ધર્મતેજ

શિવ રહસ્યઃ તમારું તપ પત્નીના દુ:ખનું કારણ થઈ ગયું છે શિવસૃષ્ટિમાં આવા તપને કોઈ સ્થાન નથી

ભરત પટેલ

અરણ્યકના જંગલોમાં ઋષિ મૃગંદુ અને તેની પત્ની સુતપા એક કુટિર બનાવી રહેતા હતા. ઋષિ મૃગંદુ શિવદર્શનના એટલા ઇચ્છુક થઈ ગયાં હતાં કે તેમને શિવભક્તિ સિવાય કંઇ જ સૂઝતું નથી. સવાર-બપોર-સાંજ-રાત કયાં વીતી જતી એ તેમને ખબર નહોતી પડતી. પત્ની સુતપા એકાંકી જીવન વ્યતિત કરી રહી હતી. એક રાત્રે સુતપાને પતિ સહવાસની ઇચ્છા થઈ આવી પણ પતિ ત્યારે પણ શિવલિંગ સમક્ષ બેસી શિવ આરાધનામાં મગ્ન હતા.

ઘણી વખત બોલાવ્યા બાદ પણ ઋષિ મૃગંદુએ પોતાની આરાધનામાંથી બહાર ન આવ્યાં. કંટાળીને સુતપાએ ઋષિ મૃગંદુનો હાથ પકડી ખેંચી નાંખ્યો. ઋષિ મૃગંદુ બોલ્યા, સુતપા તમે આ શું કરી રહ્યા છો? વ્યથિત સુતપા બોલી, ‘સ્વામિ મારી દુર્દશા તો જુઓ. લગ્ન બાદ હું એકાંકી અને એકલવાયુ જીવન વિતાવી રહી છું. તમે ફક્ત શિવ આરાધનામાં જ વ્યસ્ત છો. જો તમારે બ્રહ્મચર્ય જીવન જ જીવવું હતું તો મારી સાથે લગ્ન શું કામ કર્યાં.’

ઋષિ મૃગંદુએ જણાવ્યું, ‘સુતપા હું પહેલેથી જ લગ્ન ઇચ્છુક નહોતો. તમારી જીદ અને મારી પત્ની બનવાનું ઝૂનુન મને તમારી સાથે લગ્ન કરવા ફરજ પડી. મારી પત્ની બનવાની તમારી પ્રબળ ઈચ્છા જોઈ તમારા પિતાએ મને તમારી સાથે લગ્ન કરવાનું કહ્યું. તમારા પિતા અને મારા ગુરુને દુ:ખ ન થાય એ માટે મેં તમારી સાથે વિવાહ કર્યા, મારા જીવનનો પ્રથમ અને એકમાત્ર ઉદ્દેશ ભગવાન શિવના દર્શન છે અને ગૃહસ્થાશ્રમ તો ફક્ત વિકલ્પ છે. હવે મારી આરાધના પૂર્ણતાના આરે આવી પહોંચી છે.

એકાદ મહિનામાં મારી આરાધના પૂર્ણ થઈ જશે. વિશ્વાસ રાખ તારી ઇચ્છા જરૂર પૂર્ણ થશે.’ ક્રોધિત સુતપા ત્યાંથી નીકળી ફરી પોતાની કુટિરમાં જઈ માતા પાર્વતીની આરાધનામાં વ્યસ્ત થઈ જાય છે. થોડા જ સમયમાં તેનો સ્વર કૈલાસ સુધી પહોંચતાં માતા પાર્વતી પ્રસન્ન થઈ એની કુટિરમાં પહોંચે છે. માતા પાર્વતી: ‘પુત્રી સુતપા, આંખ ખોલો, કહો શું સમસ્યા છે? હું તારી સમક્ષ છું.’ સુતપા કહે છે, ‘મારા પતિ ઋષિ મૃગંદુએ સમસ્ત ઋષિ સમાજ સમક્ષ મારી વરણી કરી હતી, આટલા વરસો વીતી ગયા હોવા છતાં તેઓ હજી બ્રહ્મચારી છે.

માતા મને પુત્રરત્નની પ્રાપ્તિ થાય એવો માર્ગ દેખાડો.’ માતા પાર્વતી કહે છે, ‘પુત્રી થોડા જ સમયમાં ઋષિ મૃગંદુની આરાધના સમાપ્ત થશે અને તું એક તેજસ્વી અને જગતનું કલ્યાણ કરનાર એવા પુત્રની માતા બનશે. પ્રતિક્ષાના સમયને અસહ્યથી સહ્ય બનાવવાં તું પણ પતિ સાથે ભગવાન શિવની આરાધનામાં વ્યસ્ત થઈ જા. ભગવાન શિવ તારું કલ્યાણ કરશે, તારી મનોકામના પૂર્ણ થશે.
*
માતા પાર્વતી વરદાન આપી કૈલાસ પરત ફરી રહ્યા હતા. આકાશમાર્ગે જઈ રહેલા માતા પાર્વતીને દેવર્ષિ નારદ જોતાં જ તેમની પાસે પહોંચે છે.

દેવર્ષિ નારદ: ‘માતા તમે એકલા પરિભ્રમણ કરી રહ્યા છો? પ્રભુ ક્યાં છે?’
માતા પાર્વતી: ‘દેવર્ષિ નારદ તમારી બુદ્ધિ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હું ક્યાં ગઈ હતી.’
દેવર્ષિ નારદ: ‘માતા મારી બુદ્ધિ નહીં, મારી જિજ્ઞાસા જાણવાનો પ્રયાસ કરી રહી છે.’

માતા પાર્વતી: ‘દેવર્ષિ નારદ! હું તમને જણાવી જ દઉં કે હું અરણ્યકના વનમાં ઋષિ મૃગંદુના પત્ની સુતપાને સાંત્વન આપી કૈલાસ જઈ રહી છું.’
દેવર્ષિ નારદ: ‘માતા તમારા સાંત્વનથી સુતપા અવશ્ય પ્રસન્ન થઈ ગઈ હશે.’

માતા પાર્વતી: ‘પણ સાંત્વના આપીને હું પોતે પ્રસન્ન નથી, કારણ કે એક તેજસ્વી અને જગતનું કલ્યાણ કરનાર પુત્રની ઝંખના સેવતી સુતપાને ક્યારે પુત્ર પ્રાપ્ત થશે. ભગવાન શિવની કૃપા જ એની મનોકામના પૂર્ણ કરી શકે.’

દેવર્ષિ નારદ: ‘માતા તમે પ્રભુને વિનંતી કરી શકો છો, અન્યથા તમે તો જાણો જ છો કે સંસારના કણ કણમાં શિવ વ્યાપ્ત છે. તેઓ આપણી વાત સાંભળી જ રહ્યા છે. તેઓ તુરંત સુતપાને ન્યાય આપશે.’
માતા પાર્વતી: ‘તમારું કલ્યાણ થાઓ નારદ!’
આટલું કહી માતા પાર્વતી કૈલાસ તરફ પ્રયાણ કરે છે.
*
બીજી તરફ ભગવાન શિવ માતા પાર્વતી અને દેવર્ષિ નારદની વાત સાંભળી સુતપાને ન્યાય આપવા તૈયાર થાય છે. તેઓ માતા પાર્વતી આવે તેની પ્રતિક્ષા કરે છે. થોડી જ ક્ષણોમાં માતા પાર્વતી કૈલાસ પહોંચે છે.

ભગવાન શિવ: ‘દેવી! તમારી અને દેવર્ષિ નારદની ચર્ચાનો અર્થ એ થાય છે કે મારે ઋષિ મૃગંદુની પત્ની સુતપાને તુરંત ન્યાય આપવો જોઈએ. તો ચાલો દેવી તમે ફરી મારી સાથે ચાલો.’

ભગવાન શિવ અને માતા પાર્વતી તુરંત અરણ્યકના વનમાં પહોંચે છે. તેઓ જુએ છે કે ઋષિ મૃગંદુ શિવ આરાધનામાં વ્યસ્ત છે અને તેની પત્ની સુતપા ઋષિ મૃગંદુની સેવામાં વ્યસ્ત છે.

ભગવાન શિવ: ‘ભક્ત મૃગંદુ આંખ ખોલો, હું તમારી સમક્ષ છું.’
ઋષિ મૃગંદુ: ‘પ્રભુ તમારા દર્શન પામી હું પ્રસન્ન છું.’

ભગવાન શિવ: ‘ભક્ત મૃગંદુ તમારે હાલ તમારી તપસ્યા ભંગ કરી પત્ની સુતપાની ઈચ્છા પૂર્ણ કરવી આવશ્યક છે. ત્યારબાદ તમ યુગલની તપસ્યા પૂર્ણ થશે અને તમને શિવલોકની પ્રાપ્તિ પણ અવશ્ય થશે.’

ઋષિ મૃગંદુ: ‘પ્રભુ શું તમે મારા બ્રહ્મચર્ય વ્રતને તોડવા કહી રહ્યા છો.’

ભગવાન શિવ: ‘ભક્ત મૃગંદુ, તમે મારા પ્રિય ભક્તમાંના એક છો, પણ તપસ્વીનું કર્તવ્ય સંસારના દરેક પ્રાણીમાત્રને પ્રસન્ન કરવાનું છે, નહીં કે હઠયોગથી કોઈને દુ:ખ આપવાનું. તમારે લગ્ન કરતી વખતે વિચાર કરવો જોઈતો હતો. પત્નીની ઇચ્છાનો અનાદર યોગ્ય નથી. તમારું તપ તમારી પત્નીના દુ:ખોનું કારણ થઈ ગયું છે. શિવસૃષ્ટિમાં આવા તપને કોઈ સ્થાન નથી. જાઓ પતિધર્મ નિભાવો અને દેવી સુતપાની આકાંક્ષાઓને પૂર્ણ કરો, તમારું કલ્યાણ નિશ્ર્ચિત છે.’
*
બ્રહ્મલોક ખાતે બ્રહ્માજી દેવર્ષિ નારદને ઉપસ્થિત થવાનો સંકલ્પ કરે છે. દેવર્ષિ નારદ ઉપસ્થિત થાય છે.

દેવર્ષિ નારદ: ‘પરમપિતા બ્રહ્માજીને પ્રણામ, કહો શું આજ્ઞા છે?’
બ્રહ્માજી: ‘તમે જાણો જ છો કે સંસારચક્રમાં થનાર બદલાવનો એક ગર્ભિત ઈશારો ભગવાન શિવ દ્વારા તેમની શિવલીલા દ્વારા જણાવવામાં આવે છે. ભગવાન શિવ દ્વારા હાલમાં જ ઋષિ મૃગંદુને પતિ ધર્મનું પાલન કરવાનું જણાવતાં તેમની પત્ની સુતપા ગર્ભવતી બની છે. ઋષિ મૃગંદુની બ્રહ્મવ્રત તોડવાની અનિચ્છા એક અલ્પઆયુ બાળક સુતપાના ગર્ભમાં ઉછરી રહ્યો છે.’

દેવર્ષિ નારદ: ‘પરમપિતા અલ્પ આયુ એટલે કેટલા વર્ષનું બાળક આ દંપતીને મળશે?’
બ્રહ્માજી: ‘ફક્ત પાંચ વરસ છ દિવસ.’
દેવર્ષિ નારદ: ‘પરમપિતા આ વાત તેઓ જાણે છે?’
બ્રહ્માજી: ‘નહીં પુત્ર! તેઓ જાણતા નથી. તમારે જ તેમને કહેવાનું છે.’
બ્રહ્માજીની આજ્ઞા થતાં જ દેવર્ષિ નારદ અરણ્યકના વનમાં ઋષિ મૃગંદુના આશ્રમ તરફ પ્રયાણ કરે છે.
*
દેવર્ષિ નારદ ઋષિ મૃગંદુના આશ્રમ પર પહોંચી જુએ કે દેવી સુતપા ભોજનશાળામાં પતિ ઋષિ મૃગંદુ માટે ભોજન તૈયાર કરી રહી હોય છે. ઋષિ મૃગંદુ સ્નાન કરી આશ્રમ તરફ આવતા દેખાય છે. દેવર્ષિ નારદ તેમની પાસે જાય છે.

ઋષિ મૃગંદુ: ‘સુતપા અને મૃગંદુની કુટિરમાં આપનું સ્વાગત છે દેવર્ષિ, કહો તમારી શું સેવા કરીએ.’
દેવર્ષિ નારદ: ‘શિવભક્ત મૃગંદુ પિતા બ્રહ્માજીનો એક સંદેશ આપવા આવ્યો છું.’
ઋષિ મૃગંદુ: ‘કહો દેવર્ષિ, પરમપિતાએ શું સંદેશ આપ્યો છે.’

દેવર્ષિ નારદ: ‘ઋષિવર, મને સંદેશ આપતા સંકોચ થાય છે.’

ઋષિ મૃગંદુ: ‘દેવર્ષિ કહો હું સાંભળવા તૈયાર છું.’
દેવર્ષિ નારદ: ‘ઋષિવર, તમારી અનિચ્છાએ ગર્ભવતી બનેલી તમારી પત્ની સુતપા ફક્ત પાંચ વર્ષ છ મહિનાના આયુષ્ય ધરાવતા બાળકને જન્મ આપશે.’
ઋષિ મૃગંદુ: ‘હે ભોળાનાથ! આ વિધાતાનો અન્યાય છે, સુતપાને આ અન્યાય શું કામ?’
(ક્રમશ:)

આપણ વાંચો:  શિવ રહસ્ય : દુ:ખીઓની રક્ષા કરનારું તમારું એ વિશાળ ધનુષ્ય ક્યાં ગયું?

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button