શિવ રહસ્ય : દુર્ગમાસુર દેવગણો ને પૃથ્વીવાસીઓને અન્યાય કરશે ત્યારે હું શિવઇચ્છાથી દુર્ગમાસુરને દંડ આપીશ

-ભરત પટેલ
અસુરગુરુ શુક્રાચાર્યએ કહ્યું કે, અથાગ શરીરના સ્વામી નરકાસુર તમે વરદાન મેળવી ત્રણેય લોકો પર રાજ કરશો. તમારે બ્રહ્માજીની આરાધના કરી ચારેય વેદનું જ્ઞાન અને ત્રિદેવ વધ ન કરી શકે એવું વરદાન માગવું. તમારા પિતાએ પણ મારી વાત ન માનતાં પોતાને ગમતાં વરદાન માગી પોતાનું પતન નોતર્યું હતું. આટલાં સાંભળતાં જ ગભરાયેલા નરકાસુરે કહ્યું, ગુરુદેવ હું તમારી ઇચ્છા મુજબ બ્રહ્માજીને પ્રસન્ન કરી તમે કહેલું વરદાન જ માગીશ.’ શુક્રાચાર્ય તેને ગર્ભિત ચેતવણી આપતાં કહે છે કે, બ્રહ્મદેવ તમને સહેલાઈથી વેદ નહીં આપે, તમને ભરમાવી અન્ય વરદાન આપવાની પણ કોશિશ કરશે. તેમજ મને આશંકા છે કે દેવોનો રાજા ઈન્દ્ર તમારી તપસ્યા ભંગ કરાવી શકે છે એટલે હું તમને એક સુરક્ષા કવચ બનાવી આપું છું, જે અગ્નિનું હશે અને કોઈને દૃશ્યમાન પણ નહીં થાય, જેથી કોઈપણ દેવતા એ સુરક્ષા કવચને તોડીને તમારી તપસ્યા ભંગ ન કરાવી શકે.’
નરકાસુર અસુરગુરુ શુક્રાચાર્યના આશીર્વાદ લઈ તપસ્યા કરવા નીકળી પડે છે. થોડા જ સમયમાં તે એક વનમાં પહોંચી એક પગે ઊભો રહી તપસ્યા કરવા લાગ્યો. નરકાસુરને તપસ્યા કરતો જોઈ દેવરાજ ઇન્દ્ર ભયભીત થઇ જાય છે. દેવરાજ ઈન્દ્ર તુરંત સર્વ દેવગણોને બોલાવે છે. અગ્નિદેવ તેમને જણાવે છે કે, શુક્રચાર્ય દ્વારા નરકાસુરને તેની આસપાસ અદૃશ્ય અગ્નિ સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું હોવાથી તેની તપસ્યા તોડવી અશક્ય છે. નરકાસુર બ્રહ્માજીની તપસ્યા કરી રહ્યો હોવાથી આપણે તેમની શરણે જ જવું જોઈએ. સમસ્ત દેવગણ સહિત દેવરાજ ઇન્દ્ર બ્રહ્મલોક પહોંચે છે. દેવરાજ ઇન્દ્ર બ્રહ્માજીને કહે છે, પરમપિતા તમે જ જુઓ શુક્રાચાર્ય ફરી કાર્યાન્વિત થઈ ગયા છે, તેમણે નરકાસુરને જગાડી અદૃશ્ય અગ્નિ સુરક્ષા કવચ પ્રદાન કરી તપસ્યા માટે પ્રેરિત કર્યો છે. બ્રહ્માજી દેવગણોને સમજાવતાં કહે છે, અગાઉ પણ તમે આજ પ્રશ્ર્ન લઈ અહીં ઉપસ્થિત થયા હતાં, તમને મેં કહ્યું હતું કે, મારા હાથ બંધાયેલા છે. આરાધકની ભક્તિ અને પ્રેમ સામે આરાધ્યએ નમતું જોખવું પડે છે.
આ પણ વાંચો : શિવ રહસ્ય : આરાધકને વરદાન આપવા સિવાય આરાધ્ય પાસે કોઈ માર્ગ હોતો નથી
આરાધકને વરદાન આપવા સિવાય આરાધ્ય પાસે કોઈ માર્ગ હોતો નથી. સમયની રાહ જુઓ બધુ સમુસૂતરું થશે. બ્રહ્માજી પાસેથી દેવગણોને યોગ્ય ખાતરી ન મળતાં ગભરાયેલા દેવરાજ ઇન્દ્ર અને સમસ્ત દેવગણ શ્રીહરિ વિષ્ણુ પાસે પહોંચે છે અને કહે છે, પ્રભુ અસુર ગુરુ શુક્રાચાર્ય ફરી કાર્યાન્વિત થઈ ગયા છે, તેમણે નરકાસુરને જગાડી અદૃશ્ય અગ્નિ સુરક્ષા કવચ પ્રદાન કરી તપસ્યા માટે પ્રેરિત કર્યો છે. શુક્રાચાર્યની મહેચ્છા શું હશે એ સમજ પડતી નથી. તમે જ માર્ગદર્શન કરો, જેથી દેવગણો પર આવેલા સંકટને દૂર કરી શકાય.
શ્રીહરિ વિષ્ણુ: ‘દેવરાજ તમે આમ વિચલિત થશો તો કઈ રીતે ચાલશે? તમો દેવોના રાજા છો. તમારે સંયમ રાખી ધર્મના માર્ગે ચાલવું જોઈએ. સમયની રાહ જુઓ બધું યોગ્ય થશે.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુના જવાબથી સંતુષ્ટ ન થયેલા દેવરાજ ઇન્દ્ર અને દેવગણ ક્ષીરસાગરથી વિદાય લે છે. દેવરાજ ઇન્દ્ર અને દેવગણો આકાશમાર્ગે સ્વર્ગલોક તરફ જતાં તેમની નજર નરકાસુર પર પડે છે. નરકાસુર બ્રહ્માજીની તપસ્યા કરતાં કરતાં બગાસાં ખાતો દેખાય છે. એને બગાસાં ખાતો જોતાં જ દેવરાજ ઈન્દ્ર પ્રસન્ન થઈ જાય છે. તેઓ દેવગણોને ત્યાંજ ઊભા રહી જવા આદેશ આપે છે.
આ પણ વાંચો : શિવ રહસ્ય : હવન કુંડથી બહાર આવો નરકાસુર…
પવનદેવ: ‘દેવરાજ અહીં અટકવાનું પ્રયોજન શું છે?’
દેવરાજ ઈન્દ્રદ: ‘પવનદેવ મેં હમણાં જોયું કે નરકાસુર બગાસાં ખાતો હતો. બગાસાં ખાતો માનવ વધુ સમય જાગૃત અવસ્થામાં રહી શકતો નથી, તમે નરકાસુર તપસ્યા કરી રહ્યો છે એ દિશામાં વધુ ઠંડો પવન ફૂંકો, નરકાસુર વધુ સમય સુધી ઠંડો પવન સહન નહીં કરી શકે અને નિદ્રાવસ્થામાં પહોંચી જશે. નિદ્રાવસ્થામાં જતાં તેની તપસ્યા પૂર્ણ થઈ સમજવી. ત્વરિત એ દિશામાં ઠંડો પવન ફૂંકો.’
દેવરાજ ઇન્દ્રની આજ્ઞા મળતાં પવનદેવ નરકાસુર તરફ ઠંડો પવન ફૂંકવા માંડે છે.
ઠંડો પવન ફૂંકાતા વાતાવરણમાં વધુ ઠંડક પ્રસરી જાય છે. પહેલેથી જ બગાસાં ખાતો નરકાસુરને નિદ્રા આવવા માંડે છે. તેનાથી પોતાના શરીરનું સંતુલન જળવાતું નથી અને એ નિદ્રાવસ્થામાં પોઢી જાય છે. આ જોઈ દેવગણો આનંદિત થઈ ઉઠે છે. દેવરાજ ઇન્દ્ર અને દેવગણો નરકાસુર પાસે આવી ઊભા રહે છે.
દેવરાજ ઈન્દ્ર: ‘મિત્રો આનું હવે શું કરવું આ નરકાસુર તો નિદ્રાધીન થઈ ગયો.’
અગ્નિદેવ: ‘દેવરાજ હમણાં તમારી પાસે મોકો છે નરકાસુરને માત કરવાનો, તમે જ વિચારી જુઓ કે શું કરવું જોઈએ.’
આ પણ વાંચો : શિવ રહસ્ય : દુષ્ટ શક્તિઓના વિનાશ માટે હું હંમેશાં તૈયાર છું
ક્રોધિત દેવરાજ ઇન્દ્ર પોતાનું વ્રજ કાઢે છે અને નરકાસુર પર વાર કરવા જાય છે. એ જ ક્ષણે અસુરગુરુ શુક્રાચાર્ય ત્યાં પ્રગટ થાય છે અને દેવરાજ ઇન્દ્રનો હાથ પકડી લે છે.
અસુરગુરુ શુક્રાચાર્ય: ‘દેવરાજ, આમ નિદ્રાવસ્થામાં તમે કોઈ અસુરને દંડ ન આપી શકો. શું બૃહસ્પતિએ તમને આવું શિક્ષણ આપ્યું છે?’
દેવરાજ ઈન્દ્ર: ‘જ્યાં અસ્તિત્વનો સવાલ આવે છે ત્યાં કોઈ નીતિ હોતી નથી, તમે અહીંથી દૂર થાઓ.’
અસુરગુરુ શુક્રાચાર્ય: ‘દેવરાજ અહીંથી ચાલ્યા જાઓ અન્યથા મારી મંત્ર વિદ્યાથી તમને બધાને રાખ બનાવી દઈશ.’
ગભરાયેલા દેવરાજ ઈન્દ્ર અને દેવગણ ત્યાંથી પલાયન થઈ જાય છે. શુક્રાચાર્ય નરકાસુરને ઉઠાડે છે અને બધી વિગતવાર ચર્ચા કરે છે કે દેવરાજ ઇન્દ્ર તમારો વધ કરવાના હતા.’
આ પણ વાંચો : શિવ રહસ્ય : તારા થૂંકને શું ગંગાજળ જેવું પવિત્ર માને છે કે ઊભા થવાની તસ્દી પણ ન લીધી?
નરકાસુર: ‘ગુરુદેવ તમે મારા તારણહાર છો, મારી ભૂલ થઈ ગઈ, હવે એવી ભૂલ પરત નહીં કરું. તમારા આશીર્વાદથી મને નવજીવન મળ્યું છે, અસુર સમાજના ઉત્થાન માટે તમે કહો એમ હું કરવા તૈયાર છું.’
અસુરગુરુ શુક્રાચાર્ય: ‘નરકાસુર તમને આપેલી શક્તિઓ તમારી નિદ્રા સાથે ભૂમિમાં વિલય થઈ ગઈ છે. ફરી બ્રહ્માજીની દુર્ગમ તપસ્યા કરો કે જેથી તમારી નજદીક કોઈ દેવતાગણ આવી ન શકે અને યાદ રહે બ્રહ્માજી પાસે વરદાન તરીકે ચારેય વેદ અને ત્રિદેવના હાથે મરણ ન પામવાનું વરદાન માંગવાનું છે.’
નરકાસુર: ‘તમારા માર્ગદર્શન મુજબ હું દુર્ગમ તપસ્યા કરી ચારેય વેદ અને ત્રિદેવના હાથે મરણ ન થઈ શકે એવું વરદાન બ્રહ્માજી પાસે માગીશ.
અસુરગુરુ શુક્રાચાર્ય: ‘દુર્ગમ તપસ્યા કરવા જઈ રહેલા તપસ્વી સંસારમાં તમે દુર્ગમાસુર તરીકે પ્રખ્યાત થશો. તમે યુગોના યુગો દુર્ગમાસુર તરીકે ઓળખાશો. જાઓ મારા આશીર્વાદ તમારી સાથે છે. અસુરોનું કલ્યાણ ફક્ત તમારા હાથમાં છે. વિજયી થાઓ.’
આ પણ વાંચો : શિવ રહસ્ય : કામ્યાખ વનમાં જે યુગલ તપસ્યા કરશે તેમની દરેક મનોકામના પૂર્ણ થશે…
અસુરગુરુ શુક્રાચાર્યના આશીર્વાદ મેળવી દુર્ગમાસુર દુર્ગમ તપસ્યા કરવા લાગ્યો. તેના શરીરમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળવા માંડી. એ અગ્નિની જ્વાળાઓ બ્રહ્મલોક સુધી પહોંચવા લાગી. બ્રહ્મલોક આવી રહેલી અગ્નિની જ્વાળાઓ ધડાકા ભડાકા કરવા લાગી. બ્રહ્માજી પોતે ચિંતિત થયેલા જણાયા.
માતા સરસ્વતી: ‘શું પરમપિતા બ્રહ્મદેવ દુર્ગમાસુરની જ્વાળાઓથી ચિંતિત થઈ રહ્યા છે કે શું?’
એ જ સમયે ચારેય વેદ તેમની સમક્ષ ઉપસ્થિત થાય છે.
ઋગવેદ: ‘પરમપિતા, દુર્ગમાસુર જે રીતે તમારી તપસ્યા કરી રહ્યો છે એ જોતાં એવું લાગે છે કે તમે એને તુરંત વરદાન આપી દેશો. દુર્ગમાસુર જેવા અસુરના હાથમાં અમારું વેદોનું સંચાલન જો થશે તો અમારી પરિસ્થિતિ દુર્ગમ થઈ જશે. પરમપિતા કંઈ માર્ગ કાઢો જેથી અમ વેદોનું સંચાલન દેવોના હાથમાં જ રહે.’
બ્રહ્માજી: ઋગવેદ, યર્જુવેદ, શામવેદ, અથર્વવેદ તમે નિશ્ર્ચિંત રહો, દેવોના દેવ મહાદેવ આ મુદ્દે જરૂર ઉકેલ લાવશે. તમારે જરાયે ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા સ્થાને બિરાજમાન રહો બધું યોગ્ય જ થશે.’
આ પણ વાંચો : શિવ રહસ્ય : જનક આદરણીય હોય છે ને જનકને દંડ આપી શકાતો નથી
બ્રહ્માજીની વાત સાંભળી ચારેય વેદ પોતાના સ્થાને બિરાજમાન થઈ જાય છે.
બ્રહ્માજી: ‘દેવી સરસ્વતી, ચાલો કૈલાસ જવાની તૈયારી કરો, અહીં દુર્ગમાસુરની અગનજ્વાળાઓ અશાંતિ ફેલાવી રહી છે.’
સમસ્ત દેવગણ, માતા સરસ્વતી અને બ્રહ્માજી કૈલાસ પહોંચે છે. માતા પાર્વતી ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે.
ભગવાન શિવ: ‘બ્રહ્માજી તમે અહીં કૈલાસ પર… શું તમને તમારી પૌત્રી પાર્વતીની યાદ આવી રહી છે.’
બ્રહ્માજી: ‘નહીં મહાદેવ, તમે ત્રિકાળ જ્ઞાની છે. શુક્રાચાર્ય અસુર સમાજના ઉત્થાન માટે ફરી કાર્યરત થઈ ગયા છે અને મહાકાય પરાક્રમી દુર્ગમાસુરને વરદાન માટે તપસ્યા કરી રહ્યો છે.’
ભગવાન શિવ: ‘બ્રહ્મદેવ, કોઈ અસુર તપસ્યા કરે તો તેને વરદાન આપવું અતિઆવશ્યક છે.’
બ્રહ્માજી: ‘મહાદેવ અહીં તમારે માર્ગ કાઢવો જ રહ્યો, તમને ખબર જ છે કે, દુર્ગમાસુર ચારેય વેદ અને આપણા ત્રિદેવના હાથે મૃત્યુ ન થાય તેવું વરદાન માગી રહ્યો છે.’
આ પણ વાંચો : શિવ રહસ્ય : દેવર્ષિ હું વરદાની છું મને સમજાવવાની કોશિશ ના કરો, પિતાની હત્યાનો બદલો અવશ્ય લઈશ!
ભગવાન શિવ: ‘શું વરદાન ન આપીને તમે અસુરસમાજને અન્યાય નથી કરી રહ્યા?’
બ્રહ્માજી: ‘જેવી શિવઇચ્છા, યોગ્ય સમયે હું એને મનવાંછિત વરદાન આપી દઈશ.’
માતા પાર્વતી: ‘વરદાન મળ્યા બાદ અસુર સમાજના ઉત્થાનના આંચળ હેઠળ દુર્ગમાસૂર દેવગણો અને પૃથ્વીવાસીઓને અન્યાય કરશે ત્યારે હું શિવઇચ્છાથી દુર્ગમાસુરને દંડ આપીશ.’
આટલું સાંભળતાં જ દેવગણો આનંદિત થઈ જાય છે અને માતા પાર્વતી અને ભગવાન શિવનો જયજયકાર કરતાં પોતપોતાના ધામ તરફ પ્રયાણ કરે છે.
(ક્રમશ:)



