આપણાં પુરાણો ને મહાકાવ્યો ઉચ્ચ આધ્યાત્મિક સત્યોથી ભરપૂર સાહિત્ય છે
અલૌકિક દર્શન -ભાણદેવ
‘કેનોપનિષદ’ના પ્રારંભમાં ઋષિ પ્રશ્નો અને ઉત્તરો દ્વારા જે તત્ત્વનું, જે સત્યનું પ્રકાશન કરે છે, તે જ તત્ત્વ અને સત્યનું પ્રકાશન તેઓ આ લઘુકથા દ્વારા પણ કરે છે. જે સત્ય મંત્ર દ્વારા કહેવાય છે, તે જ સત્ય કથા દ્વારા પણ કહેવાય છે. કથાસાહિત્યના સ્વરૂપને સ્પષ્ટ રીતે સમજવા માટે આપણે એક બીજું દૃષ્ટાંત લઈએ. ઉપનિષદોમાં વેદાંતદર્શન વ્યક્ત થયું છે. ઉપનિષદોમાં આ દર્શન મંત્રસ્વરૂપે પ્રગટ્યું છે. આ જ વેદાંતદર્શન ‘બ્રહ્મસૂત્ર’માં સૂત્રસ્વરૂપે પ્રગટ્યું છે. આ જ વેદાંતદર્શન ‘શાંકરભાષ્ય’માં ભાષ્યરૂપે પ્રગટ્યું છે. આ જ વેદાંતદર્શન ‘માંડૂક્યકારિકા’માં શ્ર્લોકો દ્વારા રજૂ થયું છે. આમ વેદાંતદર્શનનાં આધ્યાત્મિક, તાત્ત્વિક અને બ્રહ્માંડરચના-વિષયક સત્યો ચાર રીતે પ્રગટ્યાં છે : મંત્રરૂપે, સૂત્રરૂપે, ભાષ્યરૂપે અને શ્ર્લોકરૂપે. આ ઉપરાંત વેદાંતદર્શન એક પાંચમા સ્વરૂપે પણ પ્રગટ્યું છે. ‘યોગવાસિષ્ઠ-મહારામાયણ’માં વેદાંતદર્શન કથાસ્વરૂપે પ્રગટ્યું છે. ‘યોગવાસિષ્ઠ-મહારામાયણ’માં મહર્ષિ વસિષ્ઠજી ભગવાન શ્રીરામને વેદાંતદર્શનનો જ ઉપદેશ આપે છે, પરંતુ કથાઓના માધ્યમ દ્વારા. કથાઓના માધ્યમ દ્વારા પણ વેદાંતદર્શન સમજાવી શકાય છે તેનું ‘યોગવાસિષ્ઠ-મહારામાયણ’ સર્વશ્રેષ્ઠ દૃષ્ટાંત છે, એટલું જ નહીં, પરંતુ ‘યોગવાસિષ્ઠ-મહારામાયણ’ દ્વારા આપણા કથાસાહિત્યનું સ્વરૂપ પણ પ્રગટ
થાય છે.
આપણાં પુરાણો, આપણાં મહાકાવ્યો આ પ્રકારનું ઉચ્ચ આધ્યાત્મિક સત્યોથી ભરપૂર સાહિત્ય છે. આપણે જો આ કથાઓને ખોલીને જોઈએ તો કથાના બાહ્ય પરિવેશની અંદર રહેલા સત્યનાં – તત્ત્વનાં દર્શનને પામી શકીએ અને ધન્ય થઈએ. ‘ક્ષૂફળ ણમ ઇરુટ ક્ષૂફળર્ઞીં।’ ‘પુરાણાં સત્યોને કેવી રીતે રજૂ કરે તે પુરાણ છે.’ જે સનાતન સત્ય પ્રાચીન ગ્રંથોમાં સિદ્ધાંતરૂપે વ્યક્ત થયું છે, તે જ નવી પદ્ધતિથી, કથાના માધ્યમથી વ્યક્ત થાય ત્યારે તેને પુરાણ કહેવામાં આવે છે. આ જ હકીકત ‘રામાયણ’, ‘મહાભારત’, ‘યોગવાસિષ્ઠ-મહારામાયણ’ આદિ ગ્રંથોને પણ લાગુ પડે છે.
આપણા કથાસાહિત્યમાં ચાર તત્ત્વો ભળેલાં જોવા મળે છે. ચાર પ્રવાહો એકઠા થઈને આપણા કથાસાહિત્યની રચના થઈ છે :
- ઐતિહાસિક ઘટનાઓનો આધાર : ‘રામાયણ’, ‘મહાભારત’ આદિ મહાકાવ્યોમાં જે પાત્રો અને કથાપ્રવાહનું વર્ણન છે તે માત્ર કલ્પના નથી. તેની પાછળ ઐતિહાસિક ઘટનાનો આધાર છે. રામકથા, કૃષ્ણકથા, કૌરવ-પાંડવોની કથા – આ બધી ઘટનાઓ આર્યાવર્તમાં ક્યારેક બનેલી ઐતિહાસિક ઘટનાઓ છે.
- ઐતિહાસિક ઘટનાઓમાં આવશ્યક પરિવર્તન : મહાકાવ્યો અને પુરાણોને ઐતિહાસિક આધાર હોવા છતાં તેઓ માત્ર ઇતિહાસના ગ્રંથો નથી, શુદ્ધ ઇતિહાસ નથી. આધ્યાત્મિક સત્યોની અભિવ્યક્તિનું માધ્યમ બની શકે તે માટે તેમનામાં આવશ્યક પરિવર્તનો પણ કરવામાં આવેલાં છે. રામ-રાવણનું યુદ્ધ ઐતિહાસિક ઘટના છે, પરંતુ ‘રામયણ’માં તે યુદ્ધનું જે સ્વરૂપે વર્ણન છે તેને શબ્દશ: ઐતિહાસિક ઘટનારૂપે લઈ શકાય નહીં. હનુમાનજીની રામેશ્ર્વરથી લંકા સુધીની સૌ યોજનની છલાંગ ઐતિહાસિક ઘટના નથી, પરંતુ કોઈક આધ્યાત્મિક સત્યને વ્યક્ત કરતી સાંકેતિક ઘટના છે. તે જ રીતે હનુમાનજી હિમાલયથી એક જ રાત્રિમાં ઔષધિ-સહિતના પહાડને ઊંચકીને લઈ આવ્યા તે પણ ઐતિહાસિક ઘટના નથી, પરંતુ આધ્યાત્મિક સત્યને રજૂ કરતી સંકેતકથા છે તેમ સમજવું જોઈએ.
- આધ્યાત્મિક તત્ત્વો: કથાના માધ્યમ દ્વારા આધ્યાત્મિક, તાત્ત્વિક, સૃષ્ટિરચનાવિષયક સત્યોને અભિવ્યક્ત કરવામાં આવે છે. આ આધ્યાત્મિક આદિ સત્યો જ કથાઓનું કેન્દ્રસ્થ તત્ત્વ છે, પ્રધાન વિષય છે. કથાનાં પાત્રો અને પ્રસંગો તો કથાનું બાહ્ય ક્લેવર છે. આ બાહ્ય કથા દ્વારા જે સત્ય વ્યક્ત થાય છે, તે કથાનો આત્મા છે. આ સત્યો કથાના માધ્યમ દ્વારા સાંકેતિક રીતે રજૂ કરવામાં
આવે છે. - સાંકેતિક રચના: પાત્રો, કથા, સંવાદો, વર્ણન આદિ તત્ત્વોની ગોઠવણ સાંકેતિક સ્વરૂપે કરવામાં આવે છે. સત્યને સંકેત દ્વારા અભિવ્યક્ત કરવાની આપણી અતિ પ્રાચીન પદ્ધતિ છે. વેદની સંહિતાઓમાં પણ સત્યને સાંકેતિક રીતે રજૂ કરવાની પદ્ધતિ જોવા મળે જ છે.
મહર્ષિ પાણિનિએ તેમના અજોડ વ્યાકરણગ્રંથ ‘અષ્ટાધ્યાયી’માં અગિયાર ‘બ’ કારોનું વર્ણન કર્યું છે. આમાંના ‘બ’કાર ‘બજ્ઞચ’નો ઉપયોગ માત્ર વેદમાંજ થયો છે અને અન્યત્ર બાકીના દશ ‘બ’કારોનો જ ઉપયોગ થાય છે આ ‘બજ્ઞચ’ ‘બ’ કારને ‘વૈદિક સંકેતાર્થ’ કહેવામાં આવે છે. તત્ત્વને સાંકેતિક રૂપે અભિવ્યક્ત કરવા માટે આ એક વિશિષ્ટ સ્વરૂપની અર્થરચના છે. વેદસંહિતાઓમાં તત્ત્વને સાંકેતિક રીતે રજૂ કરવાની પદ્ધતિ કેટલી મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ છે તેનો ખ્યાલ આ એક પદ્ધતિ પરથી આવી શકે તેમ છે કે વેદમાં સંકેતાર્થ (‘બજ્ઞચ’)નામની એક વિશિષ્ટ વ્યાકરણ-યોજના પણ છે.
આપણા ઉત્તરકાલીન આધ્યાત્મિક-ધાર્મિક સાહિત્યમાં પણ આ સાંકેતિક રચનાની પદ્ધતિ ચાલુ રહી છે અને કથાસાહિત્યમાં પણ કથાઓની સાંકેતિક સ્વરૂપે ગોઠવણ કરવાની પદ્ધતિ જોવા મળે છે. આમ કથાઓની એવી રીતે રચના-ગોઠવણી કરવામાં આવેલ છે કે તે કથાઓ દ્વારા સાંકેતિક રીતે સત્યને વ્યક્ત કરી શકાય. સંકેતરચના પણ આપણા કથાસાહિત્યના સ્વરૂપનું નિર્ધારણ કરનાર એક તત્ત્વ છે – એક પરિબળ છે.
- કાવ્યાત્મક અભિવ્યક્તિ: ‘રામાયણ’, ‘મહાભારત’ આદિ ગ્રંથો માત્ર કથાગ્રંથો નથી, આપણાં મહાકાવ્યો પણ છે. ‘રામાયણ’ તો વિશ્ર્વનું અપ્રતિમ મહાકાવ્ય ગણાય છે. પુરાણોની રચનામાં પણ કાવ્યાત્મક તત્ત્વો છે. ‘શ્રીમદ્ભાગવત’નો કૃષ્ણકથા તો છે જ, પરંતુ તે એક સુંદર કાવ્યકૃતિ પણ છે જ.
આપણા કથાસાહિત્યના સ્વરૂપનિર્ધારણમાં આ કાવ્યાત્મક અભિવ્યક્તિ પણ એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે. સુંદર વર્ણનો, અલંકારોનો પ્રચુર માત્રામાં ઉપયોગ, કથાની ગૂંથણીમાં પણ કાવ્યાત્મક દ્રષ્ટિ, રમણીય શબ્દાવલી આદિ પરિબળો પણ કથાસાહિત્યમાં ભળેલાં છે. મહાકવિ જયદેવનું અપ્રતિમ કાવ્ય ‘ગીતગોવિંદ’ આંતરિક રીતે આધ્યાત્મિક કાવ્ય છે, બાહ્ય દ્રષ્ટિ શૃંગારરસનું કાવ્ય છે. તેની લલિત શબ્દાવલી માટે એ વિશ્ર્વનું અપ્રતિમ કાવ્ય ગણાય છે. આ કાવ્ય રજૂ થયેલી રાધાકૃષ્ણની પ્રણયકથા સાંકેતિક પદ્ધતિથી પ્રેમપથનાં આધ્યાત્મિક રહસ્યો રજૂ કરે છે. આ કાવ્યની રજૂઆતમાં જે કાવ્યતત્ત્વ ભળેલું છે તેની અવગણના કોઈ કરી શકે
તેમ નથી.
(ક્રમશ:)