શિવ રહસ્ય: હું રહ્યો બાળ બ્રહ્મચારી તમને સ્વીકારી નહીં શકું, તમે તુરંત તમારા ઘરે જાઆ
-ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
ક્રોધિત ત્વષ્ટા ઋષિ ત્યાંથી વિદાય લે છે. ગભરાયેલા દેવરાજ ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિ પાસે પહોંચે છે. દેવગુરુ બૃહસ્પતિ તેમને કહે છે, ‘દેવરાજ તમારી આકાંક્ષા અસીમિત છે, એનો કોઈ અંત જ નથી અને તમારી આકાંક્ષા ઋષિ ત્વષ્ટા ક્યારેય પૂરી નહીં કરી શકે. તમારું સ્વર્ગ તમારી દેવસેનાની શક્તિથી જ સુરક્ષિત રહી શકે છે. ઋષિ ત્વષ્ટા તમને કોઈ સંરક્ષણ પૂરું નહીં પાડી શકે. થઈ શકે તો તેમને ફરી પૃથ્વીલોક મોકલી દેવા જોઈએ.’
આ વાર્તાલાપ ઋષિ ત્વષ્ટા સાંભળી લેતાં સ્વર્ગલોકથી વિદાય લે છે. તેઓ વિચારે છે કે દેવરાજ ઇન્દ્ર અને દેવર્ષિ નારદની વિનંતીને માન આપીને જ હું સ્વર્ગલોક આવ્યો હતો. હું મારા અપમાનનો બદલો અવશ્ય લઈશ. મારે તુરંત દેવર્ષિ નારદને મળી તેમને દંડ આપવો જોઈએ. આટલું વિચારી ત્વષ્ટા ઋષિ દેવર્ષિ નારદ પાસે પહોંચે છે. ઋષિ ત્વષ્ટા કહે છે, ‘દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ મને મૂર્ખ સમજે છે. દેવર્ષિ તમારી વિનંતીને માન આપીને જ હું સ્વર્ગલોક ગયો હતો.
સ્વર્ગલોકમાં જેમ મારું અપમાન કરી હાસ્યસ્પદ બનાવવામાં આવ્યો છે, તેમ તમે પણ કોઈ નગરમાં હાસ્યાસ્પદ બનશો.’ શ્રાપ આપીને ઋષિ ત્વષ્ટા ત્યાંથી વિદાય લે છે. શ્રાપ મળતાં જ દેવર્ષિ નારદ વાનરમુખ થઈ જાય છે. તેમને જોઈ રાજકુમારી આક્રંદ કરવા માંડે છે.
આ જોઈ મહારાણી રાજશ્રી કહે છે, ‘સ્વામી દેવર્ષિએ આપણી પુત્રી પર કુદૃષ્ટિ નાખી હશે એટલે એમણે આમ ભોગવવું પડી રહ્યું છે. આપણી દીકરીને આ દેવર્ષિએ ભ્રમિત કરી દીધી છે. તેમને કઠોરથી કઠોર દંડ આપવામાં આવે.’ સામે રાજકુમારી દમયંતી દેવર્ષિ નારદને પોતાનો પતિ સ્વીકાર કરી ચૂકી હોવાનું જણાવતાં રાજા સંજય ક્રોધિત થાય છે અને કહે છે ‘પુત્રી શું તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે.
શું તું એક કપટી ઋષિ સાથે લગ્ન કરીશ, અમે નિશ્ર્ચિત કરી લીધું છે કે તારાં લગ્ન સ્વયંવર દ્વારા થશે.’ આટલું સાંભળતાં દેવર્ષિ નારદ કહે છે, ‘નહીં દેવી દમયંતી, મારામાં એવું કંઈ જ નથી જે તમારે માતા-પિતાનો અનાદર કરવો પડે.’ આટલું કહી દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લે છે.
દેવર્ષિ નારદ વનમાં આવી પોતાની એક ઝૂંપડી બનાવી ભગવાન શિવની આરાધના શરૂ કરે છે. તેમનો ‘ઓમ નમ: શિવાય’નો ધ્વનિ કૈલાસ સુધી પહોંચવા માંડે છે.
માતા પાર્વતી: ‘સ્વામી જુઓ દેવર્ષિ નારદ ભગવાન શ્રીહરિ વિષ્ણુની આરાધના છોડી તમારી કરી રહ્યા છે, હવે તમારે તેમને વરદાન આપવું જ જોઈએ.’
ભગવાન શિવ: ‘દેવર્ષિ નારદ વરદાન મેળવવા આરાધના નથી કરી રહ્યા તેઓ ઋષિ ત્વષ્ટાના શ્રાપને નિવારવા આરાધના કરી રહ્યા છે, પણ દેવી તેમણે એ સમજવું જોઈએ કે મળેલો શ્રાપ ભોગવવો જ રહ્યો એટલે હું તેમના શ્રાપનું નિવારણ કઈ રીતે કરી શકું?’
માતા પાર્વતી: ‘તેઓ તમારી આરાધના કરી રહ્યા છે, તમે સર્વશક્તિશાળી છો કંઈ પણ કરી શકો છો. તેમને શ્રાપમુક્ત કરો.’
બીજી તરફ ત્વષ્ટા ઋષિ યજ્ઞ કરવા માંડે છે.
ઋષિત્વષ્ટા: ‘હે જગતજનની માતા શક્તિ આપનો આરાધક યજ્ઞ કરી રહ્યો છે તમે મને એક એવો પુત્ર આપો કે જે દેવરાજ ઇન્દ્ર કરતાં ૧૦ ગણો શક્તિશાળી હોય અને મારો એ પુત્ર સ્વર્ગલોક પર વિજય મેળવી દેવરાજ ઇન્દ્રને શિક્ષા આપે તો મારા મનને તૃપ્તિ મળશે.’
આટલું કહી ઋષિ ત્વષ્ટા યજ્ઞમાં આહુતિ આપવાની શરૂઆત કરે છે. દિવસોના દિવસો વીતી જતાં ઋષિ ત્વષ્ટા થાકી-હારી જાય છે અને ક્રોધિત થઈ માતા શક્તિનું આહ્વાન કરે છે, ‘હે માતા શક્તિ જો આપ મારાથી રુષ્ટ હો તો માફ કરો, મને તુરંત એક પુત્ર આપો જે દેવરાજ ઇન્દ્રને પદભ્રષ્ટ કરી મારી મનોકામના પૂર્ણ કરે.’
માતા શક્તિ ત્યાં પ્રગટ થઈ ચેતવણી આપતાં કહે છે, ‘ઋષિવર સમજવાની કોશિશ કરો કે પ્રતિશોધની જ્વાળા પોતાને જ રાખ કરે છે, હાલ તમે પ્રતિશોધની જ્વાળામાં લપેટાઈ ગયા છો. પ્રતિશોધ ક્યારેય સુખ આપતો નથી, હંમેશાં દુ:ખ જ આપે છે. દરેકને પોતાના કર્મનું ફળ મળતું જ હોય છે, પ્રતિશોધ છોડી યજ્ઞનો ઉપયોગ જનકલ્યાણ માટે કરો.’
ઋષિ ત્વષ્ટા: ‘નહીં માતા, હું દેવરાજ ઇન્દ્રને ક્યારેય માફ નહીં કરી શકું. તમારે મને દેવરાજ ઇન્દ્ર કરતાં ૧૦ ગણો શક્તિશાળી પુત્ર આપવો જ પડશે અન્યથા આ યજ્ઞકુંડમાં મારી આહુતિ આપી હું પોતાને ભસ્મ કરી દઈશ.’
આટલું કહી ઋષિ ત્વષ્ટા યજ્ઞકુંડમાં પોતાને સ્વાહા કરવા જતાં માતા શક્તિ તેમને રોકે છે.
માતા શક્તિ: ‘થોભી જાવ શક્તિ ઉપાસક ત્વષ્ટા, આત્મહત્યા કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી, તમે જીદ નહીં છોડો તો મારે તમારી યજ્ઞકામના પૂર્ણ કરવી પડશે, પણ તેનું પરિણામ ઘોર અનિષ્ટકારી હશે.
તમારા આ યજ્ઞકુંડમાંથી સમસ્ત સંસારના અસુરોના ભટકી રહેલા આત્મા તમારા પુત્રના રૂપમાં પ્રગટ થશે. તમારો આ યજ્ઞપુત્ર બળશાલી અને વિનાશકારી હશે. એકવાર ફરી વિચાર કરી જુઓ.’
ઋષિ ત્વષ્ટા: ‘નહીં માતા, મેં વિચારી લીધું છે મને એ પુત્ર આપો.’
માતા શક્તિ: ‘તથાસ્તુ.’
આટલું કહી માતા શક્તિ ત્યાંથી વિદાય
લે છે.
બીજી તરફ રાજા સંજય પુત્રી દમયંતીનો સ્વયંવર રચવાની તૈયારી કરે છે. દેવી દમયંતી તેની સખી રૂપવતી સાથે મધ્યરાત્રીએ પલાયન થઈ જાય છે અને દેવર્ષિ નારદ પાસે પહોંચે છે. મધ્યરાત્રીએ દમયંતીને પોતાના ઘરમાં જોઈ દેવર્ષિ નારદ ક્રોધિત થાય છે.
દેવર્ષિ નારદ: ‘દેવી દમયંતી તમે અહીં? આટલી મધ્યરાત્રીએ કેમ આવ્યાં છો, લોકો શું કહેશે?’
રાજકુમારી દમયંતી: ‘દેવર્ષિ મને લોકોની ફિકર નથી, હું મારાં માતા-પિતાને છોડીને આવી છું, તમારી શરણમાં મને લઈ લો.’
દેવર્ષિ નારદ: ‘આ યોગ્ય નથી, કોઈ પણ કુંવારી ક્ધયા માટે માતા-પિતાની છત્રછાયાથી દૂર થવું યોગ્ય નથી.’
રાજકુમારી દમયંતી: ‘દેવર્ષિ હું તમને મનોમન પતિ માની ચૂકી છું.’
દેવર્ષિ નારદ: ‘બસ કરો દમયંતી, કોઈ કુંવારી ક્ધયા પોતાના મનના માણીગરને પામવા માતા-પિતાને છોડીને આગળ વધે છે ત્યારે તે લાજ-મર્યાદા ખોઈ બેસે છે અને કોઈ નારી જો પોતાની લાજ-મર્યાદા ખોઈ બેસી હોય તો તેમાં શેષ કંઈ રહેતું નથી. હું રહ્યો બાળ બ્રહ્મચારી તમને સ્વીકારી નહીં શકું, તમે તુરંત તમારા ઘરે જાઓ.’
ફરી પાછો ‘ઓમ નમ: શિવાય’નો ધ્વનિ કૈલાસ સુધી પહોંચે છે.
માતા પાર્વતી: ‘સ્વામી આ ધ્વનિનો સ્વર દેવર્ષિ નારદનો તો નથી લાગતો, તો આ આરાધના કોણ કરી રહ્યું છે.’
ભગવાન શિવ: ‘આ ધ્વનિનો સ્વર વિંદ્યાચલ પર્વત પરથી અસુર દુન્દુભિનિર્હાદનો આવી રહ્યો છે.
(ક્રમશ:)