કોઈ ભૂખ્યા બાળકના મુખમાં અનાજ પીરસાય એ જ ભગવાન જગન્નાથને સાચો ભોગ છે
માનસ મંથન -મોરારિબાપુ
આપે જગન્નાથની રથયાત્રા માટે વાંચ્યું હશે, અમદાવાદની રથયાત્રા જોઈ હશે, અહીં પણ હરે રામ, હરે કૃષ્ણમાં રથયાત્રા જોઈ હશે. મોટા મોટા દોરડાંઓથી એને ખેંચવાનું હોય છે. એ દોરડાંઓ ક્યા છે ? નિષ્ઠાનાં દોરડાંઓ છે. નિષ્ઠાનાં દોરડાંથી જીવનરથમાં પ્રતિષ્ઠિત થયેલો જગન્નાથ ખેંચાય છે. અને નિષ્ઠા પણ તમારી નહીં, આપણી નિષ્ઠા ઈશ્ર્વરને ન ખેંચી શકે. આપણી નિષ્ઠાઓ બહુ કમજોર છે બાપ ! નિષ્ઠા, મારા પ્રભુની નિષ્ઠા કરી શકે. રથે એનો, ઠાકુરે એ, દોરડુંયે એનું, શક્તિ પણ એની, ખેંચવું પડે. ભક્તિને પોતાની નિષ્ઠા નથી હોતી. ભક્તિમાં ભગવાનની નિષ્ઠા હોય છે.
लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ |
ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम् ||
ગીતાએ બે જ નિષ્ઠાની વાત કરી છે, બહુ વિરોધાભાસ છે. જ્ઞાનનિષ્ઠા, કર્મનિષ્ઠા, યોગનિષ્ઠાની વાત કરી. ભક્તિનિષ્ઠાની કેમ વાત ન કરી ગીતાએ ? કારણ ભગવાન એ રહસ્ય ઉદ્દઘાટન કરવા માગતા હતા, કે જ્ઞાનમાં જીવને પોતાની નિષ્ઠા હોય છે. હું આ શાસ્ત્રને જાણીશ. હું આને હસ્તગત કરીશ. કર્મનિષ્ઠામાં હું ફળ મેળવીને રહીશ.
बैठा हु दरपे तेरे, कुछ करके उठूंगा |
ભક્તિમાં કોની કાઈ નિષ્ઠા ? ભક્તિમાં ભક્તની નિષ્ઠા હોતી નથી. નિષ્ઠા જે છે, એ પણ મારા પ્રભુની નિષ્ઠા છે. એટલા માટે ગીતાએ બે જ નિષ્ઠાની ચર્ચા કરી. એ બહુ ગહન વિષય છે ત્રીજા અધ્યાયનો. ત્રીજો અધ્યાય બહુ મહત્ત્વનો છે. આમ તો બધા જ અધ્યાય મહત્ત્વના છે, પણ જ્યારે એક બે ને ત્રણ વસ્તુઓ થતી હોય, ત્યારે ત્રીજી વસ્તુ બહુ મહત્ત્વની આવે. બે નિષ્ઠા છે, ભક્તની કોઈ નિષ્ઠા નહીં. ભક્તની નિષ્ઠા,
એના પ્રભુની નિષ્ઠા છે. આપણી નિષ્ઠામાં બલ કેટલું ? આપણે જપ કરીએ, ને આપણું ધાર્યું ન થાય. એટલે આપણી નિષ્ઠા તૂટી જાય. આપણાં દોરડાંઓ રસ્સીઓ કમજોર છે, મજબૂત ક્યાં છે ?
आदि अंत कोउ जासु न पावा | मति अनुमानि निगम अस गावा ||
बिनु पद चलइ सुनइ बिनु काना | कर बिनु करम करइ बिधि नाना ||
બાપ, આ પવિત્ર ધામમાં યોજાયેલી આ રામકથામાં આપ સૌનું સ્વાગત છે. સૌને મારા પ્રણામ. યોગ, લગન, ગ્રહ, વાર અને તિથિ બધું અનુકૂળ બન્યું છે અને ભગવાન જગન્નાથની અત્યંત કૃપાથી આપણે સૌ અહીં એકઠા થયા છીએ. આમ તો આ કથાનો વિષય નિશ્ર્ચિત હતો. જે પંક્તિઓ રામચરિતમાનસમાં પાર્વતીજીને ઉદ્દેશીને ભગવાન શિવ બોલ્યા છે, એ પંક્તિઓમાં ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ, એનો સ્વભાવ, એની ગતિ, એની કૃપા અને એમની આશીર્વાદક સુગંધનું એક ગુપ્ત
વર્ણન પડ્યું છે. આ કથા ‘માનસ જગન્નાથ’ છે.
ભગવાન જગન્નાથ કેવા હોવા જોઈએ ? માણસ પોતાના ઘરનો પણ નાથ નથી બની શકતો. શરૂ શરૂમાં હોય છે, પરંતુ પછી નાથ પદ બદલી જાય છે. આપણા સમાજના નાથ પણ બનવું મુશ્કેલ છે. જ્યારે અહીં તો પૂરા વિશ્ર્વના નાથ વિરાજમાન છે. તો એનું સ્વરૂપ શું છે ? એનું કાર્ય શું છે ? એને કઈ વસ્તુનો ભોગ ધરાવાય છે ? તેની ચર્ચા આ પંક્તિઓનો આશ્રય લઈ વ્યાસપીઠ કરવા જઈ રહી છે.
आदि अंत कोउ जासु न पावा | मति अनुमानि निगम अस गावा ||
જેનો આદિ અને અંત કોઈ પામી શક્યું નથી. વેદોએ પોતાની બુદ્ધિથી કોશિશ કરી અને કહ્યું કે, બ્રહ્મ આવો છે, આવો છે, પરંતુ અંતમાં નેતિ કહીને રોકાઈ જાય છે. હવે એવી કઈ ચીજ છે જેનો આદિ અને અંત ન પામી શકીએ ? આ ગણિત જેવી સીધી વાત છે. જેનો આરંભ નથી એનું વિસર્જન પણ ન હોય. કોઈનો જન્મ થાય તો તેનું મૃત્યુ પણ થાય. હું અહીંયા આવ્યો છું તો નવ દિવસ પછી ચાલ્યો પણ જઈશ. તો એવો કયો પદાર્થ છે જે જેનો આદિ પણ નથી અને અંત પણ નથી ? શાસ્ત્રીય બોલીમાં કહું તો નરસિંહ મહેતા કહે છે તેમ, ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’. એક ગામડાંની વ્યક્તિ પણ સમજદાર હશે તો કહી દેશે કે આવા તો પરમાત્મા જ હોય. આવા તો ભગવાન જ હોય. ત્રણ પદાર્થ એવા છે જેનો કોઈ આદિ નથી અને જેનો કોઈ અંત નથી. મારા ભાઈ-બહેનો વિષય જરા કઠિન છે એથી હું તમારી એકાગ્રતા ઈચ્છું છું.
એક જ મીણમાંથી જુદી જુદી મીણબત્તીઓ જેમ બને એવી આ વાત છે. કોઈ મીણબત્તીનો આકાર સીધો છે. કોઈએ હંસનો આકાર આપ્યો છે અને વાટ મૂકી. કોઈએ દડાનો આકાર આપ્યો અને વાટ લગાવી દીધી, પરંતુ મીણ તો એક જ છે. એજ રીતે બ્રહ્મ એક છે. ઈશ્ર્વર, બ્રહ્મ, પરમાત્મા, ભગવાન આ બધા બ્રહ્મ છે. સૌ તેને પોતાની રુચિ અનુસાર નામ આપે તો તે તેને મુબારક છે.
બીજું તત્ત્વ છે સત્ય. સત્યનો ન કોઈ આદિ છે ન કોઈ અંત છે. સત્ય ક્યારે પેદા થયું ? છે કોઈ પાસે તારીખ? આઇન્સ્ટાઇને જે સત્ય શોધ્યું તે સત્ય ક્યારે પેદા થયું ? ભગવાન પતંજલિના જન્મની તારીખ મળી શકે છે, પરંતુ એમણે જે સત્યની ઘોષણા કરી તેની કોઈ તિથિ કે વાર નહીં મળી શકે.
બ્રહ્મ જરા કઠિન પડશે પરંતુ સત્યનો અનુભવ તો છે ને ? ભલે આપણે ખોટું બોલતા હોઈએ, પરંતુ સત્યનો અનુભવ તો છે ને ? વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન ક્યારે જન્મ્યા તેની તારીખ મળી શકે છે, પરંતુ એમનાં દ્વારા શોધાયેલા અનેક સિદ્ધાંતોના સત્યની કોઈ તારીખ મળે નહીં. બ્રહ્મ અને સત્ય બે નથી એક જ છે. ચાહે સત્યને પકડો, ચાહે બ્રહ્મને પકડો. હું આપને વિનંતી કરીશ કે સત્યને છોડશો નહીં. બાળકોને પણ ખૂબ પ્યાર અને મમતાથી સત્ય બોલવાનું શીખવશો.
ત્રીજો છે પ્રેમ. પ્રેમનો કોઈ આદિ નથી, પ્રેમનો કોઈ અંત નથી. બોલચાલની ભાષામાં આપણે કહીએ કે મેં આ તારીખે ફલાણાને પ્રેમ આપ્યો હતો. પ્રેમ અનંત છે. ગુણરહિતં, કામનારહિતં… નારદ ભક્તિસૂત્રના શબ્દો છે. જિસસ ક્રાઈસ્ટે કહ્યું પ્રેમ પરમાત્મા છે. ગાંધીજીએ કહ્યું સત્ય પરમાત્મા છે. એથી જેનામાં સત્ય હશે એ પ્રેમી હશે. અને જે પ્રેમી હશે એ સાચા અર્થમાં સત્યવાન હશે.
બ્રહ્મનું પહેલું મુખ છે અગ્નિ. બીજું મુખ છે બ્રાહ્મણ. અને ત્રીજું મુખ ખૂબ સુંદર છે અને આજના યુગમાં વધુ પ્રેક્ટિકલ છે. અગ્નિમાં વધારે ઘી ન નાખો તો ચાલશે કારણ કે આજના યુગમાં પરમાત્માનું ત્રીજું મુખ છે ગરીબ લોકો. અભાવમાં જીવતાં લોકો કે જેનાં પેટમાં આગ છે, ભૂખની આગ. યજ્ઞમાં ઘી ઓછું નાખશો તો ચાલશે, પરંતુ કોઈ ગરીબ બાળકની રોટીમાં ઘી નાખવું એ ભગવાન જગન્નાથનો સાચો ભોગ છે. ભગવાન જગન્નાથને ભોગનો ઢેર લગાવવામાં આવે છે, પરંતુ એ ન તો સુભદ્રાજી ખાય છે કે ન બલરામ ખાય છે. એવું નથી કે એ ખાતા નથી. એમનાં હજારો મુખ છે, પરંતુ કોઈ ભૂખ્યા બાળકના મુખમાં અનાજ પીરસાય એ જ ભગવાન જગન્નાથને સાચો ભોગ છે. ભગવાન કરે કોઈ ગરીબ ન રહે. કેવી રીતે જગન્નાથને ભોગ લાગશે ? જેની પાસે નથી તેને દેવાથી જગન્નાથ રાજી થશે. મારી આંખોથી મેં જોયું છે કે એક ૨૦-૨૨ વર્ષની દીકરી કે જેની પાસે વસ્ત્રો નહોતાં અને તેણે શરીરની મર્યાદા ઢાંકવા ઘાસના પૂળા વીંટ્યા હતા. જો આપણે આવા લોકોનો ખ્યાલ નહીં કરીએ તો તમે કેટલો ભોગ લગાવશો, જગન્નાથ સ્વીકારશે નહીં.
(સંકલન : જયદેવ માંકડ)