ધર્મતેજ

અનુભૂતિ સંપન્ન અધ્યાત્મ પુરુષો યથાર્થ સ્વરૂપમાં સરળ હોય છે

જીવનનું અમૃત -ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
શિષ્યે ફરી પૂછ્યું, “કેવી વ્યાકુળતા?
ગુરુદેવ તે વખતે તો મૌન રહ્યા. થોડા સમય પછી શિષ્યને લઈને સ્નાન માટે નદીએ ગયા. શિષ્યને ડૂબકી મારવાનું કહ્યું. શિષ્યે ડૂબકી મારી એટલે ગુરુદેવે તેને પાણીમાં જ પકડી રાખ્યો. શિષ્ય બહારનીકળવા માટે તરફડવા લાગ્યો. થોડી વાર પછી શિષ્યને બહાર કાઢીને ગુરુદેવે કહ્યું, “બેટા! બહાર નીકળવા માટે કેવી વ્યાકુળતા થતી હતી? ભગવાન માટે જ્યારે એવી વ્યાકુળતા થાય ત્યારે ભગવાન મળે.
વળી રામકૃષ્ણદેવ કહેતા કે જ્યારે બાળકની માતા માટેની વ્યાકુળતા, કામીપુરુષની કામિની માટેની વ્યાકુળતા અને લોભીની ધન માટેની વ્યાકુળતા – આ ત્રણે વ્યાકુળતા સાથે મળીને થાય તેવી તીવ્ર વ્યાકુળતા ભગવાન માટે થાય ત્યારે ભગવત્-પ્રાપ્તિ થાય. રામકૃષ્ણદેવની ભગવત્-પ્રાપ્તિ માટેની વ્યાકુળતા કેટલી તીવ્ર હતી તેના અનેક પ્રસંગો તેમના જીવનમાં જોવા મળે છે. જ્યારે તેઓ હનુમાનભાવથી શ્રીરામની ઉપાસના કરતા ત્યારે તેઓ હનુમાનના ભાવમાં એટલા તલ્લીન બની ગયા કે તેમની પીઠ પાછળ એક નાની પૂંછડી ઊગી આવી હતી જે પાછળથી અદૃશ્ય થઈ હતી. વળી તેઓ સ્ત્રીભાવથી માધુર્ય ઉપાસના કરતા ત્યારે સ્ત્રીઓની જેમ તેમને થોડા વખત માટે આર્તવ આવવાનું શરૂ થયું હતું. ન માની શકાય તેવી આ ઘટનાઓ છે, પરંતુ સત્ય છે. આના પરથી આપણને તેમની તીવ્ર અભીપ્સાના સ્વરૂપનો ખ્યાલ આવે છે.

૬. બાલસહજ સરળતા:
રામકૃષ્ણદેવ બાળક જેવા સરળ છે. એક તરફ તેમની આધ્યાત્મિક અવસ્થા અસાધારણ ઊંચી છે. બીજી તરફ તેઓ પાંચ વર્ષના નિર્દોષ બાળક જેવા સરળ છે. અનુભૂતિ સંપન્ન અધ્યાત્મ પુરુષો યથાર્થ સ્વરૂપમાં સરળ હોય છે. સરળતા સત્ય પ્રાપ્તિનું દ્વાર છે. કુટિલ માણસો આંટીઘૂંટીમાં ફસાય છે. સરળ માણસો ભગવત્-પ્રાપ્તિના પથ પર સડસડાટ ચાલ્યા જાય છે. રામકૃષ્ણદેવના વ્યક્તિત્વમાં જે સ્વરૂપની સરળતા જોવા મળે છે તે જોઈને આશ્ર્ચર્યચકિત થઈ જવાય તેવું છે. ધોતિયું બગલમાં દબાવીને દિગંબર અવસ્થામાં તેઓ ઓરડામાં આંટા મારી રહ્યા હોય, ભોજન માટે નાના બાળકની જેમ વ્યાકુળ થઈને વારંવાર પૂછતા હોય, “ભોજન તૈયાર થયું? તેઓ હૃદયના ભાવને છુપાવતા નથી. ચિંતા, ભય આદિ જે કોઈ ભાવ ઊભો થાય તેને બાળકની જેમ વ્યક્ત કરી દે છે. જે છે તેનાથી જુદું બતાવવાનો કોઈ પ્રયત્ન તેઓ કદી કરતા નથી. આ બધાં લક્ષણો તેમની બાલવત્ સરળતાનાં દ્યોતક છે. એક વાર રામકૃષ્ણદેવને મળમાં એક કૃમિ દેખાયું. તેઓ તો બાળકની જેમ ચિંતાતુર થઈ ગયા અને મથુરબાબુને પૂછવા લાગ્યા, “હવે શું થશે? મથુરબાબુએ નાના બાળકને સમજાવે તેમ કહ્યું, “બાબા! એ તો તમારા શરીરમાંથી કામનો કીડો નીકળી ગયો. આ સાંભળીને બહુ મોટું આશ્ર્વાસન મળ્યું હોય તેમ તેઓ રાજીરાજી થઈ ગયા અને તેમના મનનું તુરત જ સમાધાન થઈ ગયું. શ્રીમદ્ ભાગવતમાં પણ જ્ઞાની પુરુષ, બાલવત્ સરળ હોય છે, તેમ કહ્યું છે. પરમ જ્ઞાની અને પરમ ભક્તની અવસ્થામાં સાક્ષાત્ ઈશ્ર્વર
અને આટલી સરળતા! બંનેનો કેવો સુમેળ! સાચી વાત તો એ છે કે એ બંને સાથે જ હોય છે.

૭. કામકાંચનનો સંપૂર્ણ ત્યાગ:
રામકૃષ્ણદેવ વારંવાર કહેતા કે જ્યાં સુધી ચિત્તમાં કામ અને કાંચનની આસક્તિ હોય ત્યાં સુધી ભગવત્ સાક્ષાત્કાર ન થાય. તેમના જીવનમાં પણ કામ અને કાંચનનો સંપૂર્ણ ત્યાગ જોવા મળે છે. ધનનો સ્પર્શ સુધ્ધાં તેઓ કરી શકતા નહીં. જો ધન કે ધાતુનો પણ સ્પર્શ થઈ જાય તો હાથમાં વીંછી કરડ્યો હોય તેવી વેદના થાય અને હાથ ઠરડાઈ જાય. આના પરથી તેમના ચિત્તમાં કાંચન પ્રત્યે કેટલી તીવ્ર વિરક્તિ હતી તેનો ખ્યાલ આવે છે. તે જ રીતે તેમનું ચિત્ત કામભાવથી પણ સંપૂર્ણ મુક્ત હતું. તેમનામાં કામનો લેશ પણ અંશ નહોતો. તેમનાં ધર્મપત્ની શ્રીમા શારદામણિદેવી સાથે તેમણે મહિનાઓ સાથે એક જ પથારીમાં શયન કર્યું હતું. આમ છતાં તેમના શરીર-મનમાં એક ક્ષણ માટે પણ કામભાવ ઉત્પન્ન થયો ન હતો. તેમનું ચિત્ત સદા ઊર્ધ્વાવસ્થામાં જ રહેતું. મા શારદામણિદેવીમાં પણ તેમને તો જગદંબાનાં જ દર્શન થતાં. એકવાર મા શારદામણિદેવીએ તેમને પૂછ્યું, “હું તમને શું થાઉં? રામકૃષ્ણદેવે જરા પણ અચકાયા વિના તુરત જવાબ આપ્યો, “આનંદમયિમા ! જે મંદિરમાં બિરાજે છે તે જ જગદંબા. કામ-કાંચનનો આવો વિરલ ત્યાગ રામકૃષ્ણાવતારની એક મહત્ત્વપૂર્ણ લાક્ષણિકતા છે.

૮. વિદ્વત્તા નહીં, સાક્ષાત્ જ્ઞાન અને ભક્તિ:
વિદ્વત્તા અને જ્ઞાન-ભક્તિ, બંને એક નથી, ભિન્નભિન્ન છે. જ્ઞાન અને ભક્તિની પ્રાપ્તિ માટે પુસ્તકિયું જ્ઞાન અનિવાર્ય નથી, એક અભણ વ્યક્તિ પણ પરમજ્ઞાની અને પરમભક્ત હોઈ શકે છે. રામકૃષ્ણદેવે કંઈક અંશે શાસ્ત્રશ્રવણ કર્યું હતું અને શાસ્ત્રજ્ઞાનની મૂળભૂત વાતોથી તેઓ પરિચિત હતા, પરંતુ તેઓ વિદ્વાન કે શાસ્ત્રજ્ઞ નહોતા. અને છતાં જ્ઞાન અને ભક્તિની ચરમસીમાએ પહોંચ્યા હતા. તેમના દૃષ્ટાંતથી ફલિત થાય છે કે જ્ઞાન અને વિદ્વત્તા એક નથી, સાક્ષાત્કાર અને પુસ્તકજ્ઞાન એક નથી. તેમની વચ્ચે કોઈ અનિવાર્ય સંબંધ નથી. દક્ષિણેશ્ર્વરના આ અભણ બ્રાહ્મણની વાણીથી ભલભલા વિદ્વાનો મહાત થઈ જતા. કારણ કે તેમની વાણીમાં અનુભૂતિનું બળ હતું. સાક્ષાત્કારની શક્તિ હતી અને એથીયે વિશેષ તો તેમનામાં જગદંબાની ચેતના કામ કરી રહી હતી.
ઉપસંહાર:
માત્ર બાહ્ય દૃષ્ટિથી જોઈએ તો માનવું મુશ્કેલ લાગે કે આ ગામડિયા જેવા લાગતા અભણ પુરુષ, પુરુષોત્તમ છે, માનવસ્વરૂપે આવેલા ભગવાન છે, પરંતુ એ એક સત્ય છે કે શ્રીરામકૃષ્ણ, શ્રીરામ અને શ્રીકૃષ્ણની જેમ જ ભગવદવતાર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…