ધર્મતેજ

હું ચાહું છું કે હિરણ્યાક્ષ તમે દેવગણો પર આક્રમણ કરીસ્વર્ગલોકને જીતી પૃથ્વીને પાતાળલોકમાં લઈ જાવ

શિવ રહસ્ય – ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
હિરણ્યાક્ષ અને તેની પત્ની રુસભાનું નવજાત બાળકને લઈ રાજ મહેલ પહોંચે છે. રાજવૈદ્ય નવજાત બાળકને જોવા રાજમહેલ પધારે છે. તેઓ હિરણ્યાક્ષ અને રાણી રુસભાનુંને જણાવે છે કે તેમનો પુત્ર અંધ છે. હિરણ્યાક્ષ કહે છે, હે મહાદેવ, મારી ભક્તિમાં શું કમી હતી કે તમે આપેલા વરદાનનો પુત્ર અંધ હોય. જો મારો પુત્ર અંધ નીકળ્યો અને મારી સાથે છેતરપિંડી થઈ હશે તો હું સમસ્ત પૃથ્વીને રસાતાળ કરી દઈશ.' કૈલાસ ખાતે માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે,સ્વામી હું જાણવા માગું છું કે તમારા મદ-જલ (પરસેવા)થી ઉત્પન્ન થયેલ બાળક કેવું હશે.’ તેના જવાબમાં ભગવાન શિવ કહે છે, દેવી મદ-જલ(પરસેવો) શ્રમ, ગરમી, ભય કે ક્રોધ દ્વારા અશુદ્ધ તત્ત્વને લઈને નીકળતો હોવાથી આ બાળક મહાપરાક્રમી અસુરીવૃત્તિ ધરાવતો હશે અને તેમની ઉત્પત્તિ વખતે થયેલા અંધકારથી એ અંધ છે. અંધ બાળક મળવાથી હિરણ્યાક્ષની આસુરીવૃત્તિ પરાકાષ્ઠાએ જશે અને તેને મળનારા સંસ્કારને કારણે અંધક સૃષ્ટિમાં વિનાશ સર્જશે. નિયમિત રીતે સારવાર બાદ પણ બાળકનું અંધત્વ દૂર કરી શકાતું નથી. બાળક અંધ હોવાથી દરેક જણ તેને અંધક તરીકે બોલાવે છે. અંધક અંધ હોવાથી નગરનાં અન્ય બાળકો તેની ઉપેક્ષા કરતા હતા, કોઈ પણ રમતમાં તેને રમડતા ન હતાં, એકલતાથી તેનું મન અસુરીવૃત્તિ તરફ વધતું જતું હતું, અંધકને અવાજ આવી રહ્યો હતો કે થોડે દૂર અન્ય બાળકો મટકાફોડ ખેલ રમી રહ્યા છે. તે ત્યાં પહોંચી રમાડવા માટે કહે છે, અન્ય બાળકો એવું વિચારે છે કે અંધક શું માટલું ફોડવાનો? એટલે તેઓ અંધકની આંખ પર પટ્ટી બાંધે છે અને રમતની મધ્યમાં તેને દાંડો આપી ઊભો રાખે છે. અંધકની આસુરીવૃત્તિ તેના મસ્તકમાં ચાલી રહી હોય છે. એક બાળક હંમેશાં અંધકની ઠેકડી ઉડાવતો હોવાથી અંધક તેનો અવાજ સાંભળીને તેની તરફ ઉછળે છે અને તેના મસ્તક પર એ દંડાનો પ્રહાર કરે છે. બાળકના માથા પર દંડો પડતાં જ બાળક ગંભીરરૂપે જખ્મી થાય છે અન્ય બાળકો આ જોઈ ભાગી જાય છે અને અંધક પોતાની આસુરીવૃત્તિની શરૂઆત કરી હિરણ્યાક્ષ પાસે પહોંચે છે. અંધક:પિતાશ્રી હું અન્ય બાળકો સાથે મટકાફોડ રમતો હતો અને એ દરમિયાન મારાથી ભૂલમાં એક બાળકના મસ્તક પર દંડો મરાતાં એ જખ્મી થયો છે એની તુરંત સારવાર કરવામાં આવે.’


દિવસે ને દિવસે અંધકની આસુરીવૃત્તિ વધતી જઈ રહી હતી. અસુરમાતા દિતી અંધકની અસુરીવૃત્તિ જોવા તેમના મહેલ પર પધારે છે. માતા દિતી અંધકને જોઈ અત્યંત પ્રસન્નતા અનુભવે છે અને કહે છે
માતા દિતી: પુત્ર હિરણ્યાક્ષ તમે અસુર માતાના પુત્ર છો તમે તમારા પિતાના માર્ગે ચાલીને મારી મહેચ્છાને પૂર્ણ વિરામ મૂકી દીધો છે. હું ચાહું છું કે હવે તમારો પુત્ર અંધક યુવાન થઈ ગયો છે તમારે નગરની જવાબદારી આપીને દેવગણો પર આક્રમણ કરી સ્વર્ગલોક જીતી પૃથ્વીને પાતાળલોકમાં લઈ જવી જોઈએ, જેથી દરેક પૃથ્વીવાસીઓ તમારા દાસ બની જાય. હિરણ્યાક્ષ:જેવી આજ્ઞા માતા.’
માતાની આજ્ઞા લઈ હિરણ્યાક્ષ સમસ્ત સંસારના અસુરોને જમા કરે છે અને પ્રથમ સ્વર્ગલોક પર આક્રમણ કરે છે. સ્વર્ગલોક ખાતે દેવગણો ખૂબ ખંતથી યુદ્ધ કરે છે પણ અસુરોની સંખ્યાથી ગભરાઈને આસ્તે આસ્તે દેવગણો પલાયન થવા માંડે છે. દેવરાજ ઇન્દ્ર જોઈ રહ્યા છે દેવગણોની સંખ્યા ઓછી થઈ રહી છે એટલે તેઓ પણ સ્વર્ગથી પલાયન કરે છે. સ્વર્ગલોક પર વિજય મળવાથી હિરણ્યાક્ષ અને અસુરોનું મનોબળ ખૂબ ઊંચું થઈ જાય છે. સ્વર્ગલોક પર મળેલા વિજયથી હિરણ્યકશ્યપુ પણ ગેલમાં આવી જાય છે અને તે પૃથ્વીલોક પર ઋષિ-મુનીઓ પર આક્રમણ કરી તેમને રંજાડે છે. ત્યારબાદ સ્વર્ગલોકના અસુરો પણ પૃથ્વીલોક પર આવી દમન કરે છે. પૃથ્વીવાસીઓ ત્રાહિમામ પોકારે છે. હિરણ્યાક્ષ પોતાને મહાકાયરૂપમાં પરિવર્તિત કરે છે અને પૃથ્વીને પાતાળમાં લઈ જવાની કોશિશ કરે છે પણ પૃથ્વી નીચે જતી નથી. હિરણ્યાક્ષને અસુરગુરુ શુક્રાચાર્ય સમજાવે છે કે જ્યાં સુધી કૈલાસ પર્વત પૃથ્વી પર છે ત્યાં સુધી પૃથ્વીને પાતાળલોક લઈ જવાશે નહીં. હિરણ્યાક્ષ કૈલાસ પર્વતને પોતાના હાથે સ્થિર રાખી પૃથ્વીને નીચેની તરફ ધકેલે છે. એમાં તેને સફળતા મળતાં કૈલાસ સ્થિર રહે છે અને તે પૃથ્વીને પાતાળલોક લઈ જવામાં સફળ થાય છે.
સમસ્ત દેવતાગણ ભગવાન વિષ્ણુની આરાધના કરે છે. ભગવાન વિષ્ણુ તુરંત પરાક્રમી યજ્ઞમય વિકરાળ વારાહમય શરીર ધારણ કરી લાંબા મુખથી અનેક પ્રકારે પૃથ્વીને વિદીર્ણ કરીને પાતાળ લોકમાં પહોંચે છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુનું વિકારળ રૂપ જોઈ અસુરો ગભરાઈ જાય છે, ભગવાન વિષ્ણુ પોતાના વજ્રના પ્રહારથી કરોડો અસુરોને ઘમરોળી નાખે છે. આ જોઈ હિરણ્યાક્ષ ત્યાં આવી પહોંચે છે તે જુએ છે કે કોઈ વરાહરૂપી તેને લલકારી રહ્યું છે. હિરણ્યાક્ષ પોતાનાં અસ્ત્રો સાથે ભગવાન વિષ્ણુ પર આક્રમણ કરે છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ કરોડો સૂર્યો સમાન પ્રકાશમાન સુદર્શન ચક્રથી હિરણ્યાક્ષના પ્રજ્વલિત મસ્તકને કાપી લે છે અને ત્યાં રહેલા કરોડો અસુરોને સળગાવીને ભસ્મ કરે દે છે. ત્યાં કોઈ અસુર ન બચવાથી કોઈ સામે દેખાતું નથી વરાહરૂપી લાંબા મુખવાળા ભગવાન શ્રીહરિ વિષ્ણુ પોતાના બે દાંત વચ્ચે પૃથ્વીને ઊંચકીને બહાર લાવે છે અને ફરી એની જગ્યાએ પ્રસ્થાપિત કરે છે.


પૃથ્વીલોક ફરી પ્રસ્થાપિત થતાં દેવરાજ ઇન્દ્ર અને દેવગણો ફરી સ્વર્ગલોક પહોંચે છે અને રાજકારભાર સંભાળી લે છે. બીજી બાજુ અસુર પક્ષે હિરણ્યાક્ષના માર્યા જવાથી હિરણ્યકશ્યપુ શોકમાં ક્રોધથી રાતો-પીળો થઈ જાય છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુને તે પોતાના શત્રુ માનવા માંડે છે અને પોતાના અસુરોને આદેશ આપે છે કે વિષ્ણુને પોતાના આરાધ્ય માનનારી પ્રજા અને ઋષિ મુનીઓને પ્રતાડિત કરવામાં આવે. સંહારપ્રિય અસુર સ્વામીની આજ્ઞાને માથે ચઢાવી ઋષિ અને માનવોનો વિનાશ કરવા લાગ્યા. બીજી બાજુ તેણે વિચાર કર્યો કે `હું અજય, અજર અને અમર થઈ જાઉં, મારું જ એકછત્ર રાજ રહે અને મારો પ્રતિદ્વન્દી કોઈ જ ન રહે’ એમ વિચારી મંદરાચલ પર્વત પર તપસ્યા કરવા ગયો. ત્યાં એક ગુફામાં બ્રહ્માજીની અત્યંત ઘોર તપસ્યા કરવા લાગ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button