ધર્મતેજ

જો આપને મારા આ શ્યામ વર્ણ ઉપર પ્રેમ થઈ ગયો હોય કે મારી મજાક કરી હોય તો મારું જીવન વ્યર્થ છે

શિવ રહસ્ય – ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
હિમાલયની હારમાળામાં બે અસુર પુત્રો તપસ્યામાં લીન હોય છે, તેમને જોઈ દેવરાજ ઇન્દ્ર સહિત દેવગણો ચિંતિત થાય છે. એ સમયે ત્યાં દેવર્ષિ નારદ ત્યાં પધારે છે. દેવરાજ ઇન્દ્ર તેમને કહે છે, `દેવર્ષિ જુઓ આ બંને અસુરો શુંભ-નિશુંભ છે, તેઓ બ્રહ્માજીની તપસ્યા કરી રહ્યા છે અને વરદાન મેળવતા જ ત્રણે લોક પર રાજ કરવા ઉત્સુક થશે.

વરદાન મળતાં જ દરેક અસુર એ કાર્ય કરે છે, હવે અમારે શું કરવું એનું માર્ગદર્શન આપો.’ દેવર્ષિ નારદ તેમને જણાવે છે કે, દેવગણો તમે ગમે એટલી કોશિષ કરશો તો યે જે થશે એ ત્રિદેવોની ઇચ્છા મુજબ જ થશે.' તે સમયે વરુણદેવ કહે છે,દેવર્ષિ તમે અમારી સાથે ચાલો આપણે બ્રહ્માજીને વરદાન ન આપવાની વિનંતી કરીશું.’ તેમની વાતમાં નનૈયો ભણતાં દેવર્ષિ નારદ કહે છે, દેવગણો તમારી સાથે રહેવામાં મેં ઘણીવાર ત્રિદેવોનો ગુસ્સો સહન કરવો પડયો છે, મને માફ કરો હું તો ચાલ્યો સમાજઉત્કર્ષના કામ માટે.' આટલું કહી દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લે છે. અંતે દેવરાજ ઇન્દ્ર અને દેવગણો વૈકુંઠલોક પહોંચે છે. દેવગણોને ઉપસ્થિત થયેલા જોઈ ભગવાન શ્રીહરિ વિષ્ણુ કહે છે,દેવરાજ, તમારું વૈકુંઠલોક આવવાનું પ્રયોજન મને ખબર છે.

જે લોકો પોતાને મદદ કરવા તત્પર હોય છે તેને હું હંમેશા મદદ કરું છું, નિશ્ચિંત રહો પ્રકૃત્તિની ઇચ્છાએ હંમેશા તમારી પડખે જ રહીશ.’ સામે પક્ષે શુંભ-નિશુંભની તપસ્યાનો ધ્વનિ બ્રહ્મલોક સુધી પહોંચવા માંડતા બ્રહ્મદેવ ઉપસ્થિત થાય છે. બ્રહ્માજી કહે છે, શુંભ-નિશુંભ, આંખ ખોલો, બોલો શું વરદાન જોઈએ છે.' શુંભ કહે છે,અમને એવી શક્તિ આપો કે, દેવ, દાનવ, માનવ, પશુ કે પક્ષી કોઈનામાં એવી અપાર શક્તિ ન હોય.’ તો નિશુંભ કહે છે અમને અમરતાનું વરદાન આપો, અમને એવો અધિકાર જોઈએ છે કે ત્રણે લોકમાં કોઈની પાસે ન હોય.' આટલું સાંભળી બ્રહ્માજી કહે છે,શુંભ-નિશુંભ તમે તો અસંખ્ય વરદાન માંગી લીધા, હું તમને એક જ વરદાન આપી શકું છું, તમે બંને એકસાથે વિચાર કરી એક વરદાન માંગો, એટલું અવશ્ય ધ્યાન રાખો કે જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, તમે એવું વરદાન માંગો કે જેથી તમારું મૃત્યુ લંબાય.’આટલું સાંભળતાં નિશુંભ કહે છે, `હે પરમપિતા મને એવું વરદાન આપો કે કોઈ પુરુષ ન મારી શકે અને કોઈ સ્ત્રી તો મારી શકવાની નથી, અમે અમર થઈ જશું.’ બ્રહ્માજી તથાસ્તુ કહી ત્યાંથી વિદાય લે છે.


મંદરાચલ પર્વત પર મંદરાચલને વિષમુક્ત કરતાં જ મંદરાચલના વાતાવરણમાં એ વિષ ફેલાઈ જાય છે. એ વિષના પ્રભાવથી માતા પાર્વતી શ્યામવર્ણા થઈ જાય છે. કૈલાસ પરત ફરતાં માતા પાર્વતીને શ્યામવર્ણા થઈ ગયેલા જોઈ શિવગણો ચિંતામાં ગરકાવ થઈ જાય છે. ભગવાન શિવને જ્ઞાત છે કે માતા પાર્વતી મંદરાચલના વિષથી શ્યામવર્ણા થઈ ગયા છે.

શિવગણોને કંઈક ચિંતામાં જોઈ માતા પાર્વતી અસ્વસ્થતા અનુભવે છે. તેઓ સુયશા
(નંદીના પત્ની)ને પૂછે છે કે, શિવગણો કોઈ ચિંતામાં છે:
સુયશા: `માતા તમે ગૌરવર્ણા હતા પણ મંદરાચલથી આવ્યા બાદ શ્યામવર્ણા થઈ ગયા છો એટલે શિવગણો ચિંતિત છે.’
અચંબિત માતા પાર્વતી તુરંત ગૌરીકુંડ પહોંચે છે, તેઓ જુએ છે કે પોતે ગૌરવર્ણાથી શ્યામવર્ણા થઇ ગયા છે. માતા પાર્વતી તુરંત ભગવાન શિવ પાસે પહોંચે છે.

માતા પાર્વતી: સ્વામી મંદરાચલના વિષથી હું શ્યામવર્ણી થઈ ગઈ છું, મને તુરંત ગૌરવર્ણી બનાવવામાં આવે.' ભગવાન શિવ:પાર્વતી હું તમને ગૌરવર્ણી નહીં બનાવી શકું, એ માટે મારે જ પ્રયત્ન કરવો પડશે, પણ હું તમને એટલું જણાવીશ કે તમે શ્યામવર્ણા હોવા છતાં ખૂબ જ સુંદર છો.’

પતિની વાત સાંભળી માતા પાર્વતી કૂપિત થઈ ગયા અને પતિદેવને સમાધાનરહિત વાણીમાં બોલ્યા
માતા પાર્વતી: `હે સ્વામી, જો આપને મારા આ કાળા રંગ ઉપર પ્રેમ થઈ ગયો હોય અથવા તમે મારી ચેષ્ટા કરી હોય તો મારું જીવન વ્યર્થ છે. આપની ચેષ્ટાથી હું શ્યામવર્ણનો ત્યાગ કરીશ અથવા સ્વયં જ નહીં રહું.
આવું કહીને દેવી પાર્વતી તપસ્યા માટે દૃઢ નિશ્ચય કરીને ગદ્ગદ્ કંઠે જવાની આજ્ઞા માંગી.

અનિચ્છાએ પ્રેમ-ભંગ થવાથી ભયભીત થઈને ભગવાન શિવ સ્વયં માતા પાર્વતીને પ્રણામ કરતાં બોલ્યા: દેવી મેં ક્રિડા અથવા મનોવિનોદ માટે જ ચેષ્ટા કરી હતી, મારો અભિપ્રાય સાંભળી તમે કૂપિત શા માટે થઈ ગયાં? જો તમારા ઉપર મારો પ્રેમ નહીં હોય તો બીજા કોના પર હોઈ શકે? તમે આ જગતની માતા છો તથા હું પિતા અધિપતિ છું, પછી તમારા ઉપર મારો પ્રેમ ન હોય એ શી રીતે સંભવી શકે, આ લિલાવિહાર પર જગતની રક્ષા માટે જ છે, માટે એ જ કારણે મેં તમારા પ્રત્યે પરિહાસયુક્ત વાત કહી હતી. મારા આ કથનની સત્યતા તમને થોડા સમયમાં જ મળી જશે.' માતા પાર્વતી:પતિની ચેષ્ટાથી નારી પોતાના પ્રાણનો પણ ત્યાગ કરી દેતી હોય છે, મારું શ્યામવર્ણ તમામ લોકો માટે નિંદિત છે, તેથી હું તપસ્યા દ્વારા બ્રહ્માજીની આરાધના કરીને જ હું ગૌરવર્ણ પ્રાપ્ત કરીશ અને ત્યાં સુધી હું અહીં નહીં રહી શકું.’

માતા પાર્વતીના આ કથન પર ભગવાન શિવ હસતાં હસતાં ચૂપ રહી જાય છે દેવગણોનું કાર્ય સિદ્ધ કરવાની ઇચ્છાથી એમણે માતા પાર્વતીને રોકવા માટે હઠ ન કરી.

ભગ્ન હૃદયે માતા પાર્વતી ભગવાન શિવની પરિક્રમા કરીને એમને વિયોગથી થનારા દુ:ખને કોઈ પણ પ્રકારે રોકીને હિમાલય પર્વત પર ચાલ્યાં જાય છે, વર્ષો પહેલાં તેમણે પોતાની સખીઓ સાથે જ્યાં તપ કર્યું હતું ત્યાં તપોવન પહોંચી સ્નાન પછી તપસ્વીનો પરમ પાવન વેશ ધારણ કરી અત્યંત તીવ્ર અને પરમ દુષ્કર તપસ્યા કરવાનો સંકલ્પ કર્યો. તે મનમાં ને મનમાં સદા પતિના ચરણારવિંદોનું ચિંતન કરતાં કોઇ ક્ષણિક લિંગમાં એમનું ધ્યાન કરીને પૂજનની બાહ્ય વિધિનુસાર જંગલના ફળ-ફૂલ વગેરે ઉપકરણો દ્વારા ત્રણે સમયે એમનું પૂજન કરતાં હતાં.

ભગવાન શિવ જ બ્રહ્માજીનું રૂપ ધારણ કરીને મારી તપસ્યાનું ફળ આપશે એવો દૃઢ વિશ્વાસ રાખીને તે પ્રતિદિન તપસ્યામાં રહેતાં. આ રીતે તપસ્યાં કરતાં કરતાં બહુ સમય વીતી ગયો ત્યારે એક દિવસે એમની પાસે કોઈ બહુ મોટો વાઘ જોવામાં આવ્યો. દુષ્ટભાવથી આવેલા એ વાઘને જોઈને માતા પાર્વતી જરાય વિચલિત ન થયાં. (ક્રમશ:) ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો