ધર્મતેજ

પૃથ્વીનો ઉદ્ધાર


અલૌકિક દર્શન -ભાણદેવ

આ પ્રથમ તત્ત્વ દ્વારા, તેના માધ્યમથી બ્રહ્માજી અન્ય સૃષ્ટિની રચના કરે છે. જેમ પુરુષ સ્ત્રીના માધ્યમથી સંતાન ઉત્પન્ન કરે છે, તેમ બ્રહ્માજીએ પ્રથમ તત્ત્વ દ્વારા અન્ય સૃષ્ટિની રચના કરી. આ દ્વિતીય પ્રક્રિયા દરમિયાન જે પ્રથમ તત્ત્વ હતું તેણે પત્નીની ભૂમિકા ભજવી, તેમ રૂપકાત્મક ભાષામાં, પૌરાણિક કથાશૈલીની પદ્ધતિમાં કહી શકાય. ઉત્પત્તિના પ્રથમ તબક્કામાં જે તત્ત્વ પુત્રીરૂપ હતું તે જ તત્ત્વ આ દ્વિતીય તબક્કામાં પત્નીની ભૂમિકારૂપ બને છે. પત્ની સંતાનની ઉત્પત્તિ માટે માધ્યમ બને છે. તે જ રીતે પ્રથમ તત્ત્વ પણ સૃષ્ટિની ઉત્પત્તિનું માધ્યમ બને છે. આ એકસમાનતાને કારણે તેને પત્નીની ઉપમા આપવામાં આવેલ છે.

સૃષ્ટિ-ઉત્પત્તિની પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં પ્રથમ તત્ત્વ બ્રહ્માજીનું સર્જન છે, તેથી તે સંતાન છે, પુત્રી છે તેને જ સરસ્વતી કહે છે. સંતાન પિતાનું સર્જન છે. આ પ્રથમ તત્ત્વ બ્રહ્માનું સર્જન છે, આ સમાનતાના કારણે કથાશૈલીમાં તેને પુત્રી કહેલ છે. જેમ જળપ્રવાહ સરતો-સરતો આવે છે, તેમ પ્રેરણા પણ જળપ્રવાહની જેમ સરતી-સરતી આવે છે, તેથી તેને સરસ્વતી નામ આપવામાં આવેલ છે. આ પ્રથમ તત્ત્વ જ દ્વિતીય તબક્કામાં સર્જનનું માધ્યમ બને છે. માધ્યમ બનવાને નાતે તેનું પત્ની સાથે સાદૃશ્ય ગણવામાં આવે છે, કારણ કે પતિ માટે પત્ની સંતાનોત્પત્તિની ક્રિયામાં માધ્યમ બને છે. આ સાદૃશ્યને કારણે આ જ તત્ત્વને દ્વિતીય તબક્કામાં પૌરાણિક શૈલીથી પત્ની કહેલ છે.

આમ જે તત્ત્વ પુત્રીસમાનધર્મા છે, તે જ તત્ત્વ પત્નીસમાનધર્મા પણ બને છે. બ્રહ્માજી પોતાની પુત્રી સરસ્વતી સાથે કામક્રીડા માટે તત્પર થયા તેનો આવો અર્થ છે. કામક્રીડા એટલે સર્જનપ્રક્રિયા. સૃષ્ટિસર્જનની પ્રક્રિયાને સાંકેતિક ભાષામાં અહીં કામક્રીડા ગણેલ છે, કારણ કે કામક્રીડા વસ્તુત: સર્જનની જ પ્રક્રિયા છે. બંનેમાં સર્જનનું તત્ત્વ સમાન છે. બ્રહ્મા પોતાની પુત્રી સાથે કામક્રીડા માટે તત્પર થયા, એટલે બ્રહ્માજી પોતે ઉત્પન્ન કરેલ પ્રથમ તત્ત્વ દ્વારા દ્વિતીય ભૂમિકાનું સર્જન કરવા માટે તત્પર થયા. તાત્ત્વિક સત્યને અહીં પૌરાણિક કથાશૈલીની પદ્ધતિથી પાત્રો અને પ્રસંગોના રૂપ દ્વારા અભિવ્યક્ત કરેલ છે.

આમ બ્રહ્માજી અને સરસ્વતીમાં પાત્રો અને તેમના પ્રસંગ દ્વારા સૃષ્ટિસર્જનનું તત્ત્વ અભિવ્યક્ત કરવામાં આવેલ છે. આ કથા
દ્વારા પુરાણકાર સૃષ્ટિસર્જનની તાત્ત્વિક પ્રક્રિયા સમજાવે છે. આટલું સમજ્યા પછી બ્રહ્મા-સરસ્વતીનો આ પ્રસંગ વાંચીને કે સાંભળીને કોઈએ દ્વિધા કે સંશય અનુભવવાની જરૂર નથી. કોઈએ લજ્જા પણ અનુભવવાની જરૂર નથી. કોઈએ મોં મચકોડવાની પણ જરૂર નથી. આપણાં પુરાણોની કથાને આ રીતે સૂક્ષ્મ દૃષ્ટિથી જોવાની જરૂર છે તેટલું સમજવાની આ પ્રસંગ દ્વારા પ્રેરણા મળવી ઘટે.

***

એકવાર મહારાજ મનુએ હાથ જોડીને બ્રહ્માજીને પ્રશ્ન પૂછ્યો: ‘હે પિતાજી! અમે આપની શી સેવા કરીએ?’ મહારાજ મનુનો આ પ્રશ્ન સાંભળીને બ્રહ્માજી પ્રસન્ન થયા. પ્રસન્ન થઈને બ્રહ્માજીએ મનુ મહારાજને આજ્ઞા આપી: ‘પ્રજા ઉત્પન્ન કરો, પ્રજાનું ધર્મપૂર્વક પાલન કરો તથા યજ્ઞ દ્વારા હરિનું યજન કરો.’ બ્રહ્માજીની આવી આજ્ઞા સાંભળીને મહારાજ મનુ કહે છે: ‘હે ભગવન્! અમે આપની આજ્ઞા પ્રમાણે વર્તીશું, પરંતુ અમારા માટે કોઈ સ્થાન આપો, કારણ કે પૃથ્વી તો અત્યારે રસાતલમાં ગયેલી છે અને જળમાં ડૂબેલી છે.’

બ્રહ્માજી પૃથ્વીને રસાતલમાંથી બહાર કેમ કાઢવી તેનો વિચાર કરતા હતા તેવામાં તેમના નાકમાંથી એક ભૂંડનું બચ્ચું નીકળ્યું. પ્રથમ તો તે અંગૂઠા જેવડું જણાયું, પરંતુ ધીમેધીમે તેનું કદ વધવા લાગ્યું અને તે પર્વતની મોટી શીલા જેવડા કદનું અને ભૂંડના આકારવાળું બની ગયું. આ મહાન કદનું ભૂંડના આકારનું પ્રાણી તે વસ્તુત: ભગવાન શ્રીવિષ્ણુનો વરાહાવતાર હતો. થોડી વારમાં વરાહભગવાન પ્રચંડ વેગથી સમુદ્રમાં પ્રવેશ્યા. પ્રચંડ વેગથી જળમાં પ્રવેશીને ખૂબ ઊંડાણમાં જતા વરાહભગવાને રસાતલમાં પૃથ્વીને પોતાના દંતશૂળ પર ધારણ કરી અને પૃથ્વીને લઈને તેઓ વેગપૂર્વક બહાર આવતા હતા ત્યારે અધવચ્ચે હિરણ્યાક્ષ નામનો એક અસુર ગદા લઈને ભગવાન સામે લડવા માટે આવ્યો. ભગવાન વરાહે લીલામાત્રમાં તે રાક્ષસનો વધ કરી નાખ્યો. અસુરનો વધ કરીને પુન: પૃથ્વીને પોતાના દંતશૂળ પર ધારણ કરી ભગવાન વરાહ જળમાંથી બહાર આવ્યા અને પૃથ્વીને જળની ઉપર સ્થાપિત કરી. આ રીતે ભગવાન વરાહે પૃથ્વીને રસાતલમાંથી બહાર કાઢી, પૃથ્વીનો ઉદ્ધાર થયો અને પૃથ્વી માનવ વસવાટ માટે લાયક બની.

આ નાની અને સરળ કથામાં ગહન આધ્યાત્મિક અને તાત્ત્વિક રહસ્ય છુપાયેલું છે, પરંતુ તે માટે આ કથાના સૂક્ષ્માર્થનું ઉદ્ઘાટન કરવું આવશ્યક છે. આ કથાનું સ્વરૂપ જ એવું છે કે આ કથાને સ્થૂળ અર્થમાં સમજી શકાય તેમ નથી. તેના સૂક્ષ્માર્થમાં જવું અનિવાર્ય છે. આ કથાના સ્થૂળ સ્વરૂપનો વિચાર કરતાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ પ્રશ્નો જોઈને પછી આપણે તેના સૂક્ષ્માર્થને ખોલવાનો પ્રયત્ન કરીએ.

1. પૃથ્વી એટલે શું?2. રસાતલ એટલે શું?
3. પૃથ્વીનું રસાતલમાં જવું એટલે શું?4.ભગવાન વરાહ કોણ છે?
5. હિરણ્યાક્ષ કોણ છે?6. પૃથ્વી માનવ-વસવાટને લાયક બની એટલે શું?
7. યજ્ઞ એટલે શુ?8. ભગવાન વરાહને યજ્ઞસ્વરૂપ ગણવામાં આવે છે તેનો અર્થ શો છે?

પૃથ્વી એટલે શું?

આ કથામાં પૃથ્વીનો અર્થ આપણે જેને સૂર્યમંડળનો એક ગ્રહ ગણીએ છીએ તે પૃથ્વીનો ગોળો નથી. પૃથ્વી એટલે પંચભૂતાત્મક સૃષ્ટિ. પંચીકરણની પ્રક્રિયા પ્રમાણે પૃથ્વી પાંચે ભૂતોના સંમિલનથી બનેલી છે. તેથી આ કથામાં પૃથ્વીનો અર્થ માત્ર ‘પૃથ્વી’ નામનું મહાભૂત જ નહીં, પરંતુ પાંચે મહાભૂતોના સંમિશ્રણથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ. વૈદિક ભાષામાં કહીએ તો પૃથ્વી એટલે ભૂલોક.પૃથ્વી એટલે બ્રહ્માંડવ્યાપી પંચભૂતાત્મક સૃષ્ટિ.

રસાતલ એટલે શું?

પૌરાણિક બ્રહ્માંડવિદ્યા (ભજ્ઞતળજ્ઞહજ્ઞલુ) પ્રમાણે બ્રહ્માંડ ચૌદ લોકનું બનેલું છે: સાત નીચેના લોક અને સાત ઉપરના લોક. સાત નીચેના લોક આ પ્રમાણે છે: અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, અને પાતાલ. સાત ઉપરના લોક આ પ્રમાણે છે: ભૂર્લોક, ભૂવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપોલોક અને સત્યલોક.

(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button