ધર્મતેજ

એ જ નવું વર્ષ ફરીથી

પ્રાસંગિક -હેમુ ભીખુ

પંચાંગની દૃષ્ટિએ જોવા જઈએ તો નવું વરસ એ કેલેન્ડરના નવા અધ્યાયની શરૂઆત છે. પણ સૂર્યની ચારે તરફ પૃથ્વી જે રીતે ફરે છે તેનાથી ક્યારેય એમ નહીં કહી શકાય કે પૃથ્વીની સૂર્ય-પ્રદક્ષિણા માર્ગની અહીંથી શરૂઆત થાય છે. પૃથ્વીની ભ્રમણ કક્ષામાં બધું જ સમાન છે – બધા જ બિંદુનું સરખું મહત્ત્વ છે. બની શકે કે સૂર્ય મંડળની રચના વખતે કોઈ એક બિંદુ પરથી પ્રદક્ષિણા શરૂ થઈ હોય, પરંતુ આ પણ લગભગ અસંભવ એટલા માટે લાગે છે કે પૃથ્વીના પ્રવાસની શરૂઆત તો જ્યારે સૂર્યમાંથી એક અગ્નિનો જથ્થો છૂટો પડ્યો ત્યારે થઈ ગઈ હતી. તે પછી લાંબા સમય ગાળે તે પોતાના પ્રદક્ષિણા પથમાં સ્થાપિત થઈ. આ માર્ગમાં નથી કોઈ શરૂઆત કે નથી કોઈ અંત – અને હોય તો પણ તેની સમજ માનવીની ક્ષમતાની બહારનો વિષય છે. નવું વર્ષ ચોક્કસ દિવસે શરૂ થાય એવો નિર્ણય સગવડતા માટે લેવાયો છે. કોઈ એક નિર્ધારિત તિથિ પરથી – તારીખ પરથી વર્ષની શરૂઆત હશે એવી માન્યતા બાંધી શકાય. જો વર્ષની શરૂઆત માટેના નિયમો ચોક્કસ હોય તો દરેક કેલેન્ડર તે જ નિયમોને અનુસરે અને એમ નક્કી થાય કે પૃથ્વીની પ્રદક્ષિણાની શરૂઆત આ સ્થાનેથી થઈ હશે. પણ એમ નથી. દરેક કેલેન્ડર અલગ પ્રકારની શરૂઆતની વાત કરે છે. એનો અર્થ એમ કરી શકાય કે વર્ષની શરૂઆત એ એક ધારણા છે, એક માન્યતા છે, એક અનુકૂળતા છે પણ હકીકત નથી. નવા વર્ષની શરૂઆત ગણાતા જે તે દિવસે ખરેખર કોઈ વિશિષ્ટ ઘટના આકાર લેતી હોય તેમ જણાતું નથી.

વર્ષ ઉનાળાથી પણ શરૂ થઈ શકે અને શિયાળાથી પણ. સનાતન સંસ્કૃતિમાં મહિનો ક્યાંક વદ પક્ષથી શરૂ થાય એમ મનાય છે તો ક્યાંક સુદ પક્ષથી શરૂઆત થાય છે. બંને યોગ્ય છે. બંને માટે કારણો છે. બંને ગ્રહો અને નક્ષત્રોના ચોક્કસ સ્થાન આધારિત છે. આમ પણ બરાબર છે અને તેમ પણ બરાબર છે. અહીં એવું સ્થાપિત થાય છે કે સૂર્ય કે ચંદ્ર ચોક્કસ નક્ષત્રમાં આવે ત્યારે વર્ષની શરૂઆત થાય. પણ આ પણ એક અનુકૂળતા છે. જે નક્ષત્રનું જે પંચાંગમાં પ્રભુત્વ હોય – જે રાશિનું જે ગણનામાં પ્રભુત્વ હોય; વર્ષની શરૂઆત તેના સંદર્ભમાં થાય છે એમ માની સમાજ કાર્યરત થાય. એમ પણ કહેવાય છે કે ખ્રિસ્તી કેલેન્ડરમાં એક સમયે નવું વર્ષ જુલાઈથી શરૂ થતું હતું. એક અન્ય માન્યતા પ્રમાણે કેટલાક સમય સુધી માર્ચ મહિનાને પ્રથમ મહિનો ગણવામાં આવતો. જ્યારે જાન્યુઆરીથી વર્ષની શરૂઆત ગણવાની શરૂઆત થઈ ત્યારથી કંઈ સમાજમાં કે સૃષ્ટિમાં ફેર નથી પડી ગયો. બધું એમનું એમ જ ચાલે છે.

નવું વર્ષ તો માત્ર એક બહાનું છે. ગયા વર્ષનો નહીં, પણ પસાર થઈ ગયેલા બાર મહિનાનો હિસાબ લેવાની તક છે. આ કાર્ય તમે કોઈપણ સમયે કરી શકો. અને બાર મહિનાનો જ હિસાબ શું કામ તમે દર પાંચ દસ મહિને પણ તમારા કાર્યનો હિસાબ લઈ શકો. બાર મહિને જો તમારા કાર્યનો હિસાબ લો તો એ ક્યાંક પૃથ્વીની પ્રદક્ષિણા સાથે મેળ ખાય જેનાથી લાંબા ગાળે ગણતરીમાં અનુકૂળતા રહે. પૃથ્વીની પ્રદક્ષિણા સાથે આવું મૂલ્યાંકન જોડવાથી બે માનવીની પરસ્પરની સરખામણી પણ શક્ય બને. એ સિવાય બીજો કોઈ મોટો લાભ નથી.

માનસિકતાની દૃષ્ટિએ નવા વર્ષની ધારણા મોટો ભાગ ભજવી જાય છે. નવું વર્ષ આવતા એમ લાગે છે કે નવી સંભાવના શક્ય હશે, નવા પ્રયત્નો આરંભી શકાશે, ભૂતકાળને બાજુમાં મૂકી નવી દિશા તરફ પ્રયાણ કરી શકાશે, નિરાશાને ખંખેરી નવા પ્રયત્નો કરવા માટે ઉત્સાહ પ્રાપ્ત થશે – જાણે જીવનની નવી શરૂઆત થશે. ઘણા માનવીના જીવનમાં આશાનું ખૂબ મહત્ત્વ હોય છે અને નવા વર્ષની પૂર્વધારણા વિવિધ પ્રકારની આશા માટે પ્રેરક બની રહે છે. આમ તો નવા પ્રયત્નોની શરૂઆત વર્ષના કોઈપણ દિવસે થઈ શકે પરંતુ નવા વર્ષનો પ્રથમ દિવસ જાણે એક વધારાની પ્રેરણા સમાન બની રહે છે. આ દિવસે તો ન લેવા હોય તો પણ ઘણા બધા નિર્ણય લેવાનું મન થાય.

જીવનના નવા અને સંભવત: વધુ સારા પ્રકરણની શરૂઆત સારી રહે તે માટે માની લીધેલી વર્ષની શરૂઆત વધુ આનંદદાયક બને તેવા પ્રયત્નો થતા રહે છે. પાર્ટી થાય છે, દારૂ પીવાય છે, ચીસ પડાય છે, કેટલાક લોકો જેને ડાન્સ ગણી શકે તે પ્રકારનું શરીરનું હલનચલન કરાય છે, અને આ બધા સાથે ક્યાંક છેલ્લા બાર મહિનાની નિષ્ફળતાઓને ભૂલવાનો પ્રયત્ન કરાય છે. હવે પછી આવનારા સમયના સ્વાગત માટે જો આ થતું હોય તો પ્રશ્ર્નો તો છે જ. ખબર નથી પડતી કે આ જે સમય પસાર થઈ ગયો તેની ખુશી છે કે આવનારા સમયની સંભાવના માટે તત્પરતા છે. જે તે બાબતનું સેલિબ્રેશન કઈ રીતે થાય છે તેનાથી કદાચ ખબર પડી જાય કે આગળ જતા કેવા કેવા પ્રકારની સંભાવના હકીકતમાં રૂપાંતરિત થશે.

એમ જોવા મળે છે કે ઉત્સાહમાં નવા વર્ષે લેવાયેલા નિર્ણયો ગણતરીના દિવસોમાં છોડી દેવાય છે. વર્ષોથી જે માનસિકતા ઘડાઈ હોય, જે અગ્રતાક્રમ સ્થપાઈ ગયો હોય, જે જીવનશૈલી અનુસરાતી હોય, જે પ્રકારનું વ્યક્તિત્વ આકાર લઈ ચૂક્યું હોય તેમાં ફેરફાર લાવવો કઠિન છે. નવા વર્ષની શરૂઆત ગણાતા કોઈક દિવસે લીધેલો નિર્ણય ઊભરા સમાન હોય છે. છતાં પણ સંભાવના હોય છે. આ સંભાવના જો વ્યક્તિના બંધારણને આધારિત હોય તો ક્યાંક સફળતા મળે. અથવા તો પરિસ્થિતિને કારણે દ્રઢ ઈચ્છા શક્તિ જાગૃત થયેલી હોવી જોઈએ. નહીંતર કેટલાય નવા વર્ષ આવશે અને જશે – જિંદગીમાં કોઈપણ પ્રકારની નવીનતાનો પ્રવેશ નહીં થાય. આવા સંજોગોમાં સમય નહીં પણ નિર્ણય લેવામાં વિવેકપૂર્વકનું ચિંતન બળવાન હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button