શિવ રહસ્ય: ભક્તિ જ એવો માર્ગ છે જે મારા સુધી તમને પહોંચાડશે… | મુંબઈ સમાચાર
ધર્મતેજ

શિવ રહસ્ય: ભક્તિ જ એવો માર્ગ છે જે મારા સુધી તમને પહોંચાડશે…

– ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)


ક્રોધિત ગજાસુર ભગવાન શિવને કહે છે, ‘દેવાધિદેવ, તમે અન્યાય કરી રહ્યા છો, મેં મેળવેલા વરદાની શસ્ત્રો મારી પાસે છે. હવે તમને કોઈ બચાવી નહીં શકે.’ ચેતવણી આપતાં ભગવાન શિવ કહે છે, ‘ગજાસુર હજી સમય વિત્યો નથી, સમજી જાઓ અને તમને મળેલાં વરદાનનો ઉપયોગ માનવ કલ્યાણ માટે કરો.’ પણ અભિમાની ગજાસુર ભગવાન શિવની ચેતવણીને સમજતો નથી અને ભગવાન શિવશંકરના નામથી જ અસ્ત્ર શસ્ત્ર પ્રકટ કરી ભગવાન શિવ પર હુમલો કરે છે. ભગવાન શિવના નામથી પ્રકટ થયેલું શસ્ત્ર ભગવાન શિવની પ્રદક્ષિણા કરી પરત ફરતાં અચંબિત ગજાસુર ફરી ‘જય શિવશંકર અસ્ત્ર શસ્ત્ર પ્રકટ થાઓ’ કહી ફરી વધુ શક્તિશાળી બીજું અસ્ત્ર પ્રગટ કરે છે.

ભગવાન શિવના નામથી પ્રકટ થયેલું એ શસ્ત્ર પણ ભગવાન શિવની પ્રદક્ષિણા કરી પરત ફરે છે. ભગવાન શિવશંકરના નામથી પ્રકટ થયેલા શસ્ત્રો સાચાં છે કે ખોટાં એનું પરિક્ષણ કરવા ગજાસુર નવા પ્રકટ થયેલા શસ્ત્રને કાશીના બ્રાહ્મણો પર ફેંકે છે. ક્ષણોમાં જ અસંખ્ય બ્રાહ્મણો એ અગ્નિમાં બળી જાય છે. આ જોઈ ભગવાન શિવે પોતાના કમંડળમાંથી જળનો છંટકાવ કરતાં એ શસ્ત્રનો અગ્નિ શાંત પડ્યો. કાશીના બ્રાહ્મણો ભગવાન શિવનો જયજયકાર કરવા માંડયાં. અંતે ભગવાન શિવ ક્રોધાયમાન થાય છે અને કહે છે, ‘મૂર્ખ ગજાસુર હવે મારા ધૈર્યનો અંત થવા આવ્યો છે, તારો અંત નિશ્ર્ચિત છે, હજી પણ તને એક મોકો આપ છું. વરદાની શક્તિનો ઉપયોગ લોક કલ્યાણ માટે કર.’ પણ ગજાસુરની ના સાંભળતાં ભગવાન શિવનું ત્રિશૂળ ગજાસુરની છાંતીને ચીરીને આરપાર થઈ જાય છે. ગજાસુર ભગવાન શિવના ત્રિશૂળ પર લટકી પડે છે.

આ પણ વાંચો: શિવ રહસ્યઃ મૃત્યુ બાદ મારા શરીર પરના ગજ ચર્મને આપ એક વખત ધારણ કરો ને તમારા ચરણોમાં શરણું આપો

અંતિમ શ્ર્વાસ લેતો ગજાસુર ‘ૐ નમ: શિવાય, ૐ નમ: શિવાય, ૐ નમ: શિવાય..ના જાપ કરતા કહે છે કે, મારા પિતાનાં મૃત્યુ બાદ ઘણાં વરસોથી પાતાળલોક પર શાસન કરી હું કંટાળી ગયો હતો, તમારા દર્શન માત્ર મારી ઇચ્છા હતી.’ ભગવાન શિવ ગજાસુરને કહે છે કે ‘તારી અંતિમ ઇચ્છા શું છે?’ ગજાસુર કહે છે, ‘હે પ્રભુ હું ઇચ્છું છું કે મારા મૃત્યુ બાદ મારા શરીર પરના ગજ ચર્મને આપ એક વખત ધારણ કરો અને તમારા ચરણોમાં શરણું મળે એજ મારી અંતિમ ઇચ્છા છે.’ ભગવાન શિવ તથાસ્તુ કહેતાં જ ગજાસુર મૃત્યુને વરતાં ભગવાન શિવ એના ગજચર્મને ધારણ કરે છે. ઉપસ્થિત દેવર્ષિ નારદ, દેવરાજ ઇન્દ્ર, દેવગણ અને કાશિના બ્રાહ્મણો ભગવાન શિવનો જયજયકાર કરે છે.

ભગવાન શિવ: ‘દેવરાજ ઇન્દ્ર જાઓ તમારું સ્વર્ગલોક સુરક્ષિત છે. જાઓ લોકકલ્યાણનાં કામોમાં વ્યસ્ત થાઓ.’

ભગવાન શિવનો આદેશ મળતાં જ દેવગણો પોતપોતાના લોક પરત ફરે છે. માતા પાર્વતી અને ભગવાન શિવ પરત કૈલાસ ફરે છે.

માતા પાર્વતી: હે સ્વામી આ શું? તમે વેશ પરિવર્તિત કેમ કર્યો?

ભગવાન શિવ: ‘આ ગજચર્મના રૂપમાં ગજાસુર અહીં કૈલાસ આવી પહોંચ્યો છે. એની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા મેં આ ગજચર્મ ધારણ કર્યું છે.’

એ જ સમયે માતા લક્ષ્મી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા સરસ્વતી, બ્રહ્માજી કૈલાસ પધારે છે. આકાશમાર્ગે માતા લક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુને જતાં જોઈ પાછળ પાછળ આવેલા દેવરાજ ઇન્દ્ર પણ કૈલાસ પધારે છે.

શિવગણો એમને જોતાં જ ત્રિદેવી-ત્રિદેવતાઓનો જયજયકાર કરે છે…

આ પણ વાંચો: શિવ રહસ્યઃ મારા ભક્તોને જે રંજાડશે તેને હું અવશ્ય દંડ આપીશ

બ્રહ્માજી: ‘શિવશંકર તમારી ઇચ્છા મુજબ કાર્ય સંપન્ન થયું અને આપની ઇચ્છાથી જ મેં ગજાસુરને કામવિજયના હાથે જ ઉદ્ધાર થવાનું વરદાન આપ્યું હતું.’

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘શિવશંકર મેં પણ આપની ઇચ્છા મુજબ જ દેવર્ષિ નારદને કોઈ સલાહ ન આપી.’

ભગવાન શિવ: ‘આ પ્રકારે તમે અને બ્રહ્માજીએ મારી ઇચ્છાનું સમ્માન કર્યું, પૃથ્વીવાસીઓના કલ્યાણ માટે આપણે ત્રિદેવોમાં ઇચ્છા અને કાર્યની એકરૂપતા જળવાઈ રહે એ અતિ આવશ્યક છે, બ્રહ્માજી અને શ્રીહરિ તમે ધન્ય છો.’

માતા પાર્વતી: ‘તમે ત્રિદેવોએ અમને ત્રિદેવીઓને કંઈ કરવાનો અવસર જ ન આપ્યો.’

ભગવાન શિવ: ‘કંઈ કરવાનો અવસર એક વખત નહીં વારંવાર આવશે દેવીઓ. અમને ત્રિદેવોને તમારી એટલે ત્રણે દેવીઓની સહાયતા હંમેશાં રહેવાની જ.

આ પણ વાંચો: શિવ રહસ્ય : દેવર્ષિ હું વરદાની છું મને સમજાવવાની કોશિશ ના કરો, પિતાની હત્યાનો બદલો અવશ્ય લઈશ!

બ્રહ્માજી: ‘ખરું કહો છો શિવશંકર, ત્રિદેવીઓની સહાયતા સંસારને હંમેશાં રહેશે.’

દેવરાજ ઇન્દ્ર: ‘ગજાસુરના અત્યાચારથી સંસારને મુક્ત કરનારાં ભગવાન શિવને અભિનંદન આપવા અમે અહીં ઉપસ્થિત થયાં છીએ.’

માતા લક્ષ્મી: ‘હે મહાદેવ આ અવસરે અમે આપના અલૌકિક, અદ્વિતીય અને વિરાટ સ્વરૂપના દર્શન કરવા ઇચ્છીએ છીએ.’

માતા પાર્વતી: ‘હા સ્વામી, આ અવસરે આપના વિરાટ સ્વરૂપના દર્શન કરવા એ સૌભાગ્યની વાત છે, અહીં ઉપસ્થિત સૌ શિવભક્તો પર કૃપા કરો. અમને આપના અલૌકિક રૂપના દર્શન કરાવો.’

પ્રસન્ન ભગવાન શિવ તેમના અલૌકિક વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે.

આ પણ વાંચો: શિવ રહસ્ય : શું મારા પિતાનો વધ કરવામાં સરસ્વતી, લક્ષ્મી ને પાર્વતીનો સહકાર હતો?

ભગવાન શિવ: ‘મારા આ વિરાટ સ્વરૂપના દર્શનની સાથે તમને કોઈ જિજ્ઞાસા હોય તો નિ:સંકોચ અહીં રજૂ કરે.’

દેવરાજ ઇન્દ્ર: ‘ભોળાનાથ મારી અજ્ઞાનતાને માફ કરે, હું શિવતત્ત્વના ઉદ્દેશ્યને સમજવા ઉત્સુક છું.’

ભગવાન શિવ: ‘લોકકલ્યાણ…. લોકકલ્યાણ જ મારા શિવતત્ત્વનો ઉદ્દેશ્ય છે.’

દેવરાજ ઇન્દ્ર: ‘હે ભગવંત હું તો એટલું જ સમજું છું કે, બ્રહ્માજી આ સૃષ્ટિના ઉત્પત્તિકર્તા છે, શ્રીહરિ વિષ્ણુ આ સૃષ્ટિના પાલક અને આપ આ સૃષ્ટિના સંહારક છો. હવે એટલી સમજ થઈ કે શિવતત્ત્વનો ખરો અર્થ લોકકલ્યાણ જ છે પણ… પ્રભુ આ શિવતત્ત્વના રહસ્યને સ્પષ્ટ સમજાવો.’

ભગવાન શિવ: ‘દેવરાજ, એ સત્ય છે કે હું સૃષ્ટિ વિધાનમાં વિનાશનો અધિપતિ છું, મહાકાળ છું, પરંતુ તમે એ સત્ય કેવી રીતે ભૂલી ગયા કે સમુદ્ર મંથનમાંથી નીકળેલા હળાહળ વિષ (ઝેર)ને મારા કંઠમાં સંગ્રહિત કરી સૃષ્ટિના પ્રાણીઓના જીવનની રક્ષા કરી હતી.’

આ પણ વાંચો: શિવ રહસ્ય: ચંદ્ર દેવના વર્તનથી ગુસ્સે થઈને દક્ષ પ્રજાપતિએ તેમને કદરૂપા થવાનો શાપ આપ્યો!

દેવરાજ ઇન્દ્ર: ‘હે મહાદેવ આપની, બ્રહ્માજીની અને શ્રીહરિ વિષ્ણુની ઇચ્છાથી જ સૃષ્ટિની રચના થઈ છે. આપની આ ઇચ્છાનો આધાર શું છે?’

ભગવાન શિવ: ‘આ શિવ ઇચ્છાનો આધાર છે શિવતત્ત્વની સર્વવ્યાપકતા મારામાં સમાયેલી છે તથા હું આ સૃષ્ટિના કણ કણમાં વિદ્યમાન છું. પંચતત્ત્વ અને સત, રજ તમોગુણ મારાથી જ પ્રગટ થાય છે. હું પ્રાણીમાત્રના હૃદયમાં સ્થિત છું. હું સમસ્ત સૃષ્ટિનો આદિ, મધ્ય અને અંત છું.’

દેવરાજ ઇન્દ્ર: ‘હે મહાદેવ, શિવતત્ત્વની ઉત્ત્પતિ કઈ રીતે થઈ તે બતાવવાની કૃપા કરો.’

ભગવાન શિવ: ‘મારી ઉત્ત્પતિને કોઈ દેવતા કે કોઈ ઋષિજન જાણતા નથી, કેમ કે હું આ દરેકનો જનક છું. હું જ આદિ દેવ, પરબ્રહ્મ અને અજન્મા, અવિનાશ અને અનાદિ છું.’

દેવરાજ ઇન્દ્ર: ‘પ્રભુ તમને મેળવવાનો માર્ગ બતાવો.’

ભગવાન શિવ: ‘ભક્તિ’. ભક્તિ જ એવો માર્ગ છે જે મારા સુધી તમને પહોંચાડશે. પ્રેમ તથા સમર્પણ સાથે ‘ૐ નમ: શિવાય:’ના પંચાક્ષરી મંત્રના જાપ કરનાર માનવને હું એ જ્ઞાન પ્રાપ્ત કરાવું છું, જેથી એ મારા શિવતત્ત્વને પ્રાપ્ત થઈ જાય છે.’

(ક્રમશ:)

સંબંધિત લેખો

Back to top button