ધર્મતેજ

યથાર્થતા જ યથાર્થ છે

મનન ચિંતન -હેમંત વાળા

દરેક બાબત એક સંદર્ભમાં કહેવાય હોય છે. તેની પાછળ ચોક્કસ ઉદ્દેશ્ય હોય છે, તે ચોક્કસ સંજોગોમાં ચોક્કસ વ્યક્તિ-સમૂહ માટે કહેવાયેલી હોય છે અને તેનાથી ચોક્કસ પ્રકારનો પ્રતિભાવ ઉદભવે તેવી સંભાવનાઓ અપેક્ષિત હોય છે. જો ઉદ્દેશ્ય, સંજોગો, વ્યક્તિ સમૂહ કે અપેક્ષાઓ બદલાય તો કહેવાયેલી બાબતની મુલવણી ન થઈ શકે.

શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતામાં અર્જુનને જે વાત કહી તે વાત ઉદ્ધવ ગીતામાં ઉદ્ધવજીને નથી કીધી. આ બંને ગીતા શ્રીકૃષ્ણ દ્વારા જ કહેવાયેલી હોવા છતાં આ ભેદ યથાર્થ છે. બંને પાછળનો ઉદ્દેશ જુદો હતો. જે વ્યક્તિને સંબોધીને તે કહેવાય છે તે વ્યક્તિની સાંભળતી વખતે ભૂમિકા અન્ય વ્યક્તિની ભૂમિકા કરતાં સાવ ભિન્ન નથી. જે સંજોગોમાં તે કહેવાઈ હતી તે સંજોગોમાં પણ કોઈ સામ્યતા ન હતી. આ બંને ગીતાનું પરિણામ શ્રીકૃષ્ણએ જે કલ્પ્યું હશે તે પણ સાવ ભિન્ન હશે. ભગવદ્ ગીતા સમજવા માટે અર્જુનને અને અર્જુનની પરિસ્થિતિ સમજવી પડે અને ઉદ્ધવ ગીતા સમજવા માટે ઉદ્ધવજીને અને તેમની સ્થિતિ સમજવી પડે.

આમ પણ કુદરત પ્રત્યેક પરિસ્થિતિને એક અનેરી ઘટના તરીકે મૂલવે છે અને તે પ્રમાણે પ્રતિભાવો જન્માવે છે. આમાં કેટલીક વાતોનું પુનરાવર્તન થાય તો કેટલીક વાતો સદંતર બદલાઈ જાય. જે મૂળ નિયમોને આધારિત હોય તે સાતત્યતાપૂર્વક ચાલુ રહે અને જે સદંતર સ્થાનિક ઘટના હોય તેમાં મોટા ફેરફારો આવી જાય. પાણીનો પ્રવાહ આમ તો નીચેની તરફ જ હોય પણ આવા બે પ્રવાહ ક્યારેય સંપૂર્ણતામાં એક સરખા નથી હોતા. પાણીના કોઈ ચોક્કસ વહેણને યોગ્ય રીતે સમજવું હોય તો તેના મૂળભૂત એવા કાયમી સિદ્ધાંતોની સાથે જે તે સ્થાને ઉદ્ભવેલી સ્થાનિક ઘટનાઓને પણ ધ્યાનમાં રાખવી પડે. સંપૂર્ણ યથાર્થતામાં કોઈ પણ વહેણને ત્યારે જ સમજી શકાય. આધ્યાત્મના ક્ષેત્રમાં દરેક ઘટનાને આ રીતે જોવી જ રહી.

શ્રીકૃષ્ણએ અર્જુનને ભગવદ્ ગીતા કીધી અને વશિષ્ઠ ઋષિએ શ્રીરામને યોગવાશિષ્ઠ દ્વારા એવું જ કંઈક જ્ઞાન પ્રદાન કર્યું. ત્રિપુરા રહસ્યના જ્ઞાન-ખંડમાં દત્ત ગુરુએ પરશુરામને કે શિવ-સૂત્રમાં સ્વયમ મહાદેવે જગદંબાને જે કંઈ જણાવ્યું તેને પણ ભિન્નતાની દ્રષ્ટિએ જોવાને બદલે યથાર્થતાના પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે. આ ચારેય જ્ઞાન આપનાર મહાનુભવો એ પોતાના શિષ્યની સ્થિતિ, તેમનું સામર્થ્ય, પાછળ રહેલ પ્રયોજન તથા જરૂરિયાતોને ધ્યાનમાં રાખી જે તે વાત કહી છે. આ બધી વાતોમાં સાતત્યતા પણ છે અને વિશેષતાઓ પણ છે. કહેવાય આ બધાં રહસ્યો સામ્યતા પણ ધરાવે છે અને અનેરા પણ છે. સનાતની આધ્યાત્મ જ્ઞાનની આ જ વિશેષતા છે -ભવ્યતા છે-યથાર્થતા છે-સત્યતા છે-અને તેથી જ તે સંપૂર્ણતા તરફનું મહત્ત્વનું પરિમાણ છે.

યથાર્થતાને સમજવા માટે અહમ્ બ્રહ્માસ્મિ સમજવું પડે. જો આપણે બ્રહ્મ સમાન હોઈએ તો કોઈ ભેદ ન હોય. એવા સંજોગોમાં ‘અહમ્’ અર્થાત અહંકારનું પ્રતીક પ્રશ્ર્નો ઊભા કરે. જો અહમ્ હોય તો બ્રહ્મ ન હોય અને જ્યાં બ્રહ્મપણું હોય ત્યાં ‘અહમ’ ના ટકે. બ્રહ્મપણું પણ પામવા માટે સ્વયંને કોઈપણ પ્રકારના ભેદ વગર સર્વત્ર વ્યાપી, સદા કાળના, શાશ્ર્વત અસ્તિત્વ તરીકે સમજવો પડે-જાણવો પડે-અનુભવવો પડે. આમ થયા પછી ‘મારા’ અને ‘તારા’નો – ‘હું’ અને ‘તું’નો ભેદ ન હોય. બધું જ એકાકાર થઈ જાય, બધું જ એકરસ થઈ જાય, બધું જ અખંડિત થઈ જાય. સમય અને સ્થળના ભેદ વગર બધું જ એકત્વને પામે. પછી તો અહમ્ અસાંદર્ભિક બની રહે. છતાં પણ અહમ્ બ્રહ્માસ્મિ વિધાન ઉપનિષદનું એક મહાવિધાન ગણાય છે, કારણ એ છે કે જે સંદર્ભમાં-જે વ્યક્તિ સમૂહ માટે-જે હેતુસર-તથા જે સ્થાન-સમયે આ વિધાન કહેવાયું છે તે સંપૂર્ણ યોગ્ય છે-તે યથાર્થ છે. આ વિધાનની પૂર્તિતા માટે જે અન્ય ત્રણ વિધાનો કહેવાયાં છે તેમાં ‘તમે પણ બ્રહ્મ છો’, ‘જ્ઞાન બ્રહ્મ છે’ અને ‘આત્મા બ્રહ્મ છે’ એમ પણ કહેવાયું છે.

સનાતનની આધ્યાત્મિકતાની-તત્ત્વજ્ઞાનની મહાનતા જ એ છે કે તે દરેક વ્યક્તિ માટે કંઈક પ્રસ્તુત કરે છે. આપણને તેથી જ સમૃદ્ધ ષટદર્શનના સિદ્ધાંતો સૂચવે છે. ઉપનિષદો પણ આપણી માટે એટલા જ મહત્ત્વના છે જેટલા મહત્ત્વના શિવ-સૂત્ર કે બ્રહ્મસૂત્ર છે. સનાતની આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં ગીતા પણ એક નથી. અહીં શૈવ હોય, વૈષ્ણવ હોય કે શાક્ત પરંપરા હોય – બધું જ સ્વીકૃત છે. દરેક વ્યક્તિ માટે અહીં પોતાની રૂચિ અનુસાર સંભાવનાઓ છે. દરેક વ્યક્તિઓની ક્ષમતાને ધ્યાનમાં રાખી અહીં માર્ગોનું આલંકન કરાયું છે. હેતુની વિવિધતાને ધ્યાનમાં રાખી અહીં તત્ત્વજ્ઞાન પીરસાયું છે, પણ આ બધા પાછળનો મુખ્ય હેતુ તો પ્રભુની પ્રસન્નતાનો-દરેક પ્રકારના બંધનમાંથી મુક્તિનો-સાક્ષી ભાવે, નિર્લેપ પણે, સ્વસ્થતાથી જીવન જીવવાનો અને તે પ્રમાણે જીવન જીવી અન્ય માટે ઉદાહરણ સ્થાપવાનો છે.

દરેક સિદ્ધાંતનું મહત્ત્વ છે, પણ તે સિદ્ધાંત ત્યારે જ આપણી માટે ફળદાય નીવડે જ્યારે આપણે તેને તેના જે તે સંદર્ભમાં યથાર્થતાથી સમજ્યા હોઈએ. પોતાની પ્રકૃતિને અનુકૂળ હોય તેવો સિદ્ધાંત આગળ લઈ જાય અને જો સિદ્ધાંત પ્રતિકૂળ હોય તો વ્યક્તિ ક્યાંક ભટકી જાય. સિદ્ધાંતની પ્રતિકૂળતા-અનુકૂળતા યથાર્થ સ્વરૂપે સમજવા ગુરુકૃપા મહત્ત્વની છે. ગુરુ જ વાસ્તવમાં આપણી સ્થિતિને યથા સ્વરૂપે જાણી શકે છે અને તે જ દર્શાવી શકે કે કયો માર્ગ અને તે માર્ગમાં કઈ પ્રક્રિયા આપણા માટે સર્વથા યોગ્ય છે. ગુરુને આપણી મર્યાદાઓની પણ ખબર હોય છે અને તેથી જ તેમણે સૂચવેલા માર્ગને યથાર્થતામાં જાણી શ્રદ્ધા રાખી માત્ર તેમાં સંમેલિત થવાનું હોય છે. તેમણે દર્શાવેલા માર્ગ પ્રમાણે આગળ વધ્યા પછી જ યથાર્થની યથાર્થતા આપણે જાણી શકીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button