ધર્મતેજ

બ્રહ્મદેવે તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુનમાલીને વરદાન આપ્યું છે તેથી દેવગણોનું શું થશે એ બાબતે ચિંતિત છું

શિવ રહસ્ય – ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)

બ્રહ્મદેવ તારકાક્ષ, વિદ્યુનમાલી અને કમલાક્ષને વરદાન આપવા મેરુ પર્વત તરફ આગળ વધે છે.

બ્રહ્મદેવ: હે મહાદૈત્યો! હું તમારા લોકોના તપથી પ્રસન્ન થયો છું. તેથી તમારી કામના અનુસાર તમને વરદાન પ્રદાન કરીશ.' તારકાક્ષ:હે પરમપિતા જો તમે અમારા પર પ્રસન્ન થયા છો અને અમને વરદાન આપવા ચાહો છો તો એ વરદાન આપો કે અમારા રોગ, જરા, બધા શત્રુઓ નષ્ટ થઈ જાય તથા મૃત્યુ ક્યારેય અમારી પાસે ફરકી ન શકે એવું વરદાન આપો.’
બ્રહ્મદેવ: `હે તારકપુત્રો તમારે એ સમજી લેવું પડશે કે અમરત્વ બધાંને ન મળી શકે, તેથી તમે લોકો એ વિચાર જ છોડી દો. મૃત્યુની વંચના કરતા કોઈ એવું દુર્લભ અને દુસ્સાધ્ય વરદાન માગી લો, જે દેવતા અને અસુરને માટે અશક્ય હોય.
તારકાક્ષે કહ્યું કે વિશ્વકર્મા મારા માટે સ્વર્ણમય નગરનું નિર્માણ કરે જેને કોઈ દેવતા ભેદન ન કરી શકે. ત્યારબાદ કમલાક્ષે રજતમય અને વિદ્યુનમાલીએ લોહમય નગર માગ્યું. હે બ્રહ્મદેવ એ ત્રણે નગર મધ્યાહ્ન સમયે અભિજિત મુહૂર્તમાં ચંદ્રમા જ્યારે પુષ્ય નક્ષત્રમાં રહીને એક સ્થાન પર મળ્યા કરે અને આકાશમાં નીલ વાદળો પર સ્થિર થઇને એ એક ઉપર એક એમ રહેતા અમારી દૃષ્ટિથી ઓઝલઆડ સંતાઇને રહે, પછી પુષ્કરાવર્ત નામક કાલમેઘોની વર્ષા થાય અને એક હજાર વર્ષ પછી આ ત્રણે નગરો પરસ્પર મળે અને એકીભાવે પ્રાપ્ત થાય એ સમયે ભગવાન શિવ જે વેરભાવથી રહિત છે તેઓ લીલાપૂર્વક સંપૂર્ણ સામગ્રીઓથી યુક્ત એક અસંભવ રથ પર બેસીને અનોખા બાણથી અમારાં નગરોનું ભેદન કરે તો જ અમારું મૃત્યુ થાય.

બ્રહ્મદેવે તથાસ્તુ કહી તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુનમાલીને વરદાન આપ્યું અને અસુર શિલ્પી મયાસુરને આદેશ આપ્યો કે ત્રણે તારકપુત્રોને મળેલા વરદાન પ્રમાણે તેમના નગર બનાવી આપો.

કૈલાસ ખાતે માતા પાર્વતી નંદીને પૂછે છે:
માતા પાર્વતી: નંદી શું તમે મહાદેવને જોયા છે?' નંદી:નહીં માતા, હું ઘણા સમયથી મહાદેવને જ શોધી રહ્યો છું.’
એજ સમયે માતા લક્ષ્મી ત્યાં પધારે છે.
માતા પાર્વતી: દેવી લક્ષ્મી તમારું કૈલાસ પર સ્વાગત છે. અહીં પધારવાનું પ્રાયોજન કહો.' માતા લક્ષ્મી:શું અહીં આવવા માટે પ્રયોજન હોવું જરૂરી છે.’
માતા પાર્વતી: નહીં દેવી લક્ષ્મી, તમારે અહીં આવવા કોઈ પ્રયોજનની જરૂર નથી, તમે ક્યારેય આવી શકો છો.' માતા લક્ષ્મી:ઘણા સમયથી દેવી પાર્વતી અને મહાદેવના દર્શન કરવાની અભિલાષા જાગ્રત થઈ હોવાથી અહીં આવી છું.’
માતા પાર્વતી: દેવી તમારું સ્વાગત છે, ભગવાન શ્રીહરિ વિષ્ણુના શું સમાચાર છે.' માતા લક્ષ્મી:તેઓ તો હંમેશાં ક્ષીરસાગરમાં યોગમાયાની સમાધીમાં જ ખોવાયેલા હોય છે, તેમની પાસે સમય ક્યાં હોય છે?’
માતા પાર્વતી: અહીં પણ એવું જ છે, ઘણા સમયથી મહાદેવ ક્યાં છે એ અમને ખબર નથી.' એ જ સમયે માતા સરસ્વતી કૈલાસ પધારે છે. માતા પાર્વતી:સરસ્વતી તમારું પણ કૈલાસ ખાતે સ્વાગત છે કહો શું કામ પધાર્યા.’
માતા સરસ્વતી: બ્રહ્મદેવે તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુનમાલીને વરદાન આપ્યું છે તેથી દેવગણોનું શું થશે એ બાબતે ચિંતિત છું.' એજ સમયે ભગવાન શિવ ત્યાં પધારે છે અને કહે છે: ભગવાન શિવ:દેવી સરસ્વતી ચિંતા ન કરો, બ્રહ્મદેવે વરદાન આપ્યું તો શું થયું, દેવગણો સુરક્ષિત છે અને સુરક્ષિત રહેશે.

ભગવાન શિવ તરફથી આશ્વાસન મળતાં માતા સરસ્વતી અને માતા લક્ષ્મી ત્યાંથી વિદાય લે છે.

સામે બ્રહ્મદેવ મયાસુરને આદેશ આપી બ્રહ્મલોક ચાલ્યા ગયા. ધૈર્યશાળી મયાસુરે પોતાના તપોબળથી નગરોના નિર્માણનું કામ આરંભ કરી દીધું. તેમણે તારકાક્ષ માટે સુવર્ણમય, કમલાક્ષને રજતમય અને વિદ્યુનમાલીને લોહમય એમ ત્રણ પ્રકારના ઉત્તમ દુર્ગ એકબીજાની ઉપર એક જ રેખામાં તૈયાર કર્યા. અસુરોના હિતમાં તત્પર રહેનારા અસુર શિલ્પી મયાસુરે પ્રથમ તારકાક્ષને સુવર્ણનગરમાં લઈ જઈ માહિતી આપી તેમને સિંહાસન પર બિરાજમાન કર્યાં. એ જ પ્રમાણે કમલાક્ષને રજત નગરમાં લઈ જઈ સિંહાસન પર આરુઢ કર્યા, ત્યારબાદ વિદ્યુનમાલીને લોહનગરમાં લઈ જઈ તેમને પણ સિંહાસન પર બિરાજમાન કર્યાં. આ ત્રણે નગરો કલ્પવૃક્ષોથી વ્યાપ્ત અને હાથીઘોડાથી સંપન્ન હતાં, એમાં મણિનિર્મિત જાળીઓથી આચ્છાદિત ઘણાબધા મહેલ પદ્મરાગથી બનેલા અને સૂર્યમંડળની જેમ ચારે દિશામાં ચમકીલા દરવાજા હતા. કૈલાસ શિખરોની જેમ જ ઊંચા અને ચંદ્રમા સમાન ઉજજવલ દિવ્ય પ્રાસાદો તથા ગોપુરોથી એમની શોભા અદ્ભુત હતી. ત્રણેય મહેલોમાં શિવાલયની પ્રતિષ્ઠા થયેલી હતી. એમાં શિવભક્ત-પરાયણ શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણો નિવાસ કરતા હતા. ત્રણેય નગરો બાગ-બગીચાઓ અને વનથી સુશોભિત હતાં. મોટી મોટી નદીઓ, નાની નાની સરિતાઓ જેમાં કમળ ખિલેલા હતાં. વિધવિધ પ્રકારના રથ અને શિબિકાઓથી અલંકૃત હતા, વેદ અધ્યયનની પાઠશાળાઓ પણ હતી. મયાસુર દ્વારા સુરક્ષિત એવા સુદૃઢ પરાક્રમી વીરો હતા. જેમના કેશ નીલકમલ સમાન નીલરંગવાળા હતા એ બધા સુશિક્ષિત હતા, જેથી એમનામાં સદા યુદ્ધની લાલસા ભરેલી રહેતી હતી. તેઓ બ્રહ્માજી અને ભગવાન શિવનું પૂજન કરવાથી એમનાં પરાક્રમ વિશુદ્ધ હતાં. તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુનમાલી સિંહાસન પર આરુઢ થઈ નવા નવા આદેશો આપવા લાગ્યા.
તારકાક્ષ: `સૈનિકો આપણા નગરમાં માનવોની સંખ્યા ખૂબ જ ઓછી છે. પૃથ્વીલોક પર જાઓ અને આપણા નગરને શોભે તેવા સુંદર યુવક-યુવતીઓને બંદી બનાવી લાવો, અહીં તેમની પાસે ખૂબ કામ કરાવીશ.'(ક્રમશ:)ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત