યોગનું બીજું અંગ: નિયમ પાંચમો નિયમ ઇશ્ર્વર શરણાગતિ
શ્રદ્ધા હોય તો ઈશ્ર્વર શરણાગતિ સહજ બની જાય છે
કવર સ્ટોરી -મુકેશ પંડયા
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદી ઓલવાજો!
તપ અને સ્વાધ્યાય પછી ઇશ્ર્વરની નજીક જવાનો શ્રેષ્ઠ રસ્તો છે, તેમને સમર્પિત થવાનો- જાતને સરન્ડર કરવાનો.
આજકાલ આપણે એક બોધવાક્ય વારંવાર સાંભળતા હોઇએ છીએ કે કોઇ પણ કાર્ય કરતા હોઇએ તેમાં સમર્પણભાવના હોવી જોઇએ -ડેડિકેશન હોવું જોઇએ. કામમાં હોંશિયાર હોવ પણ જ્યાં સુધી કામમાં ખૂંપી ન જાવ ત્યાં સુધી ધારી સફળતા મળતી નથી. આ લૌકિક જગતમાં તમે કોઇ પણ વ્યક્તિને જુઓ, નેતા હોય કે અભિનેતા, ક્રિકેટર હોય કે વેપારી જે પોતાના કાર્યને સમર્પિત છે એ જ પોતાના ક્ષેત્રમાં ખૂબ સફળતાને વરે છે.
હવે આ જ વાત અલૌકિક જગત અર્થાત્ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ લાગુ પડે છે. જો તમે ઇશ્ર્વરનો યોગ કરવા માગતા હો, સાક્ષાત્કાર કરવા માગતા હો તો પહેલાં તો તમારે તન-મનથી તેને સમર્પિત થવું પડે. લૌકિક કાર્યમાં આપણી પાસે ટાર્ગેટ હોય છે, શું કરવું છે એ નજર સામે હોય છે. ચાલો હું આટલું કામ કરીશ, સમર્પણભાવનાથી કરીશ તો મારો હોદ્દો વધશે, મારો પગાર વધશે, મારો વેપાર-ધંધો વધશે વગેરે વગેરે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે ઇશ્ર્વર આપણી સાક્ષાત્ આપણી નજર સામે નથી હોતા. વડા પ્રધાનને આપણે રોજ જોઇએ છીએ અને સમર્પિત ભાવથી રાજકારણના ક્ષેત્રમાં કામકાજ કરીએ તો એક દિવસ આપણે પણ એ હોદ્દા પર પહોંચવાની ક્ષમતા હાંસલ કરી શકીએ. બીજી બાજુ ઇશ્ર્વર જે મૂર્તિના રૂપમાં છે, પણ હાલતાં-ચાલતાં-બોલતાં દેખાતો નથી એટલે ઘણા લોકો શંકાશીલ બની જાય છે. ઇશ્ર્વર હશે કે નહીં? ઇશ્ર્વર આપણને પ્રાપ્ત થશે કે નહીં? એવા અનેક વિચારો-કુવિચારો આપણને સતાવ્યા કરે છે.
આ લોકોએ યાદ રાખવું જોઇએ કે આજ તો ફરક છે લૌકિક સફળતા અને આધ્યાત્મિક સફળતા વચ્ચેનો. જે દેખાય છે તેમાં તો સહુ માને, પણ ઇશ્ર્વરને માનવા કઠિન છે,જ્યાં સુધી તમે ઇશ્ર્વરમાં નહીં માનો, તેમાં ઊંડી શ્રદ્ધા નહીં રાખો ત્યાં સુધી તેને પ્રાપ્ત કરવાનું વળી વધુ મુશ્કેલ રહેશે.
ઇશ્ર્વર પ્રાપ્તિ એક જ જનમમાં થઇ જાય એ તેનાથી પણ વધુ મુશ્કેલ કાર્ય છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરતા જનમો જનમ પણ લાગે.
આ વાતને એક સરળ શ્ર્લોકથી સમજવાનો પ્રયાસ કરીએ.
કોઇ પણ ઇષ્ટ દેવ-દેવીનું સ્મરણ કરતાં લોકોને આ પંક્તિઓ બોલતા તમે સાંભળ્યા હશે.
‘વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ્,
પુત્રાર્થી લભતે પુત્રાન્, મોક્ષાર્થી લભતે ગતિમ્!
જો દેવદેવીને પૂજ્યભાવથી યાદ કરીએ, રોજ તેમના પાઠ કરીએ તો જેને વિદ્યાની કામના છે એ વિદ્યા મેળવે છે, ધનની ઇચ્છાવાળાને ધન મળે છે, સંતાન ચાહે એને સંતાન મળે છે, પરંતુ મોક્ષની ઇચ્છાવાળાને એ ને એ જ જનમમાં મોક્ષ મળે એ જરૂરી નથી. હા જો પ્રભુકૃપા થાય તો એને એ દિશામાં ગતિ ચોક્કસ મળે છે. આવી કૃપા મેળવવા સમર્પિતભાવ જરૂરી છે. ઇશ્ર્વર દેખાય કે ન દેખાય તેમાં શ્રદ્ધા જરૂરી છે. આટલું હોય તો આ ભવમાં કે આવતા ભવમાં કે પછી ઇશ્ર્વર અચૂક મળે, મળે અને મળે જ છે. પણ આ શ્રદ્ધા એટલે શું? ચાલો એ પણ જોઇ લઇએ.
અશક્યને શક્યમાં ફેરવવાની શક્તિ શ્રદ્ધા
પૃથ્વીનાં ભંડારમાં કેટલાંયે અસ્થાયી અને અપૂર્ણ તત્ત્વો મોજૂદ છે. આ તત્ત્વો સ્થિરતા અને પૂર્ણતા પ્રાપ્ત કરવા ક્રિયાશીલ રહેતા હોય છે. (જે અણુશક્તિ આજના જમાનામાં માનવ માટે કામ કરી રહી છે. તે યુરેનિયમ કે થોરિયમ જેવાં અસ્થાયી તત્ત્વોમાં સ્થિર થવાની જે ભાવના છે તેના કારણે જ ઉદ્ભવી છે.) આ જ રીતે મનુષ્ય માત્ર અપૂર્ણ છે. કોઇ મનુષ્ય સુંદર હોય, પણ તે નિરોગી નથી હોતો. નિરોગી હોય તે લક્ષ્મીવાન હોય એ જરૂરી નથી.લક્ષ્મીવાન હોય તો એ પુત્રવાન ન હોય તેવું પણ બને છે. પુત્રવાન હોય તે ઉદાર કે દયાવાન ન પણ હોય. આવી વ્યક્તિઓ પોતાપોતામાં જે ઊણપ છે તે પૂર્ણ કરવા કોઇ સર્વગુણ સંપન્ન પાત્રમાં શ્રદ્ધા રાખી તેમના જેવો પૂર્ણ બનાવાનો પ્રયત્ન કરે એમાં ખોટું શું છે? જો નિર્જીવ કિરણોત્સર્ગી પદાર્થો સ્થાયી થવા પોતાની શક્તિને સોથી વિરાટ અણુશક્તિમાં પરિવર્તન કરી શકે છે, તો મારા તમારા જેવા અપૂર્ણ, પણ જીવંત માનવીઓ શ્રદ્ધાના બળ વડે સંપૂર્ણ શક્તિ (ઇશ્ર્વર) ને પ્ર્રગટ કેમ ન કરી શકે? ગીતામાં તો એટલે સુધી કહ્યું છે કે તમે જે સ્વરૂપમાં શ્રદ્ધા દ્રઢ કરો છો તે તે સ્વરૂપમાં પરમશક્તિ પ્રગટ થાય છે અને તમારી શ્રદ્ધાને વધુને દઢ બનાવે છે. આમ જોવાં જઇએ તો તમારી જ શક્તિનું શ્રદ્ધા દ્વારા પરમશક્તિમાં રૂપાંતર થાય છે.
આજના સમય પ્રમાણે વ્યક્તિઓનું વર્ગીકરણ કરો તો બે પ્રકાર પડે – આસ્તિક અને નાસ્તિક, આસ્તિક એટલે કે શ્રદ્ધાળું મનુષ્યના જીવનમાં ક્યારેક સારો સમય આવે તો તે પરમાત્માના કારણે આવ્યો છે તેમ કહી અહંકાર મુક્ત બની શકે છે. જ્યારે ખરાબ સમય આવે ત્યારે જેવી પ્રભુની મરજી કહીને નિરાશાથી મુક્ત બની શકે છે. આમ, સુખ અને દુ:ખમાં સમભાવ રાખવાની જે વાત ગીતામાં વર્ણવેલી છે તે શ્રદ્ધાળુઓ વધુ આત્મસાત કરી શકે છે. નાસ્તિક લોકો સુખ સમૃદ્ધિની પ્રાપ્તિમાં પોતાને જ કર્તા માની અભિમાની બની શકે છે. જ્યારે કોઇ મોટી આફત કે મુશ્કેલીમાં પોતાને જ જવાબદાર સમજી કોઇ અઘટિત પગલું ભરી લેતા હોય છે, કે પછી દુ:ખમાં પોતાને નિ:સહાય માની નિરાશાની ઊંડી ખાઇમાં ધકેલાઇ જતા હોય છે. એક સર્વેક્ષણમાં જણાવ્યા પ્રમાણે નાસ્તિકો કરતાં આસ્તિકોમાં આત્મહત્યાનું પ્રમાણ ઓછું હોય છે. અમેરિકાના ઘણા ડૉક્ટરોએ વૈજ્ઞાનિક રીતે સાબિત કર્યું છે કે હૉસ્પિટલમાં જે લોકો ઇશ્ર્વરીય શ્રદ્ધામાં દ્રઢ થઇ પ્રાર્થના સાથે ઇલાજ કરાવતા હતા તે લોકો ઝડપથી સાજા થતા હતા. પરિસ્થિતિ વિપરીત હોય, પાસાં બધાં ઉંધાં પડતાં હોય, લાચારી મજબૂરી હોય તેવાં સંજોગોમાં પણ શ્રદ્ધાના બળ વડે અશક્યને શક્યમાં ફેરવી શકાય છે. મહાત્મા ગાંધીજી શ્રદ્ધાના બળ વડે જ બળવાનમાં બળવાન સત્તાનો સામનો કરી શક્યા હતા. પોતાને બધી રીતે સંપૂર્ણ માનનારા માનવી પણ કાલે શું થવાનું છે તેની કલ્પના કરી શકતા નથી. ઇશ્ર્વરમાં ન માનનારા કટ્ટર સામ્યવાદી રશિયન નેતાને બીજા વિશ્ર્વયુદ્ધ સમયે એક પત્રકારે પશ્ર્ન પૂછ્યો હતો કે હવે કાલે શું થશે? ત્યારે તેનાં મુખમાંથી એક વાક્ય સરી પડ્યું હતું – ભગવાન જાણે. માનવી આજે કંઇ વિચારતો હોય અને કાલે કંઇ જુદું જ બનતું હોય છે. અંગ્રેજીમાં કહેવત છે કે મેન પ્રપોઝીસ એન્ડ ગોડ ડિસ્પોઝીસ, માનવશક્તિ વિચારે છે કંઇ અને પરમશક્તિ કરે છે કંઇ. આમ, પોતાને સંપૂર્ણ માનનારી વ્યક્તિ પણ અપૂર્ણ જ છે. આ પરિસ્થિતિમાં પરમશક્તિમાં રાખેલી શ્રદ્ધા જ માનવીને તારી શકે છે.
નિયમનાં છેલ્લા અન્ય ત્રણ અંગો સ્વાધ્યાય, તપ અને ઇશ્ર્વર સમર્પણ પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી ઇશ્ર્વરની નજીક પહોંચી શકાય છે. જો શ્રદ્ધા હશે તો કઠિનમાં કઠિન તપ પણ કરી શકશો. ધ્રુવ, વાલ્મીકિ, પાર્વતી, શ્રદ્ધાના બળ વડે જ કઠિન તપ કરી મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી શક્યાં હતાં. તુકારામ અને જ્ઞાનેશ્ર્વર જેવા સંતો સ્વાધ્યાય અને ભક્તિ દ્વારા પ્રભુની નિકટ પહોંચ્યા હતા. નરસિંહ મહેતા અને મીરાંબાઇ ઇશ્ર્વરને પૂર્ણ રીતે સમર્પિત થઇ તેમનો સાથસંગાથ પ્રાપ્ત કરી શક્યા હતાં.
જે રીતે નાનું અસહાય બાળક માતા-પિતામાં શ્રદ્ધા રાખી સંપૂર્ણ સમર્પિત થઇ રહે છે. તે જ રીતે અસમર્થ અને અસહાય એવા આપણે કોઇ સમર્થ શક્તિમાં શ્રદ્ધા રાખી સમર્પિત થઇએ તો એવી શ્રદ્ધા કદી એળે નથી જતી. પરમાત્માથી છૂટા પડેલા આપણે, આવો પૂર્ણતાને પામવા શ્રદ્ધા વડે પરમાત્માનો યોગ કરીએ.
(અત્યાર સુધી આપણે પાંચ યમ અને પાંચ નિયમ વિશે જાણ્યું. જેને પરમ પદને પામવું છે તેમણે આ યમ-નિયમ પાળવા જરૂરી છે. તો જ આધ્યાત્મિક વિકાસ થશે. બાકી હવે પછી આપણે યોગાસનો અને પ્રાણાયમ વિશે શીખશું એ તો તમને ફક્ત માનસિક અને શારીરિક લાભ જ કરાવશે)