વેર-વિખેર – પ્રકરણ-૧૬
જ્યાં સુધી આ રમત ચાલે ત્યાં સુધી મરવાનો વિચાર સુધ્ધાં નહીં કરવાનો. હા, જે ક્ષણે તમને રમતમાં કંટાળો આવે ત્યારે રમત ફોક કરવાની ને મરવાની છૂટ…!
કિરણ રાયવડેરા
‘નહીં ગાયત્રી, હું હવે કદાચ જીવીશ તો પણ બાકીની જિંદગી મારી શરત પર, મારી રીતે જીવીશ. મને ગમે તેવી રીતે જીવીશ, બીજાને ખુશ કરવા નહીં.’
‘યસ, કાકુ, હવે તમે જગમોહન દીવાનના મોભાને છાજે એવું બોલ્યાં.’
ક્ષણેક થોભીને ગાયત્રી બોલી :
‘કાકુ, આપણે એક કામ કરીએ!’
‘શું?’
‘આપણે ફરી એક રમત શરૂ કરીએ. એક નવી જ ગેમ.’ ગાયત્રી જુસ્સાભેર બોલી .
‘ના… મારી મા, હવે તું રહેવા દે. હું થાક્યો તારાથી અને તારી રમતથી. કાલે આખી રાતનો ઉજાગરો છે.’
‘કાકુ, સાંભળો તો ખરા, આ બહુ જ સહેલી રમત છે. આ ગેમનો પહેલો નિયમ એ કે દરેક રમનારે જીવતા રહેવાના શપથ લેવા પડે! બોલો છે કબૂલ?’ ગાયત્રીએ ખુલ્લી હથેળી જગમોહન તરફ લંબાવી.
ગાયત્રીના હાથની રેખા પર એક અછડતી દૃષ્ટિ કરીને જગમોહને શંકાશીલ સ્વરે પૂછ્યું:
‘કેટલા કલાક જીવતા રહેવાના શપથ લેવા પડે?’
‘જ્યાં સુધી આ રમત ચાલે ત્યાં સુધી મરવાનો વિચાર સુધ્ધાં નહીં કરવાનો. હા, તમારા માટે એક વિશેષ છૂટ. જે ક્ષણે તમને રમતમાં કંટાળો આવે ત્યારે પિચ છોડીને રમત ફોક કરવાની અને મરવાની છૂટ. બોલો, હવે શું કહો છો?’
‘તું પણ કમાલની છો. વરસો પહેલાં મળી હોત તો જિંદગી જ બદલાઈ જાત.’ જગમોહને આખરે કહી જ નાખ્યું.
‘ના, કાકુ, જો એવું થાત તો આજે તમે મારાથી કંટાળીને મરવાનો વિચાર કરતા હોત અને પ્રભાને આ શબ્દો કહેતા હોત ! ’ ગાયત્રી જાણે તોફાને ચડી હતી.
‘બદમાશ!’
કૃત્રિમ ગુસ્સો ઉછાળતાં લાડથી ગાયત્રીને જાણે ફટકારવી હોય તેમ જગમોહને હાથ ઉગામ્યો.
‘જસ્ટ જોકિંગ કાકુ, બોલો, શું કહો છો? આવી ઓફર બીજી વાર નહીં મળે!’
‘ઓકે ગાયત્રી, મંજૂર છે. વચ્ચે રમત ફોક કરી શકાતી હોય તો કોઈ પણ ગેમ રમવા તૈયાર છું.’
‘ગુડ, ધેટ ઈઝ લાઈક અ ગુડ બોય… હવે જ્યાં સુધી રમત ચાલતી હશે ત્યાં સુધી કોઈ નેગેટિવ વિચાર નહીં કરવાના. ઓ.કે.?’
‘ડન’ જગમોહને અંગૂઠો ઊંચો કરીને થમ્સઅપની સંજ્ઞા કરી.
‘આ રમત પંદર દિવસ ચાલશે.’
ગાયત્રીના શબ્દો સાંભળીને જગમોહન વિચારમાં પડી ગયો પણ કંઈ બોલ્યો નહીં.
‘કાકુ, આ પંદર દિવસની અંદર આપણે આપણા જ વાતાવરણમાં રહીને પોતપોતાના જીવનની સમસ્યાનો ઉકેલ શોધવાનો. તમારે તમારા જીવનનો હેતુ શોધવાનો, મારે રૂપિયા રળવાના. ઉકેલ શોધવામાં એકબીજાનું માર્ગદર્શન લેવાનું. હિંમત નહીં હારવાની અને પંદર દિવસના અંતે વિજયનો વાવટો ફરકાવવાનો.’
‘તું પાગલ થઈ ગઈ છો. તારી આર્થિક સમસ્યા તો હું પળભરમાં હલ કરી આપી શકું છું પણ મારા પ્રોબ્લેમનો ઈલાજ અશક્ય. પંદર દિવસ શું પંદર વરસમાં પણ શક્ય નથી.’
‘કાકુ, હજી તમારો અહંકાર દૂર નથી થતો. જુઓ, મારી આર્થિક સમસ્યાનો ઈલાજ તમારી પાસે છે એ હું જાણું છું , પણ મેં કહ્યું તેમ એકબીજાનું માર્ગદર્શન લેવાનું, મદદ નહીં લેવાની એટલે મારો રસ્તો મારે જ શોધવાનો રહેશે. કાકુ, દરેકને બીજાની સમસ્યા સરળ લાગે અને પોતાની વિકરાળ લાગે. બોલો તૈયાર છો આ ગેમ માટે?’
‘એક શરતે.’
‘ફરમાવો.’
‘હું આ ગેમ રમીશ જો, તું સતત મારી સાથે રહીશ તો. તું પાસે નહીં હો તો પંદર દિવસ જીવવાની પણ હિંમત ઓસરી જશે.’
‘કાકુ, મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે તમે એક બાળક કરતાં પણ વધુ નાદાન છો.’
ચાલતાં ચાલતાં અચાનક જગમોહનને ખ્યાલ આવ્યો કે એ લોકો ચૌરંઘીના ઈન્ડિયન મ્યુઝિયમની ફૂટપાથ સુધી આવી પહોંચ્યાં હતાં. રસ્તા પર રાહદારીઓની અવરજવર ઓછી હતી. એ જ પળે એક માણસ જગમોહન સાથે અથડાયો. એ અજાણ્યા શખ્સે કુર્તો અને પાયજામો પહેર્યાં હતાં અને એની દાઢી વધેલી હતી. જગમોહનને લાગ્યું કે એ કોઈ પીધેલ છે એટલે એને હડસેલો મારવાની કોશિશ કરી પણ પેલો જગમોહનનો રસ્તો આંતરીને ઊભો રહ્યો.
‘આપ દોનો મેં સે જગમોહન દીવાન કોન હૈ?’ પેલો જગમોહન પર ઝૂકીને ગણગણ્યો.
‘બેવકૂફ હૈ ક્યા? આ એક છોકરીનું નામ જગમોહન દીવાન કેવી રીતે હોઈ શકે?’
જગમોહન ખિજાયો.
‘ઓહ, માફ કીજીયેગાતો આપ હૈ જગમોહન દીવાન?’ પેલો પીધેલ નથી એ જગમોહનને સમજાઈ ગયું હતું.
કોણ છે આ માણસ? જગમોહન એને ધારી ધારીને જોવા લાગ્યો. મને કેવી રીતે ઓળખે છે આ માણસ?
ગાયત્રીએ પેલા શખ્સને કરડાકીથી કહ્યું: ‘નહીં, ભાઈસા’બ, તમારી ભૂલ થાય છે. આ માણસ જગમોહન દીવાન નથી. આ નામ અમે પહેલી વાર સાંભળ્યું.’
પેલો માણસ ચોંક્યો: ‘અરે, બબલુ તો હમકો દૂર સે દિખાકર બોલા કી યહી હૈ જગમોહન દીવાન.’
‘તો આપકા વો બબલુ મુઝે દિખાકે ક્યા બોલા. યહી હૈ આલિયા ભટ્ટ્?’ ગાયત્રીનું મગજ છટક્યું .
‘ગાયત્રી, છોડને આ બધું’
‘આપકો બોલા ના કી યહ જગમોહન દીવાન નહીં હૈ!’ ગાયત્રી પેલાનો કેડો મૂકે તેમ નહોતી.
‘ગાયત્રી, કમાલ છે.. થોડી વાર પહેલાં પેલા ઈન્સ્પેક્ટરને હું સમજાવતો હતો કે હું જ જગમોહન દીવાન છું તો એ માનતો નહોતો. હમણાં આ અજાણ્યો મને પૂછે છે કે હું જ જગમોહન દીવાન છું તો હું કેવી રીતે ઈનકાર કરી દઉં! અરે, બોલો ભાઈ, મૈં હી હૂં જગમોહન દીવાન. ક્યા તકલીફ હૈ આપકો?’
ગાયત્રીએ કપાળ કૂટ્યું.
પેલાએ ખિસ્સામાંથી એક ગડી વાળેલો કાગળ કાઢીને જગમોહનના હાથમાં મૂક્યો. લેમ્પ પોસ્ટના આછા અજવાળામાં જગમોહને એ કાગળ વાંચ્યો :
‘તમારા બંનેની જિંદગી ખતરામાં છે. તમારો દુશ્મન તમને મારવાની કોશિશ કરી રહ્યો છે. કદાચ એ લોકો કરણ સુધી પહોંચી ગયા છે. તમારા શત્રુ વિશે વધુ માહિતી જોઈતી હોય તો આ માણસની પાછળ ચાલ્યા આવો. ગભરાવાની જરૂર નથી, તમારો દુશ્મન અમારો દુશ્મન છે એટલે આપણે હાથ મિલાવી શકીએ છીએ. તમારો શુભચિંતક.’
જગમોહને એ ચિઠ્ઠી ગાયત્રીના હાથમાં મૂકી. ગાયત્રીએ નોટ વાંચીને જગમોહનને પૂછ્યું :
‘કરણ એટલે તમારો નાનો પુત્ર?’ એને જગમોહને સવારના ધાબામાં કહેલી વાતો અચાનક યાદ આવી ગઈ.
જગમોહને હકારમાં માથું હલાવીને પેલા સામે જોયું. એનો ચહેરો ભાવવિહીન હતો.
‘કાકુ, મને ક્યાંક ગરબડ લાગે છે. ચાલો, આપણે પેલા ઈન્સ્પેક્ટર પરમાર પાસે જઈએ. એ આપણી મદદ કરશે.’ ગાયત્રી ચિંતાતુર અવાજે બોલી.
‘ગાયત્રી, હવે કોઈ પણ પગલું ભરતી વખતે કરણનો વિચાર કરવો પડશે. એની સલામતીનો વિચાર કરવો પડશે.’ જગમોહનનું દિમાગ ઝડપથી કામ કરવા લાગ્યું હતું.
‘હા, પણ મને આ માણસ કંઈ ઠીક નથી લાગતો. એક વાર અહીંથી ચાલતી પકડો પછી શાંતચિત્તે વિચાર કરીએ કે હવું શું કરવું!’
‘અરે પાગલ છો. આજ સવારથી આપણે ચિત્ર-વિચિત્ર પરિસ્થિતિનો સામનો કર્યો છે તો હવે આને પણ જોઈ લઈએ. પણ આજે બે વાત નક્કી થઈ ગઈ.’
‘કઈ બે વાત કાકુ?’
‘એ જ કે કાં તો તું કોઈ ગેમ રમાડે છે અથવા કુદરત કોઈ રમત શરૂ કરી દે છે!’
‘અને બીજી વાત!’
‘એ જ કે મારો પણ કોઈ દુશ્મન છે એની મને આજે પહેલી વાર ખબર પડી.એની વે, આ જે પણ હોય ..કરણ ની વાત છે એટલે હું આની સાથે જાઉં છું.’ જગમોહને નિર્ણય લઈ લીધો.
‘ડોન્ટ બી સ્ટુપિડ. કાકુ, તમે ભૂલો છો કે તમે એક અત્યંત પૈસાદાર બિઝનેસમેન છો. આ રીતે એક અજાણ્યા માણસ સાથે..’
‘ગાયત્રી, બિઝનેસમેન પછી, પહેલાં હું બાપ છું. હવે જ્યારે ખબર પડી છે કે કરણની જિંદગી ભયમાં હોઈ શકે તો એક વાર મારો આત્મહત્યાનો પ્લાન પણ મુલતવી રાખી શકું છું.’
‘વેરી ગુડ, એક રીતે જોઈએ તો આ મારી નવી ગેમની શરૂઆત પણ ગણાય. બની શકે કે તમને આમાંથી જ તમારો ઉકેલ મળી આવે.’
‘હું એ નથી જાણતો. હું ફક્ત એટલું જાણું છું કે મારા નાના દીકરાની જિંદગી જોખમમાં હોઈ શકે અને આ માણસ મને એના વિશે ઈન્ફોર્મેશન આપી શકે તેમ છે. કદાચ એ પણ જાણવા મળે કે મારો દુશ્મન કોણ છે?’ કહીને જગમોહને થોડે દૂર ઊભેલા પેલા અજાણ્યાને ચાલવાનો ઈશારો કર્યો. બંને આગળ ચાલવા માંડ્યા, પાછળ ગાયત્રી ચાલવા લાગી. અચાનક પેલો ફર્યો:
‘યહ લડકી સાથ નહીં જાયેગી.’
જગમોહન તાડૂક્યો : ‘ઓ, તુમ્હારા માથા ખરાબ હૈ ક્યા! યહ લડકી હમારે સાથ નહીં જાયેગી તો હમ ભી તુમ્હારે સાથ નહીં ચલેગા. હમ તો ચલા જાયેગા મેટ્રો સ્ટેશન મરને!’
પેલાને કંઈ ન સમજાયું હોય એમ જગમોહનને એકીટશે જોઈ રહ્યો, પછી ખભા ઉલાળતો ફરી ચાલવા માંડ્યો. આગળ જઈને ત્રણેય સદર સ્ટ્રીટ તરફ વળી ગયાં. થોડી વાર ચાલ્યા બાદ પેલાએ મોબાઈલ કાઢ્યો અને વાત કરવા માંડ્યો. જગમોહને એની લગોલગ ચાલીને વાતચીત સાંભળવાની કોશિશ કરી પણ એના કાને ફક્ત અવાજ પડતો હતો. શબ્દો સમજાતા નહોતા. રસ્તા પર કોલાહલ તો હતો એની વાત નહોતી સંભ્ળાતી અને જે અસ્પટ સંભળાતી હતી એ સમજાતી ન હતી.
અચાનક પાછળથી એક મારૂતિ વાન આવીને ત્રણેની પાસે ઊભી રહી ગઈ. અંદર ડ્રાઈવર ઉપરાંત આગળ એક બેઠો હતો. વાનનો દરવાજો ખૂલ્યો. પેલા અજાણ્યાએ ગાયત્રી અને જગમોહનને અંદર બેસવા ઈશારો કર્યો. બંને અંદર ગોઠવાયા બાદ એ શખ્સ પણ એમની પાસે બેસી ગયો.
‘આપણે ક્યાં જવાનું છે?’ જગમોહને પેલાને પ્રશ્ર્ન કર્યો. કોઈએ જવાબ ન આપ્યો. ડ્રાઈવરે વાનને હંકારી મૂકી.
થોડી ક્ષણ બાદ પેલાએ સેલમાં મોટેથી કહ્યું:
‘બોસ, કામ હો ગયા હૈ, જગમોહન દીવાનકો હમને કિડનેપ કર લીયા હૈ!’
(ક્રમશ:)