સમાજને શ્રદ્ધાવાન બનાવતી સંતવાણી
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની
વેલાબાવાનું શિષ્યમંડળ પણ ભારે સમર્થ હતું. ગુરુ વેલનાથના પરચાઓથી અનેક લોકો એ સમયમાં હિંસા, ચોરી અને દુર્ગુણોમાંથી મુક્ત થઈને ગુરુ વેલનાથની કંઠી બાંધીને પછી ગુરુ જેવા જ શિષ્ય તરીકે નામ કમાયા છે. વેલનાથ શિષ્યપરંપરામાં એક રામૈયા નામછાપથી ભજનરચના કરી ગયેલા પૂર્વાશ્રમના રામ ઢાંગડ નામના ખાંટ પણ ભારે પ્રખ્યાત છે.
બનેલું એવું કે કોઈ એક કુંભાર ભગત વેલનાથ પાસે જતા હતા, ત્યાં રસ્તામાં સાંજ પડી ગઈ એટલે રામ ઢાંગડાને ઘેર ઉતારો ર્ક્યો. ત્યાં તો કોઈ લોકદેવીમૂર્તિની મેલી આરાધના ચાલતી હતી. બકરાના ભોગ ધરાતા, શરાબ પીરસાતો અને માંસાહાર થતો. કુંભાર ભગતે જોયું કે આ બધું ભૂવાઓના કહેવાથી મૃતક પુત્રને જીવતો કરવાની લાલચમાં ફસાઈને રામ ઢાંગડ કરી રહ્યા છે. સવાર સુધી બધી વિધિ ચાલી પણ કંઈ પુત્ર જીવંત થયો નહીં. એટલે પછી એની ઠાઠડી બંધાતી હતી. ત્યાં કુંભાર ભગતે કહ્યું કે ભાઈ જીવ મારવાથી કંઈ જીવને ઉગારી શકાતો નથી. જીવને ઉગારવાથી જ જીવતદાન મળતું હોય છે. રામ ઢાંગડાનો અહમ્ તુર્ત જ ઓગળી ગયો અને કુંભાર ભગતને પગે લાગ્યો.
કુંભાર ભગતે કહ્યું કે આ વાત સમજાણી હોય તો આ બંદૂક મૂકી દે અને આ કંઠી-માળા ધારણ કરી લે.
રામ ઢાંગડ કહે – કંઠી કોના નામની છે
કુંભાર ભગત કહે – ગુરુ વેલનાથના નામની.
કુંભાર ભગતની સાથે ખાંટ ઢાંગડ રામ પણ આવે છે વેલનાથ ચરણે. વેલનાથના પગમાં પડી ગયો. વેલનાથે બે જ શબ્દોનાં વચનો સંભળાવતા કહ્યું કે :
વીરા હવેથી જીવહિંસા કરીશ નહીં.
રામ ઢાંગડ ઘેર આવ્યો. ગામની સીમમાં એક ભારે મોટા રોઝડાને જોયું. બધાએ રામને વિનંતી કરી કે રોઝડું મારો તો આખું ગામ ધરાશે. પણ રામ માન્યો નહીં.પુન: ઘરના પરિવારજનોએ પણ વિનંતી કરી અને રામે બંદૂક હાથમાં લઈને સીમમાં જઈને રોઝડાને નિશાન તાકીને ગોળી છોડી. એક પછી એક નવ ગોળી છોડી પણ રોઝડું છટકી ગયું. રાત પડી ગઈ હતી. કાલે ઘવાયેલા રોઝડાને ખોળી કાઢીશું, માનીને રામ ઘર તરફ નીકળ્યો. રસ્તામાં ગુરુ વેલનાથની નાદુરસ્ત તબિયતના સમાચાર મળતાં ગુરુની ખબર પૂછવા નીકળ્યો. ગુરુને પથારીમાં પડેલા જોયા. શરીર લોહીલુહાણ જોયું. રામે પૂછયું.
ગુરુ તમારી આ સ્થિતિ કોણે કરી ? ગુરુએ કહ્યું,રામ કેમ અજાણ્યો થાય છે નીમ તોડીને હાથમાં હથિયાર લીધું. તને દયા ન આવી. લે આ નવે-નવ ગોળીઓ રામે બંદૂકનો ઘા ર્ક્યો. બંદૂકના કટકા થઈ ગયા. પોતાના હૃદયના પણ જાણે કે કટકા થઈ ગયા. ગુરુ વેલનાથના પગમાં પડીને ચોધાર આંસુએ રડવા લાગ્યો. આખી રાત ફપગમાં પડી રહ્યો.
ગુરુએ કહ્યું, રામ સવાર પડી, ઘેર જાઓ. રામ ઢાંગડ કહે, બાપજી હવે આ ઘરની માથે બીજું ઘર નથી. મારું ઘર તો આંય જ. કહેવાય છે કે વેલનાથે ખૂબ આકરા થઈને કહેલું પણ રામ તો રહી ગયો વેલનાથની મઢીએ. ગિરનારી સંતસ્થાનકે. રામે રામૈયા નામછાપથી ગુરુ વેલનાથની વ્યક્તિમત્તાને ઉપાસતા, ગુરુપ્રાપ્તિની પ્રસન્નતાની અનુભૂતિને અભિવ્યક્ત કરતાં શતાધિક ભજનો રચેલાં. તે આજે પણ પરંપરામાં જીવંત છે. એનાં ભજનો ભારે માર્મિક છે. પણ એમાં આરાધ ઢંગનું એક ભજન તો ભારે લોકપ્રિય છે.
આજે પણ ભૈરવજપની સમીપમાં વેલાબાવાના વીરડા તરીકે ઓળખાતી જગા છે. ત્યાં શિવરાત્રિએ રામૈયાનો રચેલો આ આરાધ અવશ્ય સાંભળવા મળે. ગિરનારી વાતાવરણમાં એક શિવરાત્રિએ સન્મિત્ર નિરંજન રાજયગુરુની સંગાથે કોઈ હેમંતગર નામના ભજનિકના ભારે ભાવપૂર્ણ કંઠે સાંભળેલું એ ભજન હૃદયમાં અકબંધ છે :
આવો તો આનંદ થાય, નાવો તો પત જાય રે;
ગરવાવાળા નાથ વેલા આરે અવસર. ..આવજો ટેક઼.
અનહદ વાજાં વાગિયાં સ્વામી જોઉં તમારી વાટ રે;
હું સુવાગણ સંંદરી, મારે તમારો વિશ્ર્વાસ રે. ..આવો તો..૧
કાયામાં કાળિંગો વ્યાપ્યો, થોડે થોડે ખાય રે;
ભવસાગરમાં બેડી બૂડતાં, બાવે પકડેલ બાંય રે. ..આવો તો..ર
સામસામાં નિશાન ધરે ધણી ધારે પડઘાયે જાગ રે,
ખડગ ખાંડું હાથ લીધું. ભાગ્યો કાળિંગો જાય રે. ..આવો તો..
વેલનાથ તમારા હાથમાં, બાજીગરના ખેલ રે.
વેલા-ચરણે બોલ્યા રામૈયો, ફેર મનખ્યો લાવ રે. ..આવો તો..૪
કહેવાય છે કે પહેલાંના વખતમાં આ ભજન ગવાય એટલે પાણીસ્વરૂપે સરવાણી પ્રગટે અને વીરડા છલોછલ ભરાઈ જઈને ભજનનો હોંકારો ભણતા. પણ એ દિવસો તો હવે ગયા. પાણી જ ક્યાં છે, હવે તો ત્યાં પાણીનાં પાઉચનાં પ્લાસ્ટિક ઠેર ઠેર રઝળતાં-ઊડતાં નજરે પડતાં હોય છે.
ભજનમાં રામૈયો કહે છે કે ગુરુ તમે પધારો તો પરમાનંદ થશે. અન્યથા મારી આબરૂ જશે. આ અવસર છે ખરો સમય છે આરે – વીરડાને કિનારે આપ પધારો.
રૂપકાત્મક રીતે વરવાની વાત અહીં કહેવાઈ છે. રામૈયો પોતે સુહાગ સુંંદરી છે અને ગુરુની વાટ જુએ છે. વિશ્ર્વાસ છે કે અવશ્ય સ્વામીનાથ પધારશે. અનહદની અનુભૂતિનાં વાજિંત્રો વાગી રહ્યાં છે. ગુરુને સમર્પિત થવાની વિગત અહીં સ્થાન પામી છે.
કાયામાં કળિયુગ પ્રસરી ગયો છે અને ધીમે ધીમે શરીરને કોરી રહ્યો છે. ભવસાગરમાં મારું નાવડું ડૂબી રહ્યું હતું પણ સમર્થ ગુરુ વેલનાથે મને ઉગાર્યો.
કળિયુગની સામે લડતા વેલનાથની છબી અહીં આંકી છે, એને કહે છે કે ગુરુ વેલનાથના ખડગ પ્રહારથી કળિંગો-કળિયુગ સંતથી દૂર છે. સંત સતયુગના જીવ રહે છે. ગુરુ વેલનાથના હાથમાં જ બધો એમનો આધાર છે. એ બહુ મોટો બાજીગર છે અને એમણે જ આ મનુષ્યઅવતાર સુધારી દીધો છે. આમ ગુરુને ચરણે રામૈયો બોલ્યા છે.
રામૈયાએ ગુરુને પ્રગટ થવાની વિનંતી કરી છે અને પુન: નહીં પ્રગટો તો પોતાની આબરૂ જશે માટે ભક્તની ભેરે થવાનું વિનવે છે. સંતવાણીમાં ગુરુમહિમા અપાર છે, પણ અહીં તો ગુરુને જ પરમતત્ત્વ રૂપે માનીને એની અકળ-અપાર લીલાની વાત કેન્દ્રમાં છે. રામૈયાની રચના દ્વારા સંતવાણીની પ્રકૃતિનો નિકટથી પરિચય થાય છે. એને શરણે-ચરણે જ પોતાનું સર્વસ્વ સમર્પીને અભિપ્રેત-ઈચ્છિત પ્રાપ્ત કરનાર ભક્તનું હૃદય અહીંથી વીરડામાં ફૂટતા જળની પેઠે ફૂટે છે અને આપણને પણ તૃપ્ત કરે છે. શ્રદ્ધાવાન બનાવે છે. સંતવાણીએ સમાજને શ્રદ્ધાવાન બનાવવામાં ભારે મોટું યોગદાન આપ્યુંં છે. એની પ્રતીતિ કરાવતી આ વાણી આજે પણ એટલી જ અર્થપૂર્ણ લાગે છે.