ધર્મતેજ

શિવ રહસ્ય: ચંદ્ર દેવના વર્તનથી ગુસ્સે થઈને દક્ષ પ્રજાપતિએ તેમને કદરૂપા થવાનો શાપ આપ્યો!

  • ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
માતા પાર્વતીએ કહ્યું, હે સ્વામિ મહાનંદાને તો પરમપદ પ્રાપ્ત થઈ ગયું છે, પણ પૃથ્વીવાસીઓ કઈ રીતે પોતાના પાપનો નાશ કરી ધન, યશ અને મનોવાંછિત ફળ મેળવી શકે તેની વ્રત વિધિ બતાવો જેથી તેમનું કલ્યાણ થાય.’ માતા પાર્વતીની વિનંતી સાંભળી ભગવાન શિવે કહ્યું,પ્રિયે પૃથ્વીવાસીઓ મારા નવ આશુતોષ અવતારોનું શ્રવણ અથવા 12 જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરશે તેમનાા પાપોનો નાશ થશે અને ધન, યશ અને મનોવાંછિત ફળ મેળવી શકશે.’ વધુ વિગત જાણવા માતા પાર્વતીએ કહ્યું, પૃથ્વીવાસીઓના કલ્યાણ માટે પ્રથમ તમે તમારા નવ અવતાર અને 12 જ્યોતિર્લિંગ વિશે જણાવો.’ ભગવાન શિવે કહ્યું,પહેલા દ્વાપર યુગના સાતમા વરાહ કલ્પમાં શ્વેત નામે પ્રગટ થઈશ. બીજા દ્વાપર યુગમાં સુતાર નામે પ્રગટ થઈશ.

ત્રીજા દ્વાપર યુગમાં દમન નામે પ્રગટ થઈશ. ચોથા દ્વાપર યુગમાં જ્યારે સુહોત્ર નામે પ્રગટ થઈશ, પાંચમા દ્વાપર યુગમાં કંક નામે અવતાર લઈશ. છઠ્ઠા દ્વાપર યુગમાં લોકાાક્ષિ નામે અવતાર લઈશ. સાતમા દ્વાપર યુગમાં જૈગીષવ્ય નામે અવતાર લઈશ. આઠમા દ્વાપર યુગમાં દધિવાહન નામે અવતાર લઈશ. નવમા દ્વાપર યુગમાં ઋષભ નામે અવતાર લઈશ. તેમ જ કળિયુગમાં હું પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સૌરાષ્ટ્ર ખાતે સોમનાથ નામે, દ્વિતીય જ્યોતિર્લિંગ તરીકે શ્રીશૈલ પર્વત ખાતે મલ્લિકાર્જુન નામે, તૃતીય જ્યોતિર્લિંગ તરીકે ઉજ્જૈન ખાતે મહાકાલ નામે, ચતુર્થ જ્યોતિર્લિંગ તરીકે નર્મદાના તટ પર ઓમકારેશ્વર-મમલેશ્વર નામે, પંચમ જ્યોર્તિલિંગ તરીકે પરળી ખાતે વૈજનાથ નામે, ષષ્ઠમ જ્યોતિર્લિંગ તરીકે ભીમાશંકર નામે, સપ્તમ જ્યોતિર્લિંગ તરીકે રામેશ્વર નામે, અષ્ટમ જ્યોતિર્લિંગ દારૂકા વન ખાતે નાગેશ્વર નામે, નવમ જ્યોતિર્લિંગ તરીકે વારાણસી ખાતે વિશ્વેશ્વર નામે, દસમ જ્યોતિર્લિંગ તરીકે ગૌતમના તટ પર ત્રંબકેશ્વર નામે, અગિયારમાં જ્યોતિર્લિંગ તરીકે હિમાલય ખાતે કેદારેશ્વર અને બારમા જ્યોતિર્લિંગ તરીકે ઘૃષ્ણેશ્વર નામે પ્રગટ થઈશ. જે માનવ આ જ્યોતિર્લિંગની પૂજા-અર્ચના કરશે તેના પાપોનો નાશ થશે અને ધન, યશ અને મનોવાંછિત ફળ મેળવશે.

આ પણ વાંચો: શિવ રહસ્ય : પ્રભુ તમે વરદાન આપવા જ માગતા હોવ તો મને પુનર્જન્મના ભયથી મુક્ત કરો

માતા પાર્વતી: સ્વામિ તમારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના પ્રાગટ્ય વિશે માહિતી આપશો તો સમગ્ર સંસારવાસીઓ માટે ઉત્તમ રહેશે.

ભગવાન શિવ: દેવી હું તમને 11 જ્યોતિર્લિંગ વિશે અવશ્ય જણાવીશ.

ચંદ્ર દેવ દક્ષ પ્રજાપતિની 27 પુત્રી એટલે કે અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મુળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રાવણ, ધનીષ્ઠા, શતભિષા, પૂર્વભદ્રા, ઉત્તરાભદ્ર અને રેવતી સાથે પરંપરાગત રીતે લગ્ન કરે છે. ચંદ્ર દેવ દ્વારા રોહિણી પ્રત્યે વિશેષ પ્રેમ દર્શાવાતા તેની અન્ય પત્નીઓમાં રોહિણીની ઈર્ષ્યા થતી. ચંદ્ર દેવની અન્ય પત્નીઓને એવું લાગતું કે સમય જતા ચંદ્ર દેવ તેમની તરફ પણ આકર્ષાશે પણ ઘણા વરસો વીતી જવા છતાં ચંદ્રદેવ તરફથી અન્ય પત્નીઓને ન્યાય ન મળતાં તેઓએ પિતા દક્ષને ફરિયાદ કરી. દક્ષ પ્રજાપતિએ ચંદ્ર દેવને વારંવાર સમજણ આપી, પણ રોહિણી પ્રત્યેનો તેમનો પ્રેમ યથાવત્‌‍ રહ્યો અને અન્ય પત્નીઓને ન્યાય ન આપી શકવાના ચંદ્ર દેવના વર્તનથી ગુસ્સે થઈને દક્ષ પ્રજાપતિએ તેમને કદરૂપા થવાનો શાપ આપ્યો, દક્ષ પ્રજાપતિના શ્રાપનો ચંદ્રદેવ પર પ્રભાવ પડવા માંડયો અને ચંદ્રદેવ શારીરિક રીતે અક્ષમ થવા લાગ્યા. પૃથ્વી પર રાત્રિના સમયે ચંદ્રદેવનો પ્રકાશ ઝાંખો થવા લાગ્યો. દિવસો અને મહિનાઓ વિતતાં ગયાં ચંદ્રદેવ પથારીવશ થઈ ગયા. ચંદ્રદેવની પત્નીઓ પિતા દક્ષ પ્રજાપિત પાસે જઈ વિલાપ કરવા લાગી. ચંદ્રદેવની સ્થિતી જોઈ દક્ષ પ્રજાપતિ પણ વ્યથિત થઈ ગયા કે મારા ક્રોધે આ શું કરી નાખ્યું. તેઓ તેમના આરાધ્યા ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે ક્ષીરસાગર પહોંચ્યા.

આ પણ વાંચો: શિવ રહસ્ય : પ્રભુ તમે વરદાન આપવા જ માગતા હોવ તો મને પુનર્જન્મના ભયથી મુક્ત કરો…

દક્ષ પ્રજાપતિ: ભગવાન શ્રીહરિ વિષ્ણુની જય હો, ભગવંત મારો ક્રોધ શું મારી દીકરીઓને વિધવા બનાવી દેશે. પ્રભુ તમે જ હવે મારા તારણહાર છો, તમારા સેવકની લાજ બચાવો.

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: તમે આપેલો શ્રાપ મિથ્યા નહીં જાય, તમારો શ્રાપ ચંદ્રદેવે ભોગવવો જ પડશે, પણ એ શ્રાપથી ભગવાન શિવ જ રક્ષણ કરી શકશે. ચંદ્રદેવ અને તેમની પત્નીઓ જો ભગવાન શિવના શરણે જશે તો ચંદ્રદેવની રક્ષા થઇ શકશે.

નિરાશ દક્ષ પ્રજાપતિ ચંદ્રદેવ પાસે પહોંચે છે અને ભગવાન શ્રીહરિ વિષ્ણુએ આપેલી સલાહ તેમને કહે છે. ચંદ્રદેવ અને તેમની 27 પત્નીઓ ભગવાન શિવની આરાધના કરે છે. તેમનો સ્વર કૈલાસ સુધી પહોંચતાં ભગવાન શિવ પ્રભાસ ખાતે જ્યાં ચંદ્રદેવ અને તેની પત્નીઓને સાક્ષાત દર્શન આપે છે

ભગવાન શિવ: ચંદ્રદેવ તમારી અને તમારી પત્નીઓની આરાધનાથી હું પ્રસન્ન છું. વરદાન માંગો.

ચંદ્રદેવ: પિતા સમાન મારા શ્વસુર દ્વારા મને અપાયેલા શ્રાપથી મુક્ત કરો.

ભગવાન શિવ: હે ચંદ્રદેવ, તમારું પૂર્ણપણે શ્રાપ મુક્ત થવું શક્ય નથી. પરંતુ સમસ્ત સંસારના સમતુલન માટે હું તમારા શ્રાપને હળવો કરી શકું છું. આજથી તમારી કલા એક પક્ષમાં પ્રતિદિન નિરંતર વધતી રહેશે અને બીજા પક્ષમાં તમારી કલા પ્રતિદિન ક્ષીણ થતી રહેશે. આમ નિરંતર તમારી કલા એક પક્ષમાં વધશે અને એક પક્ષમાં ઘટશે.

આ પણ વાંચો: શિવ રહસ્ય : તારું કહેવું કેમ માની શકાય કે આ ગંગાજળ છે?

એજ સમયે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને બ્રહ્મદેવ ત્યાં પધારે છે.

બ્રહ્મદેવ: હે દેવાધિદેવ, તમારા આશીર્વાદથી ચંદ્રદેવ અને તેમની પત્નીઓનું કલ્યાણ થયું મારી વિનંતી છે કે સમસ્ત સંસારના માનવીઓના કલ્યાણ માટે તમે અહીં પ્રભાસતીર્થ ખાતે જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થાઓ.

બ્રહ્મદેવની વિનંતી સાંભળતા જ ભગવાન શિવના હૃદયમાંથી એક જ્યોત નીકળી અને એક જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થઈ. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button