ધર્મતેજ

આત્મજાગૃતિ, આત્માનુભૂતિ, આત્મપ્રાપ્તિ અને આત્મઓળખ એ મોટામાં મોટી સમાજસેવા છે

માનસ મંથન -મોરારિબાપુ

ઘણા કહે છે કે સમાજસેવા ક્યાં સફળ થાય છે ? હું કાલે જ જામનગરમાં કહેતો હતો કે, માણસને બે આંખ હોય પણ ત્રીજી આંખ હોય તો એ ‘શિવ’ બને, નહીં તો જીવ જ રહે. મારીને તમારી બે આંખો-એક સમર્પણની અને બીજી સદાચરણની આંખ. એ તો ઘણામાં હોય. બહારવટિયા પણ સમર્પણ કરે છે. નથી દીકરીઓને પરણાવી દેતા ? સમર્પણ છે, પણ સદાચરણ નથી. તો ક્યાંક એક આંખ, ક્યાંક બીજી આંખ, પણ ‘સ્મરણ’ એ ત્રીજું લોચન છે. જેનું ત્રીજું નેત્ર ખૂલી જાય એ કામને ભસ્મ કરી દે. ‘શિવ’ થવું હોય તો વ્યવસ્થા છે આ પિંડમાં. સદાચરણ એ જ્ઞાન છે, સમર્પણ વૈરાગ્ય છે પણ સ્મરણ એ શિવનું ત્રીજું લોચન છે. ઈ લોચન ન હોય ત્યાં સુધી આ બે આંખોમાં જ્ઞાન કેટલું અખંડ રહી શકે એ કહેવું મુશ્કેલ છે. સમર્પણ કેટલું અભિમાન રહિત રહી શકે, કહેવું કઠિન છે. જેની સ્મરણની આંખ ખૂલી જાય એ કામનાઓને બાળીને ભસ્મ કરી દે. સમાજસેવા થવી જ જોઈએ કારણ કે સમાજ સાથે જોડાયેલા છીએ. પણ સ્મરણપ્રધાન સેવા હોવી જોઈએ. રમણ મહર્ષિ કહે છે કે ‘તમે આત્માને ઓળખી લો એ સમાજની મોટામાં મોટી સેવા છે.’ એક માણસ જાગ્રત થાય તો એ સમાજની કેટલી સેવા કરે ! એક નરસૈંયો જાગ્યો.. કાઠિયાવાડને નહિ, હિંદુસ્તાનને… દુનિયામાં ઉજળું ન કર્યું ? આત્મપ્રાપ્તિ… આત્માની ઓળખાણ…. આત્માને જેણે જાણ્યો, એમાં જેણે વિશ્રામ કરી લીધો તે મોટામાં મોટી સામાજિક સેવા છે. બસ, એક જાગી જાય. ઘરમાં એક જણું જાગતું હોય તો બધાંએ જાગવું ન પડે, તે એકને કારણે ચોર અંદર ન આવી શકે. એકે જ જાગવું કાફી છે. અરે, એક મહિનાનું બાળક રડે તોય ચોર ન આવે. એક દીવો બળતો હોય તોય ચોર ન આવે. થોડીક જાગૃતિ, થોડોક પ્રકાશ ‘આત્મજાગૃતિ’ મોટામાં મોટી સેવા છે. લોકો કહે છે, કથામાં આટલા લોકો આટલા કલાક બેસી રહે છે, એમને ખબર નથી કે કથાતત્ત્વ શું છે ! આ પંથ અમે થોડો કર્યો છે ? આ તો અમારા મહાદેવની પરંપરા છે… મર્યાદા છે, જે યુગોથી ચાલે છે. તમને મજા ન આવતી હોય તો ન આવો. આ કંઈ મારે લીધે કે મંડપને લીધે નથી આવતા. તમને આત્માનો આનંદ મળે છે એટલે તમે આવો છો. શું કામ આવો છો ? સત્સંગ એ તમારું સ્નાન છે. ગામડાંમાં લગ્ન થાય ત્યારે વરરાજાને અંઘોળ કરે. હવે તો બધું ગયું ! ગામડાંમાં વરરાજા આઠ દિવસથી નહાય નહીં ! વાનાં ખાધા કરે, શરીરે પીઠી ચોળાવ્યા કરે, પછી ગામનો વાળંદ એને સનલાઈટ લાવી ચોળી ચોળીને નવડાવે ! બે કલાક ઘસે ઠીકરાં લઈ, નળિયાં લઈ,ચોળી ચોળી નવડાવે તાજાતરોજા બનાવી દે. કારણ કે તું વર થવા જઈ રહ્યો છે, હવે ગંદકી-કચરો નહીં હોવો જોઈએ. હવે તને ખુશબો આવવી જોઈએ… આ કથા શું છે ? તમારા ચિત્તનું સ્નાન છે ! બધા કેટલા પ્રસન્ન છે અહીં ? બધા રાજી છે, ખુશ છે. અહીંથી તમે તાજાતરોજા થઈને જશો… બંને પક્ષનું કલ્યાણ થશે!

રામકથા બધાને ખબર છે. નાનાં નાનાં બાળકો જાણે છે કે રામકથામાં શું આવે છે, શું ઘટના ઘટે છે, પરંતુ આ કથા છતાં વારેવારે કહેવામાં આવી રહી છે, સંભળાઈ રહી છે, એના આયોજન થતાં રહે છે. આખિર એ કથામાં શું છે કે વારંવાર સાંભળવા માટે લોકો લાલાયિત રહે છે. એ જ એનું પ્રમાણ છે કે આ કથા એક પરમ સત્ય છે વિશ્ર્વનું અને તેથી વારંવાર આપણે એનું ગાન કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ. આમાં ઘણાં હિંદીભાષી ભાઈ-બહેન પણ છે, જેઓ આ તળપદી ગુજરાતી નહીં સમજી શકતાં હોય. છતાં બધાં આનંદ માણે છે. એક અંગ્રેજી ફ્રેંક આવ્યો છે, એ કંઈ નથી સમજતો છતાં બેઠો છે અને એ કહે છે કે હું ‘એન્જોય’ કરું છું. અને સારી વાત છે. આનંદ વિના માણસ ટકી શકે જ નહીં. પણ આત્મપ્રાપ્તિની કંઈક અનુભૂતિ, કંઈક અડે છે તેથી જ આનંદ આવે છે. અને બધી વસ્તુમાં બુદ્ધિશાળી ન રહેવાય. કંઈક પાગલપણું આવે તો જ હરિને પમાય. ક્યાં ખોપડીવાળા બધા પામ્યા છે ? હૈયાવાળા જ પામ્યા છે ! સ્વામી રામતીર્થનો એક શે’ર છે-

हमें पागल ही रहने दो, हम पागल ही अच्छे हैं।
इन बिगडे दिमागोंमें भरे अमृतके लच्छे हैं ।

આત્માનુભૂતિ… આત્માનંદની ઝલક મોટામાં મોટી સમાજસેવા છે ! એક અરવિંદની ચેતના હિદુસ્તાનને આઝાદી અપાવવામાં મદદ કરી શકે. એક ગાંધીનું રામનામ, જેનાથી બ્રિટિશરોને હિંદુસ્તાનમાંથી રાત્રે ૧૨ વાગ્યે નીકળી જવું પડે. તો આ આત્માનુભૂતિ બહુ જ મોટી સમાજસેવા છે. ન સમજે એને કોણ સમજાવે ? બાકી ભગવાનની કથાનું બહુ મહત્ત્વ છે. પણ ક્યાં ખબર પડે કે મેં તમને કીધું તેમ પાંચ કિલો ખાંડમાં, બસો ગ્રામ ખાંડ નાખો તો દેખાય જ નહિ. આ એવી પ્રક્રિયા છે. ચાની ભૂકી નાખો તો તરત દેખાય. આ તો ભાવમાં ભાવ ભળી જતો હશે… કેટલાયે માણસની આત્મજાગૃતિ થતી હશે કોણ નોંધ લે ? એટલા માટે આ એક બહુ જ મોટી સમાજસેવા છે. પેલું પદ છે ને-

આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહિ તે ટળે રે જી,
ભ્રમણાને ભાંગ્યા વિના રે લખ ચોરાસી નહીં રે મરે રે હો જી .

નવ દિવસ તો નવ દિવસ, પણ તમારા ઘરમાં શાંતિ તો રહેશે ને ? નવ દિવસ શાંતિ આપવી તે પંચવર્ષીય યોજના કરતાં પણ મોટું કામ છે. કારણ કે એક મિનિટ કોઈને શાંતિ નથી. બધું વિશ્ર્વશાંતિ માટે થાય છે. ભાવના સારી છે. પણ શાંતિ ક્યાં છે ? એમાંયે ભજન, સત્સંગ, કથામાં શાંતિ મળે તો જ આપણે બેસીએ ને ? હું તો કહું કે તમે શું કામ આવ્યા છો, ભાઈ ? કેમ તમે આવ્યા છો ? મારે પૂછવું છે. આત્માનો આનંદ મળે છે ? રમણનું વાક્ય ખૂંચી ગયું છે તેથી કહું છું. રમણ મને બહુ ગમે છે. આ દેશે કેવી પ્રતિભાઓ આપી છે ? અદ્ભુત ! ભગવાન કરે આ રત્નો પાછાં આવે. એમને મનાવવા જોઈએ કે તમે મુક્તિ પામી ગયા હો તોપણ પાછા આવો, દેશને જરૂર છે. રાષ્ટ્રને, આ સંસારને જરૂર છે. લોભી કૃપણ ન બનો. ઉદાર બનીને દેશને જગાડો, પણ એ આત્માને ઓળખ્યા વગર ન થાય. ઈશ્ર્વરસ્મરણ, આત્માનુભૂતિ, આત્મપ્રાપ્તિ અને આત્મઓળખ એ મોટામાં મોટી સમાજસેવા છે. જયહર યિફહશુફશિંજ્ઞક્ષ શત વિંય બયતિં તજ્ઞભશફહ તયદિશભય.

  • સંકલન : જયદેવ માંકડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button