ધર્મતેજ

જો મારો પુત્ર અંધ નીકળ્યો અને મારી સાથે છેતરપિંડી થઈ હશે તો હું સમસ્ત પૃથ્વીને રસાતાળ કરી દઈશ: હિરણ્યાક્ષ

શિવ રહસ્ય – ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)

માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ વૈકુંઠ લોક પહોંચે છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ નાગશૈયા પર બિરાજમાન થાય છે માતા લક્ષ્મી તેમની પાસે બેસી માફી માંગતા કહે છે, ‘સ્વામી મેં તમારા પ્રેમ પર સંદેહ કર્યો, મને માફ કરો.’ પ્રસન્ન મુદ્રામાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ કહે છે ‘દેવી મેં તમારા મસ્તિષ્કમાં રહેલા સંદેહને દૂર કરવા જ આ લીલા રચી હતી, ઘણો સમય થઈ ગયો છે હવે મારે ધ્યાનમગ્ન થવું છે.’ એટલું કહી ભગવાન શ્રીહરિ વિષ્ણુ પોતાના નેત્રો બંધ કરી ધ્યાનમગ્ન થઇ જાય છે. સામે કૈલાસ ખાતે માતા પાર્વતી અને ભગવાન શિવ ચોસરની રમત રમતા હોય છે, ભગવાન શિવ પાંસા ફેંકવા જાય છે એ જ સમયે માતા પાર્વતી નર્મક્રીડાવશ ભગવાન શિવની આંખો બંધ કરી દે છે. ભગવાન શિવના નેત્રો બંધ થઈ જતાં સમગ્ર સંસારમાં અંધારુ ફેલાઈ જાય છે અને તેમનું ત્રીજું નેત્ર ખૂલી જતાં મ્ાાતાના હાથ અને મહાદેવના આંખના વચ્ચેથી મદ-જલ (પરસેવો) પ્રગટ થાય છે અને તે મદ-જલ(પરસેવા)ના ટીપા થોડી જ ક્ષણોમાં જમીન પર પડે છે અને તે હિમાલયના જળમાં વહેવા માંડે છે. આ મદ-જલ(પરસેવા)ના ટીપા હિમાલયના જળમાં એક ગર્ભનું ધારણ કરે છે. આ જોઈ દેવર્ષિ નારદ પરમપિતા બ્રહ્મદેવ પાસે પહોંચે છે, બ્રહ્મદેવ કહે છે, ‘હે પુત્ર નારદ, સૃષ્ટિની રચના વખતે જન્મ લેનાર જીવના ગુણધર્મનો સંબંધ તેનો જન્મકાળ અને જીવઉત્ત્પત્તિ પર નિર્ભર છે. આ જીવ દૈવિક ઉર્જા અને મદ-જલ(પરસેવા)સાથે સંબંધ છે, મદ-જલ(પરસેવો) શરીરથી ત્યાગેલો તત્વ છે જે શ્રમ, ગરમી, ભય કે ક્રોધ દ્વારા ઉત્પન્ન થયેલો હોય છે અને મદ-જલ(પરસેવો) અશુદ્ધ તત્વને લઈને નીકળતો હોવાથી આ જીવ કલ્યાણકારી નહીં હોય. પૃથ્વી લોક પર ઘણા સમયથી નદી કિનારે અસુર હિરણ્યાક્ષ અને તેની પત્ની રુસભાનુ ભગવાન શિવની આરાધના કરતા હોય છે, તેમની આરાધનાનો ધ્વની કૈલાસ સુધી પહોંચતા ભગવાન શિવ તેમને વરદાન માંગવાનું કહે છે. હિરણ્યાક્ષ વરદાનમાં પુત્રની કામના કરતાં ભગવાન શિવ તેમને કહે છે ‘હે દૈત્યરાજ તમારા ભાગ્યમાં તમારા વીર્યથી ઉત્પન્ન થનાર પુત્ર તો નથી લખાયો, પરંતુ હું તમને એક પુત્ર આપું છું, એ મારો જ પુત્ર છે, સામે વહેતી નદી પાસે જાઓ તમારું કલ્યાણ થશે.’ હિરણ્યાક્ષ અને તેની પત્ની નદી તરફ દોટ મૂકે છે અને ત્યાં જુએ છે કે એક બાળક તેમની પ્રતિક્ષા કરી રહ્યું છે. હિરણ્યાક્ષ અને તેની પત્ની એ બાળકને સહર્ષ અપનાવે છે અને તેઓ પોતાના મહેલ તરફ પ્રયાણ કરે છે.

હિરણ્યાક્ષ અને તેની પત્ની રુસભાનું નવજાત બાળકને લઈ રાજ મહેલ પહોંચે છે. હિરણ્યાક્ષ અને તેની પત્ની તુરંત રાજસભામાં પહોંચે નવજાત બાળકને જોવા નગરજનો ઊમટી પડે છે અને નગરમાં ઉલ્લાસ સાથે મહોત્સવ ઉજવાય છે. થોડા દિવસો બાદ રાજવૈદ્ય નવજાત બાળકને જોવા રાજમહેલ પધારે છે. તેઓ જુએ છે કે બાળક અંધ છે. તેઓ હિરણ્યાક્ષ અને રાણી રુસભાનુંને તેમના કક્ષમાં લઈ જઈ જણાવે છે કે તેમનો પુત્ર અંધ છે. રાણી રુસભાનુના માથે દુ:ખનો પહાડ તૂટી પડે છે. હિરણ્યાક્ષ કહે છે, ‘હે મહાદેવ, મારી ભક્તિમાં શું કમી હતી કે તમે આપેલા વરદાનનો પુત્ર અંધ હોય. જો મારો પુત્ર અંધ નીકળ્યો અને મારી સાથે છેતરપિંડી થઈ હશે તો હું સમસ્ત પૃથ્વીને રસાતાળ કરી દઈશ.’

કૈલાસ ખાતે માતા પાર્વતી જોઈ રહ્યા છે કે ભગવાન શિવના મદ-જલ(પરસેવા)ના ટીપા હિમાલયના જળમાં એક ગર્ભનું ધારણ થયું હતું અને તે ગર્ભ એક બાળક તરીકે જન્મ લીધા બાદ હિરણ્યાક્ષ અને રુસભાનું તેનું પાલન કરી રહ્યા છે, પણ ત્યારથી અહીં ભગવાન શિવ એક ક્રોધિત સ્વરૂપે તપ કરી રહ્યા છે.
માતા પાર્વતી: ‘સ્વામી જાગો મારે તમારી સાથે ચર્ચા કરવી છે.’
ભગવાન શિવ: ‘બોલો પાર્વતી.’
માતા પાર્વતી: ‘સ્વામી હું જાણવા માંગું છું કે તમારા મદ-જલ (પરસેવા)થી ઉત્પન્ન થયેલ બાળક કેવું હશે.’

ભગવાન શિવ: ‘દેવી આ બાળકનો આપણી ઉર્જા અને મદ-જલ(પરસેવા)સાથે સંબંધ છે, મદ-જલ(પરસેવો) શ્રમ, ગરમી, ભય કે ક્રોધ દ્વારા અશુદ્ધ તત્વને લઈને નીકળતો હોવાથી આ બાળક મહાપરાક્રમી અસુરીવૃત્તિ ધરાવતો હશે અને તેમની ઉત્પત્તિ વખતે થયેલા અંધકારથી એ અંધ છે. અંધ બાળક મળવાથી હિરણ્યાક્ષની આસુરીવૃત્તિ પરાકાષ્ઠાએ જશે અને તેને મળનારા સંસ્કારને કારણે અંધક સૃષ્ટિમાં વિનાશ સર્જશે.

અહીં હિરણ્યાક્ષના રાજમહેલમાં રાજવૈદ્ય બાળકનું અંધત્વ દૂર કરવા દરેક પ્રકારની વૈદ્યકિય પ્રક્રિયા શરૂ કરે છે, નિયમિત રીતે પ્રક્રિયા કરવા બાદ પણ બાળકનું અંધત્વ દૂર કરી શકાતું નથી. બાળક અંધ હોવાથી દરેક જણ તેને અંધક તરીકે બોલાવે છે. સમય આગળ વધતો ગયો અને અંધક પાંચ વર્ષનો થઈ ગયો. તે અંધ હોવાથી નગરના અન્ય બાળકો તેની ઉપેક્ષા કરતા હતા, કોઈ પણ રમતમાં તેને રમડતા ન હતાં, તે એકલતા અનુભવી રહ્યો હતો અને હવે તેનું મન અસુરીવૃત્તિ તરફ વધવા જઈ રહ્યું હતું. તેની અસુરીવૃત્તિનો પહેલો શિકાર એક બાળક બનવા જઈ રહ્યો હતો.
અંધકને અવાજ આવી રહ્યો હતો કે થોડે દૂર અન્ય બાળકો કંઈ ખેલ રમી રહ્યા છે. તે ત્યાં પહોંચે છે.
અંધક: ‘મિત્રો તમે કયો ખેલ રમી રહ્યા છો, શું તમે મને તમારા ખેલમાં સામેલ કરશો.’
અન્ય બાળક: ‘મિત્રો આપણે તો આંખ પર પટ્ટી બાંધી મટકાફોડ રમી રહ્યા છીએ અને અંધક તો અંધ છે અને આ રમતમાં સામેલ કરવો જોઈએ.’

આટલું સાંભળતા જ અંધકની આસુરીવૃત્તિ છલકાઈ આવે છે અને કહે છે, ‘મને દાંડો આપવામાં આવે હું મટકું અવશ્ય ફોડીશ.’
અન્ય બાળક અંધકની આંખ પર પટ્ટી બાંધે છે અને રમતની મધ્યમાં તેને દાંડો આપી ઊભો રાખે છે. અંધકની આસુરીવૃત્તિ તેના મસ્તકમાં ચાલી રહી હોય છે. રમી રહેલા અન્ય બાળકોમાં એક બાળક હંમેશા અંધકની ઠેકડી ઊડાવતો હોય છે, એટલે અંધક તેનો અવાજ સાંભળીને તેની તરફ ઉછળે છે અને તેના મસ્તક પર એ દંડાનો પ્રહાર કરે છે. બાળકના મથા પર દંડો પડતાં જ બાળક ગંભીરરૂપે જખ્મી થાય છે અન્ય બાળકો આ જોઈ ભાગી જાય છે અને અંધક પોતાની આસુરીવૃત્તિની શરૂઆત કરી હિરણ્યાક્ષ પાસે પહોંચે છે.

અંધક: ‘પિતાશ્રી હું અન્ય બાળકો સાથે મટકાફોડ રમતા હતા અને એ દરમિયાન મારાથી ભૂલમાં એક બાળકના મસ્તક પર દંડો મરાતાં એ જખ્મી થયો છે એની તુરંત સારવાર કરવામાં આવે.’
હિરણ્યાક્ષને ગંભીરતા સમજાતા
બાળકની સારવાર કરવા રાજવૈદ્યને આદેશ આપે છે (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button