શિવ રહસ્ય : જનક આદરણીય હોય છે ને જનકને દંડ આપી શકાતો નથી

– ભરત પટેલ
માતા પાર્વતી પણ ભગવાન શિવ સાથે પ્રથમ રાણી ચંદ્રમુખી પાસે પહોંચી એની ઇચ્છાને તથાસ્તુ કહી વરદાન તરીકે માન્યતા આપે છે. ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતી બહેન રત્નાવલી પાસે પહોંચે છે અને એની ઇચ્છાને પણ તથાસ્તુ કહી વરદાન તરીકે માન્યતા આપે છે.
રાણી ચંદ્રમુખી અને બહેન રત્નાવલીએ કૂવા ખોદાવ્યાં અને બંનેને માતા પાર્વતી સહિત ભગવાન શિવે વરદાન આપ્યું એ વાત પ્રજાજનોમાં અને આજુબાજુનાં રાજ્યમાં પણ ફેલાઈ જતાં ત્યાંના રાજકુમારો પણ ત્યાં આવી પહોંચે છે. સૌને કુતૂહલ હતું કે કોનું પાણી મીઠું નીકળશે. પ્રથમ રાજા ભાનુપ્રતાપ પ્રથમ રાણી ચંદ્રમુખીએ ખોદાવેલા કૂવા પાસે પહોંચે છે અને પાણી ચાખી કહે છે, ‘વાહ! આ પાણી તો ખૂબ જ મીઠું છે.
શિવ રહસ્ય: જો તમે ઈર્ષા ને અહંકારનો ત્યાગ કરશો તો તમારા કૂવાનું પાણી પણ મીઠું થઈ જશે…
’ ત્યારબાદ રાજા ભાનુપ્રતાપ અને રાણી ચંદ્રમુખી સાથે રત્નાવલીના ખોદાવેલા કૂવા પાસે પહોંચે છે. રત્નાવલીના કૂવાનું પાણી ચાખી રાજા ભાનુપ્રતાપ ‘થૂ… થૂ…’ કરીને બહેનના પાણીને થૂંકી નાખે છે. એકત્ર થયેલ માનવમેદની દિગ્મૂઢ બની ગઈ. પડોશી રાજ્યનો રાજકુમાર સ્વર્ણકેશી ઊભો થઈ બોલ્યો: ‘પાણી મીઠું હોય કે ખારું, સૌએ તે પ્રસાદરૂપે સ્વીકારવું જોઈએ.’ પ્રજાએ બંને કૂવાના પાણી ચાખીને કહ્યું, ‘ખરેખર તો રાણીના કૂવાનું પાણી એકદમ ખારું છે અને રત્નાવલીના કૂવાનું પાણી મીઠું છે.
રાજાએ પક્ષપાત કર્યો છે અને ઊલટી વાત કરી બહેનને લજાવી છે.’ પ્રજા બહેન રત્નાવલીનો જયજયકાર કરવા લાગી. રાજકુમાર સ્વર્ણકેશીએ કહ્યું, ‘રત્નાવલી જરૂર દિવ્ય આત્મા છે, તેના કૂવાનું પાણી મીઠું છે. જો રત્નાવલી ઇચ્છે તો હું તેને મારી પત્ની બનાવવા ઇચ્છુક છું. રાજા ભાનુપ્રતાપે રાજપુરોહિતને બોલાવી બંનેની કુંડલી ચકાસાવી અને રત્નાવલીએ રાજકુમાર સ્વર્ણકેશીના કંઠે વરમાળા પહેરાવી. દુ:ખી રાજા ભાનુપ્રતાપ કહે છે.
શિવ રહસ્ય: ભક્તિ જ એવો માર્ગ છે જે મારા સુધી તમને પહોંચાડશે…
‘હે દેવાધિદેવ! મારી પત્ની અને બહેને તમારી આરાધના કરી તમે પ્રસન્ન થયા બંનેને વરદાન આપ્યા. પણ જે કૂવાનું પાણી પ્રજા ખારું કહે છે એ મને મીઠું લાગે છે અને જે કૂવાનું પાણી પ્રજા મીઠું કહે છે એ મને ખારું લાગે છે. હે મહાદેવ, મને આ દાવાનળમાંથી ઉગારો.’ એ જ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રગટ થાય છે અને કહે છે,”હે રાજન ચંદ્રમુખીએ વરદાન માંગ્યું કે, ‘મારા કૂવાનું પાણી રાજાને મીઠું લાગે અને રત્નાવલીના કૂવાનું પાણી રાજાને ખારું લાગજો.
’ તેથી રાણી ચંદ્રમુખીના કૂવાનું પાણી તમને મીઠું અને રત્નાવલીના કૂવાનું પાણી ખારું લાગ્યું. જ્યારે રત્નાવલીએ વરદાન માગ્યું કે, ‘હે મહેશ્ર્વર, મારા કૂવાનું પાણી જનસમુદાયની તરસ છીપાવે.’ જેથી પ્રજાને રત્નાવલીના કૂવાનું પાણી મીઠું લાગે છે. ઈર્ષા મનની નાનપ બતાવે છે.
શિવ રહસ્ય: પ્રભુ તમારા આશીર્વાદ અમને મળ્યા ને શિવગણ તરીકે કૈલાસ ખાતે સ્થાન મળ્યું એનાથી વિશેષ શું હોઈ શકે
ઈર્ષાની આગનો અંજામ વિનાશકારી હોય છે, હે રાણી ચંદ્રમુખી તમે પણ મારા અનન્ય ભક્ત છો, જો તમે ઈર્ષા અને અહંકારનો ત્યાગ કરશો તો તમારા કૂવાનું પાણી પણ મીઠું થઈ જશે.’ રાણી ચંદ્રમુખીએ અશ્રુભીની આંખે નણંદ રત્નાવલીને ગળે લગાડતાં તેનામાંથી ઈર્ષા અને અહંકારનો ભાવ ઊતરી ગયો અને ક્ષણભરમાં ચંદ્રમુખીનો કૂવો પણ મીઠો થઈ ગયો.
દીકરી રત્નાવલી અને રાણી ચંદ્રમુખીના કૂવાનું પાણી મીઠું હોવાથી મુસાફરોની અગવડતાનો અંત આવે છે. બાજુના રાજ્યના રાજકુમાર સ્વર્ણકેશીને રત્નાવલીએ વરમાળા પહેરાવી છે એ જાણ થતાં જ સ્વર્ણકેશીના માતા રાજુલબા અને પિતા મહેન્દ્રભાએ રાજા ભાનુપ્રતાપને કહેણ મોકલી કે અમે અમારા રાજકુમારને ચાર ફેરા ફરતો જોવા માગીએ છીએ.
શિવ રહસ્ય: નિત્ય શિવપૂજન જ જીવનનું એકમાત્ર કર્મ હોવું જોઈએ
કહેણ મળતાં જ રાજા ભાનુપ્રતાપ રાજ પુરોહિતને બોલાવી લગ્નમંડપ બનાવવાનો આદેશ આપે છે. રાજુલબા અને મહેન્દ્રભા તેમના પરિવાર અને પ્રજાજનો સાથે ત્યાં આવી પહોંચતાં રાજકુમાર સ્વર્ણકેશી અને દીકરી રત્નાવલીને અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરતાં જોઈ ખુશી અનુભવે છે.
મહેન્દ્રભા: ‘આ સુખદ પ્રસંગે હું મારા રાજ્યના રાજા તરીકે રાજકુમાર સ્વર્ણકેશીને ઘોષિત કરું છું.’
રાજા ભાનુપ્રતાપ અને રાણી ચંદ્રમુખી અશ્રુભીના નયને બહેન રત્નાવલીને વિદાય આપે છે.
રાજા ભાનુપ્રતાપના પરિવારનો પ્રસંગ સુખરૂપ પૂર્ણ થતાં ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પહોંચે છે. ફરી ભગવાન શિવ તપસ્યામાં લીન થઈ જાય છે. અચાનક એક દિવસ ભગવાન શિવના મસ્તક પરથી ચંદ્રદેવ અદૃશ્ય થઈ જાય છે. ગંભીર વસ્તુસ્થિતિને ધ્યાનમાં લઈ માતા પાર્વતી ભગવાન શિવને તપસ્યામાંથી બહાર લાવવા કહે છે.
માતા પાર્વતી: ‘સ્વામિ, જુઓ આ શું થયું? તમારા મસ્તક પરથી ચંદ્રદેવ કેમ અદૃશ્ય થઈ ગયા?’
ભગવાન શિવ: ‘દેવી, ચાલો આપણે પૃથ્વી વિહાર કરવા જઈએ ત્યાં તમને સમજાશે.’
માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાસથી નીકળી પડે છે. ત્યાં જ તેમને એક સ્ત્રીનો તેમની તપસ્યા કરતો કરુણ અવાજ સંભળાય છે.
માતા પાર્વતી: ‘સ્વામિ આ કોઈ સ્ત્રીનો કરુણ સ્વર સંભળાઈ રહ્યો છે, એ પંચાક્ષરી મંત્રનો જાપ કરી રહી છે. એ કોણ છે? ’
ભગવાન શિવ: ‘દેવી એ સ્ત્રી તારામંડળની સાધ્વી, ગ્રહ બુધની માતા અને બૃહસ્પતિની પત્ની તારાનો સ્વર છે.’
માતા પાર્વતીની ઇચ્છાને માન આપી ભગવાન શિવ તારા પાસે પહોંચે છે. એ જ સમયે
બુધ: ‘માતા તમને શું દુ:ખ છે, તમે આટલા દુ:ખી કેમ છો? મને જણાવો હું તમારું દુ:ખ અવશ્ય દૂર કરીશ.’
તારા: ‘પુત્ર હું તને કંઈ નહીં કહી શકું, મારી ભૂલનું પ્રાયશ્ર્ચિત હું જ કરીશ.’
ભગવાન શિવ અને માતા પાર્વતીને જોઈ તારા તેમને દંડવત પ્રણામ કરે છે.
તારા: ‘મહાદેવ હું તમારા શરણે છું, પાપ-બંધનથી મુક્ત કરો. મેં મારા પતિ વિરુદ્ધ ઘોર પાપ કર્યું છે.’
માતા પાર્વતી: ‘ઊઠો, તારા તમારા બધા પાપોનો અંત થશે. સવિસ્તાર જણાવો શું થયું છે?’
તારા: ‘માતા તમે અને મહાદેવ ત્રિકાળ જ્ઞાની છો, તમને બધું જ ખબર છે.’
માતા પાર્વતી: ‘પાપનો સ્વહસ્તે સ્વિકાર કરવાથી એ પાપનો ઘણા અંશે નાશ થાય છે અને હૃદયનો ભાર પણ ઓછો થાય છે, તમે થયેલા પાપનો સ્વીકાર કરી જણાવો.’
તારા: ‘માતા એક દિવસ મારા પતિ બૃહસ્પતિ મહાદેવની ભક્તિમાં લીન હતાં, હું શિવપૂજાની સામગ્રીનું વ્યવસ્થાપન કરતી હતી. એ સમયે ચંચળ ચંદ્ર મારી સામે આવ્યા. ચંદ્રના ચંચળ ચક્ષુ અને મારા ચક્ષુની દૃષ્ટિ એકબીજા પર પડતાં હું મોહિત થઈ ગઈ અને અમારા વચ્ચે થયેલા દૃષ્ટિ પ્રેમથી બાળકનો જન્મ થયો. હું એ અપરાધ ભાવથી બળી રહી છું. મેં મારા પતિનો વિશ્ર્વાસઘાત કર્યો અને પોતાના સતિત્વનો પણ નાશ કર્યો છે, મને દંડ આપો.’
માતા પાર્વતી: ‘શું એનું પરિણામ આ તમારો પુત્ર બુધ છે?’
તારા: ‘હા માતા.’
બુધ: ‘માતા કહી દો કે એ ખોટું છે, સમસ્ત સંસાર દેવગુરુ બૃહસ્પતિ અને તારાનો પુત્ર તરીકે મને ઓળખે છે.’
ભગવાન શિવ: ‘બુધ, તમારી માતા જે વાસ્તવિકતાને સ્વીકારી રહી છે એ તમારે સ્વીકારવું જ રહ્યું.’
બુધ: ‘મારી માતાની પવિત્રતા ખંડિત કરનારને હું અવશ્ય દંડ આપીશ.’
ભગવાન શિવ: ‘નહીં પુત્ર બુધ, એ તમારા જનક છે, અને જનક આદરણીય હોય છે, જનકને દંડ આપી શકાતો નથી, અને જનકનો અનાદર કરનાર ક્યારેય સફળ થતો નથી.’
તારા: ‘દેવાધિદેવ મને આ પાપ બંધનથી મુક્તિ કઈ રીતે મળશે.’
ભગવાન શિવ: ‘ફક્ત દેવગુરુ બૃહસ્પતિ જ તમને પાપ-બંધનમાંથી મુક્ત કરી શકે છે.’
તારા: ‘નહિં મહાદેવ, હું કેવી રીતે એમની સામે ઉપસ્થિત થઈ શકું, મારી હિંમત નથી.’
ભગવાન શિવ: ‘દેવગુરુ બૃહસ્પતિને બધી જ વસ્તુ સ્થિતિનું ભાન છે, તેઓ બધી જ વસ્તુ જાણે છે. તમારું કલ્યાણ તેમના ચરણોમાં જ છે.’
બુધ: ‘ચાલો માતા, હું તમને પિતાશ્રી પાસે લઈ જઈશ.’
(ક્રમશ:)