શિવ રહસ્ય: પ્રિયે, તમારે આરાધના કરવી જ જોઈએ પણ તપની નહીં, નૃત્યની કરવી જોઈએ | મુંબઈ સમાચાર
ધર્મતેજ

શિવ રહસ્ય: પ્રિયે, તમારે આરાધના કરવી જ જોઈએ પણ તપની નહીં, નૃત્યની કરવી જોઈએ

– ભરત પટેલ

એક દિવસ માતા પાર્વતી ભગવાન શિવને કહે છે, હે સ્વામિ, લોકમાતા ગંગા નદી પતિતપાવની કહેવાય છે, શું કોઈપણ માનવ શ્રદ્ધાથી ગંગાસ્નાન કરે તો તેના પાપ શું ખરેખર ધોવાઈ જતાં હશે? ભગવાન શિવ તેમને પ્રત્યક્ષ પ્રમાણ બતાવવા તૈયાર થાય છે અને માતા પાર્વતીને ગંગા કિનારે લઈ જાય છે. ભગવાન શિવ એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરે છે અને મુખ્ય રસ્તા પર તેઓ એક કાદવકીચડવાળા ખાડામાં ફસાઈ પડે છે અને માતા પાર્વતીને કહે છે કે તમારે એમ કહેવું કે, આ મારા વૃદ્ધ પતિને કાદવકીચડમાંથી બહાર કાઢનારનું ભોળાનાથ ભલું કરશે, પરંતુ તેમને બહાર કાઢનાર જો તદ્દન નિષ્પાપ નહિ હોય તો મારા પતિનો સ્પર્શ થતાની સાથે જ તે બળીને ભસ્મ થઈ જશે.’ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ગંગાતટે મહોત્સવ હતો. હજારો લોકો ગંગ્ાસ્નાન કરી પોતાનાં પાપનું વિસર્જન કરવા અહીં આવ્યા હતા. ગંગાસ્નાન કરી ઘેર જતી યુવાન સ્ત્રીનું રુદન કરવાનું કારણ પૂછતાં માતા પાર્વતી કહેતાં કે,મારા વૃદ્ધ પતિને કાદવકીચડમાંથી બહાર કાઢનારનું ભોળાનાથ ભલું કરશે, પરંતુ તેમને બહાર કાઢનાર જો તદ્દન નિષ્પાપ નહિ હોય તો મારા પતિનો સ્પર્શ થતાની સાથે જ તે બળીને ભસ્મ થઈ જશે.’ આવી શરત સાંભળી સૌકોઈ વિચારમાં ગરકાવ થઈ જતું કે ગંગાસ્નાન તો શ્રદ્ધાથી જ કર્યું છે પણ સર્વ પાપો નષ્ટ થઇ ગયાં કે કેમ તેની ખબર કેવી રીતે પડે? થોડાંક પાપ જો રહી ગયાં હોય તો? તો ધરમ કરતાં ધાડ પડે. આ વૃદ્ધ બ્રાહ્મણને ખાડામાંથી બહાર કાઢવા જતાં રખેને બળીને ભસ્મ થઈ જવાય તો? આવું વિચારી સૌ કોઈ પોતપોતાને રસ્તે રવાના થઈ જતાં. સાંજનો સમય થવા આવ્યો હતો, ગુરુપૂર્ણિમાનો દિવસ હોવાથી નજીકના ગુરુજીના આશ્રમમાં ભેટ ધરીને ગંગાજીમાં સ્નાન કરી એક યુવાન પાછો ફરી રહ્યો હતો. પેલી સ્ત્રી(માતા પાર્વતીની વાત સાંભળીને તેણે કહ્યું, હું ગંગાસ્નાન કરીને જ આવ્યો છું, હું નિષ્પાપ છું.’ ભગવાન શિવને તેણે તુરંત ખાડામાંથી બહાર કાઢયાં, ભગવાન શિવ અને માતા પાર્વતીએ તેને દર્શન આપતાં તે કૃતાર્થ થઈ ગયો અને ભવોભવના ખાડામાંથી બહાર નીકળી પડયો.

ભગવાન શિવે કહ્યું,દેવી! શ્રદ્ધા પરમ દુર્લભ છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. કહેવાનું તાતર્પ્ય એ છે કે, ગંગાસ્નાન શ્રદ્ધાથી કરો, શ્રદ્ધા અને દૃઢતા એવી પાંખો છે, જેને સહારે તમારા લક્ષ પ્રતિ તત્કાળ ઉડ્ડયન આદરી શકો છો. શ્રદ્ધા એ જીવનનું મોટામાં મોટું બળ છે. શ્રદ્ધા જ નિર્ધનનું ધન છે. શ્રદ્ધા જ દુ:ખમાં આશ્વાસન આપવાની ક્ષમતા ધરાવે છે. શ્રદ્ધા જ સાર્થક જીવન છે. શ્રદ્ધા વગર સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. શ્રદ્ધા હૃદયની વસ્તુ છે, શ્રદ્ધા પોતાના સ્વભાવને જ અનુસરે છે. ઓછેવત્તે અંશે દરેકમાં શ્રદ્ધા છે. જેની શ્રદ્ધા બળવાન તેને ફળ પણ મોટું મળે. શ્રદ્ધા મેરુ પર્વત જેવી ઉત્તુંગ અને અવિચળ હોવી જોઈએ. દરેક મનુખ્યે આત્મશ્રદ્ધા – અંદરની શ્રદ્ધા કેળવવી જોઈએ. મનમાં આસુરી અને દૈવી પ્રકૃત્તિનું યુદ્ધ ચાલતું જ હોય છે. એટલે માનવે પૂર્ણ શ્રદ્ધા ધરી કામ કરવા જોઈએ સફળતા નિશ્ચિત જ મળે છે.

આ પણ વાંચો: શિવ રહસ્ય: કોઈપણ માનવ શ્રદ્ધાથી ગંગાસ્નાન કરે તો તેનાં પાપ શું ખરેખર ધોવાઈ જતા હશે?

લોકમાતા ગંગા નદી પતિતપાવની છે એની ખાતરી આપ્યા બાદ માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાસ પહોંચે છે.

ભગવાન શિવ: `પ્રિયે હું લાંબા સમય માટે તપ આરાધના કરવા માગું છું.’

માતા પાર્વતી: `સ્વામિ તો ત્યાં સુધી હું શું કરીશ? મારે પણ આરાધના કરવી છે.’

ભગવાન શિવ: `પ્રિયે, તમારે આરાધના કરવી જ જોઈએ પણ તપની નહીં, નૃત્યની કરવી જોઈએ.’

માતા પાર્વતી: `સ્વામિ હું કંઈ સમજી નહીં.’

ભગવાન શિવ: `દેવી થિલ્લઈ વન પર તમારું જ રાજ છે. ત્યાં જઈ તમારા પશુ-પક્ષી ગણ છે તેના સાંનિધ્યમાં નૃત્ય આરાધના કરો. મારી આરાધના પૂર્ણ થતાં હું ત્યાં જ આવીશ.’

માતા પાર્વતી: `જેવી તમારી આજ્ઞા.’

ભગવાન શિવ પોતાની આરાધનામાં લીન થઈ જાય છે, તો માતા પાર્વતી થિલ્લઈ વન જઈ પશુ-પક્ષીઓ સાથે નિવાસ કરી નૃત્ય આરાધના કરે છે.

આ પણ વાંચો: શિવ રહસ્ય: એવું વરદાન આપો કે મારું શરીર સુવર્ણ જેવું થઈ જાય ને હું પરમ સુંદરી બનું

સમય વીતતો જાય છે. ભગવાન શિવ તેમની આરાધના પૂર્ણ કરી ત્યાં પહોંચે છે. માતા પાર્વતી તેમની નૃત્ય આરાધના કરતા હોય છે. તેમને જોઈ ભગવાન શિવ પોતાને રોકી શકતા નથી અને તેઓ પણ નૃત્ય કરવા માંડે છે.
શિવ શક્તિ બંને નૃત્ય કરવા માંડતા પૃથ્વીની ધરા ડોલવા માંડી. એ જોઈ બ્રહ્માજી માતા સરસ્વતી સાથે અને શ્રીહરિ વિષ્ણુ માતા લક્ષ્મી સાથે થિલ્લઈ વન પહોંચે છે.

બ્રહ્માજી: `દેવી પાર્વતી રોકાઈ જાવ, તમારા બંનેના એકસાથેના નૃત્યથી પૃથ્વીની ધરા ડોલવા માંડી છે.’

માતા પાર્વતી: `તો તમે એમ કહો કે મારું નૃત્ય સ્વામિ કરતાં ઉત્તમ છે.’

શ્રીહરિ વિષ્ણુ: `શિવ, રોકાઈ જાવ, તમારા બંનેના નૃત્યથી પૃથ્વીની ધરા ડોલી રહી છે.’

ભગવાન શિવ: `તો તમે દેવતાગણ એમ કહો કે મારું નૃત્ય પાર્વતી કરતાં ઉત્તમ છે.’

આ પણ વાંચો: શિવ રહસ્ય : કામ્યાખ વનમાં જે યુગલ તપસ્યા કરશે તેમની દરેક મનોકામના પૂર્ણ થશે…

દેવતાઓ વિમાસણમાં પડી ગયા, બંને અલગ અલગ પ્રકારની મુદ્રાઓથી ઉત્તમ પ્રકારનું નૃત્ય કરતાં હતાં. માતા પાર્વતી ભગવાન શિવની મુદ્રાથી વધુ ઉત્તમ મુદ્રામાં નૃત્ય કરતાં હતાં તો સામે ભગવાન શિવ માતા પાર્વતીની મુદ્રા જોઈ એનાથી ઉત્તમ મુદ્રામાં નૃત્ય કરતાં હતાં. અલગ અલગ મુદ્રાઓમાં ઘણી મુદ્રામાં અંગ મરોડ આવતી ત્યાં ભગવાન શિવ થોડા ઉણાં ઉતરતાં હતાં તો ત્યાં માતા પાર્વતીની શ્રેષ્ઠતા પુરવાર થઈ રહી હતી. સાદી ભાષામાં કહીએ તો ભગવાન શિવનો પરાજય થઈ રહ્યો હતો. ભગવાન શિવ પણ એમ હાર માને એમ નહોતા એટલે તેમણે ઉર્ધ્વ તાંડવ મુદ્રા કરી પોતાના એક પગને માથા ઉપર ઉઠાવીને માતા પાર્વતીને તેનું પુનરાવર્તન કરવા પડકાર ફેંકયો. સ્ત્રી હોવાની મર્યાદાને કારણે માતા પાર્વતી સમગ્ર દેવતાઓ સમક્ષ આ મુદ્રાનું પુનરાવર્તન કરી ન શકયાં. તેમણે પોતાની હાર સ્વીકાર કરી લીધી અને ભગવાન શિવના આશિર્વાદ લીધા. જ્યાં શિવ-શક્તિની નૃત્ય પ્રતિયોગિતા યોજાઈ હતી એ સ્થળ પર એટલે કે થિલ્લાઈ વનમાં આજે પણ ભગવાન શિવ નટરાજ સ્વરૂપે વિદ્યમાન છે. જેને આજે થિલ્લાઈ નટરાજ મંદિર તરીકે આપણે ઓળખીએ છીએ. જે આજનું ચિદમ્બરમ ક્ષેત્ર ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી 245 કિમી દૂર છે અને ત્યાં એક રેલ્વે સ્ટેશન છે જે ત્રિચી, મદુરાઈ અને ચેન્નાઈ સાથે જોડાયેલું છે.

બીજી એક કથા અનુસાર માતા પાર્વતી સમગ્ર દેવતાઓ સમક્ષ આ મુદ્રાનું પુનરાવર્તન કરી ન શકયાં તેમની હાર થઈ. આ હારથી માતા ક્રોધિત હતા. માતા પાર્વતીએ ગુસ્સામાં કાલી સ્વરૂપ ધારણ કર્યું અને થિલ્લાઈ વન છોડીને સીમાઓની બહાર સ્થાયી થઈ ગયા. આમ, અહીં તેમને થિલ્લાઈ કાલી તરીકે પૂજાવામાં આવે છે. ભોઠા પડેલા દેવતાઓ વિમાસણમાં પડી ગયા. માતાને કઈ રીતે મનાવવા. બ્રહ્માજીએ એ જ જગ્યાએ વેદનો જાપ કરીને માતા પાર્વતીની સ્તુતિ કરી.

આ પણ વાંચો: શિવ રહસ્ય: હું રાણી વિજયાને કઈ રીતે કહી શકું કે તમારી કુંડળીમાં સંતાન યોગ નથી તેમને આઘાત લાગશે

થિલ્લાઈ કાલી પ્રસન્ન થયા અને બ્રહ્મા જેવા ચાર માથા ધરાવતું સૌમ્ય સ્વરૂપ ધારણ કર્યું અને થિલ્લાઈ અમ્માન (થિલ્લાઈની માતા) અથવા બ્રહ્મા ચામુંડેશ્વરી તરીકે પ્રખ્યાત થયાં. મંદિરમાં બે મુખ્ય મંદિરો છે. પશ્ચિમ તરફના મંદિરમાં દેવીનું ચાર મુખ ધરાવતા બ્રહ્મા ચામુંડેશ્વરી સ્વરૂપનું ચિત્રણ કરવામાં આવ્યું છે. તો પૂર્વ તરફના મંદિરમાં, દેવી તેમના ઉગ્ર સ્વરૂપમાં દેખાય છે જેને થિલ્લાઈ કાલી કહેવામાં આવે છે.

મંદિરની દીવાલો પરના વિવિધ શિલાલેખો પરથી એવું લાગે છે કે હાલનું મંદિર 13મી સદીમાં સ્થાનિક શિલ્પકારો દ્વારા ચોલાઈ વંશજ રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

(ક્રમશ:)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button