સ્વપ્નમાં મળેલ એ પુરુષને શોધી આપવા કહ્યું.
ચિત્રલેખા: ‘સખી તેં સ્વપ્નમાં જે પુરુષ જોયો છે, એને ભલા હું કઈ રીતે શોધી શકું, જ્યારે કે તેને હું ઓળખતી નથી.’
ઉષા: ‘સખી, હું એ પુરુષને વરી ચૂકી છું, એ નહીં મળે તો હું મારી જીવન-લીલા સમાપ્ત કરી દઈશ.’
ચિત્રલેખા: ‘નહીં સખી, હું તને તારું જીવન સમાપ્ત કરવા નહીં દઉં, તું મને તારા સ્વપ્નમાં આવેલા પુરુષનું વર્ણન કર, હું આ પડદા પર તેનું ચિત્રણ કરીશ.’
ઉષાના વર્ણન બાદ ચિત્રલેખા એ પુરુષનું ચિત્રણ કરવા લાગી અને ચિત્રણ પૂર્ણ થતાં જ રાજકુમારી ઉષા લજ્જિત થઈ ગઈ. ઉષા લજ્જિત થતાં જોઈને ચિત્રલેખાએ કહ્યું, ‘સખી આ તો નરશ્રેષ્ઠ પ્રદ્યુમ્ન નંદન અનિરુદ્ધ છે.’
ઉષા: ‘હે સખી! રાત્રે જે મારી પાસે આવ્યો હતો અને જેણે શીઘ્ર જ મારા ચિત્તરૂપી રત્નને ચોરી લીધું છે, તે ચોર પુરુષ આ જ છે.’ (ક્રમશ:)