શરદ પૂનમ, ગોપી અને કાન
પ્રાસંગિક -હેમંતવાળા
શરદપૂનમની રાસલીલાને અનેક પ્રતીકો સાથે સરખાવવામાં આવે છે. આ શિવ અને જીવના મિલનની રાત્રી છે. શિવની ગેર-મોજૂદગીમાં જીવ ક્યારે એકલો કોઈપણ પ્રકારની પ્રક્રિયામાં સંલગ્ન થઈ શકતો નથી, તેની પ્રત્યેક ક્રિયા માટે શિવ તત્ત્વની – ચૈતન્યની – પરબ્રહ્મની – શ્રીકૃષ્ણની સાક્ષી જરૂરી છે. રાસલીલા આ સત્યને પ્રતીકાત્મક રીતે રજૂ કરે છે. એમ પણ કહી શકાય કે શ્રીકૃષ્ણ એ ગોપીઓના ઇષ્ટદેવ છે. ભક્તોની સંખ્યા ગમે તેટલી હોય, ઇષ્ટદેવ દરેકને એક સાથે સંબોધી શકે છે, એક સાથે દરેક સાથે તાદાત્મ્યતા સાધી શકે છે, દરેકને પોતાના દૈવી અસ્તિત્વની અનુભૂતિ એક જ સમયે પણ કરાવી શકે છે, અને દરેક ભક્ત પર એક જ સમયે અપાર કૃપા વરસાવી શકે છે – રાસલીલામાં આ બધું તો થઈ રહ્યું છે.
કોઈ એમ કહી શકે કે શ્રીકૃષ્ણ તો મનુષ્ય અવતારમાં હતા, તો ઇષ્ટદેવ પાસે જે સંભાવનાઓ હોય તે શ્રીકૃષ્ણ પાસે તે વખતે ન પણ હોય – અથવા મર્યાદામાં રહી તેમણે પોતાની આ ક્ષમતાને પ્રગટ ન પણ કરી હોય. આવા સંજોગોમાં રાસલીલા એ શ્રદ્ધાને આધારિત ઘટના બની રહે. પણ આની સંભાવના ઓછી છે. વૃંદાવનમાં, ગોકુલથી દુર, સામાન્ય જનસમુદાયથી ઈચ્છનીય અંતરે, ભક્તજનોની અપાર માગણી તથા ભાવનાને વશ થઈ શ્રીકૃષ્ણ ચોક્કસ લીલા કરી શકે. સામાન્ય રીતે ઇષ્ટદેવ એકલતામાં પરચો આપે – તેમના પરચા વખતે વિશાળ જન સમુદાય સામાન્ય સંજોગોમાં હાજર ન હોય. શરદ પૂનમની રાત્રિએ જન સમુદાયથી દૂર, એક એક ગોપીને તેમના ભક્તિ ભાવની પ્રસાદી તરીકે, દરેક ગોપી સાથે તાદાત્મ્યતા સાધવા, અનેક રૂપ ધારણ કર્યા હોય તેવી સંભાવનાને અવગણી ન શકાય. ચોક્કસ સમયે, ચોક્કસ સ્થાને, ચોક્કસ કારણોસર, નિર્દોષતાથી ભક્ત ઈષ્ટ સ્વરૂપની સાથે ઐક્ય અનુભવવાનું ઈચ્છે તો ભગવાન તેનો વિકલ્પ ન શોધો. આ બાબત માત્ર રાસલીલા માટે નથી પણ ભક્ત અને ભગવાનના સમીકરણનું સત્ય છે.
દરેકના અસ્તિત્વ સાથે તે ચૈતન્ય સ્વરૂપ શ્રીકૃષ્ણ સંકળાયેલા છે. શ્રીકૃષ્ણ, બ્રહ્માંડના સમગ્ર સર્જન સાથે, સૂક્ષ્મતમ કે વિરાટ વિશ્ર્વના સ્વરૂપે, વિવિધ પ્રકારની ભાવના અને શ્રદ્ધા ને સાકાર કરતા વણાયેલા છે. સૃષ્ટિ એ એક એવું વસ્ત્ર છે જેમાં તાણા સ્વરૂપે હરેક તારમાં શ્રીકૃષ્ણની હયાતી છે જ્યારે વાણાના હરેક તારમાં સૃષ્ટિના ભિન્ન ભિન્ન તત્વો સમાયેલા છે. તાણાની વિસ્તૃતતા તો વાણાની વિવિધતા અપાર છે, અને આ બંને પરસ્પર ઘનિષ્ઠતાથી સંકળાયેલા છે. આ વસ્ત્રની વિસ્તૃતતા અને ફલક એ રીતે વર્તાય છે કે જાણે દરેક વાણા માટે એક તાણો હોય.
કહેવાય છે કે કુંડલીની જાગ્રત થતાં દેહની અંદર જ શ્રીકૃષ્ણની હાજરીની પ્રતીતિ થાય છે – તે નટખટ જાણે પ્રત્યક્ષ થાય છે. સૃષ્ટિના અને પોતાના અસ્તિત્વર્નાં કેટલાંય સમીકરણો સમજાતા જાય છે, અને સ્વયંનો શ્રીકૃષ્ણ સાથેના ગાઢ સંબંધની હર ક્ષણ પ્રતીતિ થાય છે. સ્વયમ અને શ્રીકૃષ્ણ સાથેનું ઐક્ય સમજાય છે. આ સમજ સ્થાપિત થતાં જ જાણે પોતાનું સમગ્ર અસ્તિત્વ તે પોતાના શ્રીકૃષ્ણ સાથે આનંદવિભોર થઈ નૃત્ય કરવા લાગે છે – રાસલીલા કરે છે. અંદર રહેલ અંતરઆત્મા પરના બધા જ આવરણો દૂર થતાં માયા અને ઈશ્ર્વર જાણે એકતા પામે છે અને એકાકાર થવાની પ્રક્રિયાને જાણે ઉત્સવ સ્વરૂપે ઉજવે છે. આવું દરેક સાધકના – ગોપીના કિસ્સામાં બનતું હોય છે.
સનાતની તત્ત્વજ્ઞાન પ્રમાણે, બાળકનો જન્મ થાય ત્યારે તેના શરીરની નામકરણ વિધિ નથી થતી. નામકરણ વિધિ ત્યારે જ થય જ્યારે બાળકનો શ્ર્વાસ ચાલુ હોય, અર્થાત, બાળકની અંદર રહેલા પવનને નામ અપાય છે. એક સમજ પ્રમાણે આ પવન જ ચૈતન્ય છે. ચોક્કસ પ્રકારની સાધનામાં આ પવનને સાધવાનો પ્રયત્ન થાય છે, અને પવન સધાઈ જતા પૂર્ણતાની સ્થિતિની નજીક પહોંચી જવાય છે. ચૈતન્ય સ્વરૂપ આ પવન – અર્થાત શ્રીકૃષ્ણ – પ્રત્યેક સજીવમાં હાજર હોય છે. આ પવનને જ કારણે સજીવ કાર્યરત રહે છે. આ પવનની હાજરીની અવસ્થામાં જ કર્મો ભોગવાય છે અને નવા કર્મો ઊભાં થાય છે. આ પવનની હાજરીથી જ નૃત્ય કરાય છે – રાસલીલામાં સંમેલિત થવાય છે; જ્યાં ગોપી એ દેહ છે અને શ્રીકૃષ્ણ એ પવન છે. અહીં પણ એક એક ગોપી સાથે એક એક કાન સ્થાપિત થાય છે.
રાસ એ આધ્યાત્મિક તત્વજ્ઞાનની દ્રષ્ટિએ પણ એક અનેરી ઘટના છે. નૃત્યના લગભગ બીજા બધા જ પ્રકારની અંદર સાથીદારની જરૂર નથી પડતી. ગરબાની જેમ કેટલાક નૃત્ય સમૂહમાં કરાતા હોય છે, પણ તેમાં સંમેલિત થવા જોડીની જરૂર નથી – કોઈ વ્યક્તિ એકલી ગરબામાં જોડાઈ શકે. રાસ એ સૃષ્ટિના સર્જનના પ્રતિક સમાન છે. સર્જનની પ્રક્રિયા માટે અહીં શિવ તત્ત્વ તથા માયા, એમ બંનેની ભાગીદારી જોઈએ. આ બંનેના સમન્વયથી જ સૃષ્ટિનું સર્જન સંભવ બને. આ બંનેના પરસ્પરના તાલમેલથી જ સૃષ્ટિમાં એકરાગતા સ્થપાય. આ બંનેની પરસ્પરની સંકલિત ચેષ્ટાઓથી નિયમબદ્ધ સંસારની રચના થાય. આ બંને જ્યારે પરસ્પર એકબીજામાં રસિકતાથી લુપ્ત થઈ જાય ત્યારે સંસારમાં મધુરતાનું સર્જન થાય. તાંડવ માટે માં જગદંબાની જરૂર નથી, પણ રાસલીલા માટે તો ગોપી અને શ્રીકૃષ્ણને પરસ્પરનું અવલંબન જરૂરી છે. રાસલીલાનું આ પણ તાત્પર્ય છે.
મા શારદા સંગીતની જનેતા હોઈ શકે, જ્યારે દેવાધિદેવ નટરાજ નૃત્યના આરાધ્યદેવ. રાસલીલામાં આ બંનેનો સમન્વય છે. સંગીત વગર નૃત્યની ઓળખ નથી અને નૃત્ય વગર સંગીતની મજા નથી. અહીં સંગીત અને નૃત્ય જાણે પરસ્પરના જનક અને પ્રેરક છે. સંગીત અને નૃત્યની જુગલબંધીથી જાણે સંસારમાં લયબદ્ધતા સ્થપાય છે અને સાથે સાથે સૃષ્ટિમાં અનેરુ લાલિત્ય ઊભરે છે. આવા સંજોગોમાં ગોપી તો ભાન ભૂલી પરિસ્થિતિમાં તન્મય થઈ જાય, પણ સાથે સાથે શ્રીકૃષ્ણ પણ લગભગ તેવો જ આડંબર કરે.