ધર્મતેજ

અવતારલીલાનું સ્વરૂપ રામકથા રહસ્ય

જીવનનું અમૃત -ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
દરમિયાન ઈન્દ્રજિત રામ અને લક્ષ્મણને નાગપાશથી બાંધી દે છે. તે સમયે હનુમાનજી જઈને ગરુડજીને બોલાવી લાવે છે. ગરુડજી રામ-લક્ષ્મણને નાગપાશથી મુક્ત કરે છે. પ્રાણની અદ્યોગામી ગતિ (અપાન) તે જ નાગ છે. પ્રાણની ઊર્ધ્વગામી ગતિ (ઉદાન) તે જ ગરુડ છે. હનુમાનજી મુખ્ય પ્રાણ છે, તેથી બંને ગતિના નિયંતા છે. તેથી હનુમાનજી ગરુડ દ્વારા નાગપાશમાંથી મુક્તિ અપાવે છે.

યુદ્ધમાં એક વાર લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે. હનુમાનજી ત્વરિત ગતિથી હિમાલય જાય છે અને દિવ્યૌષધિ લઈ આવે છે. તેનાથી લક્ષ્મણજીની મૂર્છા વળે છે. આ પ્રસંગમાં અધ્યાત્મવિદ્યાનાં રહસ્યો છુપાયેલાં છે. હિમાલય એટલે મસ્તક. હિમાલયમાં દિવ્યૌષધિ છે. યૌગિક રહસ્યવિદ્યા પ્રમાણે મસ્તકમાં ચંદ્ર અવસ્થિત છે. ચંદ્રમાંથી અમૃતરસ સ્ત્રવી રહ્યો છે. યોગયુક્તિથી જો આ અમૃતને મૂલાધાર સુધી પહોંચાડવામાં આવે તો તે સાધકના શરીર-પ્રાણ-મન માટે દિવ્યૌષધિરૂપ બની શકે તેમ છે. દિવ્યૌષધિ લાવવાનું કાર્ય હનુમાનજી જ કરી શકે છે. હનુમાનજી મુખ્ય પ્રાણ છે. મુખ્ય પ્રાણની શરીરમાં સર્વત્ર સ્વચ્છંદ ગતિ છે. મુખ્ય પ્રાણ છલાંગ મારી મસ્તકમાં પહોંચી શકે છે અને ત્યાંના અમૃતસ્ત્રાવને લઈને મૂલાધાર પહોંચાડી શકે છે.

પ્રાણ આત્માનું વાહન છે, સાધન છે. હનુમાનજી આતમરામનું વાહન વારંવાર બને છે. રામ-રાવણના યુદ્ધ દરમિયાન એક વાર હનુમાનજી રામને કહે છે-

मम पृष्ठं समारुह्य राक्षसं शास्तुमर्हसि ।
विष्णु यथा गुरुत्मन्तमारुहयामर वैरिणम् ॥

  • ્રૂૂ. ઇંળ. ૫૬-૧૨૪
    “હે પ્રભો! જે પ્રમાણે ગરુડ પર બેસીને વિષ્ણુ અસુરોનો સંહાર કરે છે તેમ આપ મારી પીઠ પર બેસીને આ રાક્ષસને દંડ આપો.

આત્માને પ્રાણની સવારી છે. વિષ્ણુને ગરુડની સવારી છે અને રામને હનુમાનજીની સવારી છે. આ ત્રણે ઘટનાઓનો સૂચિતાર્થ એક જ છે કે પ્રાણ આત્માનું વાહન છે.

રાવણના રથને કાળા રંગના ગધેડા જોડેલા છે. કાળો રંગ અજ્ઞાનનો રંગ છે અને ગધેડો જડતાનું પ્રતીક છે. રાવણરૂપી અહંકાર અજ્ઞાનજન્ય છે અને સ્વભાવે જડ છે.

રામ-રાવણ યુદ્ધ દરમિયાન રાવણ પર વિજય મેળવવા માટે ભગવાન શ્રીરામ અગસ્ત્યમુનિની સૂચનાથી ‘આદિત્ય હૃદયસ્તોત્ર’નું અનુષ્ઠાન કરે છે. આ અનુષ્ઠાન સૂર્યની ઉપાસના છે. સૂર્ય આત્માના કારક છે અને જ્ઞાન અને પ્રકાશના દેવ છે. જડતા અને અજ્ઞાન પર અધિષ્ઠિત અહંકારનું વિસર્જન જ્ઞાન અને પ્રકાશ દ્વારા જ થઈ શકે છે.

ભગવાન શ્રીરામ રાવણનાં દશ મસ્તક છેદી નાખે છે, પરંતુ મસ્તકો પુન: પુન: ઊગી નીકળે છે. આ જોઈને શ્રીરામ આશ્ર્ચર્યચકિત થઈ જાય છે. તે વખતે વિભીષણ શ્રીરામને સહાય કરે છે. વિભીષણ શ્રીરામને કહે છે કે રાવણની નાભિમાં અમૃતકુંભ છે, જ્યાં સુધી તે કુંભ સુરક્ષિત છે, ત્યાં સુધી રાવણનાં મસ્તકો કપાશે તોપણ નવાંનવાં ઊગી નીકળશે જ.

નાભિ પ્રાણનું કેન્દ્ર છે. નાભિથી નીચેનો પ્રદેશ અપાનનું કેન્દ્ર છે. અપાન ભોગનો કારક છે અને કામનાનું કેન્દ્ર છે, જ્યાં સુધી અપાનરૂપી ભોગકેન્દ્ર સુરક્ષિત છે ત્યાં સુધી કામનાઓ રહે જ છે અને ત્યાં સુધી અહંકાર જીવિત રહે જ છે. અહંકારરૂપી રાવણના જીવન માટે આ અપાનકેન્દ્ર કે ભોગકેન્દ્ર અમૃત સમાન છે. જો આગ્નેયાસ્ત્ર દ્વારા તે અમૃતને શોષી લેવામાં આવે તો જ રાવણ-અહંકારનો વધ શક્ય બને. આગ્નેયાસ્ત્ર એટલે પ્રાણાયામ. પ્રાણાયામ દ્વારા અપાન પર વિજય મળે છે. અપાન પર વિજય મળતાં કામનાઓ સૂકાઈ જાય છે અને અહંકાર નષ્ટ થાય છે. આ ઘટના દ્વારા યોગનો સાધનપથ સૂચવાયો છે. યોગનો સાધનપક્ષ છે.
પ્રાણજ્ય-ચિત્તજ્ય-અહંકારજ્ય
રાવણવધ પછી રાવણની ચેતનાનું શું થાય છે? રાવણની ચેતના રામમાં ભળી જાય છે. અહંકારનું આત્માથી ભિન્ન એવું કોઈ અસ્તિત્વ નથી. અહંકાર આત્માની છાયા છે. છાયા આખરે જેની છાયા હોય તેમાં જ લીન થઈ જાય છે. અહંકાર આખરે આત્મામાં જ વિસર્જિત થાય છે.

સીતા-રામના મિલન વખતે રામ સીતાને કઠોર વચન સંભળાવે છે. વાલ્મીકિજી શ્રીરામના આવા અણધાર્યા કઠોર વર્તાવ દ્વારા જે સૂચવવા ઈચ્છે છે તે આ છે:
શ્રીરામ આતમરામ છે. આખરે તો આત્મા એકલો જ છે. મૂલત: આત્માને કોઈ સગાંસંબંધી નથી. સ્વરૂપત: આત્મા નિ:સંગ છે. આત્માને કોઈ પોતાનું કે પરાયું નથી. આત્મા કોઈનો પતિ નથી; આત્માને કોઈ પતિ નથી. શ્રીરામ-આતમરામના કઠોર વ્યવહારનો આવો અર્થ છે.

સીતાજીનાં બે સ્વરૂપો છે. પરમેશ્ર્વરી સીતા અને પ્રકૃતિસ્વરૂપા સીતા. આ બે સ્વરૂપોને જ ઉત્તરકાલીન સંતસાહિત્યમાં મૂળ સીતા અને છાયા સીતા કહેવામાં આવે છે. રાવણ આ છાયા સીતાને હરી ગયો હતો એટલે કે રાવણ પરમેશ્ર્વરી સીતાને નહીં, પરંતુ પ્રકૃતિસ્વરૂપા સીતાને હરી ગયો હતો. પ્રકૃતિનાં પણ અનેક સ્વરૂપો છે. તમોગુણી પ્રકૃતિ, રજોગુણી પ્રકૃતિ, સત્ત્વગુણી પ્રકૃતિ અને વિશુદ્ધ સત્ત્વ પ્રકૃતિ. સીતાજી વિશુદ્ધ સત્ત્વરૂપા પ્રકૃતિ છે, પરંતુ સીતાજી વિશુદ્ધ સત્ત્વરૂપા પ્રકૃતિ છે તેની પ્રતીતિ કેવી રીતે થાય? તેની પ્રતીતિનો એક જ ઉપાય છે અગ્નિપરીક્ષા !
અગ્નિપરીક્ષાની ઘટનાને જોવાની ત્રણ દૃષ્ટિ છે:
૧. સ્થૂળ અર્થાત્ લૌકિક દૃષ્ટિથી અગ્નિપરીક્ષા દ્વારા સીતાજીની પવિત્રતા સિદ્ધ થાય છે.

૨. સૂક્ષ્મદૃષ્ટિથી અગ્નિપરીક્ષા દ્વારા સીતારૂપી પ્રકૃતિનું વિશુદ્ધ સત્ત્વસ્વરૂપ સિદ્ધ થાય છે.

૩. પારમાર્થિક દૃષ્ટિથી પરમેશ્ર્વરી સીતાજીની કોઈ અગ્નિપરીક્ષા હોઈ શકે નહીં.

રામરાજ્યાભિષેક એટલે આતમરામનું પરમપદ પર આરોહણ. રાવણરૂપી અહંકાર અને તેની સેના-કામનાઓનો નાશ કર્યા પછી હવે આતમરામ પરમપદ પર આરોહણ કરી શકે છે.

પારમાર્થિક દૃષ્ટિથી રામ અને સીતા પરમેશ્ર્વર અને પરમેશ્ર્વરી છે. બંને એક જ પરમતત્ત્વનાં બે પાસાં છે. તે ભૂમિકાએ રામ સીતાનો ત્યાગ ન કરે, તે ભૂમિકાએ તો શાશ્ર્વત મિલન છે, પરંતુ પરમચેતના જ્યારે માનવસ્વરૂપે અવતાર ધારણ કરે ત્યારે તેઓ દ્વૈતની ભૂમિકા પર અવતરે છે. આ દ્વૈતની ભૂમિકા પર શ્રીરામ આતમરામ છે અને ભગવતી સીતા પ્રકૃતિસ્વરૂપા છે. પુરુષ અને પ્રકૃતિનું સ્થાન, ગતિ, નિયતિ અને સ્વરૂપ ભિન્નભિન્ન છે. પ્રકૃતિનો ત્યાગ કરવો તે પુરુષની નિયતિ છે અને પુરુષથી વિખૂટા પડવું તે પ્રકૃતિની નિયતિ છે. બંનેનો પંથ ભિન્નભિન્ન છે. પ્રકૃતિરૂપે સીતાજી ધરતીનાં પુત્રી છે અને ધરતીમાં સમાઈ જાય છે. પુરુષ સાથેનું વિશુદ્ધ સત્ત્વરૂપા પ્રકૃતિ (સીતા)નું સાંનિધ્ય પુરુષ (આતમરામ)ના પરમપદ પર આરોહણ સુધીનું જ છે. તેથી શ્રીરામના રાજ્યાભિષેક-આતમરામના પરમપદ પર આરોહણ પછી સીતાનો ત્યાગ એક સ્વાભાવિક ક્રમે આવતી ઘટના છે.

શંબુકનો વધ તે શંબુક નામની વ્યક્તિનો વધ નથી, પરંતુ તામસિક તપનો ત્યાગ છે. ભગવાન શ્રીરામના રાજ્સૂયયજ્ઞનો અર્થ અધ્યાત્મવિજયનો ઉત્સવ કે સમાપન છે. શ્રીરામના રાજ્યસૂયયજ્ઞના ઘોડાને લવ-કુશ બાંધે છે. લવ-કુશ એટલે આત્માની બે પ્રધાન શક્તિઓ-જ્ઞાન અને પ્રેમ. આ બે શક્તિઓ દૂર હોય ત્યાં સુધી તે આત્માના રાજસૂયયજ્ઞને પડકારે છે. પરિચય પ્રાપ્ત થતાં જ વિરોધ શમી જાય છે અને આતમરામનો રાજસૂયયજ્ઞ સંપન્ન થાય છે.

સીતાજી પૃથ્વીની પુત્રી છે, પૃથ્વીમાંથી જન્મ્યાં છે અને અંતે પૃથ્વીમાં જ સમાઈ જાય છે. સીતા પ્રકૃતિરૂપા છે. પ્રકૃતિરૂપા સીતાનું સ્થાન પ્રકૃતિનું ક્ષેત્ર ધરતી જ છે, જે જ્યાંથી આવે ત્યાં જ તે જાય છે.
આખરે શ્રીરામ લક્ષ્મણનો પણ ત્યાગ કરે છે. આખરે તો આતમરામે સૌનો ત્યાગ કરવાનો છે, કારણ કે આખરે તો આતમરામ એકલો જ છે. નિ:સંગ છે.
રામકથાનાં ત્રણ સ્વરૂપો છે :
૧. રામકથા અયોધ્યાના રાજપુત્ર દશરથનંદન માનવરામની કથા છે.

૨. રામકથા આતમરામની અધ્યાત્મયાત્રાની કથા છે.

૩. રામકથા પરમાત્માની અવતારલીલાની કથા છે.

રામકથાનાં આ ત્રણે સ્વરૂપો એકસાથે જ સાચાં છે. એ જ તો રામકથાનો મહિમા છે. અવતારકથા અને માનવકથા તો સ્પષ્ટ છે, પરંતુ આતમરામની કથા ગુપ્ત સ્વરૂપે છે. તેને શોધીને પ્રગટ કરીએ ત્યારે સમજાય છે. તેને પ્રગટ કરીને સાધક અધ્યાત્મયાત્રાના સ્વરૂપને, સત્યને આ કથાના માધ્યમ દ્વારા સમજી શકે છે.

एक राम दशरथ का बेटा एक राम घटघट में बैठा ।
एक राम है जगत पसारा एक राम है सबसे न्यारा ॥

कौन राम दशरथ का बेटा कौन राम घटघट में बेठा ।
कौन राम है जगत पसारा कौन राम है सबसे न्यारा ॥

मानव राम दशरथ का बेटा आतम राम घटघट में बैठा ।
सगुन राम है जगत पसारा निर्गुण राम है सबसे न्यारा ॥

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button