ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

સારંગપ્રીતઃ શ્રદ્ધા અંતિમ લક્ષ્યની ગીતા મહિમા –

ગત અંકમાં સંયમની સમજ આપીને હવે ભગવાન કૃષ્ણ જીવનના અંતિમ લક્ષ્ય તરફ નિર્દેશ કરે છે. ભગવાન અહીં કેવળ લક્ષ્ય નહીં, પરંતુ પરમ લક્ષ્ય એવા અક્ષરધામનું વર્ણન કરતાં કહે છે – જ્યાં સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશી શકતા નથી, જ્યાં જઇને બ્રહ્મરૂપ ભક્તો ક્યારેય સંસારના બંધનમાં પાછા અવતા નથી, તે અક્ષરધામ ‘તદધામ્ પરમં મમ્’ ‘ટડ્રઢળપ ક્ષફર્પૈ પપ્ર’ (ગીતા-૧૫/૬) મારું પરમ નિવાસસ્થાન છે.


હા, આ ગીતાનો પરમ સિદ્ધાંત છે. પૂર્વે બ્રાહ્મી સ્થિતિ પામેલા બ્રહ્મરૂપ ભક્તોની જ પરબ્રહ્મની પરાભક્તિ પામવા માટે તથા અક્ષરધામમાં પ્રવેશ પામવાની આધ્યાત્મિક લાયકાતો વર્ણવીને હવે તે શાશ્ર્વત ધામનું દર્શન ગીતાએ કરાવ્યું છે. આવી શાશ્ર્વત લાયકાતોને પામેલા બ્રહ્મરૂપ ભક્તોથી ભરપૂર અક્ષરધામનો વૈભવ કેવો પ્રભાવક-પ્રભાયુક્ત છે, તે જણાવતાં પ્રભુ કહે છે- ‘માયિક ઇન્દ્રિયોથી અગોચર-અવ્યક્ત એવા અક્ષરધામને વેદપુરુષો એવી ‘પરમ ગતિ’ કહે છે કે જેને પામીને બ્રહ્મરૂપ ભક્તો ક્યારેય સંસારના બંધનમાં પાછા આવતા નથી; તે અક્ષરધામ મારું પરમ નિવાસ સ્થાન છે.’

આવી રીતે વારંવાર ‘મમ’ (મારું) કહીને પોતાનાથી ભિન્ન એવા પોતાના ધામરૂપ અક્ષરબ્રહ્મનો મહિમા ગાતાં પુરુષોત્તમ જાણે થાકતા જ નથી! જેવી રીતે અક્ષરધામ માટે તેઓ ‘મમ’ કહી તેને પોતાનું ઘર માને છે, તેવી જ રીતે અક્ષરધામમાં જવા માટે પ્રયત્નશીલ ભક્તો માટે પણ ‘પપ’ કહીને તેઓ તેમને પોતાના આ શાશ્ર્વત ઘર તરફ આવવા આમંત્રણ આપે છે.
ભગવાને તો આમંત્રણ આપી દીધું છે, પરંતુ આપણી શ્રદ્ધા સજ્જ છે? શબરીબાઈને નાનપણમાં એમના ગુરુ માતંગ ઋષિએ કહ્યું હતું કે: તારે નદી તરફનો ઋષિઓનો અવરજવરનો રસ્તો રોજ સાફ કરી નાખવો. તારી ઝૂંપડીમાં એક દિવસ રામ ભગવાન પધારશે. શબરીએ પ્રભુ શ્રી રામની પ્રતીક્ષામાં ૭૦ વર્ષ કાઢી નાખ્યાં. અંતે તેમની શ્રદ્ધાના ફળસ્વરૂપે ભગવાન રામ પ્રત્યક્ષ તેમની ઝૂંપડીએ પધાર્યા.

એક વાર બે મિત્રો ભગવાનનો સાક્ષાત્કાર કરવા વૃક્ષ નીચે તપ કરવા બેઠા. એક જણ આંબલીના વૃક્ષ નીચે એક જણ પીપળાના વૃક્ષ નીચે. થોડા દિવસ બાદ દેવર્ષિ નારદજી તે રસ્તેથી પસાર થતા હતા ત્યારે બન્નેએ નારદજીને કહ્યું, કે ‘નારદજી! તમે ભગવાનને પૂછી આવજો કે અમને દર્શન ક્યારે આપશે..’ નારદજી વિષ્ણુ ભગવાન પાસે જઈને અને જવાબ લઈને પાછા બન્ને મિત્રો પાસે આવ્યા, અને કહ્યું કે: ‘વિષ્ણુ ભગવાને કહ્યું છે કે તમે જે વૃક્ષ નીચે બેસી તપ કરો છો, તે વૃક્ષનાં જેટલાં પાંદડાં છે, તેટલાં વર્ષો પછી ભગવાન તમને દર્શન આપશે. જવાબ સાંભળતાં જ પીપળાના વૃક્ષ નીચે બેસી તપ કરનારા ભક્તે તરત જ નિરાશ વદને ઘરની વાટ પકડી.

જ્યારે આંબલીના વૃક્ષ નીચે બેસી તપ કરનારો ભક્ત હર્ષઘેલો થઈ નાચવા-કૂદવા લાગ્યો. નારદજીએ કારણ પૂછ્યું, તો તે કહે, આટલાં વર્ષો પછી પણ ભગવાન મને દર્શન તો દેશે ને? તેણે જેવું આ વાક્ય પૂરું કર્યું કે ભગવાન ત્યાં પ્રગટ થયા. નારદજી ભગવાનની આ લીલા જોઈ વિમાસણમાં પડી ગયા અને કહ્યું, ‘તમે કેમ આટલા જલદી દર્શન આપ્યાં?’ ત્યારે ભગવાન બોલ્યા: ‘આની શ્રદ્ધા તો જુઓ.’ આમ શ્રદ્ધા દુર્લભ ને પણ સુલભ બનાવી દે છે.

ભગવાન સ્વામિનારાયણ પણ સારંગપુર પ્રકરણના ૧૮ મા વચનામૃતમાં કહે છે: ‘જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિષે શ્રદ્ધાવાન થાય, તો એના હૃદયને વિષે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે અને કામ-ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે.

આમ, આપણે પણ જીવનનો અંતિમ ધ્યેય પામવા શ્રદ્ધાવાન બની ગીતાવચનો શ્રદ્ધાપૂર્વક પાળીશું તો અનંત સુખ તથા શાશ્ર્વત ભગવાનનું સાંનિધ્ય અવશ્ય પ્રાપ્ત થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button