શિવ રહસ્ય: પ્રભુ તમારા આશીર્વાદ અમને મળ્યા ને શિવગણ તરીકે કૈલાસ ખાતે સ્થાન મળ્યું એનાથી વિશેષ શું હોઈ શકે | મુંબઈ સમાચાર
ધર્મતેજ

શિવ રહસ્ય: પ્રભુ તમારા આશીર્વાદ અમને મળ્યા ને શિવગણ તરીકે કૈલાસ ખાતે સ્થાન મળ્યું એનાથી વિશેષ શું હોઈ શકે

– ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)

દેવર્ષિ નારદનો પ્રશ્ન હતો કે, પ્રભુ આ સૃષ્ટિને વિનાશથી કઈ રીતે બચાવી શકાય?’ ભગવાન શિવે સમજાવતાં કહ્યું કે,સૃષ્ટિનું નિર્માણ અને વિનાશ તો સમયના કાળચક્ર પર નિરંતર ચાલતી પ્રક્રિયા છે, પણ હું મહાકાલ તમને વિશ્વાસ અપાવીશ કે જ્યાં સુધી પ્રાણીઓમાં ધર્મ અને ભક્તિનો અંશ શેષ રહેશે ત્યાં સુધી આ સૃષ્ટિ વિનાશથી સુરક્ષિત છે.’ દેવર્ષિ નારદ અને દેવરાજને સમજાવતાં બ્રહ્માજીએ કહ્યું કે, ૐ નમ: શિવાય: પંચાક્ષરી મંત્રના જાપ અને નિત્ય શિવપૂજન જ જીવનનું એકમાત્ર કર્મ હોવું જોઈએ.’ ભગવાન શિવની આજ્ઞાથી શિવરાત્રી સંબંધિત વાર્તા સંભળાવતા દેવર્ષિ નારદ કહે છે:શિંગવેરપુરના જંગલમાં ગુરુ ધ્રુવ નામનો ભીલ શિકારી એક મૃગની પાછળ દોડતો હતો. મૃગની ગતિ વધુ હોવાથી તે મૃગને મારી ન શક્યો. તેણે વૃક્ષ પર ચઢી જાય છે અને વિચારે છે કે, મૃગ લાંબે ગયું નહીં હોય. છુપાયેલું મૃગ બહાર આવતાં શિકારી ગુરુ ધ્રુવે બાણ ચઢાવ્યું. મૃગે કહ્યું કે, મારી હત્યા ન કરો, પતિ અને બાળકો મારી રાહ જોતા હશે. મારા પર વિશ્વાસ કરો. હું એમને કહીને પરત આવું છું.’ ગુરુ ધ્રુવ:તું કહે છે કે એટલે હું તારા પર વિશ્વાસ કરું છું. જલદી જઈ પરત આવ.’ બીલીપત્રના વૃક્ષ પર બેસેલો શિકારી ગુરુ ધ્રુવ મૃગની રાહ જોતાં જોતાં અજાણતાં બીલીપત્ર શિવલિંગ પર ફેંકવા લાગ્યો. એ જ સમયે એક બીજું મૃગ ત્યાંથી જઈ રહ્યું હતું. શિકારી ગુરુ ધ્રુવે ફરી બાણ ચઢાવ્યું, ફરી બીજા મૃગે કહ્યું, મારી હત્યા ન કરો, મારી બહેન આ જંગલમાં ખોવાઈ ગઈ છે એનો પતિ અને એના બાળકો એની રાહ જુએ છે એટલે હું એને શોધવા આવ્યો છું. મારી બહેન મળી જાય એટલે એના ઘરે મૂકી આવી હું તમારી પાસે પરત આવીશ.’ તેણે કીધું:જા તારા પર પણ વિશ્વાસ કરું છું, તારી બહેન મળી જાય એટલે તમે બંને પરત આવો હું અહીં જ તમારી રાહ જોઈશ.’ફરી શિકારી ગુરુ ધ્રુવ બંને મૃગની રાહ જોતાં જોતાં બીલીપત્ર તોડી નીચે શિવલિંગ પર ફેંકવા લાગ્યો. રાત વીતવા લાગી અને પ્રભાત થઈ. બંને મૃગ પાછા નહોતા આવ્યા, પણ તેણે જોયું કે હું તો બીલીપત્રના વૃક્ષ પર બેઠો છું અને બીલીપત્રનો મોટો ઢગલો ઉંચો થઈ ગયો છે. એ નીચે આવ્યો અને બીલીપત્રને હટાવતાં જોયું કે નીચે શિવલિંગ છે. એજ સમયે મૃગ પરિવાર ત્યાં આવી પહોંચે છે. પ્રથમ મૃગ કહે છે, `હું મારા ભાઈ અને પરિવાર સાથે અહીં આવ્યા છીએ, તમે અમારો શિકાર કરી શકો છો.’ શિકારી ગુરુ ધ્રુવ શિવલિંગને ચીટકીને રડવા માંડયો. એની દયા ભાવના ફુટી ફુટીને એના અશ્રુ રૂપે વહેવા માંડી.

આ પણ વાંચો: શિવ રહસ્ય: નિત્ય શિવપૂજન જ જીવનનું એકમાત્ર કર્મ હોવું જોઈએ

શિવરાત્રીની પૂર્ણ રાત શિવલિંગ પર બીલીપત્ર ચઢાવી, પોતાના પાપનું પશ્ચાતાપ કરતા શિકારી ગુરુ ધ્રુવ પર પ્રસન્ન થયેલા ભગવાન શિવ ત્યાં પધારે છે અને કહે છે, `ઉઠો ગુરુ ધ્રુવ, હું પ્રસન્ન છું, તમે પાપ અને આત્મગ્લાનીના બોજથી મુક્ત થયા છો, હું તમારો કાયાકલ્પ શિંગવેરપુરના રાજા તરીકે કરું છું. દ્વાપર યુગમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુના અવતારના પરમ મિત્ર તરીકે તમે અમર થશો અને કળિયુગમાં તમારી આ કથા જે સાંભળશે તેનું કલ્યાણ થશે.

ગુરુ ધ્રુવ અને તેનો પરિવાર ભગવાન શિવના આશિર્વાદ લે છે.

ગુરુ ધ્રુવ: `મહાદેવ આ મૃગ ભાઈ-બહેનના પરિવારને લીધે જ હું તમને પામી શક્યો છું. મારી સાધના માટે તેઓ નિમિત્ત માત્ર નથી. દેવાધિદેવ એમનું પણ કલ્યાણ કરો.’

ભગવાન શિવ: `જેવી તમારી ઈચ્છા ગુરુ ધ્રુવ.’

આટલું બોલતાં જ ભગવાન શિવના ત્રિશુળમાંથી એક પ્રકાશ નીકળી એ મૃગ ભાઈ-બહેનના પરિવાર પર પડે છે. પ્રકાશ પડતા જ એ મૃગ પરિવાર મૃગમાંથી માનવ બની જાય છે.

આ પણ વાંચો: શિવ રહસ્ય: ભક્તિ જ એવો માર્ગ છે જે મારા સુધી તમને પહોંચાડશે…

ભગવાન શિવ: હે ગુરુ ધ્રુવ તમારી ઈચ્છા અને અન્યોનું કલ્યાણ કરવાની ઈચ્છા પ્રબળ હોવાથી આ મૃગ પરિવાર હવે પશુ યોનીમાંથી માનવ યોનીમાં પ્રવેશ્યું છે. હું તેમને મારા શિવગણોમાં સામેલ કરું છું આજથી તેઓ કૈલાસ પર નિવાસ કરશે. મૃગમાંથી માનવ બનેલું ભાઈ-બહેનનું પરિવાર ભગવાન શિવના આશીર્વાદ લે છે અને કહે છે,પ્રભુ તમારા આશીર્વાદ અમને મળ્યા અને શિવગણ તરીકે કૈલાસ ખાતે સ્થાન મળ્યું એનાથી વિશેષ શું હોઈ શકે.’

કૈલાસ આવેલા નવા સાથીઓને મળીને નંદી સહિતના શિવગણો આનંદિત થઈ જાય છે અને ઉત્સવ મનાવે છે. કૈલાસ ખાતે ઉત્સવનું વાતાવરણ યોજાતાં નંદી મહારાજ માતા પાર્વતીને વિનંતી કરે છે, `હે માતા નવા શિવગણો કૈલાસ આવી પહોંચ્યા છે આ ઉત્સવમાં તમારા હાથની ખીર આરોગવા મળે તો અમે ધન્ય થઈ જઈએ.’

માતા પાર્વતી નંદી મહારાજના ઉત્સાહને ઓસરવા ન દેતાં તેમના હાથે ખીર બનાવે છે અને કૈલાસ ખાતે સમગ્ર શિવગણ ભગવાન શિવ સહિત માતા પાર્વતીના હાથની ખીર ખાઈની આનંદિત થાય છે.

આ પણ વાંચો: શિવ રહસ્યઃ મૃત્યુ બાદ મારા શરીર પરના ગજ ચર્મને આપ એક વખત ધારણ કરો ને તમારા ચરણોમાં શરણું આપો

કૈલાસ ખાતે આનંદિત વાતાવરણ વચ્ચે નણંદ અને ભોજાઈ એમ બે સ્ત્રીઓના સ્વર કૈલાસ સુધી પહોંચવા માંડ્યા.

માતા પાર્વતી: સ્વામી ફરી બે સ્ત્રીનો સ્વર કૈલાસ સુધી પહોંચવા માંડ્યો છે, શું આ બે સ્ત્રીઓ આસુરી વૃત્તિ ધરાવે છે. ભગવાન શિવ:દેવી આ બે સ્ત્રીઓ કોઈ અસુર ક્નયા નથી તેઓ બુંદેલગઢના રાજા ભાનુપ્રતાપની પત્ની ચંદ્રમુખી અને બહેન રત્નાવલી છે.

આ પણ વાંચો: શિવ રહસ્યઃ મારા ભક્તોને જે રંજાડશે તેને હું અવશ્ય દંડ આપીશ

માતા પાર્વતી: `પણ સ્વામી રાજ પરિવારની સ્ત્રીઓ આમ તમારી આરાધના કેમ કરી રહી છે?’

ભગવાન શિવ: એક દિવસ એવું થયું કે રાણી ચંદ્રમુખીએ મહારાજ ભાનુપ્રતાપે કહ્યું કે, નાથ, આપણા રાજ્યથી પસાર થનારા મુસાફરોને માર્ગમાં પીવા માટે પાણી મળી રહે તે માટે હું એક કૂવો ખોદાવવા માગું છું. પણ યોગાનુયોગ બીજા દિવસે મહારાજ ભાનુપ્રતાપની બહેન પણ એમ જ કહેવા માંડી કે હું પણ એક કૂવો ખોદાવવા માગું છું જેથી પસાર થનારા મુસાફરોને પાણી મળી રહે. રાણી ચંદ્રમુખી અને રત્નાવલી વચ્ચે આ બાબતે ઝઘડો થવા લાગ્યો. રાણી ચંદ્રમુખીએ ઉશ્કેરાઈને કહ્યું કે,તેં ઈર્ષાને લીધે જ કૂવો ખોદાવવા માંગણી કરી છે એટલે તારા કૂવાનું પાણી ખારું જ નીકળશે.’ મહારાજા ભાનુપ્રતાપે કહ્યું, `તમે નણંદ-ભોજાઈ ઝઘડો નહીં, સૌથી પહેલા તમે બંને કહો ત્યાં કૂવો ખોદાવીશ અને તેનું પાણી હું ચાખી જોઈશ કે કયું પાણી મીઠું છે અને ક્યું પાણી ખારું.’ રાજા ભાનુપ્રતાપના આદેશથી નણંદ-ભોજાઈ દ્વારા બતાવવામાં આવેલી જગ્યા પર કૂવો ખોદવાનું ચાલું થયું. નણંદ રત્નાવલી અને ભોજાઈ રાણી ચંદ્રમુખી બંને મારા ભક્ત છે. તેઓ બંને મારી આરાધના કરી રહ્યા છે કે તેમના કૂવાનું પાણી મીઠું નીકળે.

આ પણ વાંચો: શિવ રહસ્ય : દેવર્ષિ હું વરદાની છું મને સમજાવવાની કોશિશ ના કરો, પિતાની હત્યાનો બદલો અવશ્ય લઈશ!

માતા પાર્વતી: `સ્વામી આ પરિસ્થિતિમાં કોનું પાણી મીઠું લાગશે.’

ભગવાન શિવ: દેવી, તમે શું બોલી રહ્યા છો, એ બંને મારા ભક્ત છે, બંનેના કૂવાનું પાણી તો મીઠું જ નીકળશે. પણ… જુઓ આગળ આગળ શું થાય છે.

(ક્રમશઃ)

સંબંધિત લેખો

Back to top button