શિવ રહસ્ય : દુ:ખીઓની રક્ષા કરનારું તમારું એ વિશાળ ધનુષ્ય ક્યાં ગયું?

– ભરત પટેલ
કરુણામયી જગતજનની પ્રગટેલી માતા શક્તિ સંસારવાસીઓનું દુ:ખ જોઈ ન શકતાં તેઓના નયન અશ્રુભીના થઈ ગયા અને તેમની આંખોમાંથી અસંખ્ય અશ્રુઓની ધારાઓ વહેવા લાગી. એ અશ્રુઓની ધારાઓ એટલી ગતિમય હતી કે સમસ્ત સંસારમાં નદીઓનાં નીર તરીકે વહેવા માંડી, સમસ્ત સંસાર પાણીમય થઈ ગયું. માતાના ચોથા હાથમાં ફળ-ફૂલ હતાં એ ત્યાંથી અદૃશ્ય થયાં અને સંસારના દરેક છોડ, લતાઓ અને વૃક્ષો ફળ-ફૂલ મય બની ગયાં. સમસ્ત દેવગણ હર્ષ અનુભવી રહ્યા હતા. દેવર્ષિ નારદે કહ્યું, `માતા તમારા પ્રાગટ્યથી સમસ્ત સંસારવાસીઓ પ્રસન્ન થઈ રહ્યાં છે.
સંસારમાં પાણી અને ફળ-ફૂલ પયાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. માતા હવે દુર્ગમાસુરના બંદી એવા ચાર વેદને મુક્ત કરવા અનિવાર્ય છે.’ ક્રોધિત માતા પાર્વતી દુર્ગમાસુરને પ્રગટ થવા આહ્વાન આપતાં દુર્ગમાસુર તેમની સમક્ષ પ્રગટ થાય છે. માતા પાર્વતી તેને ચારેય વેદને તુરંત મુક્ત કરવા કહે છે. કામલોભી દુર્ગમાસુર માતા પાર્વતીને તેના બદલામાં પોતાને વરવાનું કહે છે. ક્રોધિત માતા તેને કહે છે, `શિવની શિવા પર કુદૃષ્ટિ નાખનાર દુર્ગમાસુર તારો અંત નિશ્ચિત છે. લે તારા દુ:સાહસનું ફળ.’ આટલું કહી માતા પાર્વતીના હૃદયમાંથી અષ્ટભૈરવી પ્રગટ થાય છે. એ અષ્ટભૈરવી દેવી દુર્ગમાસુર પર આક્રમણ કરે છે, પણ દુર્ગમાસુરની મુખાગ્નિમાંથી નીકળેલી અગ્નિ અષ્ટભૈરવી સહન કરી શકતી નથી અને રાખ થઈ જાય છે.
આ પણ વાંચો : શિવ રહસ્ય : સંસાર તમને દુર્ગમનો નાશ કરનારી માતા દુર્ગા તરીકે પૂજશે…
વરદાની દુર્ગમાસુર માતા પાર્વતીને કહે છે, `સુંદરી મેં પહેલા જ કહ્યું હતું કે મારી અતુલ્ય શક્તિ’ સામે તારી તુચ્છ શક્તિ ક્યારેય ટકી નહીં શકે. હવે વધુ સમય વ્યતીત ન કર અને મારી રાણી બની જા. ત્યારબાદ આઠ દિવસ સુધી માતા પાર્વતી અને દુર્ગમાસુર વચ્ચે યુદ્ધ ચાલે છે. દુર્ગમાસુર એક પછી એક મોટા શસ્ત્રોનો ઉપયોગ માતા પાર્વતી પર કરે છે પણ માતા પાર્વતી એ શસ્ત્રોને નિસ્તેજ કરી નાખે છે. અંતે માતા પાર્વતી વિરાટ રૂપ ધારણ કરે છે અને પોતાના ચરણ પ્રહારથી દુર્ગમાસુરને પાતાળલોક મોકલી આપે છે. બળશાળી દુર્ગમાસુર ફરી પાતાળલોકથી ઉપર આવે છે અને માતા પાર્વતી પર આક્રમણ કરવાની કોશિશ કરે છે, અંતે માતા પાર્વતી વધુ ક્રોધિત થાય છે અને તેમના હૃદયમાંથી દસ દેવીઓ પ્રગટ થાય છે જેમનું નામ છે કાલી, તારા, છિન્નમસ્તા, શ્રી વિદ્યા, ભુવનેશ્વરી, ભૈરવી, બગલા, ધૂમા, ત્રિપુરા અને માતંગી.
આ બધી દેવીઓ મળીને દુર્ગમાસુરની સો અક્ષૌહિણી સેનાનો નાશ કરે છે. પોતાની સેનાનો નાશ થતો જોઈ દુર્ગમાસુર ગભરાઈ જાય છે. એ ક્ષણે જ માતા પાર્વતીનું ત્રિશુળ દુર્ગમાસુરના શરીરને વિંધી નાખે છે. દુર્ગમાસુરનો અંત થતાં જ ચારેય વેદ મુક્ત થાય છે અને બ્રહ્મલોકમાં ફરી નિવાસ કરતા સંસારમાં ચક્ર ફરી ગતિમાન થાય છે. માતા પાર્વતી સાથે સમસ્ત દેવગણ કૈલાસ પહોંચે છે. ભગવાન શિવ કહે છે, `હે શક્તિસ્વરૂપા પાર્વતી તમે સંસારચક્રને ગતિમાન રાખવા દુર્ગમનો વિનાશ કર્યો છે. આ સંસાર તમને દુર્ગમનો નાશ કરનારી માતા દુર્ગા તરીકે પૂજશે.’
આ પણ વાંચો : શિવ રહસ્ય: સંસારમાં ક્યાંય ધર્મનું આચરણ થતું દેખાતું નથી
દેવર્ષિ નારદ સહિત દેવગણ માતા દુર્ગા અને ભગવાન શિવનો જયજયકાર કરવા માંડયા.
માતા પાર્વતી: દેવરાજ જુઓ તમારું સ્વર્ગલોક ફરી દુર્ગમાસુર અને તેના અસુરોના વર્ચસ્વથી મુક્ત થયું છે. જાઓ સિંહાસન શોભાવો અને હવે તમે તમારું કર્તવ્ય કદીયે ભૂલશો નહીં એવું હું ઇચ્છું છું.' દેવર્ષિ નારદ:રાજા માત્ર ભૂલને પાત્ર. દેવરાજ સ્વર્ગલોકની અપ્સરાઓના નૃત્ય-સંગીતપાનમાં તેમની જવાબદારી ભૂલી ન જાય એવું બને જ નહીં.’
દેવરાજ ઇન્દ્ર: `માતા હું ભૂતકાળના બેજવાબદાર વર્તન બદલ દિલગીર છું, દેવર્ષિ હવે ક્યારેય હું મારું કર્તવ્ય નહીં વિસરું અને અમે દેવગણો લોકકલ્યાણનાં કામો માટે અગ્રેસર રહીશું.’
સમગ્ર દેવગણ એકી સાથે બોલી ઉઠયા કે, અમે અમારું કર્તવ્ય ક્યારેય નહીં વિસરીએ.
ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ લઈ દેવર્ષિ નારદ સહિત દેવલોક પોતપોતાનાં લોક તરફ પ્રયાણ કરે છે.
આ પણ વાંચો : શિવ રહસ્ય : દુર્ગમાસુર દેવગણો ને પૃથ્વીવાસીઓને અન્યાય કરશે ત્યારે હું શિવઇચ્છાથી દુર્ગમાસુરને દંડ આપીશ
ભગવાન શિવ: `દેવી દેવલોક પોતપોતાના લોક ચાલ્યા ગયાં, સંસારચક્ર ફરી વ્યવસ્થિત ચાલી રહ્યું છે. યુવા ભદ્રાયુની શૂરવીરતા જોઈ ચંપારણ્યના મહારાજા ચંદ્રાંગ અને મહારાણી સીમંતિએ તેમની પુત્રી કીર્તિમાલિનીના લગ્ન યુવા ભદ્રાયુ સાથે કરાવ્યાં અને રાજગાદી સોંપી દીધી છે. ચંપારણ્યના જંગલમાં રાજા ભદ્રાયુ અને રાણી કીર્તિમાલિની વિહાર કરી રહ્યાં છે. આ રાજદંપતીની ધર્મમાં દૃઢતા અને શરણાગતોનું પાલન કરવાની કેટલી ક્ષમતા છે તે જાણવા તેમની પરીક્ષા લેવી અનિવાર્ય લાગી રહી છે.’
માતા પાર્વતી: `તો ચાલો સ્વામી, જોઈએ ભદ્રાયુ અને કીર્તિમાલિનીની ધર્મમાં દૃઢતા
કેટલી છે.’
માતા પાર્વતી સહિત ભગવાન શિવે એક લીલા રચી. માતા પાર્વતી અને ભગવાન શિવ એ વનમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીરૂપે પ્રગટ થયાં. એ બંનેએ લીલાપૂર્વક એક માયાવી વાઘનું નિર્માણ કર્યું. એ બંને ભયથી વિહવળ થઈ વાઘથી થોડે જ દૂર આગળ રડતા રડતા બૂમો પાડતાં ભાગવા માંડયાં અને વાઘ એમનો પીછો કરવા લાગ્યો. રાજા ભદ્રાયુએ એમને આ અવસ્થામાં જોયાં. બ્રાહ્મણ દંપતી પણ ભયથી રાજા ભદ્રાયુની સામે પહોંચે છે. એજ સમયે વાઘ પણ બ્રાહ્મણી પાસે આવી પહોંચ્યો. તેણે બ્રાહ્મણીને પોતાનો કોળિયો બનાવવાની ચેષ્ટા કરી. રાજા ભદ્રાયુએ ધનુષ્ય ઉઠાવ્યું અને આઘાત કર્યો, પરંતુ એ બાણથી એ મહાબલી વાઘને જરાય વ્યથા ન થઈ અને તે બ્રાહ્મણીને બળપૂર્વક ઘસડતો ઘસડતો ત્યાંથી દૂર નીકળી ગયો. પોતાની પત્નીને વાઘનો શિકાર થતાં જોઈ બ્રાહ્મણ બહુ દુ:ખી થયો અને તે રડવા લાગ્યો.
આ પણ વાંચો : શિવ રહસ્ય : આરાધકને વરદાન આપવા સિવાય આરાધ્ય પાસે કોઈ માર્ગ હોતો નથી
બ્રાહ્મણ (ભગવાન શિવ) : હે રાજન! તમારી ઉપસ્થિતિ હોવા છતાં આ શું થયું? તમારાં મોટાં મોટાં અસ્ત્ર શસ્ત્ર ક્યાં ગયાં? દુ:ખીઓની રક્ષા કરનારું તમારું એ વિશાળ ધનુષ્ય ક્યાં ગયું? સાંભળ્યું હતું કે તમારામાં તો બાર હજાર હાથીઓનું બળ છે તેનું શું થયું? તમારી મંત્ર વિદ્યા ક્યાં ગઈ? શું તમારી શૂરવીરતા મરી પરવારી છે? કોઈપણ ધર્મજ્ઞ રાજા પોતાના પ્રાણની ચિંતા ન કરતાં પોતાની શરણમાં આવેલા દીનદુ:ખિયાઓની રક્ષા કરતા હોય છે શું તમે એ ભૂલી ગયાં? તમારી સામે મારી પત્નીને વાઘ ભક્ષણ કરવા ઘસડી ગયો તમે કંઈ ન કરી શક્યા.’
આ પ્રકારે બ્રાહ્મણના મુખથી વિલાપ અને પોતાના પરાક્રમની નિંદા સાંભળી રાજા ભદ્રાયુ મનમાં ને મનમાં શોકની ગ્લાનિમાં ડૂબી ગયા. તેમણે વિચાર કર્યો કે આજે નિયતીની ગતિ બહુ જ ઝડપી હતી, મારું પરાક્રમ નષ્ટ થઈ ગયું, મારા ધર્મનો પણ નાશ થયો છે. તેથી હવે મારી સંપદા, રાજ્ય અને આયુનો પણ નિશ્ચય જ નાશ થશે. એવું વિચારી રાજા ભદ્રાયુ બ્રાહ્મણનાં ચરણોમાં પડી ગયો અને ધીરજ આપતાં બોલ્યો.
આ પણ વાંચો : શિવ રહસ્ય : હવન કુંડથી બહાર આવો નરકાસુર…
રાજા ભદ્રાયુ: `હે બ્રાહ્મણશ્રેષ્ઠ ! મુજ ક્ષત્રિય અધમ પર કૃપા કરો અને શોક છોડી દો. હું આપને મનોવાંછિત પદાર્થ આપીશ. આ રાજ્ય, આ રાણી અને મારું આ શરીર. આ બધું જ આપને આધીન છે, બોલો આપ શું ચાહો છો.
બ્રાહ્મણ (ભગવાન શિવ) : હે રાજન ! આંધળાને દર્પણ શું કામનું? જે ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરતો હોય, એ ઘણાં બધાં ઘર કે મહેલ લઈને કરે પણ શું? જે મૂર્ખ છે એને પુસ્તક સાથે શી લેવાદેવા? અને જેની પાસે સ્ત્રી નથી, એ ધનને લઈને કરશે પણ શું ? મારી પત્નીને વાઘ ભક્ષણ કરી ગયો મારી પત્ની જતી રહી, મેં કયારેય કામભોગનો ઉપયોગ કર્યો નથી. એટલે કામભોગને માટે તમે તમારી આ મોટી રાણી મને આપી દો. (ક્રમશ:)



