સાધનાનો અર્થ છે પોતાની જાતને તપાવીને વિશુદ્ધ કરવી, સાધના એટલે પરમાત્મા સાથેનું જોડાણ
માનસ મંથન -મોરારિબાપુ
‘રામચરિતમાનસ’માં કાગભૂસુંડિજી શિવ ઉપાસક છે. હર પ્રતિ એમના મનમાં સારો ભાવ છે પરંતુ રામ પ્રતિ દ્રોહ હતો. એનો અર્થ એ થયો કે એના હૃદયમાં રામરૂપનો નિવાસ ન હતો. ઈશ્ર્વર સર્વના હૃદયમાં છે. ઈ઼શ્ર્વર:સર્વભૂતાનાં હૃદયેશેડર્જુન તિષ્ટ્ઠતિ…તમે ઈશ્ર્વરરૂપે સર્વના હૃદયમાં વિરાજિત છો પણ રામરૂપે કોના હૃદયમાં નિવાસ કરશો ?
काम कोह मद मान न मोहा | लोभ न छोभ न राग न द्रोहा ||
जिन्हके कपट दंभ नहिं माया | तिन्ह के ह्रदय बसहु रघुराया ||
આ બાર જેના હૃદયમાં ન હો તેના હૃદયમાં તમે રહો છો. પણ ઈશ્ર્વર રૂપે તમે હો તેનાથી સમસ્યાનો હલ નથી થતો. તમે રામરૂપે રહો. કામ, ક્રોધ, મદ, માન, મોહ, લોભ, ક્ષોભ, રાગ, દ્રોહ, કપટ, દંભ અને માયા. આ બારમાંથી આઠ ભૂસુંડિમાં છે તેથી અષ્ટક ગવાયું છે જેથી આઠ દોષોનું નિર્મૂલન થાય. આજે અંતિમ દિને આપણે પ્રમાણિક સંકલ્પ કરીએ કે અમે પ્રયાસ કરીશું કે અમારો દ્રોહ મટે.
અમે કોઈનો દ્રોહ ન કરીએ. અભિમાન મટે. ધીરે ધીરે એને કાઢો.
હું તમને પ્રાર્થના કરીશ કે આટલું ન કરી શકો, પાંચ વસ્તુઓ કરો. વ્યાસગાદી તમને નિવેદન કરવા માગે છે અને તમે કરી શકશો. અભ્યાસ કરશો તો મહાકાલનો અભિષેક સફળ થઇ જશે. શિપ્રા સ્નાન અને આટલા સંતોનું દર્શન સફળ થશે. આટલા સંતોની ચેતના કામ કરી રહી છે ત્યારે અહીંથી જાઓ તો પાંચ વસ્તુ કરજો. એક, અમે બધા પ્રતિ સદભાવ રાખશું. કોઈના પ્રતિ દુર્ભાવ નહીં રાખીએ. તમે ભજન નથી કરતા એ વાત નથી. તમે માળા કરો છો, પાઠ કરો છો, જપ કરો છો, કથા સાંભળો છો, સાધુ-સંતો પાસે જાવ છો પણ તમારો સદ્ભાવ કાયમ નથી રહેતો. તમારો સદ્ભાવ તૂટતો રહે છે. મહાકાલની બહુ કરુણા રહેશે મેરે ભાઈઓ-બહેન, પાત્રતા બનાવજો.
બીજું, આપણામાં વાસના નહીં ઉપાસના હો. કોઇપણ વિચાર પાછળ જે શક્તિ કામ કરે છે તેને વાસનાને બદલે ઉપાસનામાં ફેરવી દો. કોઈ સંત સાંનિધ્ય યા ભગવદ્ સાંનિધ્યમાં હો. અહીં ત્રણ શબ્દો છે. સાધના, આરાધના અને ઉપાસના. આ ત્રણેનો મહિમા જગતે કર્યો છે. સાધનાનો અર્થ છે પોતાની જાતને ધોવી. પોતાની જાતને તપાવીને વિશુદ્ધ કરવી. જેવી રીતે કોઈ કપડાં ધુવે છે તો સાબુથી ઘસે છે, કપડાને ફટકારે છે, વારે વારે પાણીમાં નાખે છે, નિચોવે છે. સખત તડકામાં સૂકવે છે. પછી ગરમ ઈસ્ત્રી લગાવે છે. પછી એ કપડાં ઠીક થાય છે તે કપડાં માણસને સદ્ગૃસ્થ બનાવે છે. કેટલી પ્રક્રિયામાંથી કપડાં ગુજરે છે ! આ સાધના છે.
રામચરિતમાનસ’માં સાધના પક્ષ અહલ્યા પાસે છે. એ તડકામાં તપી, પથ્થરની જેમ પડી રહી, બધાની ઠોકરો ખાય છે અને આખરે સુંદર બનીને નીકળી ! प्रगट भइ तप पुंज सही તપશ્ર્ચર્યાનો પુંજ નીકળ્યો, કેટલી મહાન સિદ્ધ થઇ ? સાધના પક્ષનો અર્થ છે પરમાત્મા સાથે જોડાઈ જવું. આરાધના શબરીએ કરી છે. ભગવાન સાથે અંતરના તાર જોડ્યા હતા. બાકી કશું જાણતી નહોતી. અને અહીં મહાપુરુષોએ બહુ સારું કરી દીધું કે ભક્તિ કરવી છે તો કોઈ જાતી, પાંતિ, ભાતિ, વિદ્યા, રૂપ, કુળ કે ધનનો ભેદ નથી ! શબરી પણ એ પદને પ્રાપ્ત કરી શકી હતી. ગોસ્વામીજી ગીતાનો ન્યાય લાવ્યા છે-
नर बिबिध कर्म अधर्म बहु मत सोकप्रद सब त्यागहु |
बिस्वास करी कह दास तुलसी रामपद अनुरागहू ||
શબરીએ આરાધના કરી હતી. જન્મથી અધમ હતી. અહલ્યાને બધા છોડીને ગયા હતા,ઉપેક્ષિત કરી હતી પણ રામને પામી. ઉપાસના રાક્ષસીઓએ કરી. ન તેમણે જપ કર્યા છે, તપ કર્યું છે, સાધના કરી છે, ન આરાધના પક્ષ છે. જાનકીજીની નિકટ બેઠી. રાક્ષસો મર્યા પણ રાક્ષસીઓનું મૃત્યુ નથી, બધી સલામત છે. મનના વિચારો ઉપાસના પ્રેરિત હો તેનો ખ્યાલ કરજો. ઇન્દ્રિયોને સમજાવતા રહો. તમારી આંખ ખરાબ જોવા માગે તો કહો કે નહીં, નહીં, તું સારું દર્શન કર. મારા શરીરમાં આંખ સારું જોવા માટે છે. રોકી શકો છો તમે, સમજાવી શકો છો તમે. કાનને રોકી લો કે અમે કોઈની નિંદા, બુરાઈ નહીં સાંભળીએ. ઇન્દ્રિયોને સમજાવો. તમે કરી શકો છો. અભ્યાસ કરવો જોઈએ વ્યક્તિએ.
ચરિત્ર નિર્માણ કરો. ‘રામચરિતમાનસ’શા માટે છે ? શું તમે રામકથા નથી જાણતાં ? શિવથી જીવ સુધી પહોંચી છે. એક મિનિટમાં કહી દેવાય એવી કથા છે. પણ આટલી વાત હોત તો તમે સદીઓથી કેમ સાંભળતા રહેત ? કથા તો તમે જાણો છો, છતાં ન સાંભળવાવાળા થાક્યા છે, ન બોલવાવાળા થાક્યા છે ! આ જે કથાનો મહિમા છે તેનાથી ચરિત્ર નિર્માણ કરો. તુલસીજીએ ઠીક નામ આપ્યું છે. રામચરિત. આજે રાષ્ટ્રમાં ચરિત્રની બહુ જરૂર છે. ચારિત્ર્યની કટોકટી છે.
નિમિત્ત બનો. કોઈ વસ્તુનો અહંકાર ન હો. માણસ બહુ ચાલાક બની ગયો છે. માણસને પશુ કહેવો એ પશુને ગાલિ છે ! અભિનેતા બનો. જેમ સ્ટેજ પર કોઈ અભિનેતા પોતાનો રોલ કરીને જતો રહે છે પછી તેણે રોલમાં કોઈની હત્યા કરી છે તો ન તેને શૂળી મળે છે કે ન તેને પદ્મશ્રી મળે છે ! આવું જીવવા કોશિશ કરીએ.