ધર્મતેજ

યોગનું બીજું અંગ: નિયમ ત્રીજો નિયમ તપ

યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા

આપણાં શાસ્ત્રો અને પુરાણોમાં તમે તપ અંગેની ઘણી કથાવાર્તાઓ વાંચી હશે. રાજાએ તપ કર્યું, રાક્ષસોએ તપ કર્યું, ઋષિમુનિઓએ તપ કર્યું વગેરે વગેરે. તપ શબ્દ તપવા પરથી આવ્યો છે. જેમ સોનું તપીને શુદ્ધ થાય છે એમ માણસ પણ તપ કરીને તન-મનથી શુદ્ધ થાય છે. સોનું અગ્નિમાં તપે છે તો માનવ જાત કઠિનમાં કઠિન ઉપવાસ, વ્રતો કે તપશ્ર્ચર્યા કરીને ઇશ્ર્વરની નજીક જઇ શકે છે કે ઇશ્ર્વરને પ્રાપ્ત કરી શકે છે.

તપનો બીજો અર્થ થાય છે કે આપણા જાણ્યે અજાણ્યે થયેલા બૂરાં કર્મોને કાપવા માટે કષ્ટ વેઠવાની ક્રિયા. ઘણા લોકો ઉપવાસ કરે છે, બાધા-આખડી માને છે, યજ્ઞ-પૂજા-પાઠ કરે છે. આ બધી ક્રિયાઓમાં ખૂબ કષ્ટ પડે છે. મુશ્કેલીઓ આવે છે. આ બધી ક્રિયાઓથી આપણી મોક્ષ તરફની ગતિ પ્રશસ્ત થાય છે. મોક્ષ એક જ જન્મમાં મળી જાય એ જરૂરી નથી, પરંતુ આપણે પોતે જ આગોતરા કષ્ટ સહન કર્યા હોઇ બહારથી અણધારી આવતી મુશ્કેલીઓમાં જરૂર ઘટાડો થાય છે. આપણે જાણે-અજાણ્યે જે ખરાબ કર્મો કર્યા હોય તેના તે પ્રમાણમાં નિશ્ર્ચિત ફળ અવશ્ય ભોગવવા જ પડે છે. આ ફળ કષ્ટ કે દુ:ખના રૂપમાં આવે છે. જો તપ કરીને આપણે ઍડવાન્સમાં કષ્ટ ભોગવી લીધા હોય તો આપણે ભવિષ્યમાં ભોગવવા પડતા કષ્ટ કે દુ:ખમાં ઘટાડો કરી શકીએ છીએ કે પછી છુટકારો મેળવી શકીએ છીએ.

જો તમે કુકર્મ ન કર્યા હોય તો તો પછી વાત જ શી કરવી. કોઇ ખોટા કર્મથી બંધાયા વિના તમે કરેલા તપ હવે તમને પુણ્યશાળી બનાવે છે જે તમને પરમાત્માની લગોલગ પહોંચાડી શકે છે. તમારે તમારાં કર્મોને લીધે જે ફળ ભોગવવાના છે તેના કરતાં પણ વધુ તપ કરીને ફળ ભેગું કર્યુ હોય તો પરમાત્માનો ભેટો અવશ્ય થાય. ધ્રુવ, પ્રહલાદ જેવા ભક્તો આ શ્રેણીમાં આવે છે.
આપણે તો તપ કરવા નથી. કર્મો કાપવા નથી. ફક્ત બૂમાબૂમ કરવી છે કે ભગવાન નથી. ભગવાન કંઇ રેઢા પડ્યા છે? એક શહેરના મેયરને મળવા પણ મહેનત કરવી પડે છે. રાજ્યના મુખ્ય પ્રધાનને મળવા તો એથી વધુ જહેમત ઉઠાવવી પડે. વડા પ્રધાનને મળવા તો વધુ લાયક બનવું પડે. વળી યુનોના પ્રમુખને મળવા તો વધુ તપશ્ર્ચર્યા કરવી પડે. પાસપોર્ટ કઢાવવો પડે. વીઝા મેળવવા પડે. તો ભગવાનને પ્રાપ્ત કરવા માટે તો કેટકેટલી તપશ્ર્ચર્યા કરવી પડે. એ ન કરી શકીએ તો એ આપણો વાંક છે ભગવાનનો નહીં. ભગવાન તો ત્યાંના ત્યાં જ છે, પરંતુ તેમની અને આપણી વચ્ચે જે મુશ્કેલીઓ છે, હર્ડલ્સ છે તે પાર કરી શકતા નથી એટલે તે આપણને પ્રાપ્ત થતાં નથી.

આપણે રામલલ્લાને અયોધ્યામાં વિરાજમાન કર્યા. સમગ્ર વિશ્ર્વમાં રામનો જયજયકાર કર્યો. બાળકરામ, રાજા રામ બન્યા અને પ્રભુ શ્રીરામ બનીને પરમ પદને પામ્યા પણ આ પદ મેળવવા તેમણે કેટકેટલા કષ્ટ વેઠ્યા એ તો તમને ખબર જ છે. રામ બનવું હોય કે તેમને પ્રાપ્ત કરવા હોય અર્થાત્ પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો તપ કરવું જ પડે એટલે જ યોગના યમ-નિયમમાં એક નિયમ તપનો પણ સુનિશ્ર્ચિત કર્યો છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત