વિશેષ : શુદ્ધ ભાવ અને ઉત્તમ ધર્મ એટલે ત્યાગ
-રાજેશ યાજ્ઞિક
ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રથમ શ્ર્લોક ભારતીય અધ્યાત્મમાં અપૂર્વ સ્થાન ધરાવે છે. શ્ર્લોકના ‘તેન ત્યક્તેન ભુંજીથા’ વિશે જેટલું બોલાયું અને લખાયું હશે, ભાગ્યે જ તેટલું કોઈ અન્ય વિષય પર થયું હોય. તું ત્યાગીને ભોગવ એ ધ્રુવ વાક્ય બની ગયું છે. આપણાં ધર્મ શાસ્ત્રોમાં ત્યાગનું મહત્ત્વ અપરંપાર છે.
ત્યાગનો અર્થ શું?
સરળ શબ્દોમાં કહીએ તો ત્યાગનો અર્થ છે પોતાની ઇચ્છાઓ, સ્વાર્થ અને સાંસારિક આસક્તિનો ત્યાગ કરવો અને સર્વોચ્ચ સિદ્ધાંતો અને આદર્શોની પ્રાપ્તિ માટે પોતાને સમર્પિત કરવું. આ એક માનસિક અને આધ્યાત્મિક શિસ્ત છે, જે આપણને વ્યક્તિગત અને સામાજિક પ્રગતિ તરફ દોરી જાય છે.
જૈન ધર્મના દિગંબર સંપ્રદાયમાં પર્યુષણ નિમિત્તે દસલક્ષણી પર્વ ઊજવાય છે, જે તીર્થંકર કથિત દસ ઉત્તમ ધર્મના પ્રતીકરૂપ છે. તેમાં એક ઉત્તમ ધર્મ છે, ત્યાગ. સામાન્ય જનો દાન કરવાને જ ત્યાગ સમજે છે. ભારતીય ધર્મોમાં નિ:સંદેહ દાનને ત્યાગ કહેવામાં આવ્યો છે. તેમ છતાં ગહન વિચાર કરીને એક સૂક્ષ્મ ભેદ આપણે સમજવાની જરૂર છે.
Also read: માનસ મંથન: ધીરજ આપણી સંપદા છે ને તેની કસોટી તો આપદ્કાલમાં જ થાય
આપણે ત્યાગ કોને કહીએ? જો વ્યક્તિ સંસાર, ઘર, પરિવાર, સંપત્તિ બધું છોડીને જતો રહે તો એ આપણા માટે ત્યાગ છે. અથવા કોઈ સંબંધોમાં બાંધછોડ કરવી પડે, કોઈના માટે કંઈક જતું કરવું પડે તો એ આપણા માટે ત્યાગ છે.
ત્યાગ એ ધર્મ છે અને દાન એ પુણ્ય છે. ત્યાગ કરનારાઓ પાસે પરિગ્રહનો અંશ પણ હોતો નથી, જ્યારે દાતાઓ પાસે ઘણો બધો પરિગ્રહ હોય છે. દ્વાદશનુપ્રેક્ષા ગ્રંથમાં ત્યાગની વ્યાખ્યા કરતાં કહ્યું છે, કે જે વ્યક્તિ અન્ય વસ્તુઓની બધી આસક્તિ છોડી દે છે અને સંસાર, દેહ અને ભોગોથી અલિપ્ત રહે છે, તે ત્યાગ ધર્મ છે.
ત્યાગ પર ને પર જાણીને કરવામાં આવે છે; પરંતુ દાનની બાબતમાં આવું નથી; કારણ કે દાન ફક્ત પોતાની વસ્તુઓમાંથી જ આપવામાં આવે છે; પર વસ્તુઓનો ત્યાગ થઈ શકે છે, દાન નહીં. આચાર્ય વિદ્યાસાગરજીએ બહુ સુંદર વાત કરી છે, ઉત્તમ ત્યાગનો અર્થ એ છે કે જે અનુત્તમ છે એટલે કે સારું નથી તેને મન, વાણી અને કર્મ દ્વારા ત્યાગવું એ ઉત્તમ ત્યાગ છે. માણસ અનાદિ કાળથી આત્માના સ્વભાવનો ત્યાગ કરતો આવ્યો છે, પણ આસક્તિ અને દ્વેષનો ત્યાગ કરી શક્યો નથી.
સાચો ત્યાગ એ માત્ર પૈસા કે વસ્તુઓનો ત્યાગ નથી, પરંતુ આંતરિક ઇચ્છાઓ અને અહંકારનો ત્યાગ છે. અભિમાન, ક્રોધ અને લોભની આસક્તિનો ત્યાગ એ આધ્યાત્મિક શુદ્ધિની ચાવી છે. મુખ્ય વસ્તુ એ આસક્તિ અને દ્વેષ જેવી ભાવનાત્મક અશુદ્ધિઓનો ત્યાગ છે.
ઉત્તમ ત્યાગ એટલે નકારાત્મક લાગણીઓ અને અશુદ્ધિઓનો ત્યાગ જે આત્માને પ્રદૂષિત કરે છે. તે ઇચ્છાઓ અને આસક્તિઓને છોડીને પોતાને શુદ્ધ કરવા વિશે છે જે આત્માને કર્મના ચક્ર સાથે બાંધેલો રાખે છે. પછી તમે સંસારનો ત્યાગ કર્યો હોય કે સંસારી રહ્યા હો, તેનાથી કોઈ ફરક નથી પડતો. કેમકે શરૂઆતમાં ત્યાગ કરવો પડતો હોય છે, પછી તો બધું અનાયાસ છૂટી જતું હોય છે. મહાવીર હોય કે બુદ્ધ હોય તેમણે છોડ્યું નથી, છૂટી ગયું છે.
બીજી મહત્ત્વની વાત એ છે કે દાન પરાધીન છે, ત્યાગ સ્વાધીન છે. દાન માટે બે વ્યક્તિની જરૂર પડે. જેમકે આહારનું દાન કરો ત્યારે દાન લેનારની પણ જરૂર હોય છે અને સાધન તરીકે આહારની પણ જરૂર હોય છે. લેવાવાળું કોઈ ન હોય તો કોને આપશો? જો વસ્તુ ન હોય તો તમે શું આપશો? પરંતુ ત્યાગ માટે તમારા પોતાના સિવાય કંઈ પણ જરૂર નથી.
એક જૈન મુનિ પાસે સાંભળેલી વાત યાદ આવે છે, કે ત્યાગ આટલો પવિત્ર હોવા છતાં, મળત્યાગ કે મૂત્રત્યાગ જેવા શબ્દો આપણે વાપરીએ છીએ. જ્યારે ત્યાગની અપેક્ષાએ હીન તેવા દાન સાથે જ્ઞાન જેવો ઉત્તમ શબ્દ જોડીને જ્ઞાનદાન બોલાય છે. એવું કેમ? તેનો જવાબ આપતા મુનિશ્રીએ કહ્યું, કોઈ શબ્દ પવિત્ર કે અશુદ્ધ નથી. શબ્દો પદાર્થોનું પ્રતિનિધિત્વ કરે છે. તો ભાઈ! ત્યાગ તો અપવિત્રનો જ કરવાનો હોય ને. આસક્તિ, દ્વેષ અને વાસનાની લાગણીઓ પણ અશુદ્ધ છે, તેની સાથે જ ‘ત્યાગ’ શબ્દ વપરાયો છે અને માત્ર સારી વસ્તુઓનું દાન કરવામાં આવે છે.
કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનો ત્યાગ થઈ શકે, પણ દાન નહીં. કેટલાક એવા હોય છે જેમનું દાન આપી શકાય, પણ ત્યાગ ન થઈ શકે. કેટલાક એવા છે જેઓ દાનની સાથે સાથે ત્યાગ પણ થઈ શકે છે. જેમ કે આસક્તિ અને દ્વેષ, માતા-પિતા, પત્ની અને પુત્ર વગેરેનો ત્યાગ કરી શકાય છે, તેઓનું દાન કરી શકાતું નથી, જ્ઞાન અને અભયનું દાન કરી શકાય છે, પણ તેનો ત્યાગ કરી શકાતો નથી; અને દવાઓ, અન્ન, પૈસા વગેરેનો ત્યાગ અને દાન પણ કરી શકાય છે.
Also read: ભજનનો પ્રસાદ: બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા-૧૩
જો દાનનો અર્થ આપવું થાય છે તો ત્યાગ નહીં લેવાનું નામ છે. જે લેતો નથી તે આપનાર કરતાં મોટો છે; કારણ કે જે આપે છે તે દાતા છે અને જે લેતો નથી તે ત્યાગી છે. દાન તો ઘણા કરે છે, પણ ત્યાગ કેટલા કરી શકે છે? જેની પાસે બધું છે તે રાજા કહેવાય છે; અને જેની પાસે કંઈ નથી, જે પોતાની પાસે કંઈ રાખતો નથી, જેને કંઈ જોઈતું નથી તે મહારાજ કહેવાય. દુનિયામાં દાતાઓ કરતાં ત્યાગીઓને વધુ આદર આપવામાં આવે છે અને તે યોગ્ય પણ છે; કારણ કે ત્યાગ એ શુદ્ધ ભાવ છે; ત્યાગ એ ધર્મ છે.