શિવ રહસ્ય: ભગવાન શિવ ને માતા પાર્વતી પ્રેમ કરતાંય વધુ સમર્પણથી પ્રસન્ન થાય છે

– ભરત પટેલ
સુતપાને વરદાન આપી આકાશમાર્ગે કૈલાસ જઈ રહેલાં માતા પાર્વતીને દેવર્ષિ નારદ કહે છે, માતા તમે એકલા પરિભ્રમણ કરી રહ્યા છો? પ્રભુ ક્યાં છે?’ માતા પાર્વતી કહે છે,દેવર્ષિ નારદ! હું તમને જણાવી જ દઉં કે હું અરણ્યકના વનમાં ઋષિ મૃગંદુના પત્ની સુતપાને સાંત્વન આપી કૈલાસ જઈ રહી છું. પણ સાંત્વના આપીને હું પોતે પ્રસન્ન નથી, કારણ કે એક તેજસ્વી અને જગતનું કલ્યાણ કરનાર પુત્રની ઝંખના સેવતી સુતપાને ક્યારે પુત્ર પ્રાપ્ત થશે. ભગવાન શિવની કૃપા જ એની મનોકામના પૂર્ણ કરી શકે.’ આટલું કહી માતા પાર્વતી કૈલાસ તરફ પ્રયાણ કરે છે. બીજી તરફ કૈલાસ ખાતે ભગવાન શિવ માતા પાર્વતી અને દેવર્ષિ નારદની વાત સાંભળી સુતપાને ન્યાય આપવા તૈયાર થાય છે. થોડી જ ક્ષણોમાં માતા પાર્વતી કૈલાસ પહોંચે છે. ભગવાન શિવ કહે છે, દેવી! તમારી અને દેવર્ષિ નારદની ચર્ચાનો અર્થ એ થાય છે કે મારે ઋષિ મૃગંદુની પત્ની સુતપાને તુરંત ન્યાય આપવો જોઈએ. તો ચાલો દેવી તમે ફરી મારી સાથે ચાલો.’ ભગવાન શિવ અને માતા પાર્વતી તુરંત અરણ્યકના વનમાં પહોંચે છે. ભગવાન શિવના દર્શન થતાં જ ઋષિ મૃગંદુ કહે છે,પ્રભુ તમારા દર્શન પામી હું પ્રસન્ન છું, આદેશ આપો.’ ભગવાન શિવ કહે છે ભક્ત મૃગંદુ તમારે હાલ તમારી તપસ્યા ભંગ કરી પત્ની સુતપાની ઈચ્છા પૂર્ણ કરવી આવશ્યક છે. ત્યારબાદ તમ યુગલની તપસ્યા પૂર્ણ થશે અને તમને શિવલોકની પ્રાપ્તિ પણ અવશ્ય થશે. તપસ્વીનું કર્તવ્ય સંસારના દરેક પ્રાણીમાત્રને પ્રસન્ન કરવાનું છે, નહીં કે હઠયોગથી કોઈને દુ:ખ આપવાનું. તમારે લગ્ન કરતી વખતે વિચાર કરવો જોઈતો હતો. પત્નીની ઇચ્છાનો અનાદર યોગ્ય નથી. તમારું તપ તમારી પત્નીનાં દુ:ખોનું કારણ થઈ ગયું છે. શિવસૃષ્ટિમાં આવા તપને કોઈ સ્થાન નથી. જાઓ પતિધર્મ નિભાવો અને દેવી સુતપાની આકાંક્ષાઓને પૂર્ણ કરો, તમારું કલ્યાણ નિશ્ચિત છે.’ બીજી તરફ બ્રહ્મલોક ખાતે બ્રહ્માજી દેવર્ષિ નારદને ઉપસ્થિત થવાનો સંકલ્પ કરે છે. દેવર્ષિ નારદ ઉપસ્થિત થતાં બ્રહ્માજી કહે છે,દેવર્ષિ તમે જાણો જ છો કે સંસારચક્રમાં થનાર બદલાવનો એક ગર્ભિત ઈશારો ભગવાન શિવ દ્વારા તેમની શિવલીલા દ્વારા જણાવવામાં આવે છે. ભગવાન શિવ દ્વારા હાલમાં જ ઋષિ મૃગંદુને પતિ ધર્મનું પાલન કરવાનું જણાવતાં તેમની પત્ની સુતપા ગર્ભવતી બની છે. ઋષિ મૃગંદુની બ્રહ્મવ્રત તોડવાની અનિચ્છા એક અલ્પઆયુ બાળક સુતપાના ગર્ભમાં ઉછરી રહ્યો છે. અલ્પઆયુ એટલે ફક્ત પાંચ વરસ છ દિવસ, આ પવિત્ર યુગલ આ વાત જાણતા નથી. તમારે જ તેમને કહેવાનું છે.’ બ્રહ્માજીની આજ્ઞા થતાં જ દેવર્ષિ નારદ અરણ્યકના વનમાં ઋષિ મૃગંદુના આશ્રમ પહોંચે છે. દેવર્ષિને જોતાં જ ઋષિ મૃગંદુ કહે છે, સુતપા અને મૃગંદુની કુટિરમાં આપનું સ્વાગત છે દેવર્ષિ, કહો તમારી શું સેવા કરીએ.' દેવર્ષિ નારદ તેમને કહે છે,શિવભક્ત મૃગંદુ પિતા બ્રહ્માજીનો એક સંદેશ આપવા આવ્યો છું.’ ઋષિ મૃગંદુ કહે છે, કહો દેવર્ષિ પરમપિતાએ શું સદેશ આપ્યો છે.' દેવર્ષિ નારદ:મને સંદેશ આપતા દુ:ખ થાય છે, હે ઋષિવર, તમારી અનિચ્છાએ ગર્ભવતી બનેલી તમારી પત્ની સુતપા ફક્ત પાંચ વર્ષ છ મહિનાના આયુષ્ય ધરાવતા બાળકને જન્મ આપશે.’ આટલું સાંભળતાં જ ઋષિ મૃગંદુ કલ્પાંત કરી ઊઠે છે.
ઋષિ મૃગંદુ: `દેવર્ષિ આવો સંદેશ મોકલી બ્રહ્માજી શું સંદેશ આપવા માગે છે?’
દેવર્ષિ નારદ: `તમારા આ પ્રશ્નમાં જ બ્રહ્માજીના સંદેશનો ઉત્તર સમાયેલો છે. થોડીક ધીરજ ધરી બ્રહ્માજીના સંદેશનો વિચાર કરો, તમને ઉત્તર અવશ્ય મળી જશે.’
દુ:ખી મૃગંદુ ઋષિ પોતાની કુટિરમાં પ્રવેશ કરતાં જ જુએ છે કે પત્ની સુતપા કલ્પાંત કરતી નજર પડે છે.
ઋષિ મૃગંદુ: `સુતપા રડો નહીં, દેવર્ષિ નારદની સાથે થયેલો વાર્તાલાપ તમે સાંભળી લીધો લાગે છે.’
સુતપા: `સ્વામી શું કરું? માતા પાર્વતીએ આપેલા આશીર્વાદ અને તમે કરેલી શિવ આરાધનાનું ફળ શું આ અલ્પઆયુ પુત્ર છે? શું પૂજા-આરાધનાનું ફળ આવું હોઈ શકે?’
ઋષિ મૃગંદુ: `સુતપા આવું ન બોલો, વિધાતાની લીલા કોણે જાણી છે. વિધાતાના નિયમોથી આપણે બંધાયેલા છીએ.’
સુતપા: `સ્વામી તમે જવાબ આપો કે તપ-ભક્તિ કરી આવું ફળ મળે તો કયા સંતાનના માતા-પિતા ભગવાનની ભક્તિ કરશે? તેઓ વિધાતાના ઘોર અન્યાય પર પ્રશ્ન નહીં ઉઠાવે.’
ઋષિ મૃગંદુ: `સુતપા મેં તમને પહેલા પણ કહ્યું કે, વિધાતાના નિયમોથી આપણે બંધાયેલા છીએ. તેમના પર આરોપ લગાવી આપણને કાંઇ નહીં મળે. મળશે તો ફક્ત દુર્ભાગ્ય.’
સુતપા: `ઘણાં વર્ષોથી એકાંકી અને એકલવાયુ જીવન વિતાવ્યા બાદ માતા પાર્વતીના આશીર્વાદથી મળેલા પતિના પ્રેમથી અલ્પઆયુ પુત્ર મેળવી પ્રશ્ન ન ઉઠાવું તો શું કરું? વિધાતા મારા જીવનમાં સુખ લખવાનું જ ભૂલી ગયા છે. તમે કહો છો કે વિધાતા પર પ્રશ્ન ઉઠાવવાથી દુર્ભાગ્ય મળશે. જીવનમાં પુત્ર જ અલ્પઆયુ હોય એનાથી વધુ દુર્ભાગ્ય બીજું શું હોઈ શકે?’
ઋષિ મૃગંદુ: `આપણા જીવનમાં આવનારી વિપદાને આપણે મકક્મતા અને હિંમતથી સ્વીકારવી રહી. આવનાર બાળકને એના જીવનમાં વધુમાં વધુ પ્રેમ આપી એની દરેક ઈચ્છા પૂર્ણ કરવી આપણી જવાબદારી છે. કદાચ વિધાતાની આવી જ કોઈ ઇચ્છા હશે. ‘
સુતપા: `તમે જે પણ વિચારતા હો તે મને માન્ય નથી, હું વિધાતાની ક્રૂરતાનો જવાબ આપવા જઈ રહી છું.’
ઋષિ મૃગંદુ: `ભગવાન શિવના સાક્ષાત દર્શન અને ત્યારબાદ તેમની આજ્ઞા હતી કે પતિ ધર્મ નિભાવી તમારી આકાંક્ષાઓને પૂર્ણ કરવી. એ આજ્ઞાથી મને તમારી ભક્તિ અને સમર્પણતા માટે ગર્વ થયો હતો, એ ગર્વને ખંડિત ન કરો. આજ સુધી વિધાતા સાથે કોઈ લડી નથી શક્યું.’
સુતપા: `હું શું કરું સ્વામિ, જીવનભર મેં સમાજકલ્યાણી પુત્રની ઝંખના કરી અને હવે પુત્ર મળશે એ પણ અલ્પઆયુ! આવો અત્યાચારી અને ક્રૂર સંદેશ મોકલી બ્રહ્માજી શું કહેવા માગે છે.’
ઋષિ મૃગંદુ: `સંદેશ આપતી વખતે દેવર્ષિ નારદે કહ્યું હતું કે, ઋષિ મૃગંદુ તમે પતિ-પત્ની શિવ શક્તિના પરમ ભક્ત છો. ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રેમ કરતાંય વધુ સમર્પણથી પ્રસન્ન થાય છે. વિધાતાને દોષ આપી કંઈ લાભ નહીં થાય. ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત થાઓ તમારી બધી મનોકામના પૂર્ણ થશે. બ્રહ્માજીનો સંદેશ મોકલવાનો ગર્ભિત ઈશારો એ હોવો જોઈએ કે હવે આપણે સમય વ્યતીત ન કરતાં શિવઆરાધના કરવી જોઈએ અને આવનારા પુત્રને પ્રેમથી સહર્ષ સ્વીકારી તેનો ઉછેર કરવો જોઈએ. માતા પાર્વતીએ તમને આશીર્વાદ આપ્યાં હતાં કે સમાજ અને જગતનું કલ્યાણ કરનાર પુત્ર પ્રાપ્ત થશે. તો તેમના આશીર્વાદ ક્યારેય મિથ્યા નહીં થાય. શિવ ભક્તિ જ આપણા પુત્રને અલ્પઆયુથી દીર્ઘાયુષ્ય તરફ લઈ જશે.’
ઋષિ મૃગંદુની વાત યોગ્ય લાગતાં બંને પતિપત્ની શિવઆરાધનામાં વ્યસ્ત થઈ ગયાં.
શિવ આરાધનામાં વ્યસ્ત ઋષિ મૃગંદુ અને સુતપાનો સમય વ્યતીત થવા માંડયો અને યોગ્ય સમય થતાં જ સુતપાએ પુત્રને જન્મ આપ્યો. ઋષિ મૃગંદુના આશ્રમમાં આનંદ વ્યાપી ગયો.
ઋષિ મૃગંદુ: `સુતપા તમારો પુત્ર બહુ સુંદર છે, તમે એને શું કહી બોલાવશો.’
સુતપા: `તમારો પુત્ર છે તમારું નામ મૃગંદુ અને મૃગંદુનો પુત્ર માર્કંડેય હોય શકે. હું તેને માર્કંડેય કહીને બોલાવીશ.’
ઋષિ મૃગંદુ અને આશ્રમવાસીઓ નવજાત બાળકને માર્કંડેય કહી બોલાવવા લાગ્યા. સમય વ્યતીત થવા માંડયો. બાળક ધીમે ધીમે મોટા થવા માંડયો. ભયભીત ઋષિ મૃગંદુ અને સુતપા પુત્રના લાલન-પાલન અને શિવભક્તિમાં તરબોળ થઈ ગયાં. (ક્રમશ)


