કુલીન સ્ત્રીઓ પોતાના સતિત્વના બળે સ્વર્ગ પર વિજય પ્રાપ્ત કરી લે છે

શિવ રહસ્ય – ભરત પટેલ
રાજપાટ ખોઈ દીધા બાદ એક દિવસ નળ રાજાએ જોયું કે કેટલાક સોનેરી પાંખના પક્ષીઓ તેમની આસપાસ આવીને બેઠાં છે. નળે વિચાર્યું કે આ પક્ષીઓની પાંખમાંથી ઘણું ધન મેળવી શકાય એવું છે, એથી નળ રાજાએ પોતાનાં અંગ પરનું ધારણ કરેલું એકમાત્ર વસ્ત્ર ઉતાર્યું અને તે પક્ષીઓને પકડવા ફેંકયું, પણ એ પક્ષીઓ તો ભારે ચતુર નીકળ્યાં અને નળ રાજાએ ફેંકેલું વસ્ત્ર લઈને ઊડી ગયા.
હવે નળરાજા સાવ નિર્વસ્ત્ર થઈ ગયા હતા. વસ્ત્ર લઈને ઊડી ગયેલાં પક્ષીઓ બોલ્યાં, `હે મૂર્ખ રાજા અમે પક્ષીઓ નથી દ્યુતના પાસા છીએ.’ એક દિવસ નળ દમયંતીને તેમના પિયર કુંડીનપુર જતા રહેવા કહે છે, પણ પતિવ્રતા દમયંતી નળને એકલા છોડી જવા તૈયાર નહોતી. રાત થઈ થાકેલી દમયંતી ભર નિદ્રામાં પોઢાતાં નળ ત્યાંથી પલાયન થવાનો વિચાર કરે છે પણ તેના શરીર પર એક પણ વસ્ત્ર નહોતું. એટલે એક તલવારથી ધીરેધીરે દમયંતીનું અડધું વસ્ત્ર કાપી નાંખે છે અને તે વસ્ત્ર પહેરી નળ ત્યાંથી પલાયન થઈ જાય છે.
દુ:ખમાં ભાનભૂલેલી દમયંતી એક વિશાળકાય અજગરની પાસે પહોંચી જાય છે તેની ખબર પડતી નથી. અજગર દમયંતીના શરીર ફરતે ભરડો લે છે. દૂરથી જઈ રહેલા એક શિકારી જુએ છે કે એક સ્ત્રીને અજગર ગળી રહ્યો છે એ જોઈ એની સહાયતા માટે દોડી આવે છે અને અજગરથી બચાવી પોતાના ઘરે લઈ જાય છે. શિકારી દમયંતીની સુંદરતા અને મધુરતા પર કામમોહિત થઈ ચૂક્યો હોવાની સમજ થતાં દમયંતી તેને શ્રાપ આપતાં કહે છે કે, `જો હું પતિવ્રતા સ્ત્રી હોઉં તો હે અગ્નિદેવ આ કામમોહિત થઈ ચૂકેલા પુરુષને ભસ્મ કરી દો.’ શ્રાપના શબ્દો દમયંતીના મુખથી નીકળતાં જ શિકારી બળીને ભસ્મ થઈ જાય છે.
બીજી તરફ રાજા નળ જંગલમાં અગન જ્વાળાઓ જોતાં ચોંકી ઉઠે છે, એ અગન જ્વાળાઓમાંથી તેમને અવાજ આવી રહ્યો હતો કે, હે નળરાજા, બચાવો મને.' રાજા નળ એ અગન જ્વાળાઓમાં ઘૂસી જતાં જુએ છે કે નાગરાજ કર્કોટક ગૂંચળું વળીને બેસેલા છે. નળ રાજાને તે કહે છે, હું કર્કોટક સર્પ છું દેવર્ષિ નારદે મને શાપ આપ્યો છે કે જ્યાં સુધી નળરાજા તમને ઊંચકશે નહીં ત્યાં સુધી તમે અહીંથી હલી શકશો નહીં. રાજા નળ કર્કોટક સર્પને ઊંચકીને બહાર લાવતાં કર્કોટક સર્પ તેમને ડંખે છે. કર્કોટક કહે છે,
માફ કરજો રાજા નળ મેં તમને ડંખ માર્યો છે, આ ડંખ તમને કોઈ ઓળખે નહીં એ માટે માર્યો છે. આ રૂપમાં તમે અયોધ્યા જઈ દ્યુતકલામાં કુશલ એવા રાજા ઋતુપર્ણાને તમારી અશ્વવિદ્યા દેખાડી મિત્ર બનાવજો અને ત્યારબાદ દ્યુતકલામાં નિપૂણ થઈ તમારું રાજ-પાટ પાછું મેળવજો.
કુંડીનપુરના રાજા ભીમને સમાચાર મળ્યા કે તેમની પુત્રી અને જમાઈ રાજ્યચ્યુત થઈને વનપ્રસ્થાન થઈ ગયાં છે. તેમણે એમના રાજ્યના એક હજાર બ્રાહ્મણોને પુત્રી દમયંતી અને જમાઈ નળને શોધવા મોકલ્યા. એક તરફ પતિ વિરહથી માનસિક પિડા ભોગવી રહેલી દમયંતી ચેદી રાજ્ય પહોંચે છે. રાજમાર્ગ પર દમયંતીને બાળકો સતાવી રહ્યા છે એ જોઈ રાજમાતા અને રાણી ઇન્દુમતી વિચારે છે કે આ સ્ત્રી કોઈ મોટા ખાનદાનની દેખાય છે.
દાસીઓને મોકલી દમયંતીને રાજમહેલમાં આશ્રય આપે છે. બીજી તરફ કર્કોટક સર્પ દ્વારા મળેલા ડંખથી નવા રૂપે રાજા નળ અયોધ્યા નગરીના રાજા ઋતુપર્ણ્ાને મળે છે અને તેમને પોતાની અશ્વવિદ્યા વિશે જાણ કરે છે. અશ્વ વિદ્યામાં પારંગત એવા રાજા નળને તેઓ પોતાના અશ્વોની દેખરેખ માટે નિયુક્ત કરે છે.
કુંડીનપુરથી નીકળેલા એક હજાર બ્રાહ્મણોમાંથી એક સુદેવ નામનો બ્રાહ્મણ ચેદી રાજ્ય પહોંચે છે એને ખબર પડે છે કે રાજમહેલમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સુદેવ વિચારે છે કે આ યજ્ઞમાં હજારોની સંખ્યામાં નગરજનો સામેલ થશે, મારે ત્યાં રાજકુમારી દમયંતીની શોધ કરવી જોઈએ. પુણ્યહવાચન ચાલુ હતું ને રાજમાતા અને રાણી ઇન્દુમતીની બાજુમાં તેની રાજકુમારી દમયંતી તેમની બાજુમાં બેસેલી જોઈ. હળવેથી સુદેવ બ્રાહ્મણ દમયંતીની બાજુમાં આવ્યો.
સુદેવ: વિદર્ભનંદિનીની જય હો. હું તમારા ભાઈ સાનદનો મિત્ર સુદેવ બ્રાહ્મણ છું તમને શોધવાની જવાબદારી તમારા પિતા રાજા ભીમે મને આપી છે.' આટલું સાંભળતા દમયંતી ડુસકે ડુસકે રડવા માંડી એ જોઈ રાજમાતા ઇન્દુમતી સુદેવને પૂછે છે કે.
તમે આને ઓળખો છો?’
સુદેવ બ્રાહ્મણ કહે છે કે, આ કુંડીનપુરના રાજા ભીમની પુત્રી દમયંતી છે.
રાજમાતાએ દમયંતીને છાતી સરસી ચાંપીને કહ્યું, `પુત્રી તારી માતા અને હું સગી બહેનો છીએ, અમે બંને દર્શાણ દેશના રાજા સુદામાની પુત્રીઓ છીએ.’
પોતાની પુત્રી સમાન દમયંતીને દાસી તરીકે પોતાના રાજમહેલમાં રાખી હોવાથી તે ક્ષોભ અનુભવે છે અને રાસ-રસાલા સાથે દમયંતીને કુંડીનપુર છોડવા રાજમાતા પોતે તેની સાથે જાય છે.
કુંડીનપુર પહોંચતા દમયંતીનું બંને બાળકો સાથે મિલન થાય છે. જમાઈ રાજા નળના વાવડ ન મળતાં રાજા ભીમ ફરી પોતાના હજાર બ્રાહ્મણોને રાજા નળને શોધવા મોકલે છે. બ્રાહ્મણો જતા પહેલાં દમયંતી પાસેથી સલાહ-સૂચન માગે છે.
દમયંતીએ બ્રાહ્મણોને કહ્યું: તમે જે પણ રાજ્યમાં જાવ ત્યાં લોકોની ભીડ વચ્ચે બોલજો કે, હે,
મારા કપટી પ્રેમી, તમે મારા વસ્ત્રનો જે અર્ધો ભાગ ફાડીને તમારી દાસીને જંગલમાં નિદ્રાધીન અવસ્થામાં મૂકી જતા રહ્યા છો એ જ અર્ધું વસ્ત્ર લપેટીને તમારી રાહ જોઈ રહી છું.’ આ સાંભળી કોઈ તમને કંઈ જવાબ આપે તો તમે જાણી લેજો કે એ કોણ છે અને ક્યાં રહે છે.
હજાર બ્રાહ્મણ રાજકુમારી દમયંતીની સલાહ-સૂચન સાંભળી અલગ અલગ દેશમાં નીકળી પડયા. થોડા સમય બાદ પર્ણાદ નામનો બ્રાહ્મણ પરત આવ્યો અને દમયંતીને મળ્યો.
પર્ણાદ: `હું તમારા સૂચન મુજબ નિષેધ નરેશ રાજા નળને શોધવા અયોધ્યા નગરી પહોંચી ગયો. ત્યાં રાજા ઋતુપર્ણ પાસે ગયો અને તેમની ભરીસભામાં તમારો મુદ્દો પુનરાવર્તિત કર્યો. રાજસભામાં કોઈએ જવાબ આપ્યો નહીં પણ હું ત્યાંથી વિદાય લઈ રહ્યો હતો ત્યારે અયોધ્યા નરેશ ઋતુપર્ણનો બાહુક નામના સારથીએ મને એકાંતમાં બોલાવી કહ્યું કે, આમાં રાજા નળનો કોઈ દોષ નથી, કુલીન સ્ત્રીઓ પોતાના સતિત્વના બળે સ્વર્ગ પર વિજય પ્રાપ્ત કરી લે છે.’
પર્ણાદને રાજા ભીમે યોગ્ય પુરસ્કાર આપી વિદાય કર્યો. દમયંતીને લાગ્યું કે આવા પ્રકારનો ઉત્તર રાજા નળ જ આપી શકે. તેમણે તેમના પિતા રાજા ભીમને કહ્યું કે, `સુદેવ બ્રાહ્મણને બોલાવી અયોધ્યા મોકલો અને તેને કહો કે ત્યાં જઈ રાજા ઋતુપર્ણને કહે કે, આવતીકાલે વિદર્ભનંદિની દમયંતીનો સ્વયંવર છે. તમારે સ્વયંવરમાં ભાગ લેવાનો છે. 100 જોજનનું અંતર ફક્ત અશ્વવિદ્યાના નિપૂણ રાજા નળ જ કાપી શકે.
બીજે દિવસે રાજા ઋતુપર્ણ એમના સારથી બાહુક સાથે પહોંચે તો સમજવું કે બાહુક જ રાજા નળ છે. બધી વાત સમજી સુદેવ બ્રાહ્મણ તુરંત અયોધ્યા પહોંચી રાજા ઋતુપર્ણને સ્વયંવરમાં પહોંચવા માટેનું આમંત્રણ આપે છે. રાજા ઋતુપર્ણ સારથી બાહુકને કહે છે કે તમારે આવતી કાલ સુધીમાં મને વિદર્ભદેશ પહોંચાડવાનો છે, સારથી બાહુક કહે છે કે હું તમને આવતીકાલ સુધીમાં વિદર્ભદેશ પહોંચાડીશ પણ તમારે એ સફર દરમિયાન મને પાસાંઓનાં દ્યુતકલાનું વિજ્ઞાન શિખવવું પડશે. રાજા ઋતુપર્ણ શરત સ્વીકારતાં સારથી બાહુક ચાર ઉચ્ચપ્રકારના અશ્વની પસંદગી કરી રથ તૈયાર કરે છે. સારથી બાહુક પવન વેગે રથ ચલાવે છે અને રાજા ઋતુપર્ણ પ્રવાસ દરમિયાન પાસાંઓનાં દ્યુતકલાનું વિજ્ઞાન તેને આપે છે. (ક્રમશ:)