યોગનું બીજું અંગ: નિયમચોથો નિયમ સ્વાધ્યાય
યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા
અગાઉ આપણે નિયમના ત્રણ અંગ શૌચ, સંતોષ અને તપ વિશે જાણ્યું.
આજે સ્વાધ્યાય વિશે જાણીએ.
યોગ સાધના અર્થાત્ ભગવદ્પ્રાપ્તિ માટે દરેક જણ પોતપોતાની ક્ષમતા અનુસાર વર્તી શકે એવા ભાતભાતના વિકલ્પો પણ અષ્ટાંગ યોગમાં આપ્યા છે. ભારે ભરખમ ઘોર તપસ્યા તો કોઇ સાધુ-સંન્યાસી જ વન કે એકાંતમાં જઇને કરી શકે, પરંતુ જે સંસારી છે તે ભક્તિમાં રમમાણ થઇ શકે એ માટે સ્વાધ્યાય એ શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે. સ્વાધ્યાયની ક્રિયાઓ તમે રોજિંદી લાઇફ જીવતા જીવતા પણ કરી શકો છો. નિત્ય ક્રમ તરીકે અપનાવી શકો છો. પૂજા-પાઠ, આરતી, ભગવદ્ગ્રંથોના પારાયણ, મંત્રજાપને એક નિયમ તરીકે અપનાવી તમે રોજ સવાર-સાંજ એક એક કલાક પણ આ પ્રવૃત્તિઓ પાછળ ગાળો તો મનની એકાગ્રતા વધે છે. ભગવાનની નજીક એક ડગલું આગળ વધી શકો છો.
પૂજા-પાઠ પણ બે રીતે થઇ શકે છે. એક છે ધ્યાન પૂજા. જેમાં તમે તમારા ઇષ્ટ દેવની છબી આગળ દીવાબત્તી કરીને તેમનું ધ્યાન કરી શકો છો. માળા કરી શકો છો. જો છબી કે મૂર્તિ સામે ન હોય તો પણ આંખ મીંચીને તમે ફક્ત મનમાં તેમનું સ્મરણ કરી શકો છો. બીજી પદ્ધતિ છે મૂર્તિપૂજાની. ઘણા લોકો પોતાના ઘરમાં નાનકડું મંદિર રાખે છે તેમાં ગણપતિ કે પોતાના ઇષ્ટદેવની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠિત કરીને રોજ એની વિવિધ પ્રકારે પૂજા કરાતા હોય છે. દેવને ઉઠાડવા, તેમને સ્નાન કરાવવું,ધૂપ-દીપ વિવિધ વસ્ત્રો પહેરાવવા, સાજ-શણગાર કરવા, ચંદન-તિલક કરવા, શ્ર્લોકોચ્ચારણ કરવું, આરતી કરવી, ભોજન કરાવવું, ભોગ ધરાવવો, માળા કરવી જેવી ષોડષોપચાર પદ્ધતિથી પૂજા -સેવા કરવામાં આવે છે.
ધ્યાનપૂજા અને મૂર્તિપૂજા વચ્ચે વિશ્ર્વમાં વર્ષોથી ગજગ્રાહ ચાલે છે, કેટલાક મૂર્તિપૂજામાં માને છે તો કેટલાક નથી માનતા. આ ગજગ્રાહ ઘણી વાર તો મનભેદ અને શત્રુતામાં પરિણમે છે એ ઘણું જ દુ:ખદ છે. હકીકત તો એ છે કે મૂર્તિપૂજા હોય કે ધ્યાન પૂજા બેઉ અનુયાયી અંતે તો એક જ મંજિલ પર ભેગા થાય છે. ઘાટરૂપ ઘડિયા જુદા અંતે તો હેમનું હેમ હોયે. અનુભવી સાધક હોય એને મૂર્તિનું અવલંબન લેવું નથી પડતું, પણ નવા સાધક કે સંસારી માટે મૂર્તિ પૂજા એ ધ્યાન ધરવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ છે. જેમ નાનાં બાળકને શીખવાડવું હોય તો ચિત્રોનો ઉપયોગ વધું થાય છે. પછી એ મોટો થતો જાય એમ ચિત્રો ઓછા અને શબ્દો કે વાક્યો દ્વારા જ્ઞાન મેળવે છે. મૂર્તિ પૂજા કરવા માટે એક સ્થાને ચિત્ત ચોડીને બેસવું પડે છે. પ્રભુને નવડાવવા-ખવડાવવા માટે તેમની તરફ ધ્યાન રાખીને બધી ક્રિયાઓ કરવી પડે છે. જેટલો સમય તમે આ બધી પ્રવૃત્તિ તરફ ગાળો એટલો સમય તમે સાંસરિક કાવાદાવાથી દૂર રહી ભક્તિમાં તલ્લીન થાવ છો. તપને તમે લાંબા સમયની ધ્યાનપૂજા કહી શકો જ્યારે સ્વાધ્યાયમાં મૂર્તિપૂજા સાથેની ટૂંકા સમયની ધ્યાનપૂજા સામેલ છે. થોડા સમય પછી વળી પાછા તમે ઘર કે ઓફિસના રૂટિન કાર્યો કરવા લાગો છો.
પતંજલિ યોગસાધનામાં આગળ ધ્યાન-ધરણા અને સમાધિની અવસ્થા આવે છે. તપ અને સ્વાધ્યાય કર્યા હોય, એક ચિત્તે મંત્રજાપ કર્યા હોય તેમને આ અવસ્થાઓ પ્રતિ ક્રમશ: આગળ વધવા માટે સહજતા અને સુલભતા રહે છે.