દેવરાજ ઇંદ્રની કુરૂપતા દૂર કરો, જેથી એ ફરી સ્વર્ગની ગાદી સંભાળી શકે

શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
દેવગુરુ બૃહસ્પતિ કૈલાસ પહોંચે છે અને ભગવાન શિવને અરજ કરે છે કે, ‘દુકાળ અને અનાવૃષ્ટિથી પૃથ્વીવાસીઓ ત્રસ્ત છે, દેવરાજ ઇંદ્રને દોષમાફી આપી મુક્ત કરો જેથી સ્વર્ગનું સંચાલન વ્યવસ્થિત પાર પાડી શકાય.’ તેમને સમજાવતાં ભગવાન શિવ કહે છે, ‘પ્રાયશ્ર્ચિત અને તપસ્યા પૂર્ણ કર્યા વગર કોઈ પણ દેવ દોષમુક્ત થઈ શકે નહીં, તમારે સ્વર્ગના સિંહાસન પર એવા પુણ્યાત્માને બેસાડવા પડશે.’ તેવો પુણ્યશાળી આત્મા કોણ છે તેવું પુછાતાં ભગવાન શિવ તેમને કહે છે કે, ‘કુરુવંશી મહારાજા નહુશ, તેમની પાસે જઈ તેમને સ્વર્ગાધિપતિ બનવા વિનંતી કરશો તો તેઓ તૈયાર થશે.’ દેવગુરુ બૃહસ્પતિની વિનંતીને માન આપી કુરુવંશી રાજા નહુશ સ્વર્ગલોક આવી રાજગાદી સંભાળી લે છે. પ્રખર શિવભક્ત અને કુરુવંશી રાજા નહુશ દેવરાજ ઇંદ્રની ગાદી સંભાળ્યા બાદ તેઓ પણ ધર્મપથથી વિમુખ થાય છે અને તેઓ દેવી સચિના આકર્ષણમાં બંધાઈ જાય છે. દેવરાજ નહુશ દેવી સચિ પાસે પહોંચે છે ને કહે છે, ‘હું દેવરાજ નહુશ તમને મારી પત્ની બનાવવા ઉત્સુક છું. શું મારી દરખાસ્ત તમે સ્વીકારશો?’ દેવી સચિ ફક્ત દેવરાજ ઇંદ્રને જ પોતાના સ્વામી માનતાં હોવાથી દેવી સચિ દેવરાજ નહુશ સામે એક શરત મૂકે છે કે જો તમે મારા નિવાસે તમારા મહેલથી પાલખીમાં આવો, પણ એ પાલખી સપ્તઋષિઓએ ઊંચકેલી હોવી જોઈએ.’ દેવરાજ નહુશના આદેશ પર સપ્તઋષિ પાલખીની વ્યવસ્થા કરે છે અને તેમને બેસાડી દેવી સચિના નિવાસસ્થાને લઈ જવા
પ્રસ્થાન કરે છે. અધીરા દેવરાજ નહુશ
ક્રોધિત થઈ કહે છે, ‘તમે બહુ ધીમે ધીમે ચાલો છો, હે સપ્તઋષિઓ હું તમને આદેશ આપું છુ કે સર્પ ગતિથી ચાલો, નહીં તો હું તમને દંડિત કરીશ.’ આટલું સાંભળતા જ ક્રોધિત ઋષિ વશિષ્ઠ શ્રાપ આપતાં દેવરાજ નહુશ સર્પ બની જાય છે અને પાતાળલોકમાં નિવાસ કરે છે.
ફરી સ્વર્ગ તેના રાજા વગર નિરસ થઈ જાય છે. ભગવાન શિવની આજ્ઞાથી દેવરાજ ઇંદ્ર માનસરોવરમાં એક મોટા કમળની નાળમાં સમાઈ શકે તેટલું શરીર કૃષ કરી નાળમાં બેસી આરાધના કરે છે. દેવરાજ ઇંદ્રની આરાધનાનો સ્વર વૈકુંઠલોક અને બ્રહ્મલોક સુધી પહોંચે છે.
માતા સરસ્વતી: ‘સ્વામી આ સ્વર તો દેવરાજ ઇંદ્રનો છે, તેમની આરાધના હવે પૂર્ણ થશે એવું લાગી રહ્યું છે.
બ્રહ્મદેવ: ‘હા દેવી, દેવરાજ ઇંદ્રની આરાધના તો હવે પૂર્ણ થઈ જવી જોઇએ, પણ ભગવાન શિવ પોતે આરાધના કરી રહ્યા હોવાથી તેઓ દેવરાજ ઇંદ્રનો સ્વર સાંભળી રહ્યા નથી.’
માતા સરસ્વતી: ‘સ્વર્ગ દેવરાજ વગર નિરસ છે અને પૃથ્વીવાસીઓ અસુરગણોના આતંકથી ત્રસ્ત છે. બ્રહ્મદેવ તમારે આગેવાની લઈ ભગવાન શિવની કૃપાથી દેવરાજ ઇંદ્રને ફરી સ્વર્ગના સિંહાસન પર આરૂઢ કરવા જોઈએ.
બ્રહ્મદેવ અને માતા સરસ્વતી તુરંત વૈકુંઠલોક પહોંચે છે.
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘બ્રહ્મદેવ અને દેવી સરસ્વતી બંને એકસાથે વૈકુંઠલોક ખાતે પધાર્યાં, નક્કી કોઈ આયોજન લાગે છે.’
બ્રહ્મદેવ: ‘ભગવાન શ્રીહરિ વિષ્ણુ તમે તો અંતર્યામી છો, તમને ખબર જ છે કે દેવરાજ ઇંદ્ર માનસરોવર ખાતે એક મોટા કમળની નાળમાં સમાઈ શકે તેટલું શરીર કૃષ કરી નાળમાં બેસી આરાધના કરી રહ્યા છે જુઓ તેમનો સ્વર અહીં પણ ગુંજી રહ્યો છે, હવે સમય થઈ ગયો છે ભગવાન શિવે તેમને વરદાન આપવું જોઈએ.
માતા સરસ્વતી, બ્રહ્મદેવ, માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ કૈલાસ પહોંચે છે. તેમને જોઈ શિવગણો તેમનો જયજયકાર કરવા માંડે છે. એ સ્વરથી ભગવાન શિવની આરાધનામાં ખલેલ પડતાં ભગવાન શિવ ક્રોધિત થાય છે. માતા સરસ્વતી, બ્રહ્મદેવ, માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુને તેમની સમક્ષ ઊભેલાં જોઈ ભગવાન શિવનો ક્રોધ શાંત થાય છે.
બ્રહ્મદેવ: ‘અહીંથી અમારા લોક સુધી દેવરાજ ઇંદ્રની આરાધનાનો સ્વર ગુંજતાં અમે આપને વિનંતી કરીએ છીએ કે દેવરાજ ઇંદ્રને વરદાન આપી તેમની કુરૂપતા દૂર કરો, જેથી તેઓ ફરી સ્વર્ગની ગાદી સંભાળી શકે.
ભગવાન શિવ: ‘અવશ્ય.’
ત્રિદેવ-ત્રિદેવીઓ સાથે માનસરોવર પહોંચે છે.
ભગવાન શિવ: ‘દેવરાજ ઇંદ્ર આંખ ખોલો, જુઓ સ્વર્ગ તમારી આગેવાનીની પ્રતીક્ષા કરી રહ્યું છે.’
ભગવાન શિવનો સ્વર સંભળાતાં દેવરાજ ઇંદ્ર જુએ છે કે તેમની કુરૂપતા દૂર થઈ ગઈ છે અને તેમની સમક્ષ ત્રિદેવ-દેવીઓ સાથે હાજર છે. દેવરાજ ઇંદ્ર ત્રિદેવ અને દેવીઓના આશીર્વાદ લઈ સ્વર્ગલોક તરફ પ્રયાણ કરે છે. સ્વર્ગ પહોંચતાં જ દેવી સચિ તિલકથી તેમનું સ્વાગત કરે છે અને અન્ય દેવગણ તેમનો જયજયકાર કરે છે.
સમયનું વહેણ આગળ વધી રહ્યું છે. પૃથ્વીલોક, બ્રહ્મલોક, વૈકુંઠલોક અને સ્વર્ગલોકમાં દેવતાઓ પ્રસન્નતાથી
નિવાસ કરતા હોય છે. એક દિવસ પૃથ્વીલોકથી ‘ઓમ બ્રહ્મદેવતાય નમ:’નો સ્વર બ્રહ્મલોક, સ્વર્ગલોક અને વૈકુંઠલોક સુધી પહોંચવા માંડે છે. આવો સ્વર સંભળાતાં દેવતાઓમાં ભયની લાગણી પ્રસરી જાય છે, બધા એકબીજાને પૂછવા માંડે છે કે આ સ્વર કોનો છે.
માતા સરસ્વતી: ‘સ્વામી આ કોઈ અસુર તમારી આરાધના કરી રહ્યો છે. એ કોણ છે? અને તેનો સ્વર અહીં સુધી ગુંજવા લાગ્યો છે એટલે હવે તમારે વરદાન આપવું પડશે.’
બ્રહ્મદેવ: ‘અવશ્ય દેવી, હું તુરંત પૃથ્વીલોક જઈ રહ્યો છું, દુર્ગમાસુરને વરદાન તો આપવું જ પડશે.
બ્રહ્મદેવ: ‘દુર્ગમાસુર, માગો તમને શું જોઇએ છે?’
દુર્ગમાસુર: પરમપિતા જો તમે વરદાન જ આપવા માગતા હો તો એવું વરદાન આપો કે, ‘કોઈ પણ દેવતાનાં અસ્ત્ર કે શસ્ત્ર કે તેઓ મારો વધ નહીં કરી શકે.’
બ્રહ્મદેવ: ‘તથાસ્તુ’
બ્રહ્મદેવનું વરદાન મળતાં જ ગેલમાં આવી જાય છે અને પૃથ્વીવાસીઓ પર અત્યાચાર કરવાની શરૂઆત કરે છે. એ સાંભળીને જ દેવગણો કંપિત થવા લાગ્યા. દુર્ગમાસુર બળથી ચારેય વેદનો સ્વામી બની ગયો. વેદોના અદૃશ્ય થવાથી પૃથ્વીલોક પર વૈદિક કિયાઓ નષ્ટ થવા લાગી. એ સમયે બ્રાહ્મણો અને દેવતાઓ પણ દુરાચારી થઈ ગયા. કોઈ જગ્યાએ ન તો દાન દેવાય છે, નથી
અત્યંત ઉગ્ર તપ થતું. ન યજ્ઞ થતા હતા કે ન હોમ-હવન. આનું પરિણામ એ આવ્યું કે પૃથ્વી પર ઘણાં વરસો સુધી વરસાદ જ ન પડયો. ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો. બધા દુ:ખી થઈ ગયા. બધાને ભૂખ-તરસનું કષ્ટ સતાવવા લાગ્યું. કૂવા, વાવડી, સરોવર, નદીઓ અને સમુદ્રો પણ જળરહિત થઈ સુકાઈ ગયાં. (ક્રમશ:)