જાણ્યું છતાં અજાણ્યું એવું બસ્તરનું રાજ રાજેશ્વરી ત્રિપુરા સુંદરી મંદિર

પ્રાસંગિક -રાજેશ યાજ્ઞિક
ચમત્કાર એટલે શું? ચમત્કાર એટલે એ ઘટના જેને આપણે આપણી તર્ક બુદ્ધિથી સમજાવવા અસમર્થ છીએ. વિજ્ઞાન ચમત્કારમાં માનતું નથી, તેમ છતાં હકીકત છે કે આ સૃષ્ટિમાં એવી અનેક ઘટના છે જેને સમજાવી શકવામાં વિજ્ઞાનનો પનો ટૂંકો પડે છે. સૃષ્ટિની રચનાની થિયરી તો વિજ્ઞાને આપી પણ તેની પહેલા શું? તેનો જવાબ હજી શોધી શકાયો નથી. આપણા દેશમાં પણ ધર્મ અને અધ્યાત્મની એવી અનેક ઘટનાઓ છે જેનો તાળો મેળવવામાં તર્કશાસ્ત્રીઓ અને વિજ્ઞાનના હાથ હેઠા પડ્યા છે. આવો એક ચમત્કાર કહેવો હોય તો ચમત્કાર, કે પછી અચરજ કહેવું હોય તો અચરજવાળી ઘટના બિહારના બસ્તરના એક મંદિરમાં બને છે.
બિહારના બસ્તર જિલ્લામાં રાજ રાજેશ્વરી ત્રિપુરા સુંદરી દેવીનું સુંદર મંદિર આવેલું છે. આ મંદિરને દૈવી મંદિર ગણાય છે તેની અસાધારણ ઘટનાઓને કારણે. વર્ષભર અહીં લાખો ભક્તોનો સતત પ્રવાહ આખા દેશમાંથી આવતો રહે છે. કહેવાય છે કે આ મંદિર લગભગ ૪૦૦ વર્ષથી વધુ પ્રાચીન છે. એવું પણ કહેવાય છે કે આ મંદિરની સ્થાપના તંત્રવિદ્યાની સાધના અને તંત્રવિદ્યાની પ્રાપ્તિ અર્થે જ કરવામાં આવી હતી. આ મંદિરમાં દેવી દુર્ગાના અનેક સ્વરૂપો બિરાજમાન છે.
આ મંદિરમાં ત્રિપુરા, ધૂમાવતી, બગલામુખી, તારા, કાલી, છિન્નમસ્તિષ્કા, ષોડસી, માતંગી, કમલા, ઉગ્ર તારા, ભુવનેશ્ર્વરી વગેરે જેવા વિવિધ અવતારોમાં દેવી દુર્ગાના સ્વરૂપો એક સાથે જોવા મળે છે, જેને દસ વિદ્યાઓ કહેવાય છે. તે સાથે આ મંદિરમાં પાંચ ભૈરવો અર્થાત, દત્તાત્રેય ભૈરવ, બટુક ભૈરવ, અન્નપૂર્ણા ભૈરવ, કાલ ભૈરવ અને માતંગી ભૈરવની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.
આ તાંત્રિક મંદિરમાં કળશની સ્થાપના કરવામાં આવતી નથી અને સામાન્ય દેવી-દેવતાઓની જેમ મંદિરોમાં પૂજા કરવામાં આવે છે, તેવી રીતે અહીં પૂજા કરવામાં આવતી નથી. એવું કહેવાય છે કે લગભગ ૪૦૦ વર્ષ પહેલા ભવાની મિશ્ર નામના તાંત્રિકે દેવી ત્રિપુરા સુંદરી અને અન્ય દેવી-દેવતાઓનું એકસાથે મંદિર બનાવવા માટે પોતાની સાધના દ્વારા ચોક્કસ જગ્યા પસંદ કરી હતી.
આ મંદિરની સંરચના પણ ખુબ સુંદર છે અને તે જોવા લાયક મંદિરોમાં સ્થાન પામે તેવું છે. પણ જેને કારણે આ મંદિર અદ્ભુત અને ચમત્કારી ગણાય છે તે ઘટનાઓ તો રાત્રે બને છે. આ આ મંદિરના નિર્માણ થયાના સમયથી જ ત્યાં રાત્રે અવાજો સંભળાય છે જાણે લોકો એક બીજા સાથે વાત ન કરતા હોય! ધ્વનિ સ્પષ્ટ હોય છે, પણ શું બોલાય છે તે સમજાતું નથી. પણ આશ્ર્ચર્યજનક રીતે આ વાતચીતનો ધ્વનિ ક્યાંથી આવે છે તે કોઈને આજ દિન સુધી જાણ થવા પામી નથી.
વૈજ્ઞાનિકોની એક ટીમે સ્થળની મુલાકાત લીધી હતી અને પુષ્ટિ કરી હતી કે સાંજ પછી જ્યારે કોઈ માણસ દેખાતો ન હોય ત્યારે પણ મંદિરમાંથી અવાજો આવતા સાંભળી શકાય છે. કેમકે અન્ય કોઈ વ્યક્તિના હોવાનું કોઈ પ્રમાણ નથી તેથી, સ્થાનિક લોકો માને છે કે મધ્યરાત્રિએ દેવતાઓ જ એકબીજા સાથે વાત કરતા સાંભળવા મળે છે અને વૈજ્ઞાનિકો કહે છે કે મુખ્ય મંદિરમાં શબ્દો શા માટે ગુંજતા રહે છે તે અજ્ઞાત છે.
માનો કે ના માનો, આ રહસ્યમય ઘટના વણઉકેલાયેલી છે અને કોઈને ખબર નથી કે મંદિરમાંથી અવાજો કેમ સંભળાય છે. કદાચ તે માનવજાત સાથે વાત કરતી દેવી છે અથવા કંઈક જે આપણે હજી સુધી જાણતા નથી, પરંતુ હકીકત એ છે કે ઘણા ભક્તો દસ વિદ્યાઓના આશીર્વાદ મેળવવા માટે લાંબી કતારોમાં ઊભા રહે છે જે પરમ ભક્તિનું પ્રતીક છે.