શિવ રહસ્ય: માતા તમારે દેવાધિદેવ ભગવાન શિવના આદેશનું પાલન અવશ્ય કરવું જોઈએ

– ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
દિકરી રત્નાવલી અને રાણી ચંદ્રમુખીના કૂવાનું પાણી મીઠું હોવાથી મુસાફરોની અગવડતાનો અંત આવે છે. રાજકુમાર સ્વર્ણકેશીને રત્નાવલીએ વરમાળા પહેરાવી છે એ જાણ થતાં જ સ્વર્ણકેશીના માતા રાજુલબા અને પિતા મહેન્દ્રભા તેમના પરિવાર અને પ્રજાજનો સાથે ત્યાં આવી પહોંચે છે અને રાજકુમાર સ્વર્ણકેશી અને દીકરી રત્નાવલીને અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરતાં જોઈ ખુશી અનુભવે છે. રાજા ભાનુપ્રતાપ અને રાણી ચંદ્રમુખી રત્નાવલીને વિદાય આપે છે. ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પહોંચે છે. ફરી ભગવાન શિવ તપસ્યામાં લીન થઈ જાય છે.
અચાનક એક દિવસ ભગવાન શિવના મસ્તક પરથી ચંદ્રદેવ અદૃશ્ય થઈ જાય છે. માતા પાર્વતી કહે છે, ‘સ્વામિ, જુઓ આ શું થયું? તમારા મસ્તક પરથી ચંદ્રદેવ કેમ અદૃશ્ય થઈ ગયા. ભગવાન શિવ કહે છે, ‘દેવી, ચાલો આપણે પૃથ્વી વિહાર કરવા જઈએ ત્યાં તમને સમજાશે.’ પૃથ્વી વિહાર દરમિયાન તેમને એક સ્ત્રીનો તપસ્યા કરતો કરુણ અવાજ સંભળાય છે. ભગવાન શિવ કહે છે, ‘દેવી એ સ્ત્રી તારામંડળની સાધ્વી, ગ્રહ બુધની માતા અને બૃહસ્પતિની પત્ની તારાનો સ્વર છે.’ તેઓ ત્યાં પહોંચે છે અને માતા પાર્વતી પૂછે છે, ‘ઉઠો, તારા તમારા બધા પાપોનો અંત થશે. સવિસ્તાર જણાવો શું થયું છે?’ તારા કહે છે, ‘માતા એક દિવસ મારા પતિ બૃહસ્પતિ મહાદેવની ભક્તિમાં લીન હતાં, હું શિવપૂજાની સામગ્રીનું વ્યવસ્થાપન કરતી હતી. એ સમયે ચંચળ ચંદ્ર મારી સામે આવ્યા. ચંદ્રના ચંચળ ચક્ષુ અને મારા ચક્ષુની દૃષ્ટિ એકબીજા પર પડતાં હું મોહિત થઈ ગઈ અને અમારા વચ્ચે થયેલા દૃષ્ટિ પ્રેમથી બાળકનો જન્મ થયો. હું એ અપરાધ ભાવથી બળી રહી છું. મેં મારા પતિનો વિશ્ર્વાસઘાત કર્યો અને પોતાના સતિત્વનો પણ નાશ કર્યો છે, મને દંડ આપો.’ એ સમયે ત્યાં ઉપસ્થિત બુધ કહે છે, ‘માતા કહી દો કે એ ખોટું છે, સમસ્ત સંસાર દેવગુરુ બૃહસ્પતિ અને તારાનો પુત્ર તરીકે મને ઓળખે છે.
મારી માતાની પવિત્રતા ખંડીત કરનારને હું અવશ્ય દંડ આપીશ.’ ભગવાન શિવ તેને સમજાવતા કહે છે કે, ‘નહીં પુત્ર, એ તમારા જનક છે, જનકનો અનાદર કરનાર ક્યારેય સફળ થતો નથી.’ તારાના પૂછવા પર ભગવાન શિવ કહે છે ‘દેવગુરુ બૃહસ્પતિ બધી જ વસ્તુ જાણે છે. તમારું કલ્યાણ તેમના ચરણોમાં જ છે.’
આ પણ વાંચો: શિવ રહસ્ય : જનક આદરણીય હોય છે ને જનકને દંડ આપી શકાતો નથી
બુધ: ‘ચાલો માતા.’
તારા: ‘નહીં પુત્ર, મારામાં એટલી હિંમત નથી તે તારા પિતા સમક્ષ ઊભી રહી શકું ’
બુધ: ‘માતા, તમારે એ હિંમત કરવી પડશે, હું તમારી સાથે છું ચાલો…’
તારા: ‘નહીં…’
બુધ: ‘માતા તમારે દેવાધિદેવ ભગવાન શિવના આદેશનું પાલન અવશ્ય કરવું જોઈએ અને પિતાશ્રીની માફી જ તમને અપરાધ ભાવથી મુક્ત કરી શકશે.’
સામે પક્ષે ભગવાન શિવના ક્રોધથી બચવા છુપાયેલા ચંદ્રદેવને રોહિણી પૂછે છે: ‘સ્વામિ, કેટલાય દિવસથી તમે અહીં છૂપાયા છો, પહેલા મને એ જણાવો કે થયું છે શું? તમે ચાલો હું ભગવાન શિવ સમક્ષ માફી માગીશ. ’
આ પણ વાંચો: શિવ રહસ્ય: જો તમે ઈર્ષા ને અહંકારનો ત્યાગ કરશો તો તમારા કૂવાનું પાણી પણ મીઠું થઈ જશે…
ચંદ્રદેવ: ‘કયા શબ્દોમાં તને કહું, મને કહેતા લજ્જા આવે છે.’
રોહિણી: ‘સ્વામિ હું તમારી પત્નીઓમાં સૌથી પ્રિય છું, મને કહેતા લજ્જા શાની?’
ચંદ્રદેવ: ‘રોહિણી તમે મારા સૌથી પ્રિય છો, મારા શબ્દોમાં એટલી હિંમત નથી કે વાસ્તવિકતા તમને કહી શકું.’
રોહિણી: ‘હું તમારી ધર્મપત્ની છું, આવેલી આપત્તિમાં હું તમારી સાથે છું. સાચી વાત મને કહો.’
ચંદ્રદેવ: ‘ગુરુ પત્ની માતા સમાન હોય છે અને મેં ગુરુ પત્નીને કામ વાસનાની દૃષ્ટિએ જોવા બદલ હું શરમિંદગી અનુભવું છું.’
રોહિણી: ‘સ્વામિ તમારી ગણના દેવોમાં થાય છે, તમારા આવા કાર્યએ દેવત્વને શર્મશાર કર્યું છે. હવે આનું નિવારણ ભગવાન શિવની આરાધનામાં જ હોઈ શકે. આપણે એકાંત વનમાં શિવ આરાધના કરવી જોઈએ.’
આ પણ વાંચો: શિવ રહસ્ય: પ્રભુ તમારા આશીર્વાદ અમને મળ્યા ને શિવગણ તરીકે કૈલાસ ખાતે સ્થાન મળ્યું એનાથી વિશેષ શું હોઈ શકે
રોહિણીની વાત યોગ્ય લાગતાં ચંદ્રદેવ અને રોહિણી એકાંત વનમાં શિવ આરાધના કરે છે.
બુધ અને તેની માતા તારા દેવ ગુરુ બૃહસ્પતિ પાસે પહોંચે છે.
દેવગુરુ બૃહસ્પતિ: ‘ચંદ્ર પુત્ર આ કલંકિની લઈને અહીં કેમ આવ્યા છો? ચાલ્યા જાવ અહીંથી, મારી આરાધનામાં ખલેલ ન પહોંચાડો.’
તારા: ‘સ્વામિ, બુધના જન્મથી હું અપરાધ ભાવથી પિડાતી હતી અને એ અપરાધ ભાવથી તમારી સમક્ષ ઉપસ્થિતિ થવાની હિંમત નહોતી કરી શકી. એ અપરાધભાવથી મુક્તિ તમારા શરણોમાંથી જ મળશે એવી માતા પાર્વતીની સલાહથી તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું. મને માફ કરો.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘તમારા સતિત્વની સાથે સાથે આપણો સંબંધ પણ પૂર્ણ થયો છે. તમે મારી નજરમાં એક સ્ત્રી છો. જેમ દરેક સ્ત્રીને હુ દેવી તરીકે હું પૂજુ છું. તમે તારા મંડળમાં પરત ફરો.’
આ પણ વાંચો: શિવ રહસ્ય: નિત્ય શિવપૂજન જ જીવનનું એકમાત્ર કર્મ હોવું જોઈએ
બુધ: ‘મારી માતાના પાપનું પ્રાયશ્ર્ચિત હું કરીશ, હું તમારી શરણે છું, તમે મારા ધર્મના પિતા છો, આદેશ આપો હું મારી માતાના પાપનું પ્રાયશ્ર્ચિત કઈ રીતે કરું?’
દેવગુરુ બૃહસ્પતિ: ‘બુધ મારા ચરણ છોડો, તમે એક ગ્રહ દેવ છો અને હું દેવોનો ગુરુ છું. તમે મારી શરણે છો, તમને યોગ્ય માર્ગદર્શન આપવું એ મારું કર્તવ્ય છે.’
બુધ: ‘બોલો ગુરુદેવ, તમે જે માર્ગદર્શન આપશો એમ જ હું કરીશ.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘તમારે માતાના પાપનું પ્રાયશ્ર્ચિત કરવા પૃથ્વીલોક જઈ તપસ્વી તરીકે ભગવાન શિવની ત્યાં સુધી આરાધના કરવી પડશે કે જ્યાં સુધી તમે એક મહાન પુત્રના પિતા ન બની જાઓ. જે પુત્ર એના મહાન કાર્યથી પિતા અને તેની માતાના કલંકને ધોઈ શકે.’
આ પણ વાંચો: શિવ રહસ્ય: ભક્તિ જ એવો માર્ગ છે જે મારા સુધી તમને પહોંચાડશે…
બુધ: ‘ગુરુદેવ મને ફરી ધર્મ સંકટમાં ન નાંખો, એક તપસ્વી પિતા કઈ રીતે બની શકે.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘બુધ, તમે શિવ લીલા પર વિશ્ર્વાસ રાખો. શિવ લીલાથી જ તમે અહીં ઉપસ્થિત થયા છો. શિવ આરાધનમાં મગ્ન થશો તો તમારું કલ્યાણ અવશ્ય થશે. હું મારી દિવ્ય દૃષ્ટિથી જોઈ રહ્યો છું કે તમે આ કાર્યમાં સફળ થશો અને તમારી માતાને પાપથી મુક્તિ અપાવશો.’
બુધ: ‘ગુરુદેવ, મને એ માર્ગદર્શન આપો કે પૃથ્વી લોક પર ક્યાં જવાનું છે?’
દેવગુરુ બૃહસ્પતિ: ‘ઈક્ષ્વાકુવંશી મહારાજ મનુના પુત્ર મહારાજ ઇંલ પાસે જઈ તપસ્યા કરવા માટે કામ્યાખ વનમાં તપોભૂમિની માગ કરો.’
આ પણ વાંચો: શિવ રહસ્યઃ મૃત્યુ બાદ મારા શરીર પરના ગજ ચર્મને આપ એક વખત ધારણ કરો ને તમારા ચરણોમાં શરણું આપો
બુધ: ‘કામ્યાખ વન?’
દેવગુરુ બૃહસ્પતિ: ‘હા, કામ્યાખ વન. ભવિષ્યમાં ત્યાંથી ભગવાન શિવ અને માતા પાર્વતીની લીલાનો એક અધ્યાય શરૂ થશે. જાઓ સફળ થાઓ.’
તારા: ‘સ્વામિ મને પણ આજ્ઞા આપો, જ્યાં સુધી મારો પુત્ર બુધ તેની તપસ્યામાં સફળ ન થાય ત્યાં સુધી હું પણ ભગવાન શિવની આરાધનામાં રત રહીશ.’
(ક્રમશ:)