ધર્મતેજ

‘રામ’ એક મંત્ર

સંસ્કૃતિ -હેમંતવાળા

એક મત પ્રમાણે શ્રીરામના જન્મ પહેલાં વાલ્મીકિ ઋષિને રામાયણની પ્રતીતિ થઈ હતી. એ મતને જો સાચો માનવામાં આવે તો “રામ શબ્દનું અસ્તિત્વ શ્રીરામના જન્મ પહેલાનું છે તેમ કહેવાય. ઇતિહાસની ચર્ચામાં ઉતર્યા વગર પણ એમ કહી શકાય કે રામ-શબ્દ, રામ-મંત્ર, રામ-નામનું મહાત્મ્ય રામાયણ પહેલેથી સ્થાપિત થઈ ગયું હશે. સનાતની સંસ્કૃતિમાં રામ એ ૐ પછીનો સૌથી અગત્યનો મંત્ર ગણવામાં આવે છે.

ૐના ઉચ્ચારણનું એક વિજ્ઞાન છે. અહીં ઉચ્ચારણમાં ઉત્પન્ન થતા ચોક્કસ ધ્વનિને કંઠની અંદર રોકીને સતત પરાવર્તિત થયા કરે તેનું ધ્યાન રાખવાનું હોય છે. આનાથી જે તરંગો ઉદ્ભવે તે સુષુમણા નાડીને સ્પંદિત કરવા સમર્થ હોય છે. ૐનું ઉચ્ચારણ યોગીક ક્રિયાનો એક ભાગ છે. ૐ એ શબ્દ નથી, ચોક્કસ પ્રકારે પ્રયોજાયેલ ધ્વનિ તરંગોની વ્યવસ્થા છે. આ વ્યવસ્થાના પ્રયોજનથી ઉદ્ભવતી સંભાવના ચમત્કાર સર્જી શકે છે. ૐના ઉચ્ચારણથી અને રામ નામના ઉચ્ચારણથી ઉદ્ભવતા તરંગોમાં ખાસ સમાનતા છે. “રામને “ૐની સરળ બનાવેલ આવૃત્તિ સમાન ગણી શકાય. રામના ઉચ્ચારણમાં પણ “મ થી ઉત્પન્ન થતા ધ્વનિને કંઠની અંદરના ભાગમાં સ્થાપિત કરીને તે ઘૂંટાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. જેમ “ૐ ચમત્કારિક પરિણામ આપી શકે તેમ “રામ પણ તેવા જ પરિણામ આપી શકે. મને એ જણાવતા સંકોચ નહીં થાય કે, રામ નામના ઉચ્ચારણ વખતે જો જીભની વિશેષ સ્થિતિ જાળવવામાં આવે તો પરિણામ ઓછા સમયમાં પણ પ્રાપ્ત થઈ શકે – પણ આ માટેની પૂર્વભૂમિકામાં નિર્દોષતા જરૂરી છે.

સમજવાની વાત એ છે કે નારદ મુનિએ ધ્રુવને “ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપેલો જ્યારે વાલિયા લૂંટારાને “રામ જાપ માટે સૂચન કરેલું. આની પાછળ કોઈક મોટો ભેદ છુપાયેલો હોય. જ્યારે દુન્યવી બાબતોની પ્રાપ્તિની ઈચ્છા હોય ત્યારે કદાચ ધ્રુવને સૂચવાયેલ મંત્ર વધારે કારગત નિવડતો હશે. તે સ્વયમ્ વિષ્ણુનો મંત્ર હોવાથી તેનાથી મુક્તિ પણ મળે તે સ્વાભાવિક છે, પરંતુ પ્રાથમિક તબક્કામાં ઇચ્છિત ભૌતિકતાની પ્રાપ્તિ પણ થાય. નાના બાળક તરીકે ધ્રુવને એ પ્રકારની ઈચ્છા હોય એ સમજી શકાય. તેમાં પણ જ્યારે તેને ચોક્કસ પરિસ્થિતિમાં અપમાનિત થવું પડ્યું હોય અને તેની માતાને જે તે પ્રકારના કષ્ટ સહન કરવા પડ્યા હોય, તો પછી નાનકડો ધ્રુવ એ પ્રકારની અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે. વાલિયા લૂંટારા માટે તેમ ન હતું. તેની સમજ પ્રમાણે તે સ્વયં ભૌતિક બાબતો લૂંટી લેવા સમર્થ હતો. અધર્મનું આચરણ કરીને પણ તે પોતાની ઇચ્છિત “ભૌતિક બાબતો એકત્રિત કરી શકતો હતો. નારદ મુનિ મળ્યા તે સમયે તો તેને ન હતી “વરદાનની જરૂરિયાત કે ન હતી ભવિષ્યની “અસમર્થતાની ચિંતા. તે તો દુનિયાના સંબંધોની નિરર્થકતાની પ્રતીતિ થતા ગભરાઈ ગયો હતો. દુન્યવી સમીકરણોની યથાર્થ સ્થિતિ સમજાતા તેને ભૌતિક સંપન્નતાની નહીં પરંતુ જ્ઞાનની જરૂર હતી. તેથી અહીં એમ તો માની જ શકાય કે, જ્ઞાન – અંતર આત્માની સમજ માટે – આધ્યાત્મિકતાના માર્ગ પર પ્રસ્થાન માટે – સત્યની ખોજ કે પ્રતીતિ માટે રામ નામ અર્થાત્ રામ મંત્ર વાલિયા લૂંટારા માટે વધુ યોગ્ય હતો. સનાતની ઇતિહાસની આ એક સમજવા જેવી ઘટના છે.

શ્રી વિષ્ણુના સહસ્રનામના સ્થાને, સ્વયમ મહાદેવ મા પાર્વતીને, જ્યારે અનુકૂળતા ન હોય ત્યારે, “શ્રીરામ રામ રામેતિ રમે રામે મનોરમે; સહસ્રનામ તત્તુલ્યં રામનામ વરાનને શ્ર્લોક બોલવા માટે કહે છે. તેમના જણાવ્યા પ્રમાણે વિષ્ણુ ભગવાનના હજાર નામ લેવાથી જે ફળ પ્રાપ્ત થાય તે માત્ર એકવાર રામ નામ લેવાથી પણ પ્રાપ્ત થઈ શકે. શ્રીરામ અને રામ નામનું મહત્ત્વ સમજવા માટે આનાથી સચોટ ઘટના બીજી ન હોઈ શકે. જો “રામને મંત્ર તરીકે નહીં અને વ્યક્તિ તરીકે પૂજવામાં આવે તો પણ પરિણામ અદ્ભુત હોઈ શકે. શિવ મહિમ્નમાં જણાવ્યા પ્રમાણે વ્યક્તિ પોતાની રુચિ પ્રમાણે આધ્યાત્મના જે તે માર્ગને અનુસરે છે. જ્યારે વ્યક્તિ શ્રીરામ પ્રત્યે સમર્પિત હોય, શ્રીરામની પૂજા-અર્ચનામાં મગ્ન રહેતો હોય, ત્યારે સ્વાભાવિક છે કે તેની રુચિ શ્રીરામના સિદ્ધાંતો મુજબની હોય. તે પણ મર્યાદાની જાળવણી કરવા તત્પર હોય. તેનું જીવન આદર્શોને આધારિત હોય. વ્યક્તિગત ઈચ્છા કે લાભ સામે તે સમગ્રતાને વધુ મહત્ત્વ આપતો હોય. સામાજિક ઉત્તરદાયિત્વ તથા નૈતિકતાનું તેના જીવનમાં ઊંચું સ્થાન હોય. તે નિર્દોષ હોય, તે નિસ્વાર્થ હોય, તે ન્યાયપ્રિય હોય અને તેનું જીવન સત્ય તેમજ ધર્મ આધારિત હોય. ગીતામાં ભક્તના જે લક્ષણો જણાવવામાં આવેલા છે તે બધા જ તેણે ધારણ કરેલા હોય અને તેથી તે ઈશ્ર્વરને પ્રિય હોય. તેની મુક્તિ નક્કી હોય. અહીં શ્રીરામને ઈશ્ર્વર તરીકે સ્થાપિત કરાયા ન હોય તો પણ આ જ પરિણામ આવે. શ્રીરામમાં રહેલી આસ્થા સ્વાભાવિક છે. પ્રત્યેક વિપરીત પરિસ્થિતિમાં તેઓ આદર્શનું વહન કરે છે. એમના દ્વારા આચરવામાં આવેલો પ્રત્યેક સંહાર ધર્મની સ્થાપના માટે છે. સર્વજ્ઞ હોવા છતાં વશિષ્ઠ ઋષિ સાથે માનવ જાતના કલ્યાણ માટે પ્રશ્ર્નોત્તરી કરે છે. સાથે સાથે વિશ્ર્વામિત્ર ઋષિની આજ્ઞા પણ એટલી જ શ્રદ્ધાથી પાળે છે. સનાતની સંસ્કૃતિમાં વચનનું જે મહત્ત્વ છે અને “વચન-સિદ્ધિનો સિદ્ધાંત છે તે તેમણે જીવીને બતાવ્યો છે. શબ્દો દ્વારા વિનંતી ન કરી શકે તેવી શીલાને પણ પુન: અહલ્યામાં પ્રસ્થાપિત કરી છે. વર્ષોની ધીરજનું ફળ દર્શાવવા શબરીના એઠા બોર ખાધા છે. સ્વયંની લાગણીઓને ગૌણ ગણીને સામાજિક ભાવનાને મહત્ત્વ આપ્યું છે. નીતિપૂર્વકની પરંપરા પાળવા માટે તેઓ વ્યક્તિગતાને સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરે છે. તેમના માહાત્મ્યનો વ્યાપ આ લેખમાં સમાવવો શક્ય નથી. આધારભૂત નિષ્પક્ષતા સમાન શ્રીરામનું સમગ્ર જીવન જાણે એક વિશાળ તપસ્યા છે. શ્રીરામ સાચા અર્થમાં મર્યાદા પુરુષોત્તમ છે.
ૐ જય શ્રી રામ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button