શિવ રહસ્ય: નિત્ય શિવપૂજન જ જીવનનું એકમાત્ર કર્મ હોવું જોઈએ | મુંબઈ સમાચાર
ધર્મતેજ

શિવ રહસ્ય: નિત્ય શિવપૂજન જ જીવનનું એકમાત્ર કર્મ હોવું જોઈએ

– ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)

ગજાસુર મૃત્યુને વરતાં ભગવાન શિવ એના ગજચર્મને ધારણ કરે છે. ઉપસ્થિત દેવર્ષિ નારદ, દેવરાજ ઇન્દ્ર, દેવગણ અને કાશીના બ્રાહ્મણો ભગવાન શિવનો જયજયકાર કરે છે. ભગવાન શિવ દેવરાજ ઇન્દ્રને કહે છે, જાઓ તમારું સ્વર્ગલોક સુરક્ષિત છે. જાઓ લોકકલ્યાણનાં કામોમાં વ્યસ્ત થાઓ.’ ભગવાન શિવનો આદેશ મળતાં જ દેવગણો પોતપોતાના લોક પરત ફરે છે. માતા પાર્વતી અને ભગવાન શિવ પરત કૈલાસમાં ફરે છે. એ જ સમયે માતા લક્ષ્મી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા સરસ્વતી, બ્રહ્માજી કૈલાસ પધારે છે. આકાશમાર્ગે માતા લક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુને જતાં જોઈ પાછળ પાછળ આવેલા દેવરાજ ઇન્દ્ર પણ ફરી કૈલાસ પધારે છે. દેવરાજ ઇન્દ્ર કહે છે,ગજાસુરના અત્યાચારથી સંસારને મુક્ત કરનારાં ભગવાન શિવને મહાશિવરાત્રીના દિને અભિનંદન આપવા અમે સહુ અહીં ઉપસ્થિત થયાં છીએ.’ બ્રહ્માજી કહે છે, શિવશંકર તમારી ઇચ્છા મુજબ કાર્ય સંપન્ન થયું અને આપની ઇચ્છાથી જ મેં ગજાસુરને કામવિજયના હાથે જ ઉદ્ધાર થવાનું વરદાન આપ્યું હતું.’ તો ભગવાન શ્રીહરિ વિષ્ણુ કહે છે,શિવશંકર મેં પણ આપની ઇચ્છા મુજબ જ દેવર્ષિ નારદને કોઈ સલાહ ન આપી.’ પ્રસન્ન ભગવાન શિવ કહે છે, આ પ્રકારે તમે અને બ્રહ્માજીએ મારી ઇચ્છાનું સમ્માન કર્યું, પૃથ્વીવાસીઓના કલ્યાણ માટે આપણે ત્રિદેવોમાં ઇચ્છા અને કાર્યની એકરૂપતા જળવાઈ રહે એ અતિ આવશ્યક છે, બ્રહ્માજી અને શ્રીહરિ તમે ધન્ય છો. માતા પાર્વતી કહે છે,તમે ત્રિદેવોએ અમને ત્રિદેવીઓને કંઈ કરવાનો અવસર જ ન આપ્યો.’ બ્રહ્માજી કહે છે, ત્રિદેવીઓની સહાયતા તો સંસારને હંમેશાં રહેશે.’ એ સમયે માતા લક્ષ્મી મહાદેવના અલૌકિક, અદ્વિતીય અને વિરાટ સ્વરૂપના દર્શનની ઇચ્છા વ્યક્ત કરે છે. ભગવાન શિવ તેમના અલૌકિક વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે. દેવરાજ ઇન્દ્ર કહે છેહે ભગવંત હું તો એટલું જ સમજું છું કે, બ્રહ્માજી આ સૃષ્ટિના ઉત્પ્ત્તિકર્તા છે, શ્રીહરિ વિષ્ણુ આ સૃષ્ટિના પાલક અને આપ આ સૃષ્ટિના સંહારક છો. હવે એટલી સમજ થઈ કે શિવતત્વનો ખરો અર્થ લોકકલ્યાણ જ છે પણ… પ્રભુ તમને મેળવવાનો માર્ગ બતાવો.’ એના જવાબમાં ભગવાન શિવ કહે છે, ભક્તિ જ એવો માર્ગ છે જે મારા સુધી તમને પહોંચાડશે. પ્રેમ તથા સમર્પણ સાથેૐ નમ: શિવાય:’ના પંચાક્ષરી મંત્ર’ના જાપ કરનાર માનવને હું એ જ્ઞાન પ્રાપ્ત કરાવું છું, જેથી એ મારા શિવતત્ત્વને પ્રાપ્ત થઈ જાય છે.’

આ પણ વાંચો: શિવ રહસ્ય: ભક્તિ જ એવો માર્ગ છે જે મારા સુધી તમને પહોંચાડશે…

દેવર્ષિ નારદ: `પ્રભુ આ સૃષ્ટિને વિનાશથી કઈ રીતે બચાવી શકાય?’

ભગવાન શિવ: `સૃષ્ટિનું નિર્માણ અને વિનાશ તો સમયના કાળચક્ર પર નિરંતર ચાલતી પ્રક્રિયા છે, પણ હું મહાકાલ તમને વિશ્વાસ અપાવીશ કે જ્યાં સુધી પ્રાણીઓમાં ધર્મ અને ભક્તિનો અંશ શેષ રહેશે ત્યાં સુધી આ સૃષ્ટિ વિનાશથી સુરક્ષિત છે.’

દેવરાજ ઈન્દ્ર: `પ્રભુ આ સૃષ્ટિના માનવોને તમારો અમર સંદેશો શું છે.’

ભગવાન શિવ: `જે પ્રાણી પાપ, અહંકાર, અત્યાચાર અને પાપની ભાવનાનો ત્યાગ કરી જીવનની પ્રત્યેક ક્ષણ મને સમર્પિત કરશે અને તેમના નિર્ધારિત કર્તવ્યનો નિર્વાહ કરે એ મારો આ સૃષ્ટિના પ્રાણીઓને સંદેશ છે.’

બ્રહ્માજી: `ૐ નમ: શિવાય: પંચાક્ષરી મંત્રના જાપ અને નિત્ય શિવપૂજન જ જીવનનું એકમાત્ર કર્મ હોવું જોઈએ.’

દેવરાજ ઈન્દ્ર: `હે પ્રભુ અમે અમારી જિજ્ઞાસાઓનો જવાબ મેળવી ધન્ય થઈ ગયા.’

ભગવાન શિવ: `દેવરાજ તમે અભિનંદન આપવા અહીં પધાર્યા હતા એ શિવરાત્રી સંબંધિત તો કોઈ પ્રશ્ન જ ન કર્યો?’

દેવરાજ ઈન્દ્ર: `દેવાધિદેવ, હું શિવરાત્રી સંબંધિત વાર્તા સાંભળવા અવશ્ય ઉત્સુક છું, કૃપયા વાર્તા સંભળાવો.’

ભગવાન શિવ: `મારી દિવ્ય દૃષ્ટિ દેવર્ષિ નારદને આપું છું એ તમને વાર્તા કહી સંભળાવશે.’

આ પણ વાંચો: શિવ રહસ્યઃ મૃત્યુ બાદ મારા શરીર પરના ગજ ચર્મને આપ એક વખત ધારણ કરો ને તમારા ચરણોમાં શરણું આપો

ભગવાન શિવની દૃષ્ટિ મળતાં જ દેવર્ષિ નારદ કહે છે: `શિંગવેરપુરના જંગલમાં ગુરુ ધ્રુવ નામનો ભીલ શિકારી એક મૃગની પાછળ દોડતો હતો. મૃગની ગતિ વધુ હોવાથી ગુરુ ધ્રુવ દોડતાં દોડતાં થાકી ગયો. એને થયું ચાલ આ વૃક્ષ પર ચઢી જાઉં તો એ મૃગ અવશ્ય દેખાશે. ઉપર ચઢી જોવા લાગ્યો પણ એને મૃગ ન દેખાયું. વૃક્ષ પર બેઠાં બેઠાં એ વૃક્ષના પાન તોડી નીચે ફેંકવા લાગ્યો. થોડીવારમાં મૃગને લાગ્યું શિકારી જતો રહ્યો છે એટલે એ બહાર આવ્યું. મૃગની નજર અને શિકારી ગુરુ ધ્રુવની નજર એક થઈ ગઈ. શિકારી ગુરુ ધ્રુવે બાણ ચઢાવ્યું.

મૃગ: `મારી હત્યા ન કરો, મારા પતિ અને મારાં બાળકો મારી રાહ જોતા હશે. મારા પર વિશ્વાસ કરો. હું એમને કહીને પરત આવું છું. ત્યાર બાદ તમે મારી હત્યા કરજો.

આ પણ વાંચો: શિવ રહસ્યઃ મારા ભક્તોને જે રંજાડશે તેને હું અવશ્ય દંડ આપીશ

જે વૃક્ષ પર શિકારી ગુરુ ધ્રુવ બેઠો હતો એ બીલીપત્રનું વૃક્ષ હતું અને એ બીલીપત્રના વૃક્ષ નીચે એક શિવલિંગ હતું. શિકારી બીલીપત્ર વૃક્ષ પરથી શિવલિંગ પર ચઢાવતો હોવાથી તેના મનમાં દયા ભાવ ઉત્પન્ન થયો.

ગુરુ ધ્રુવ: `તું કહે છે એટલે હું તારા પર વિશ્વાસ કરું છું. જલદી જઈ પરત આવ.’

બીલીપત્રના વૃક્ષ પર બેસેલો શિકારી ગુરુ ધ્રુવ મૃગની રાહ જોતાં જોતાં અજાણતાં ફરી બીલીપત્ર શિવલિંગ પર ફેંકવા લાગ્યો. એ જ સમયે એક બીજું મૃગ ત્યાંથી જઈ રહ્યું હતું. બંનેની નજર પાછી મળી ગઈ. શિકારી ગુરુ ધ્રુવે ફરી બાણ ચઢાવ્યું પણ એના મનમાં ઉદ્ભવેલા દયા ભાવે એ બાણ છોડવા ન દીધું.

આ પણ વાંચો: શિવ રહસ્ય : દેવર્ષિ હું વરદાની છું મને સમજાવવાની કોશિશ ના કરો, પિતાની હત્યાનો બદલો અવશ્ય લઈશ!

બીજું મૃગ: `મારી હત્યા ન કરો, મારી બહેન આ જંગલમાં ખોવાઈ ગઈ છે એનો પતિ અને એનાં બાળકો એની રાહ જુએ છે એટલે હું એને શોધવા આવ્યો છું. મારી બહેન મળી જાય એટલે એના ઘરે મૂકી આવી હું તમારી પાસે પરત આવીશ, ત્યારે તમે મારો શિકાર કરજો.’

શિવલિંગ પર બીલીપત્ર ચઢાવતો શિકારી ગુરુ ધ્રુવના મનમાં દયા ભાવ તો ઉત્પન્ન જ થયો હતો, તેણે કીધું: `પહેલા તારી બહેન આવી અને કહે કે મારો પતિ અને બાળકો મારી રાહ જોતા હશે એટલે હું એમને કહી આવું છું અને એ જતી રહી, હજી સુધી એ આવી નથી અને તું કહે છે કે મારી બહેન જંગલમાં ખોવાઈ ગઈ છે એટલે એને શોધીને હું પાછો આવીશ તો તારા પર કઈ રીતે વિશ્વાસ રાખું.’

બીજું મૃગ: `તમે મારા પર વિશ્વાસ રાખો હું મારી બહેનને એના ઘરે પહોંચાડી પરત જરૂર આવીશ. તમે મારો વધ કરી શકશો.’

આ પણ વાંચો: શિવ રહસ્ય : શું મારા પિતાનો વધ કરવામાં સરસ્વતી, લક્ષ્મી ને પાર્વતીનો સહકાર હતો?

શિકારી ગુરુ ધ્રુવ: `જા તારા પર પણ વિશ્વાસ કરું છું, તારી બહેન મળી જાય એટલે તમે બંને પરત આવો હું અહીં જ તમારી રાહ જોઈશ.’

બીજું મૃગ પોતાની બહેનની શોધમાં આગળ નીકળી ગયું. ફરી શિકારી ગુરુ ધ્રુવ બીલીપત્ર તોડી નીચે શિવલિંગ પર ફેંકવા લાગ્યો. રાત વીતવા લાગી અને પ્રભાત થઈ. બંને મૃગ પાછા નહોતા આવ્યા, પણ તેણે જોયું કે હું તો બીલીપત્રના વૃક્ષ પર બેઠો છું અને બીલીપત્રનો મોટો ઢગલો ઊંચો થઈ ગયો છે. એ નીચે આવ્યો અને બીલીપત્રને હટાવતાં જોયું કે નીચે શિવલિંગ છે. એજ સમયે મૃગ પરિવાર ત્યાં આવી પહોંચે છે.

આ પણ વાંચો: શિવ રહસ્ય: ચંદ્ર દેવના વર્તનથી ગુસ્સે થઈને દક્ષ પ્રજાપતિએ તેમને કદરૂપા થવાનો શાપ આપ્યો!

પ્રથમ મૃગ: `હું મારા ભાઈ અને પરિવાર સાથે અમે અહીં આવ્યા છીએ તમે અમારો શિકાર કરી શકો છો.’

શિકારી ગુરુ ધ્રુવ શિવલિંગને ચીટકીને રડવા માંડયો. એની દયા ભાવના ફુટી ફુટીને એના અશ્રુ રૂપે વહેવા માંડી.
શિકારી ગુરુ ધ્રુવ: `મહાદેવ હું શું કરી રહ્યો હતો, એ બંને મૃગનો શિકાર કરવા જઈ રહ્યો હતો, મને માફ કરો.’
શિવરાત્રીની પૂર્ણ રાત શિવલિંગ પર બીલીપત્ર ચઢાવી, પોતાના પાપનું પાયશ્ચિત કરતા શિકારી ગુરુ ધ્રુવ પર પ્રસન્ન થયેલા ભગવાન શિવ ત્યાં પધારે છે.

ભગવાન શિવ: `ઉઠો ગુરુ ધ્રુવ, હું પ્રસન્ન છું, તમે પાપ અને આત્મગ્લાનિના બોજથી મુક્ત થયા છો. હું તમારો કાયાકલ્ય શિંગવેરપુરના રાજા તરીકે કરું છું. દ્વાપર યુગમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુના અવતારના પરમ મિત્ર તરીકે તમે અમર થશો અને કળિયુગમાં તમારી આ કથા જે સાંભળશે તેનું કલ્યાણ થશે.

(ક્રમશ:)

સંબંધિત લેખો

Back to top button