શિવ રહસ્ય : આપણી દીકરીને આ દેવર્ષિએ ભ્રમિત કરી દીધી છે, તેમને કઠોરથી કઠોર દંડ આપવામાં આવે
-ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
રાજા સંજય તેમની પત્ની રાજશ્રી અને પુત્રી દમયંતીને રાજસભામાં બોલાવે છે અને તેમનો પરિચય દેવર્ષિ નારદ સાથે કરાવે છે. જિજ્ઞાસાવસ દમયંતી કહે છે: ‘પિતાશ્રી મેં ઘણાં વરસોથી દેવર્ષિ નારદ વિશે ખૂબ સાંભળ્યું છે તેમની પાસેથી આપણે ભક્તિ અને જ્ઞાન મેળવવાનો આ મોકો છે, આપણે તેમને અહીંથી જવા ન દેવા જોઈએ.’
વાત સાચી લાગતાં રાજા સંજય કહે છે, ‘દેવર્ષિ નારદ પુત્રી દમયંતી સાચું જ કહી રહી છે, તમે થોડો સમય અમારા રાજમહેલનું આતિથ્ય સ્વીકાર કરો તો મારા નગરજનો અને દરબારીઓ તમારાં જ્ઞાન અને ભક્તિથી વાકેફ થઈ શકે અને મારું નગર તમારા સાંનિધ્યમાં ભક્તિમય બની જાય.’ રાજા સંજયની વિનંતીના ભાર હેઠળ દેવર્ષિ નારદ દબાઈ જાય છે અને તેઓ આતિથ્ય સ્વીકાર કરે છે. દેવર્ષિ નારદને કોઈ તકલીફ ન પડે એ માટે રાજા સંજય તેમના આતિથ્યની જવાબદારી રાજકુમારી દમયંતીને આપે છે.
Also read: કમૂરતા ક્યારથી લાગશે, જાણો શું કરવું જોઇએ અને શું નહીં કરવું જોઇએ…
દેવર્ષિ નારદ રાજા સંજયના નગરમાં ગુણીજનો અને દરબારીઓને ધર્મ અને ભક્તિનું જ્ઞાન આપતાં આપતાં ઘણો સમય વીતી રહ્યો હતો, રાજકુમારી દમયંતી દેવર્ષિ નારદના સાંનિધ્યમાં તેમને પ્રેમ ક્યારે કરવા લાગી તેની તેને ખબર જ ન રહી. દિવસ-રાત્ર તે દેવર્ષિના છાયાની જેમ આગળ-પાછળ રહેવા લાગી. સામે સ્વર્ગલોક ખાતે માતા શક્તિની મૂર્તિની સ્થાપના થઈ ગયા બાદ ઋષિ ત્વષ્ટા ત્યાં નિવાસ કરવા લાગ્યા.
ચતુર દેવરાજ ઇન્દ્ર ચોક્કસ સમયની રાહ જોવા લાગ્યા. એક દિવસ પ્રાત:કાળે ઋષિ ત્વષ્ટા યજ્ઞ સમાપ્ત કરી ભોજનશાળા તરફ જઈ રહ્યા હતા ત્યારે દેવરાજ ઇન્દ્રએ તેમને કહ્યું, ‘ઋષિવર, હું તમને એમ કહેવા માંગું છું કે તમે હવે સ્વર્ગલોકમાં નિવાસ કરો છો તો શું તમે એવું કંઈ કરી શકો કે જેથી અસુરો સ્વર્ગલોકમાં પ્રવેશી જ ન શકે.’ દેવરાજની દાનત પર સંદેહ હોવાથી ઋષિ ત્વષ્ટા થોડા ક્રોધિત થાય છે અને કહે છે, ‘દેવરાજ મારે તમારી સાથે આ બાબતે કોઈ ચર્ચા કરવી નથી, હું જાણું છું કે આ વાત તમને દેવગુરુ બૃહસ્પતિએ જ કહી હશે, હવે તમે અહીંથી જાવ હું દેવગુરુ બૃહસ્પતિ સાથે જ ચર્ચા કરીશ.’
ક્રોધિત ત્વષ્ટા ઋષિ ત્યાંથી વિદાય લે છે. ગભરાયેલા દેવરાજ ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિ પાસે પહોંચે છે. દેવરાજ ઇન્દ્ર: ‘ગુરુદેવ, હમણાં જ ઋષિ ત્વષ્ટા ભોજનશાળા તરફ જઈ રહ્યા હતા, મેં તેમને કહ્યું કે, ‘તમે હવે સ્વર્ગલોકમાં નિવાસ કરો છો તો શું તમે એવું કંઈ કરી શકો કે જેથી અસુરો સ્વર્ગલોકમાં પ્રવેશી જ ન શકે.’ આટલું કહેતાં જ તેઓ ક્રોધિત થઈ ગયા અને મને કહેવા લાગ્યા કે ‘હું જાણું છું કે આ વાત તમને દેવગુરુ બૃહસ્પતિએ જ કહી હશે, હું બૃહસ્પતિ સાથે જ ચર્ચા કરીશ.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ તમારી આકાંક્ષા અસીમિત છે, એનો કોઈ અંત જ નથી અને તમારી આકાંક્ષા ઋષિ ત્વષ્ટા ક્યારેય પૂરી નહીં કરી શકે. તમારું સ્વર્ગ તમારી દેવસેનાની શક્તિથી જ સુરક્ષિત રહી શકે છે. ઋષિ ત્વષ્ટા તમને કોઈ સંરક્ષણ પૂરું નહીં પાડી શકે. થઈ શકે તો તેમને ફરી પૃથ્વીલોક મોકલી દેવા જોઈએ.’
એ જ સમયે ઋષિ ત્વષ્ટા ત્યાં પધારે છે અને દેવગુરુ બૃહસ્પતિ અને દેવરાજ ઈન્દ્રની વાત સાંભળી લે છે. તેઓ ક્રોધિત થઈ જાય છે અને કહે છે, ‘દેવરાજ હું તમને એટલું જણાવીશ કે અનિવાર્યતા જણાઈ હોત તો મેં સ્વર્ગની સુરક્ષિતતા પૂરી પાડી હોત, પણ હવે તમારી વાત સાંભળીને હું તમને સ્વર્ગની સુરક્ષિતતા નહીં પૂરી પાડીશ.’
દેવરાજ ઈન્દ્ર: ‘ઋષિવર જો તમે સ્વર્ગલોકની સુરક્ષિતતા નહીં કરી શકતા હો તો, પૃથ્વીલોક જઈ શકો છો.’ ક્રોધિત ઋષિ ત્વષ્ટા સ્વર્ગલોકથી વિદાય લે છે. તેઓ વિચારે છે કે દેવરાજ ઇન્દ્ર અને દેવર્ષિ નારદની વિનંતીને માન આપીને જ હું સ્વર્ગલોક આવ્યો હતો. હું મારા અપમાનનો બદલો અવશ્ય લઈશ. મારે તુરંત દેવર્ષિ નારદને મળી તેમને દંડ આપવો જોઈએ. આટલું વિચારી આકાશમાર્ગે ત્વષ્ટા ઋષિ આગળ વધતા હોય છે. ઉપરથી તેમને દૃશ્યમાન થાય છે કે દેવર્ષિ નારદ માનવોના ટોળાને કંઈ જ્ઞાન આપી રહ્યા છે. તેઓ તુરંત તેમની સમક્ષ ઉપસ્થિત થાય છે. ત્વષ્ટા ઋષિને પોતાની સમક્ષ આવતાં જોઈ દેવર્ષિ નારદ તેમને આવકારે છે અને પ્રણામ કરે છે.
દેવર્ષિ નારદ: ‘પ્રણામ ઋષિવર, અહીં પધારવાનું પ્રયોજન જણાવશો?’
ઋષિ ત્વષ્ટા: ‘હું બહુ ક્રોધિત છું અને તમને દંડ આપવા અહીં આવ્યો છું.’
દેવર્ષિ નારદ: ‘ઋષિવર હું તમારી શરણે છું, પણ મને દંડ શું કામ આપવો છે.’
ઋષિ ત્વષ્ટા: ‘દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ મને મૂર્ખ સમજે છે અને કહે છે. દેવર્ષિ તમારી અને દેવરાજ ઇન્દ્રની વિનંતીને માન આપીને જ હું સ્વર્ગલોક ગયો હતો. સ્વર્ગલોકમાં જેમ મારું અપમાન કરી હાસ્યસ્પદ બનાવવામાં આવ્યો છે, તેમ તમે પણ આ નગરમાં હાસ્યાસ્પદ બનશો.’ શ્રાપ આપીને ઋષિ ત્વષ્ટા ત્યાંથી વિદાય લે છે. શ્રાપ મળતાં જ દેવર્ષિ નારદ વાનરમુખ થઈ જાય છે. તેમને જોઈ રાજકુમારી આક્રંદ કરે છે.
રાજકુમારી દમયંતી: ‘દેવર્ષિ આ શું થયું?’
દેવર્ષિ નારદ: ‘મેં કરેલાં, આ મારાં કર્મનું ફળ છે.’ એ જ સમયે રાજા સંજય અને મહારાણી રાજશ્રી ત્યાં આવી પહોંચે છે.
રાજા સંજય: ‘દેવર્ષિ તમે અહીં આવી તમારા ચમત્કારોે નષ્ટ થઈ ગયા છે અને તમારી સિદ્ધિઓ તમને કુરૂપ થતાં ન બચાવી શકી.
મહારાણી રાજશ્રી: ‘સ્વામી દેવર્ષિએ આપણી પુત્રી પર કુદૃષ્ટિ નાખી હશે એટલે આ ભોગવવું પડી રહ્યું છે.’
રાજકુમારી દમયંતી: ‘નહીં માતા. એવું નથી તેઓ હંમેશાં મારાથી દૂર રહેતા હતા.’
Also read: મનન : નિર્ગુણતા પણ એક ગુણ છે
મહારાણી રાજશ્રી: ‘સ્વામી આપણી દીકરીને આ દેવર્ષિએ ભ્રમિત કરી દીધી છે. તેમને કઠોરથી કઠોર દંડ આપવામાં આવે.’
રાજકુમારી દમયંતી: ‘નહીં માતા હું મનોમન એમને મારા પતિ સ્વીકાર કરી ચૂકી છું.’
રાજા સંજય: ‘પુત્રી શું તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. શું તું એક કપટી ઋષિ સાથે લગ્ન કરીશ, અમે નિશ્ર્ચિત કરી લીધું છે કે તારાં લગ્ન સ્વયંવર દ્વારા થશે.’
રાજકુમારી દમયંતી: ‘નહીં હું દેવર્ષિને મારા પતિ સ્વીકાર કરી ચૂકી છું.’
દેવર્ષિ નારદ: ‘નહીં દેવી દમયંતી, મારામાં એવું કંઈ જ નથી, જે તમારે માતા-પિતાનો અનાદર કરવો પડે.’
(ક્રમશઃ)