શિવ રહસ્ય : તમારા પતિ જીવિત છે, તમે નિશ્ચિંત રહો, તમારા પતિ અમર છે, તેઓ સુરક્ષિત છે, તેમને કંઈ નહીં થાય…

- ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
દેવર્ષિ નારદની આરાધનાનો સ્વર સમગ્ર સંસારમાં પહોંચવા લાગ્યો. ત્વષ્ટા ઋષિને એ સ્વરથી કંપન થવા લાગી. ત્વષ્ટા ઋષિ માતા શક્તિને કહે છે, ‘હે માતા શક્તિ હે ભગવાન શિવ, મને દેવર્ષિ નારદના સ્વરનો ભય લાગવા માંડયો છે, મારી ભૂલ થઈ હતી. હું તેમને શ્રાપથી મુક્ત કરવા માગું છું.
જો મેં સંસારમાં ધર્મ અને ભક્તિ ફેલાવવા કોઈ યોગદાન આપ્યું હોય તો એ મારા કર્મનું ફળ દેવર્ષિ નારદને મને અને તેઓ ફરી માનવ મુખ પ્રાપ્ત કરે.’ આટલું સાંભળતાં જ ભગવાન શિવ ‘તથાસ્તું’ કહે છે.
એ જ ક્ષણે દેવર્ષિ નારદ વાનર મુખથી માનવ મુખ પ્રાપ્ત કરે છે. દેવર્ષિ નારદ ફરી માનવ મુખ મળતાં તેઓ કૈલાસ પહોંચે છે અને માતા પાર્વતી અને ભગવાન શિવના ચરણે આશીર્વાદ લઈ બ્રહ્મલોક તરફ પ્રયાણ કરે છે. બ્રહ્મલોક ખાતે માતા સરસ્વતી અને બ્રહ્માજીના આશીર્વાદ લઈ તેઓ વૈકુંઠધામ તરફ પ્રયાણ કરે છે.
વૈકુંઠધામ જઈ માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુના આશિર્વાદ લે છે. માતા લક્ષ્મી દેવર્ષિ નારદને કહે છે કે, ‘દેવર્ષિ નારદ, હું ઇચ્છું છું કે તમે પહેલાની જેમ જ ફરી નારાયણ.. નારાયણ…ના સ્વર સાથે પૃથ્વીલોક પર ધર્મના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત થઈ જાઓ.’ પ્રસન્ન દેવર્ષિ નારદ નારાયણ.. નારાયણ…ના સ્વર સાથે પૃથ્વીલોક તરફ આગળ વધે છે.
બીજી તરફ ઋષિ ત્વષ્ટા માતા શક્તિ પાસેથી વરદાન મેળવે છે કે તેઓને યજ્ઞમાંથી એક પુત્ર મળશે જે સમસ્ત સંસારમાં અસુરોના ભટકી રહેલા આત્માઓના સંયોજનથી બનેલો હશે અને તે બળશાલી અને વિનાશકારી હશે.
વરદાન મળતાં ઋષિ ત્વષ્ટા યજ્ઞકુંડમાં પુત્ર કામનાથી આહુતિ આપવાનું શરૂ કરે છે થોડા જ સમયમાં સમસ્ત સંસારની ભટકી રહેલી આત્માઓ એક પછી એક યજ્ઞકુંડમાં પ્રવેશે કરે છે.
ભટકતી આત્માઓનું પ્રવેશવાનું બંધ થતાં એક મહાકાય અસુર વૃત્રાસુર પ્રગટ થાય છે ઋષિ ત્વષ્ટા વૃત્રાસુરને આદેશ આપે છે કે, પહેલા તમે એક અજ્ઞાત સ્થળે બ્રહ્માજીની આરાધના કરી વરદાન મેળવો અને ત્યારબાદ સ્વર્ગલોક પર રહેતા સમસ્ત દેવગણનો વિનાશ કરો. ગભરાયેલા દેવરાજ ઇન્દ્ર દેવગણો સાથે આક્રમણ કરે છે પણ વૃત્રાસુરની તપસ્યા વિચલીત થતી નથી.
છેલ્લે બ્રહ્માજી વૃત્રાસુર પર પ્રસન્ન થતાં વરદાન આપે છે. સ્વર્ગલોક કે અન્ય લોકના કોઈપણ દેવ કે પુરુષ તેનો વધ ન કરી શકે તેવું વરદાન મેળવી ઘમંડી વૃત્રાસુર પોતાના સૈન્યને લઈ સ્વર્ગલોક પર આક્રમણ કરવા પ્રસ્થાન કરે છે.
વૃત્રાસુરનું મહાકાય સૈન્યની આગેકૂચ જોઈ સમગ્ર દેવ સેના આતંકિત થઈ જાય છે. તેઓ તુરંત દેવરાજ ઇન્દ્ર સમક્ષ પ્રગટ થઈ આવનારા સંકટની જાણ કરે છે. ઉત્સાહિત દેવરાજ ઇન્દ્ર સૈન્યને તુરંત આદેશ આપે છે કે, યુદ્ધ માટે કૂચ કરો.
દેવરાજ ઇન્દ્રના આદેશથી દેવસેના કૂચ કરે છે.
સામ-સામે આવેલી દેવસેના અને અસુરસેના વચ્ચે ઘમસાણ યુદ્ધ થાય છે. વૃત્રાસુર સામે પહેલા અગ્નિદેવ આક્રમણ કરે છે. વૃત્રાસુર અગ્નિદેવની અગ્નિને પોતાની શક્તિથી ઠારી દે છે. ગભરાયેલા અગ્નિદેવને પલાયન થઈ જતા જોઈ પવનદેવ વૃત્રાસુર સામે પહોંચી જાય છે અને વૃત્રાસુર સમક્ષ જોરદાર પવન ફૂંકે છે.
વૃત્રાસુર પોતાના મુખથી પવનદેવના પવનને પોતાના પેટમાં સમાવી લે છે. પોતાના પવનની કોઈ અસર ન જણાતાં પવનદેવ પણ ત્યાંથી પલાયન થઈ જાય છે. પવન દેવને સહકાર આપવા વરૂણદેવ વૃત્રાસુર પર જોરદાર વર્ષાથી આક્રમણ કરે છે.
જોરદાર વર્ષાથી થયેલા આક્રમણને ખાળવા વૃત્રાસુર પોતાનું મહાકાય સ્વરૂપ પ્રગટ કરે છે. મહાકાય વૃત્રાસુર પર વર્ષાની કોઈ અસર ન થતાં વૃત્રાસુર ખડખડાટ હાસ્ય કરવા માંડે છે. વૃત્રાસુરના ખડખડાટ હાસ્યથી ગભરાઈને વરૂણદેવ પલાયન થઈ જાય છે. અગ્નિદેવ, પવનદેવ અને વરૂણદેવને પલાયન થતાં જોઈ નાસીપાસ થઈ દેવસેના પણ ત્યાંથી પલાયન થઈ જાય છે. પલાયન થતી દેવસેના અને મહાકાય વૃત્રાસુરને જોઈ દેવરાજ ઇન્દ્ર ગભરાઈ જાય છે.
વૃત્રાસુર: ‘દેવરાજ ઇન્દ્ર તમે મારા યજ્ઞ પિતાને અસહનીય દુ:ખ આપ્યું છે, હવે સમય થઈ ગયો છે તમને સજા આપવાનો. હું તમને જીવિત જ ગળી જઈશ.’
દેવરાજ ઇન્દ્ર: ‘અસુર રાજ વૃત્રાસુર તમે શું ઇચ્છો છો.’
વૃત્રાસુર: ‘દેવરાજ ઇન્દ્ર તમે મારા યજ્ઞ પિતાને અસહનીય દુ:ખ આપ્યું છે, હવે સમય થઈ ગયો છે તમને સજા આપવાનો. હું તમને જીવિત જ ગળી જઈશ.’
દેવરાજ ઇન્દ્ર: ‘વૃત્રાસુર સમજવાની કોશિશ કરો, હું મારા હથિયાર અહીં જ છોડી દઉં છું આપણે બેસીને વાત કરી શકીએ.’
શબ્દોની જાળમાં પોતે ફસાઈ જવાની બીકે વૃત્રાસુર દેવરાજ ઇન્દ્રને ઉંચકીને ગળી જાય છે. આ જોઈ દેવી સચિ ત્યાંથી પલાયન થઈ દેવગુરુ બૃહસ્પતિ પાસે પહોંચે છે.
દેવી સચિ: ‘દેવગુરુ રક્ષા કરો, તમે જ મારા પતિનું રક્ષણ કરી શકો છો.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવી કહો તો ખરા શું થયું.’
દેવી સચિ: (રડતાં રડતાં) ‘દેવગુરુ વૃત્રાસુર માતા પતિને ગળી ગયો છે. તમે જ એમની રક્ષા કરી શકશો.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવી ધીરજ ધરો, તમારા પતિને કંઈ નહીં થાય.’
દેવી સચિ: ‘દેવગુરુ તમે વૃત્રાસુરને સજા આપો અને મારા પતિને બચાવો.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવી સમજવાની કોશિશ કરો, વૃત્રાસુરને બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત છે.’
દેવી સચિ: ‘શેનું વરદાન’
દેવગુરુ બૃહસ્પતિ: ‘વૃત્રાસુરે બ્રહ્માજીને પ્રસન્ન કરી વરદાન મેળવ્યું છે કે, સ્વર્ગલોક કે અન્ય લોકના કોઈપણ દેવ કે પુરુષ તેનો વધ ન કરી શકે. હવે કોઈ પુરુષ તેનો વધ કરી શકશે નહીં, દેવી તમારે માતા શક્તિના શરણે જવું જોઈએ.’
દેવી સચિ ત્વષ્ટા ઋષિએ સ્થાપેલ શક્તિ મંદિર પહોંચે છે અને માતાની આરાધના કરવા માંડે છે, તેમની સાથે દેવગુરુ બૃહસ્પતિ અને દેવગણો પણ ત્યાં જ આરાધના કરવા માંડે છે. ઘણો સમય વ્યતિત થતાં દેવી સચિ પોતાનું માથું માતા શક્તિના ચરણોમાં પછાડવા માંડે છે. આનાથી વ્યથિત થઈ માતા શક્તિ ત્યાં પ્રગટ થાય છે.
માતા શક્તિ: ‘સચિ તમે આ શું કરી રહ્યા છો. આ યોગ્ય નથી.’
દેવી સચિ: ‘માતા શક્તિ મારા પતિ દેવરાજ ઇન્દ્રને વૃત્રાસુર ગળી ગયો છે, તમે જ એમની રક્ષા કરી શકો છો.’
માતા શક્તિ: ‘સચિ તમારે ફિકર કરવાની જરૂર નથી, તમારા પતિનો અંત અસંભવ છે, તમારા પતિ જીવિત છે, તમે નિશ્ર્ચિંત રહો, તમારા પતિ અમર છે, તેઓ સુરક્ષિત છે, તેમને કંઈ નહીં થાય. હું કંઈક એવું કરું છું કે થોડા જ સમયમાં દેવરાજ ઇન્દ્ર પરત ફરશે’
માતા શક્તિનો આભાર માની દેવી સચિ અને દેવગણો ફરી માતા શક્તિની આરાધનામાં લીન થઈ જાય છે. માતા શક્તિના આભામંડળમાંથી એક ગોળો નીકળી વૃત્રાસુરના આભામંડળમાં લુપ્ત થઈ જાય છે. ગોળાની અસર થતાં વૃત્રાસુરને ઊંઘ આવવા માંડે છે અને થોડા જ સમયમાં વૃત્રાસુર ઉંઘી જાય છે.
મહાકાય શરિરધારી ઊંઘી ગયેલો વૃત્રાસુર જોરશોરથી ઘોરવા માંડે છે. ઘોરતી વખતે જોરશોરથી થઈ રહેલા અવાજ વખતે વૃત્રાસુરનું મુખ પણ થોડું ખુલવા માંડે છે. તક જોઈ દેવરાજ ઇન્દ્ર ખુલેલા મુખમાંથી બહાર આવી જાય છે. દેવરાજ ઇન્દ્રને મુખમાંથી બહાર આવેલા જોઈ અસુરસેના ફરી તેમના પર આક્રમણ કરે છે. સૂતેલા વૃત્રાસુરને જોઈ દેવસેના પણ ઉત્સાહમાં આવી અસુરસેના પર આક્રમણ કરે છે. આ વખતે અસુરસેના પર દેવસેના પ્રભાવી થઈ પડતાં અસુરસેના પલાયન કરે છે.
દેવરાજ ઇન્દ્ર દેવી સચિ પાસે પહોંચે છે.
દેવી સચિ: ‘સ્વામી, પ્રથમ તમે દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ લો તેમની સલાહથી મેં માતા શક્તિની આરાધના કરી અને માતા શક્તિએ જ તમને વૃત્રાસુરના ઉદરમાંથી બહાર કાઢયા છે. આપણે તેમના આશીર્વાદ પણ તુરંત લેવા જોઈએ. દેવી સચિ અને દેવરાજ ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ લે છે.
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ તમે અહીં સ્વર્ગલોકમાં સુરક્ષિત નથી, માતા શક્તિની કૃપાથી વૃત્રાસુર નિદ્રાધીન થયો છો. નિદ્રાથી બહાર આવતાં જ એ તમને લક્ષ્ય બનાવશે, તમે પૃથ્વીલોક જઈ છુપાઈ જાવ.’
દેવરાજ ઇન્દ્ર: ‘જેવી તમારી આજ્ઞા દેવગુરુ.’
આટલું કહી દેવરાજ ઇન્દ્ર, દેવી સચિ અને દેવગણો ત્યાંથી પૃથ્વીલોક તરફ પ્રસ્થાન કરે છે.
(ક્રમશ:)