ધર્મતેજ

શિવ રહસ્ય: સંસારમાં ક્યાંય ધર્મનું આચરણ થતું દેખાતું નથી

– ભરત પટેલ

માતા સરસ્વતી અને બ્રહ્માજી ફરી બ્રહ્મલોક પહોંચતાં જુએ છે કે તેમનું બ્રહ્મલોક અડધું બળી ગયું હોય છે. માતા સરસ્વતી કહે છે, આ અગ્નિ તો સમસ્ત લોકોને બાળીને ખાખ કરી દેશે. ચાર વેદ સમાજરચનામાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે તેમને વરદાનમાં આપશો જ નહીં. કમને બ્રહ્માજી અને માતા સરસ્વતી દુર્ગમાસુર પાસે પહોંચી કહે છે, દુર્ગમ બોલો તમને શું વરદાન જોઈએ છે. દુર્ગમાસુર કહે છે કે, ‘પરમપિતા તમને ખબર જ છે કે મને ચાર વેદ અને ત્રિદેવોમાંથી કોઈપણ મારો વધ ન કરી શકે તેવું વરદાન જોઈએ છે. બ્રહ્માજી તેને સમજાવે છે કે ચાર વેદને મેળવીને તને કંઈ નહીં મળે. પણ દુર્ગમાસુર કહે છે કે ‘પરમપિતા જો તમે પણ અન્ય દેવતાઓની જેમ કપટ કરવાના હો તો તમે અહીંથી ચાલી જાવ, મને તમારા વરદાન નથી જોઈતાં.’ મુશ્કેલીમાં મુકાયેલા બ્રહ્માજીએ કહ્યું, ‘તથાસ્તુ.’ બ્રહ્માજીનું વરદાન મેળવતાં જ દુર્ગમાસુર ચાર વેદને લઈ પાતાળલોક જાય છે. ત્યાં ચારેય વેદને બંદી બનાવી સમસ્ત સંસારમાં હાહાકાર મચાવે છે. યજ્ઞ શાળામાં બેઠેલા બ્રાહ્મણો અને પુરોહિતોના મોઢેથી વેદ ઋચાઓના શ્ર્લોકો નીકળતાં નથી, તેઓ ભૂલી જાય છે. દુર્ગમાસુર ત્યાં પહોંચી તેમને જણાવે છે કે, ચારેય વેદ મારા દાસ છે, મેં તેમને પાતાળલોકમાં કેદ કર્યાં છે. તમે દૈત્ય સંસ્કૃતિને અપનાવી લો અન્યથા તમને દંડિત કરવામાં આવશે. થાકી હારેલા બ્રાહ્મણો દૈત્ય સંસ્કૃતિને અપનાવતાં સંસારમાંથી દેવ સંસ્કૃતિનું પતન થવા લાગ્યું. પૃથ્વીલોક પર પોતાનું શાસન સ્થાપ્યા બાદ દુર્ગમાસુર સ્વર્ગલોક પહોંચે છે. દુર્ગમાસુરને મળેલા વરદાનની શક્તિનો આભાસ હોવાથી દેવરાજ ઇન્દ્ર અને દેવગણ ત્યાંથી પલાયન થઈ જાય છે. ત્રાહિત દેવર્ષિ નારદ ઋષિ મુનીઓ સાથે કૈલાસ તરફ પ્રયાણ કરે છે. તેમને શોધતાં શોધતાં દેવરાજ ઇન્દ્ર પણ કૈલાસ પહોંચે છે. દેવર્ષિ નારદ કહે છે, ‘દેવાધિદેવ દૈત્ય દુર્ગમાસુરથી પિડિત તમારા ભક્તોની રક્ષા કરો. ચારેય વેદને દુર્ગમાસુરે પાતાળલોકમાં બંદી બનાવ્યા છે. પૃથ્વીલોક અને સ્વર્ગલોકનું વાતાવરણ દૂષિત થઈ ગયું છે. આટલું સાંભળતાં જ માતા પાર્વતી કહે છે, દેવતાઓ અને માનવોની અવદશા માટે શુક્રાચાર્ય જ જવાબદાર છે, ભગવાન શિવ શુક્રાચાર્યનું આહ્વાન કરતાં શુક્રાચાર્ય તુરંત કૈલાસ ઉપસ્થિત થાય છે. ભગવાન શિવ તેમને કહે છે કે, શુક્રાચાર્ય તમારા માર્ગદર્શનથી જ દુર્ગમાસુરનું આચરણ આટલું ક્રૂર છે. તેને આદેશ આપો કે ચારેય વેદને તુરંત મુક્ત કરે. ભગવાન શિવનો આદેશ લઈ શુક્રાચાર્ય ત્યાંથી વિદાય લે છે. ભગવાન શિવ કહે છે, ‘શુક્રાચાર્ય તો ગયા પણ, શું તેઓ વેદોને દુર્ગમાસુરની કેદમાંથી છૂટા કરાવી શકશે?’


અસુરગુરુ શુક્રાચાર્ય પોતાના આશ્રમ પહોંચી દુર્ગમાસુરનું આવાહન કરે છે. છાકટો થયેલો દુર્ગમાસુર શુક્રાચાર્યનું આવાહન પર ધ્યાન આપતો નથી. છેલ્લે થાકી હારી શુક્રાચાર્ય દુર્ગમાસુર પાસે પહોંચે છે.

અસુર ગુરુ શુક્રાચાર્ય: ‘દુર્ગમાસુર… શું તમને મારું આવાહન ન મળ્યું.’

દુર્ગમાસુર: ‘શુક્રાચાર્ય… એટલું યાદ રાખો કે હું તમારો દાસ નથી, તમારે ત્રિલોકવિજેતા અસુર સમ્રાટની પ્રતિભાનું સન્માન જાળવવું જોઈએ. તમારે ધ્યાન રાખવું જોઈએ કે, તમે અસુર સમ્રાટને આવાહન કઈ રીતે આપી શકો.’

અસુર ગુરુ શુક્રાચાર્ય: ‘દુર્ગમાસુર તમે ભૂલી ગયા લાગો છો કે તમે પાતાળ લોકમાં દબાઈ ગયેલા હતા બહાર નીકળી શકતાં નહોતાં મેં તમને બહાર કાઢયા અને જ્યારે દેવતાઓ તમારો વધ કરતા હતા ત્યારે મેં જ તમને બચાવ્યા હતા.’

દુર્ગમાસુર: ‘શુક્રાચાર્ય તમારે ભૂલવું ન જોઈએ કે દૈત્યજાતિને આટલું માન સન્માન તમે નથી અપાવ્યું. મેં મારી તપસ્યાથી વરદાન મેળવી અપાવ્યું છે.’

અસુર ગુરુ શુક્રાચાર્ય: ‘દુર્ગમાસુર હું દૈત્યજાતિના ગુરુ હોવાના પ્રતાપે તમને આદેશ આપું છું કે ચારેય વેદને તુરંત મુક્ત કરો.’

દુર્ગમાસુર: ‘આદેશ… પરમ બળશાલી, મહાપરાક્રમી, ત્રિલોકવિજેતા, દૈત્યઉદ્ધારક દુર્ગમાસુરને આદેશ, તમારા દુ:સાહસની પ્રશંસા કરવી પડશે શુક્રાચાર્ય કેમકે હજી પણ તમે તમારા આદેશની પરિભાષામાં મને બાંધવાની કોશિશ કરી રહ્યા છો.’

અસુર ગુરુ શુક્રાચાર્ય: ‘દુર્ગમાસુર હજી સમય વિત્યો નથી સમજદારી બતાવ, આટલો અહંકાર તારા પતનનું કારણ બનશે.’

દુર્ગમાસુર: ‘મારું અને પતન… અસંભવ. મૂર્ખ શુક્રાચાર્ય તને આદેશ આપું છું કે તુરંત શિવની આરાધના છોડ, મારી આરાધના કર, સમસ્ત સંસાર મારી આરાધના કરી સુખ ભોગવી રહ્યું છે, તું પણ મદિરાપાન કરી સુખ ભોગવ.’

અસુર ગુરુ શુક્રાચાર્ય: ‘દુર્ગમાસુર ભગવાન શિવની આજ્ઞાની અવહેલના ન કરો, તુરંત ચારેય વેદને મુક્ત કરો.’

દુર્ગમાસુર: ‘શિવ… શિવ… શિવ… ન કર, જા અહીંથી. એ તારા ભગવાન શિવને પણ હું જોઈ લઈશ.’

કોઈ પણ વાત દુર્ગમાસુર માનતો ન હોવાથી કંટાળીને શુક્રાચાર્ય ત્યાંથી વિદાય લે છે.


સામે દેવતાઓનો પક્ષ દુર્ગમાસુરની સાથે યુદ્ધમાં પરાજિત થઈ સ્વર્ગલોકથી પલાયન થયા બાદ અહીંતહીં ભટકી રહ્યા હતા. દેવગુરુ બૃહસ્પતિ અને દેવર્ષિ નારદ જુએ છે કે દુર્ગમાસુર શુક્રાચાર્યની વાત માનતો નથી અને શુક્રાચાર્ય ત્યાં જઈ રહ્યા છે. દેવર્ષિ નારદ અને બૃહસ્પતિ જુએ છે કે સંસારમાં ક્યાંય ધર્મનું આચરણ થતું દેખાતું નથી અને દરેક જગ્યાએ અનીતિ અને અધર્મ થઈ રહેલો દેખાય છે. દેવગુરુ બૃહસ્પતિ અને દેવર્ષિ નારદ ચર્ચામગ્ન હોય છે કે ત્યાં દેવરાજ ઈન્દ્ર સહિત દેવગણો ત્યાં પધારે છે.

દેવરાજ ઈન્દ્ર: ‘ગુરુદેવ, મને ક્ષમા કરો, હું હંમેશાં તમારા આદેશનું અપમાન કરું છું. આવેલી વિપત્તિથી દેવતાઓને બહાર કાઢો.’

દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ તમે દેવતા યોનિ ધરાવો છો, હું તમારો ગુરુ છું, તમને માર્ગદર્શન કરવાથી વિમુખ કઈ રીતે થઈ શકું. પ્રથમ આપણે દેવર્ષિ નારદનાં મંતવ્યો સમજવા જોઈએ ત્યારબાદ જ દેવતાઓની રણનીતિ બનાવવી જોઈએ.’

દેવરાજ ઈન્દ્ર: ‘જ્યારે જયારે દેવતાઓ પર સંકટ આવી પડયું છે ત્યારે દેવર્ષિ નારદ તમે દેવતાઓને સહાય કરી છે, હવે ફરી માર્ગદર્શન આપો.’

દેવર્ષિ નારદ: ‘દેવરાજ ઈન્દ્ર, જ્યારે જ્યારે મોટા અસુરનો વધ થાય છે, ત્યારબાદ તમને ફરી સ્વર્ગલોકનું સિંહાસન મળે છે અને સિંહાસન મળતાં જ તમે સંસાર કલ્યાણ અને આરાધનાનો માર્ગ ભૂલી સંગીતની મહેફિલમાં વિલુપ્ત થઈ જાઓ છો. એ સમયગાળામાં કોઈ નવો અસુર ફરી બળવાન થઈ જાય છે અને તમારે સ્વર્ગલોક ખોવું પડે છે. હવે સમય બચ્યો નથી આપણે ત્વરાએ કૈલાસ પહોંચવું જોઈએ.

(ક્રમશ:)

આપણ વાંચો:  હું દુર્ગમાસુરને આદેશ આપું છું કે વેદોને તુરંત મુક્ત કરે

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button