ધર્મતેજ

રંગોળી : પરંપરાગત ધાર્મિકતા

રંગોળીથી જે તે સ્થાન માટે શુદ્ધતાનો ભાવ તો પ્રગટે જ છે પણ સાથે સાથે રંગોળી કરનાર વ્યક્તિ પણ શુદ્ધ છે તેવી પ્રતીતિ થાય છે. રંગોળી સ્વચ્છતા તેમજ સુઘડતાની પણ સાક્ષી છે.

રંગોત્સવ -એચ. વાળા

ભારતીય મહા ઉપદ્વીપની આ એક અનેરી ઘટના છે. અહીં સ્થાપત્યના ચોક્કસ સ્થાનને, મર્યાદિત સમયગાળા માટે પવિત્રતાનો ભાવ ઊભો કરવા, રંગોથી સુશોભિત કરવામાં આવે છે. આ સ્થાન ઘરનું પ્રાંગણ કે પ્રવેશ આગળનું સ્થાન પણ હોઈ શકે. શુભ પ્રસંગોમાં પણ મંચ આગળ કે વ્યૂહાત્મક સ્થાને રંગોળી કરાતી – જેમ કે લગ્નના રિસેપ્શનમાં મંચ આગળ ઘણીવાર રંગ-ફૂલ-દીવડાઓના સમન્વયથી રંગોળી બનાવાતી હોય છે. હવે તો પંચતારક હોટેલ જેવા વ્યવસાય સંસ્થાનોમાં પણ રંગોળી નિયમિત બનતી જાય છે. ઉદ્ઘાટન જેવા શુભ પ્રસંગે કરાતા દીપ-પ્રાગટ્યના સ્થાને પણ રંગોળી આલેખાતી જોવા મળે છે. ભારતના કેટલાક વિસ્તારોની પરંપરા પ્રમાણે આવાસના પ્રવેશ સમક્ષ હરરોજ રંગોળી આલેખવામાં આવે છે જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં શુભ પ્રસંગે કે તહેવારોમાં રંગોળી રચાતી હોય છે. આજના પરિપ્રેક્ષ્યમાં તો રંગોળી કોઈક ખસેડી શકાય તેવી સપાટી પર પણ કરાતી હોય છે જેથી સમય આવે તેને બાજુ કરી તે સ્થાનનો તાતી જરૂરિયાત પ્રમાણેનો અન્ય ઉપયોગ પણ થઈ શકે. ભારતના જુદા જુદા વિસ્તારમાં રંગોળી જુદા જુદા નામે પ્રચલિત છે, પણ તેનો મૂળ હેતુ પવિત્રતાનો ભાવ ઊભો કરવાનો રહ્યો છે.

ફરસની રચનામાં પથ્થરના ટુકડાઓથી વ્યૂહાત્મક સ્થાને કરાયેલી રંગોળી જેવી રચનાને રંગોળી ન કહેવાય. આ માત્ર ફ્લોરિંગ પેટર્ન હોય છે. આ સ્થાન ઉપર દરેક પ્રકારની ક્રિયા સંભવી શકે. જ્યારે રંગોળી સાચા અર્થમાં કરવામાં આવે ત્યારે તે સ્થાનની પવિત્રતા જળવાવી જોઈએ. રંગોળી પર પગ ના મુકાય. તે સ્થાનને સામાન્ય રીતે આવનજાવનના માર્ગથી અને અન્ય પ્રકારની ઉપયોગીતાથી પણ તેને અલગ રાખવી પડે. રંગોળીથી જે તે સ્થાનનું દૃશ્ય મહત્ત્વ વધે જ છે પણ સાથે સાથે તેનું પ્રતીકાત્મક તેમજ સાંસ્કૃતિક મહત્ત્વ પણ સ્થાપિત થાય છે. મૂળમાં, રંગોળી એ સુશોભનની ચેષ્ટા નથી પણ પ્રતીકાત્મક રીતે સમગ્ર વાતાવરણને પવિત્રતા તેમજ શુદ્ધતા આપવાનો પ્રયાસ છે.

પરંપરાગત રીતે રંગોળી કુદરતી રંગો વડે આલેખાતી. આમાં પણ ધાર્મિક પવિત્રતા લાવવા માટે કંકુનો ઉપયોગ મહત્તમ કરાતો. આ સાથે ચૂનાનો પાઉડર, જીકી, ફુલ પત્તીઓ જેવી સામગ્રીનો પણ પરંપરાગત રંગોળીમાં ઉપયોગ થતો રહ્યો છે. રંગોળીને વધુ અસરકારક બનાવવા એમાં વ્યૂહાત્મક સ્થાને દીવાઓ પણ રખાય છે. રંગોળીમાં આકર્ષક તેમજ શુદ્ધ કહી શકાય તેવા રંગોનો ઉપયોગ થતો હોય છે. પરંપરાગત રંગોળીના રંગની પસંદગી પાછળ જીવજંતુને દૂર રાખવા જેવું કારણ પણ દર્શાવાય છે. આમ હોય તો પણ એ એક વધારાના ફાયદા જેવું ગણી શકાય. ધાર્મિક પરંપરામાં આવી બાબતો ક્યારેય કેન્દ્રમાં ન હોઈ શકે.

નાનામાં નાની રંગોળી કદાચ કંકુ દ્વારા બારસાખમાં કરાયેલ પાંચ ટપકા કે સ્વસ્તિકની આકૃતિ હોઈ શકે. વિસ્તૃત રંગોળી માટે કોઈ સીમા નથી. વિસ્તૃત રંગોળી માટે ગિનિસ બુકમાં આ માટેના સીમાચિહ્નો પણ નોંધાયા હશે. એમ માની શકાય કે રંગોળી માટે કોઈ ખાસ પ્રકારની આવડતની જરૂર નથી હોતી – પરંપરા માટેની શ્રદ્ધા હોવી એ પૂરતું છે. છતાં પણ તેની રચના પાછળ રંગ-આયોજન અને આકારોના પ્રમાણમાપ માટે વધુ સંવેદનશીલતા હોય તો પરિણામ સારું આવી શકે. રંગોળી માટે અમુક પ્રકારની કારીગીરી હોય તો તેની દૃશ્ય-અનુભૂતિ વધુ સમૃદ્ધ બની શકે. રંગોળીની રચનામાં આમ તો મોટા મોટા નિર્ણયો જ લેવાતા હોય છે, પણ કોઈ સર્જનાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિ તેમાં નાની નાની બાબતોનો રસપૂર્વક ઉમેરો કરી રંગોળીની દૃશ્ય-ગુણવત્તા વધુ ઉભારી શકે. પરંપરા જોતા એમ જણાય છે કે રંગોળીની રચનામાં સમમિતિયતાનું મહત્ત્વ વધારે રહ્યું છે.

રંગોળીની ડિઝાઇનને ત્રણ પ્રકારની શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય. પ્રથમ, બંને દિશામાં ચોક્કસ અંતરે ગોઠવાય ટપકાં જોડી કરાતી રંગોળી. આ પ્રકારની રંગોળીમાં ઉભરતી ડિઝાઇન ભૌમિતિક આકારોના સમન્વય સમી હોય છે. દ્વિતીય, ફુલ-પત્તી તથા કેટલા પશુ પક્ષીના ચિત્રણ વડે બનાવાતી મુકત-હસ્ત-લેખન શૈલીની રંગોળી. તૃતીય, આધુનિક કહી શકાય તેવી શૈલીની, ઈચ્છા પ્રમાણેની અને સુંદર લાગતી રંગોળી છે. આ ત્રણેય શૈલીની પોતપોતાની ખાસિયત છે અને ત્રણેય દૃશ્ય અનુભૂતિમાં ચોક્કસ પ્રકારની અનુભૂતિ ઉત્પન્ન કરે છે. પણ ત્રણેનો મૂળ હેતુ તો એ જ હોય છે કે જે તે સ્થાનનું પ્રતીકાત્મક મહત્ત્વ વધારવું. રંગોળીની શૈલીની પસંદગી માટે કોઈ નિયમ નથી. એ તો વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ પોતાની અનુકૂળતા, ઈચ્છા અને ક્ષમતા પર આધારિત રહે છે. રંગોળીમાં ક્યારેક ક્યારેક દેવતાઓનું ચિત્રણ પણ કરાતું જોવા મળે છે. સાંપ્રત સમયે નાના આવાસમાં રંગોળી કરવાનું સ્થાન જાણે ધીમે ધીમે નાનું થતું જાય છે. હવે તો પ્લાસ્ટિકના ફૂલહારની જેમ પ્લાસ્ટિકના સ્ટિકર જેવી રંગોળી પણ મળે છે. વળી તૈયાર ટપકાવાળી ભૂંગળી ફેરવી દેવાથી રંગોળીનો પ્રારંભિક આકાર પણ આલેખી શકાય છે.

રંગોળીની હાજરીથી વાતાવરણમાં એક પ્રકારની હકારાત્મકતા ઉભરે છે. મા લક્ષ્મીને આવકારવા માટેની આ એક અગત્યની પરંપરાગત ચેષ્ટા છે. રંગોળીથી જે તે સ્થાનનું ઉત્સવીય મહત્ત્વ સ્થપાય છે. રંગોળીથી સુંદરતા તો ઉભરે જ છે પણ સાથે સાથે જાણે નસીબ પણ ઉઘડી જવાની સંભાવના વધતી હોય તેમ લોકો અનુભવે છે. રંગોળી સ્વચ્છતા તેમજ સુઘડતાની પણ સાક્ષી છે. રંગોળી થકી જાણી શકાય કે જે તે કુટુંબમાં પરંપરાનું કેટલું મહત્ત્વ હશે અને તેઓ પોતાની સંસ્કૃતિ માટે કેટલું ગૌરવ અનુભવતા હશે. આમ તો રંગોળી પરંપરાનો ભાગ છે પણ સાથે સાથે તેની સાથે ધાર્મિકતા અને આધ્યાત્મિકતા પણ વણાઈ ગઈ છે. રંગોળીથી જે તે સ્થાન માટે શુદ્ધતાનો ભાવ તો પ્રગટે જ છે પણ સાથે સાથે રંગોળી કરનાર વ્યક્તિ પણ શુદ્ધ છે તેવી પ્રતીતિ થાય છે. આ એક બહુ અનેરી અને અગત્યની ઘટના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button