ધર્મતેજ

નારી વર્ણનમાં પ્રગટતો સમાદર

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

નારીવર્ણનને અનુસંગે નારીના રૂપ, ગુણ અને એના પ્રભાવને આલેખતા દુહાની મોટી પરંપરા છે. પ્રાકૃત, અપ્રભંશના અનેક દુહાઓ હેમચંદ્રાચાર્યે ઉદાકૃણ કરીના સમકાલીન પરંપરાનો પરિચય કરાવ્યો. અનુગામીઓએ આ પરંપરાને પચાવીને પછી પોતાની કળાશક્તિનો વિનિયોગ કરીને રચેલા દુહાઓ આપણી બહુ મોટી મૂડી છે. એમાંથી પ્રગટતું નારીરૂપ અને નારી ચિત્ત માનવીય ભાવવિશ્ર્વથી પણ ભાવકને પરિચિત કરે છ. માત્ર શૃંગાર નહીં પણ નારીના પ્રભાવક વ્યક્તિત્વની ઓળખ કરાવતી વિગતો પણ એમાં હોઈને એ દુહાઓ ભાવક ચિત્તને આજ સુધી ભીંજવતા રહીને પરંપરામાં જીવંત રહ્યા છે. ભાવથી ભીંજવતા આવા થોડાં દુહા આસ્વાદીએ.

‘પગ જોઈ પાની જોઈ, નીરખી જોયાં નેણ;
ગુણવંતી ગોરી તણાં, વહાલાં લાગે વેણ’.

નારીના નીરખવા-અવલોક્વા જેવા અવયવોને અનુસંગે અહીં દુહાગીર કહે છે કે પગ જોયા. જોવાની તો માત્ર પીંડી નથી એમના પગ ગોઠણથી-પાની સુધીના ભાગનું દર્શન અહીં અભિપ્રેસ છે. નારીની આંખો નેણ-પાંપણના પલકારાની એક જીવંત છબી નયન દ્વારા પમાય છે. પણ આવી ગોરી ગુણવંતી છે. આવી સુંદરતા અને ગુણગાન નારીના વેણ-વાતું બહુ વહાલી-મીઠી લાગે. અહીં નારી પણ વહાલ નીખનાવનાર પરિબળ માત્ર સુંદરતા નથી પરંતુ ગુણવાનપણું એમના પરત્વે વહાલ નીપજાવે છે.

બીજા એક દુહામાં પણ આવા ભાવને ધારદાર રીતે અભિવ્યક્તિ અર્પેલ છે તે અવલોકીએ.

‘પીતળ સરખી પિંડિયું, હીંગળા સરીખા હાથ;
નવરો દીનો નાથ, (તે દી)પંડ બનાવી પૂતળી.’
નારીના બે અવયવ-અંગને અહીં ઉપમા અર્પીને વર્ણવેલ છે. પીતળ જેવી નકોર અને એવા વર્ણવાળી પીંડીઓ. અને હાથ પણ રતુમડા હીંગળા જેવા કાંડાથી બાવડા સુધીનો ભાગ એની રતાશને કારણે એના નીરોગીપણાની તંદુરસ્તીની ગવાહી પુરી પાડે છ. જયારે સર્જનહાર દયાનાથ બ્રહ્મા સાવ નવરા-નિરાંતવાળા હશે ત્યારે આ પૂતળી જેવી દેહયષ્ટિનું નિર્માણ એણે ર્ક્યું હશે.

બીજો એક દુહો પણ નારીના દેહલાલિત્ય સંદર્ભે પરંપરામાં અવલોક્વા મળે છે, તેને આસ્વાદીએ.

‘મચકે પગલાં માંડતી, લચકે પીઠનો લંક;
સહજ હાસ કરે સંંદરી, દાડમ કળી દમંક’.
ઝીણી મચકથી- ધીરેથી પગલા માંડતી-તરતી અને એની કંડય-પીઠને લચકો-વાંધો નાજુક વળાંક ચાલતી વખતે આપતી સન્નારી સહજ રીતે હાસ્ય રેલાવતી ખલકાતી હોય ત્યારે એના દાડમની કળી-દાણાં જેવા દાંત ધવલ તેજ પાથરતા હોય છે.

નારીનું તેજ, તપ અને તરવરાટ ભર્યા લયાન્વિત દેહ દુહામાંવર્ણવીને નારીની મહત્તાને કવિએ અભિવ્યક્ત કરી છે તે આસ્વાદ્ય બની રહે છે. આવો એક વિશેષ્ા દુહો પણ અવલોકીએ.
‘ઢાળ્યાં નીચાં લોચન, ગાલે પડિયા શેરડા ;
ચૂંદડી ભીડી તંન, લાજે ઘેરી કુંવરકા’.
જયારે નારી નીચા નયન ઢાળીને નિમિલિત નયને દૃષ્ટિપાત કરે છે – નજર નાખે છે ત્યારે એના ગાલે શેરડા પડતા હોય છે. પોતાની ચુંદડીને અંગ સાથે ભીડીને – શરીર સાથે લપેટીને કુંવરી લજજાશીલ બનીને આપણને એનામાં ઘેરી લેતી હોય છે. એની લજજા, સંકોચભાવ પણ દર્શનીય બની રહે છે. એનું રૂપ આવા સમયે આવી ક્ષ્ાણે જ વિશેષ્ા ખીલી ઊઠે છે.

નારી વર્ણનમાંથી નારી પરત્વેનો પ્રગતનો સમાદર અહીં દૃષ્ટિગોચર થાય છે. નારી દર્શનીય, પુજનીય અને પ્રેક્ષ્ાણીય આવા કારણે બની રહે છે. નારીની મહત્તાને પ્રગટાવતા વલણોને દુહાગીરે ભારે સંયમથી આપણામાં સંક્રાંત ર્ક્યા છે, દુહાની આ મોટી વિશિષ્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button