ધર્મતેજ

વિક્રમ સર્જક મંત્રલેખન દ્વારા સંકલ્પ સિદ્ધિ

વિશેષ -મુકેશ પંડ્યા

આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે કળિયુગમાં માત્ર ઈષ્ટદેવનું નામ સ્મરણ કે મંત્રજાપ કરવાથી પણ સુખ, સમૃદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકશે. ત૫, યજ્ઞ, પૂજા પાઠ- અનુષ્ઠાન માટે ઘણા સમય, સંપત્તિ અને શ્રમની જરૂર પડે પણ મંત્ર કે નામસ્મરણ આબાલવૃદ્ધ સહુ કોઈ યથા શક્તિ કરીને પોતાનું તેમ જ બ્રહ્માંડનુ કલ્યાણ કરી શકે છે.

પ્રખર શિવભક્ત, ચોરવાડના વતની અને મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છતાંય ડાઉન ટુ અર્થ એવા યોગેશ ભાઈ પાઠકને વિચાર આવ્યો કે આ પૃથ્વી પર વધુને વધુ લોકો પંચાક્ષર મંત્ર ઓમ નમ: શિવાય વારંવાર લખે અને આ કલ્યાણકારી મંત્ર ને પૂર્ણ પણે લોક કલ્યાણ અર્થ સર્વત્ર ફેલાવે. તેમણે સંકલ્પ કર્યો હતો કે સવાસો કરોડ મંત્રો લખાય. આ જોકે જટિલ કાર્ય હતું. આને માટે લાખો ચોપડીઓ છાપવી પડે જેમાં શિવભક્તો આ મંત્ર લખી શકે. આ ચોપડીઓ છપાવવી, દેશ વિદેશ મોકલવી, મંત્ર લેખન થયા પછી પાછી મંગાવવી. મોટા સ્ટોર રૂમમાં સંગ્રહિત કરવી, જાળવણી કરવી આ બધા કામ મહેનત માગી લે એવા હતા. જોકે યોગેશભાઈએ જણાવ્યું તેમ આ બધાં કાર્યો કરનાર અને કરાવનાર ભોલેનાથ મહાદેવ હતા. એ તો માત્ર નિમિત્ત બન્યા.

પાંચમી જૂને પર્યાવરણ દિનના દિવસે તેમણે મત્રલેખન સિદ્ધિ સમારોહ ઉજવ્યો ત્યારે સવાસો કરોડથી પણ વધુ લગભગ ૧૪૦ કરોડ મંત્રો લખાઈ ચૂક્યા છે. આ કાર્યમાં તેમને તેમના ધર્મપત્ની ચેતનાબેન, અન્ય સગાં સહોદર, મિત્રો તેમ જ ગામવાસીઓનો પણ ખૂબ સાથ સહકાર મળ્યો.

પાંચમી જૂને માટુંગા એસ.એન.ડી.ટી. હોલમાં યોજાયેલા આ સંકલ્પ સિદ્ધિ સમારોહમાં મહા મંડલેશ્ર્વર
શ્રી ઋષિકેશથી પધાર્યા હતા. વલસાડ ઘરમપુરથી પ્રખ્યાત શિવકથાકાર શ્રી બટુક વ્યાસ પણ પધાર્યા હતા. આ મહાનુભાવોએ આ સમગ્ર કાર્યને આશીવર્ચન આપતા સંબોધનો કર્યા હતા.

યોગેશભાઈ કહે છે કે કોઈ પણ કલ્યાણકારી કાર્યમાં ધન માગો તો મળી રહે છે પણ મંત્ર લખવાનું કાર્ય આપીએ તો ઘણા સમય નથી મળતો એવું બહાનું કાઢે છે. ધન કઢાવવા કરતાં પણ વ્યક્તિને મંત્ર લેખન માટે પ્રેરિત કરવો એ અધુરૂં કાર્ય છે અને આજે આ કાર્ય શિવકૃપાથી જ સંપન્ન થયું છે તેનો આનંદ છે. મંત્ર એક વાર લખાતો હોય પણ એ પૂરો લખાય ત્યાં સુધી ચાર પાંચ વાર તેનું ઉચ્ચારણ થતું હોય છે. જેથી લખનારને પાંચગણુ ફળ મળતું હોય છે. આ ૧૪૦ કરોડ મંત્રોની પોથી હાલ વલસાડમાં શ્રી બટુક વ્યાસના નિવાસ્થાન પર રાખવામાં આવી છે અને આ મંત્ર મંદિરનો ભવિષ્યમાં ખૂબ જ ઉત્કૃષ્ટ કાર્યોના માર્ગે ઉપયોગ થશે તેમ તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અગાઉ યોગેશભાઈએ તેમના વતનમાં શિવકથાનું અદ્ભુત આયોજન કર્યું હતું જયાં બટુક વ્યાસજીની છત્રછાયામાં તેત્રીસ ફ્ૂટ ઊંચાં રૂદ્રાક્ષ થી મઢેલા શિવલિંગની રચના કરવામાં આવી હતી. આ શિવલિંગ પર જળાભિષેક કરવા દાદર અને લિફ્ટની વ્યવસ્થા કરવામા આવી હતી. લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ આ સિદ્ધિની નોંધ લેવામાં આવી છે.

શિવ એટલે જ કલ્યાણ. યોગેશભાઈ કોઈ પણ શિવ અર્થાત કલ્યણકારી કાર્યોમાં કોઈ પણ અહમ વગર સતત રચ્યા પચ્યા રહે છે જે આજની પેઢી માટે ખરેખર પ્રેરણારૂપ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button