પ્રાસંગિક: ધર્મ ને સમાજમાં એકસમાન મસ્યારૂપ ક્રોધ
રાજેશ યાજ્ઞિક
મનુષ્યને તેના જીવનમાં સૌથી વધુ નુકસાન કોણ પહોંચાડે છે? તેવો પ્રશ્ર્ન જો પુછાય તો તેનો જવાબ વિદ્વાન જનો એક સ્વરમાં આપશે, અહંકાર અને અહંકાર લોકોના જીવનમાં જો સૌથી વધુ ઝલકતો હોય તો એ ક્રોધ રૂપે. અહંકાર એ ક્રોધની જનની છે. અહમ એ કાષ્ઠ છે, જ્યારે ક્રોધ એ સ્વયં અગ્નિ છે. અહમથી નુકસાન એટલું નથી થતું જેટલું ક્રોધથી થાય છે. કેમકે, અહંકાર અપ્રગટ છે, જ્યારે ક્રોધ પ્રગટ હોય છે. ક્રોધ વાણી, વર્તન દ્વારા લોકો સમક્ષ પ્રગટ થતો રહે છે.
અગ્નિનું લક્ષણ શું? એ જેમાંથી પ્રગટ થાય તેનો તો નાશ કરે જ છે, સાથેસાથે તેના સંસર્ગમાં અવનારનો પણ નાશ થઇ જાય છે. ક્રોધનું પણ એવું જ છે. ક્રોધ કરનારનું અહિત પહેલા થાય છે, પછી જેના પર ક્રોધ કરે તેનું થાય છે. તેથી જ સાધુ પુરુષો અર્થાત, સજ્જનોએ ક્રોધનો ત્યાગ કરવો તેવું શાસ્ત્રો કહે છે. શ્રીમદ્ ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધથી થતા નુકસાનને એક જ શ્ર્લોકમાં વર્ણવતા કહ્યું છે,
ક્રોધાદ્ભવતિ સંમોહ: સંમોહાત્સ્મૃતિવિભ્રમ:
સ્મૃતિભ્રંશાદ્બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ
અર્થાત, ક્રોધથી સંમોહ ઉત્પન્ન થાય છે. સંમોહથી મન ભ્રષ્ટ થાય છે. મન ભ્રષ્ટ થવાથી બુદ્ધિ નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પતન થાય છે.
જેમ પાણીમાં સતત વમળો સર્જાતા હોય તો તેમાં ચહેરો જોઈ શકતો નથી, તેવી રીતે જેના મનમાં ક્રોધ વ્યાપેલો હોય તે મનુષ્ય પણ પરિસ્થિતિને સ્પષ્ટ જોઈ શકતો નથી અને ખોટા નિર્ણયો દ્વારા સ્વયંનું નુકસાન કરી બેસે છે. જેમ વાવાઝોડું આવે ત્યારે તેની સામે જે કંઈ આવે તેનો સંપૂર્ણ ધ્વંસ થઇ જાય, તેમ ક્રોધી મનુષ્યની સન્મુખ જે આવે તેનું અપમાન કરી બેસે છે. આવા ક્રોધને આવેશપૂર્ણ ક્રોધ કહી શકાય. ગુસ્સામાં વ્યક્તિ તેમના માતા, પિતા, શિક્ષકો, સંબંધીઓ વગેરેનું અપમાન કરે છે.
ક્રોધિત વ્યક્તિ બીજાને દુ:ખ પહોંચાડે કે નહીં; પણ તેનો આત્મા અંદરથી સળગતો રહે છે. તે શરીરને બાળે છે, હૃદયને ગરમ કરે છે, રક્ત પરિભ્રમણને અનિયમિત બનાવે છે, ચિંતા વધારે છે, વાણીને કઠોર બનાવે છે અને વ્યક્તિને ધર્મથી દૂર લઈ જાય છે. ક્રોધ ધૈર્યનો નાશ કરે છે, ક્રોધ શાસ્ત્રોમાંથી મેળવેલા જ્ઞાનનો નાશ કરે છે, આપણે જે કંઈ મેળવ્યું છે તે બધું ક્રોધને કારણે નાશ પામે છે.
જો ક્રોધની ઉપર વિવેકનો અંકુશ હોય તો તે રામબાણનું કામ કરે છે. વિવેકપૂર્ણ ક્રોધ પણ થઇ શકે. જ્યારે અનીતિ, અન્યાય કે અત્યાચાર જોઈને વીર પુરુષો ક્રોધિત થાય છે અને દોષિતને દંડ કરે છે તે વિવેકપૂર્ણ ક્રોધ છે. તેમાં અહંકાર નહીં, પરંતુ ઉપકારની, સત્યની કે ન્યાયની ભાવના રહેલી હોય છે.
દેશના દુશ્મનો સામે ક્રોધ ન કરીએ તો એ કાયરતા છે. પરિવારના સભ્યો, સહકાર્યકરો અને ગૌણ કર્મચારીઓને સુધારવા અને તેમને બગાડવાનું ટાળવા માટે ગુસ્સાનું ન્યાયપૂર્ણ પ્રદર્શન જરૂરી છે. આ માટે દંડ અને પ્રતાડનાની પણ જરૂર છે. જો આ સ્થિતિ છોડી દેવામાં આવશે તો માતા, પિતા, શિક્ષકો અને અધિકારીઓ તેમની ફરજો યોગ્ય રીતે નિભાવી શકશે નહીં. ક્રોધનું સમજદાર અને વ્યવહારું પ્રદર્શન વાસ્તવમાં પ્રેમનું એક સ્વરૂપ છે.
ક્રોધના શમન માટે સંયમ સૌથી ઉત્તમ ઉપાય છે. જ્યારે ક્રોધ આવે ત્યારે તરત પ્રતિક્રિયા આપવાને બદલે સંયમ રાખીને થોડો સમય પ્રતિક્રિયા આપવાનું ટાળો, તેવું જ્ઞાનીજનો કહે છે. ક્રોધ આવે ત્યારે મનમાં ભગવાનના નામનો જપ કરવો, જેથી ક્ષણિક આવેશમાં વિવેક કોરાણે ન મુકાઈ જાય. ધીરજ અને ક્ષમાનો અભ્યાસ કરવો એ ક્રોધથી છુટકારો મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ધીરજ ક્રોધને શાંત કરે છે અને ક્ષમા તેનો સંપૂર્ણ નાશ કરે છે. તીર્થંકર મહાવીર સ્વામીનું તો આખું જીવન જાણે ક્ષમા જ હતું. તેમને તો કાનમાં ખીલ ઠોક્યાં, તેમના શરીરોને ઉઝરડા આપ્યા, તેજોલેશ્યાઓ છોડી છતાં તેમણે પોતાની ક્ષમા ન છોડી. ઊલટું, તેમણે કષ્ટ આપનારના જીવનમાંથી ક્રોધનો નાશ કરીને તેમનું કલ્યાણ કરી ગયા. આપણને ભગવાન મહાવીર બનવા જેટલી કક્ષાએ પહોંચવા કરોડો જન્મો કદાચ નીકળી જાય, પણ આ ભવમાં નાનીનાની વાતમાં ક્રોધ ન કરીને, ક્ષમા આપીને એક નાનકડી શરૂઆત તો કરીએ!