ધર્મતેજ

રામચરિતમાનસ સ્વયં નવદુર્ગા છે અને તેનું પારાયણ નવદુર્ગાની પૂજા છે

માનસ મંથન -મોરારિબાપુ

जनकसुता जग जननी जानकी।
अतिसय प्रिय करुना निधान की॥
ताके जुग पद कमल मनावइँ।
जासु कृपाँ निरमल मति पावउँ

માના મહિમાગાનનો વિષય છે. આજના અવસરે એક ખાસ વાત કરવા માગું છું કે, ‘રામચરિતમાનસ’ સ્વયં નવદુર્ગા છે અને રામકથા કાલિકા છે, એ તો ગોસ્વામીજીએ કહી દીધું, પરંતુ મારા પૂજ્યપાદ દાદા, મારા સદ્ગુરુ ભગવાનનાં ચરણોમાં બેસીને એમની કૃપાથી હું શીખતો હતો, એક સાધના ચાલતી હતી. મેં જ્યારે દાદાજી પાસેથી રામકથા શીખવાનું શરૂ કર્યું એ દિવસ હતો શિવરાત્રી. રામકથાનો પહેલો પાઠ મને શિવરાત્રીના દિવસે શીખવવામાં આવ્યો હતો. એમાં સૌથી પહેલાં મને રુદ્રષ્ટક શીખવવામાં આવ્યું હતું. અને દાદાજી જ્યારે ખૂબ જ નાદુરસ્ત થઈ ગયા, બોલવા-બેસવાની એમને મુશ્કેલી થઇ, ત્યારે દાદાએ કથા શીખવવાનો વિરામ દશેરાને દિવસે આપ્યો હતો. પછી તેઓ વધારે નાદુરસ્ત થઈ ગયા. તો, શિવરાત્રી અને દશેરાનો એક યોગ પણ મારી વ્યાસપીઠ સાથે સંકળાયેલો છે. એને પણ હું કંઈક સંકેત સમજું છું. અને મને યાદ આવે છે તો કહી દઉં; આ લગભગ સાઠ વર્ષ પહેલાંની વાત છે. નવરાત્રિ પૂરી થઈ હતી. દશેરાનો દિવસ હતો. ‘રામાયણ’નું અધ્યયન અથવા કૃપાપ્રસાદ વહેંચવામાં આવી રહ્યો હતો. એ દિવસે પૂરેપૂરું પામી લીધું ત્યારે થયેલી આખરી ચર્ચા તમારી સમક્ષ કરવા માગું છું એ ‘માનસ-દુર્ગા’ના અનુસંધાનમાં છે. તો પૂછ્યા વિના જ દાદાજીએ સામેથી કહ્યું હતું કે, ‘બેટા, આ નવ દિવસની રામકથા; નવરાત્રિમાં તારું આ અધ્યયન પૂરું થશે.’ તો, નવદુર્ગા શું છે, એના પણ સંકેત મને આપ્યા હતા એ હું તમને કહું.

એક તો દાદાજીએ કહેલું કે, ક્યાંય પણ નવ દિવસની જે રામકથા થાય છે એને નવદુર્ગાનું અનુષ્ઠાન જ સમજવું. અને આજ સુધી મારી માનસિકતા ત્રિગુણાતીત શ્રદ્ધા સાથે એમાં જોડાયેલી છે કે, મારા માટે રામકથાના નવ દિવસ દુર્ગાપૂજાના દિવસ જ છે. એ બાબત પર હું અડગ છું. હવે અહીં આપણે કથા પૂરી કરીશું, ત્યાર બાદ જ્યાં કથા હશે ત્યાં આપણા માટે તો નવરાત્રિ જ હશે. દુર્ગાપૂજા જ હશે. એક વાત આ કહી હતી, જે મંત્રની માફક મારા મનમાં રહી કે ‘માનસ’નું પારાયણ એ નવદુર્ગાની પૂજા છે. બીજી વાત એ કરી હતી કે ‘બેટા, ‘રામચરિતમાનસ’નાં નવ સ્ત્રી પાત્રને નવદુર્ગા સમજવા. મારી વાત તમારા સુધી પહોંચે તો તમે પણ એના પર વિચાર કરજો. માનવું કે ન માનવું એ વાત જુદી છે; આ મારી વ્યક્તિગત દૃઢતા છે. ‘ર્પૈઠ્ઠ પૂબપ ઉૂ્ંયમળ્રુ્રૂપ’ આપણાં શાસ્ત્રોએ કહ્યું છે કે, ગુરુ જે બોલ્યા હોય એ આશ્રિત માટે મંત્ર બનવો જોઈએ. ‘ઇંફિદ્વ્રૂજ્ઞ મખર્ણૈપ ટમ’ આધ્યાત્મિક પરંપરામાં જેમની રુચિ છે, એમનાં માટે એવું
હોય છે.

‘રામચરિતમાનસ’નાં નવ પાત્રો, જેને દાદાજી નવદુર્ગા કહેતા હતા. સૌથી પહેલાં દાદાએ કહ્યું કે બેટા, પાર્વતી તો દુર્ગા છે જ, ભવાની તો દુર્ગા છે જ. દુર્ગાનું બીજું સ્વરૂપ, મા જાનકીજી દુર્ગા છે. સીતા રામ જ છે અને રામ સીતા જ છે. અને રામને જો ‘ડૂઉંળૃ ઇંળજ્ઞચિ અરુપટ અફિ પડૃણ’ કહેવામાં આવે, તો સીતા પણ દુર્ગા છે. સીતા માટે ‘માનસ’માં ‘રમા’ શબ્દ વારંવાર આવે છે. રમા એટલે લક્ષ્મી, લક્ષ્મી એટલે દુર્ગા. તો, એક છે પાર્વતી દુર્ગા, બીજી છે મા જાનકી. ત્રીજી દુર્ગા બધી જ માતાનું પ્રતિનિધિત્વ કરતી એવી મા કૌશલ્યા છે. એમાં બધી માતાઓને સમાવિષ્ટ કરી શકાય. ખરેખર એક અદ્ભુત માતૃત્વ કૌશલ્યામાં ભર્યું છે. ‘રામાયણ’માં ચોથી દુર્ગારૂપા છે તપસ્વીની અહલ્યા. અહલ્યા દુર્ગા છે. એના વિશે ઘણીબધી વાતો થાય છે. કથાનક જુદાજુદા મળે છે, પરંતુ અહલ્યા દુર્ગા છે. એની સાથે છળ થયું, એને છલવામાં આવી. ખબર નહીં, એનું કારણ શું છે? પરંતુ ઈચ્છયું હોય તો અહલ્યા ઈન્દ્રને બળીને ભસ્મ કરી શકી હોત. એટલું તેજ એનામાં અવશ્ય છે, એટલી પતિભક્તિ એનામાં અવશ્ય છે. એટલા માટે આપણે અહલ્યાને સતીઓના લિસ્ટમાં રાખી છે.

‘રામચરિતમાનસ’ની પાંચમી દુર્ગા દાદાજીએ બતાવી હતી અનસૂયા. એ પાત્ર અદ્ભુત છે! જેનાં જીવનમાં અસૂયા નથી તેનું નામ અનસૂયા. અનસૂયાજી ચિત્રકૂટમાં રહે છે અને એના પતિનું નામ અત્રિ છે, જે ચિત્રકૂટમાં રહે છે. અનસૂયાજી સતી-શિરોમણી છે, જે દેવતાઓને પણ બાળક બનાવી દેવાનું સામર્થ્ય ધરાવે છે. ‘રામચરિતમાનસ’ની છઠ્ઠી દુર્ગા છે મા શબરી. શબરી શુદ્ર નથી, શબરી ભીલડી નથી. રામના શબ્દોમાં ‘ભામિની’ છે, એક સુંદર નારી છે. એ શબરી દુર્ગા છે, એ કેવળ ભીલડી નથી. ‘રામચરિતમાનસ’ની સાતમી દુર્ગા છે વાલિપત્ની તારા. તારા દુર્ગાનું એક નામ પણ છે. આઠમી દુર્ગા છે જ્યોતિસ્વરૂપા સ્વયંપ્રભા. શ્રી હનુમાનજી અને મિત્રગણ જ્યારે રસ્તો ભૂલી ગયા, તરસ્યા થયા, ત્યારે જે માતાજી પાસેથી એમણે જલપ્રાપ્તિ કરી અને આગળના માર્ગ વિશે પણ માહિતી મેળવી એ સ્વયંપ્રભા દુર્ગાનું આઠમું રૂપ છે. અને નવમી દુર્ગા છે રાવણ-ધર્મપત્ની મંદોદરી.

મારાં ભાઈ-બહેનો, તમે આના પર વિચારજો. એ નાનકડા તલગાજરડાના આંગણામાં હું બેસતો હતો ત્યાંથી નવદુર્ગાનો જન્મ થયો. ‘રામચરિતમાનસ’ની આ નવદુર્ગા છે, અને એ નવેય દુર્ગા મોટે ભાગે સૌમ્ય છે, ઉગ્ર નથી. તો, પહેલી નવદુર્ગા, જ્યારે પણ ‘રામાયણ’નો પાઠ કરો તો એ અનુષ્ઠાનાત્મ્ક નવદુર્ગા છે. એથી કળિયુગમાં સત્સંગનું બહુ જ મહત્ત્વ છે. જ્યાં પણ ભગવદ્ચરિત્ર હોય ત્યાં ભગવાનની કથા સાંભળો. હું એમ નથી કહેતો કે તમે તમારા વ્યવહારધર્મને છોડી દો. ઘરનું પણ ધ્યાન ન રાખો, પરંતુ જ્યારે એમ લાગે કે હવે અવસર છે, કોઈ ચિંતા નથી અને સુવિધા છે તો જાવ ભગવદ્ કથામાં. ભગવદ્ કથા ચૂકશો નહીં. કહેવાનો મતલબ છે કે ભગવાનની કથા જીવને શુદ્ધ કરે છે. લોકો મને પૂછે છે કે કથામાં શું છે? કથામાં તમારો ઈરાદો શું છે? તમે કથા શા માટે…! હું કહું છું કે મને શું કામ પૂછો છો, પૂછો મારા શ્રોતાઓને. આ લોકો આટલા તાપમાં આટલા બધા કલાકો શા માટે બેસે છે? તમારા ઘરમાં તો એ.સી. લાગેલું છે, સોફા છે. તમે ઘરમાં હો તો ત્રણ કલાકમાં ચાય પણ આવે છે. કહેવાનો અભિપ્રાય છે કે ભગવદ્ કથામાં રહો. એ સમય દરમ્યાન નિયમોનું પાલન થાય તો સારી વાત છે, પરંતુ નિયમનો નિર્વાહ ન થાય તો ચિંતા પણ ન કરો. કથા જપ છે, કથા તપ છે, કથા પરમ ધર્મ છે. કથા નવદુર્ગા છે. આપ સૌને નવરાત્રીની શુભેચ્છાઓ આપું છું. (સંકલન : જયદેવ માંકડ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…