ધર્મતેજ

હિન્દુધર્મના સિદ્ધાંતો

જીવનનું અમૃત -ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
પ્રારબ્ધકર્મો માત્ર ભોગ દ્વારા જ નાશ પામે છે. જ્ઞાનીને પણ પ્રારબ્ધનો ભોગ હોય છે, પરંતુ તેમના પ્રારબ્ધ અહંશૂન્ય અવસ્થાનાં કર્મો હોવાથી તેમના દ્વારા નવાં કર્મો બનતાં નથી.

આમ કર્મનું એક ચક્ર પણ છે અને તે ચક્રમાંથી મુક્ત થવાનો ઉપાય પણ છે જ. ઉપાય છે – અજ્ઞાનમાંથી મુક્તિ. કર્મનું ચક્ર અજ્ઞાન પર આધારિત હોવાથી કર્મના આ ચક્રમાંથી મુક્તિ પામવાનો એક જ ઉપાય છે – જ્ઞાન પ્રાપ્તિ કે અજ્ઞાન નિવૃત્તિ.

આત્માની અમરતાનો સિદ્ધાંત, પુનર્જન્મનો સિદ્ધાંત અને કર્મનો સિદ્ધાંત – આ ત્રણે સિદ્ધાંતો પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. આત્મા અમર છે, તો જ પુનર્જન્મ શક્ય છે અને જન્મજન્મની યાત્રાના સ્વરૂપને સમજાવવા માટે કર્મનો નિયમ અનિવાર્ય છે. આમ આ ત્રણે સિદ્ધાંતો એક જ મહાનિયમના ત્રણ પાસાં હોય તેવા છે. અજરઅમર આત્માનો પુનર્જન્મ કર્મના નિયમ પ્રમાણે થાય છે આ એક જ વિધાનમાં ત્રણે નિયમો સંલગ્ન થયેલા છે.

અવતારવાદ
અવતારની ઘટના ઘણી રહસ્યપૂર્ણ, પરંતુ સત્ય ઘટના છે. હિન્દુ ધર્મના ઋષિઓ રહસ્યોને શોધવામાં ઘણા પાવરધા છે. આત્માની અમરતાનો નિયમ, કર્મનો નિયમ, પુનર્જન્મનો નિયમ – આદિ સત્યોની જેમ અવતારની ઘટના પણ એક રહસ્યપૂર્ણ આધ્યાત્મિક ઘટના છે અને ભારતીય મનીષીઓની એક મૂલ્યવાન શોધ છે.

પરમાત્મા પોતાની દિવ્ય ચેતનામાં રહીને, તેને વીસરીને નહીં, અભાન રીતે નહીં પરંતુ સભાન કે સજ્ઞાન રીતે માનવ સ્વરૂપ ધારણ કરીને, માનવ શરીર – પ્રાણ-મન ધારણ કરીને આ પૃથ્વી પર માનવ દેશકાળમાં અવતરિત થાય ત્યારે તે ઘટનાને ‘અવતાર’ કહેવામાં આવે છે. અવતાર એટલે અવતરવાની ઘટના. અવતારની ઘટનામાં અમર્યાદિત મર્યાદિતમાં ઊતરી આવે છે. અવતારમાં પરમાત્મા સ્વેચ્છાએ, પોતાની યોગમાયા દ્વારા માનવસ્વરૂપ ધારણ કરે છે. પ્રથમ દૃષ્ટિએ અવતારની ઘટના બુદ્ધિગમ્ય લાગતી નથી, તેથી બુદ્ધિ દ્વારા અવતારની ઘટનાનો સ્વીકાર મુશ્કેલ છે મન વિચારે છે – અનંત અગાધ પરમાત્મા એક પાંચ હાથનો માનવી બને? પ્રથમ દૃષ્ટિએ અશક્યવત્ લાગતી ઘટના છે, પરંતુ સત્ય છે. કર્તુમકર્તુમન્યથાકર્તુમ્ સમર્થ પરમાત્મા માટે કશું અશક્ય નથી. પરમાત્માની યોગમાયા નામની એક શક્તિ છે, જે અઘટન ઘટના પટીયસી છે. આ શક્તિનો આશ્રય લઈને પરબ્રહ્મ પરમાત્માના માનવ-સ્વરૂપ ધારણ કરીને આ પૃથ્વી પર અવર્તીણ થાય છે, આ ઘટનાને અવતાર કહેવામાં આવે છે.

પોતાના ભક્તો સાથે પ્રેમરસનું આસ્વાદન કરવા માટે, સાધુઓના રક્ષણ અને દુષ્ટોના દમન માટે, માનવચેતનાના વિકાસક્રમમાં એક નવું સોપાન ઉમેરવા માટે, માનવજાત સમક્ષ એક વિશિષ્ટ દૃષ્ટાંત રજૂ કરવા માટે – આવા અનેક વિવિધ કારણોસર પરમાત્મા અવતાર ધારણ કરે છે.

પૂર્ણાવતાર (લીલાવતાર), અંશાવતાર, અંશાંશાવતાર, કલાવતાર, આવેશાવતાર આદિ અવતારના અનેક પ્રકારો હોય છે.

અવતારને બે ચેતના હોય છે: માનવ ચેતના અને ભાગવત ચેતના. ભાગવત ચેતનામાં અવતાર સર્વજ્ઞ અને સર્વસમર્થ હોય છે. માનવ ચેતનામાં રહીને અવતાર માનવની જેમ વર્તે છે. આ દ્વિવિધ ચેતના અવતારને ઓળખવાનું પ્રધાન લક્ષણ છે.

હિન્દુ ધર્મમાં અવતારની ઘટનાનો લગભગ સર્વત્ર સ્વીકાર થયો છે. વેદાંત કે જે નિર્ગુણ-નિરાકાર બ્રહ્મને એકમેવ અદ્વિતીય તત્ત્વ ગણે છે, તેમાં પણ અવતારનો સ્વીકાર થયો છે. વેદાંતમાં માયોપેત બ્રહ્મને ઈશ્ર્વર કે સગુણ બ્રહ્મ કહેવામાં આવે છે. ઈશ્ર્વર કે સગુણ બ્રહ્મ અવતાર ધારણ કરે છે, તેમ વેદાંત સ્વીકારે છે. આમ વેદાંત દર્શન અને અવતાર તત્ત્વ વચ્ચે કોઈ વિરોધ નથી.

વેદ પ્રામાણ્ય
મોટા ભાગે પ્રત્યેક ધર્મને પોતાના પ્રમાણ સ્વરૂપ ધર્મગ્રંથ હોય છે. ખ્રિસ્તીઓને ‘બાઈબલ’ છે, યહૂદીઓને ‘જૂનો કરાર’ (જ્ઞહમ યિંતફિંળયક્ષિ)ં છે, મુસ્લિમોને ‘કુરાન’ છે, હિન્દુઓ માટે પ્રમાણ સ્વરૂપ ગ્રંથ કયો છે? ‘વેદ’ હિન્દુઓનો પ્રમાણભૂત ધર્મગ્રંથ છે.

વેદ એટલે શું? ચારે વેદની સંહિતાઓ, ચારે વેદના બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો મળીને ‘વેદ’ ગણાય છે.

હિન્દુ ધર્મમાં અનેક સંપ્રદાયો છે, પરંતુ બધા જ સંપ્રદાયો ‘વેદ’ને અંતિમ પ્રમાણ તરીકે સ્વીકારે છે.

હિન્દુ દર્શનશાસ્ત્રમાં ત્રણ પ્રમાણોને સર્વ સ્વીકૃતિ આપવામાં આવેલ છે.

૧. પ્રત્યક્ષ પ્રમાણ: આપણે પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા બાહ્ય જગતનું જ્ઞાન મેળવીએ છીએ. આ પ્રત્યક્ષ પ્રમાણ છે.

૨. અનુમાન પ્રમાણ: જે જ્ઞાન જ્ઞાનેન્દ્રિયો દ્વારા ન મળી શકે, પરંતુ પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા મળેલા જ્ઞાનને આધારે બુદ્ધિપૂર્વક વિચારીને વિશેષ રીતે મેળવવામાં આવે તે ‘અનુમાન પ્રમાણ’ની ઘટના છે.

૩. જે વિષય અંગે પ્રત્યક્ષ પ્રમાણ કે અનુમાન પ્રમાણ દ્વારા જ્ઞાન મળી શકે નહીં, તેવા અતીન્દ્રિય વિષય વિશેનું જ્ઞાન મેળવવાનો ઉપાય શો? તે માટે પ્રમાણ શું? તે માટે વેદ પ્રમાણ છે. આમ વેદ પ્રમાણને ભારતીય દર્શનમાં તૃતીય પ્રમાણ તરીકે સ્વીકારેલ છે. વેદપ્રમાણને શ્રુતિપ્રમાણ, આપ્તપ્રમાણ કે શબ્દપ્રમાણ પણ કહેવામાં આવે છે.

હિન્દુ ધર્મના બધાં દર્શનો અને બધા સંપ્રદાયો વેદના અબાધિત પ્રમાણે તરીકે સ્વીકારે છે. હિન્દુ ધર્મને વેદમાંથી નીકળલો ધર્મ ગણવામાં આવે છે, તેથી જે ધર્મધારા વેદના પ્રામાણ્યનો સ્વીકાર ન કરે તેને હિન્દુ ધર્મની અંતર્ગત ગણી શકાય નહીં. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ હિન્દુ ધર્મમાંથી નીકળેલી શાખાઓ છે, પરંતુ વેદ પ્રામાણ્યનો સ્વીકાર ન કરવાને કારણે તેમને વેદબાહ્ય ગણ્યા છે, અને તેથી તે બંનેએ અલગ ધર્મનું રૂપ ધારણ કર્યું છે.

ચાતુર્વર્ણ્યનો સિદ્ધાંત
હિન્દુ ધર્મના ગ્રંથોમાં, વિશેષત: સ્મૃતિગ્રંથોમાં ચાતુર્વર્ણ્યનો સ્વીકાર અને પ્રતિપાદન થયા છે. ચાતુર્વર્ણ્યનો સિદ્ધાંત હિન્દુ ધર્મનો અંતરંગ સિદ્ધાંત નથી, પરંતુ બહિરંગ સિદ્ધાંત છે. ચાતુર્વર્ણ્યનો સિદ્ધાંત એક સમાજવ્યવસ્થાનો સિદ્ધાંત છે. તે સિદ્ધાંત હિન્દુ ધર્મનો ચાવીરૂપ કે કેન્દ્રસ્થ સિદ્ધાંત નથી. ચાતુર્વર્ણ્યના સિદ્ધાંત વિના હિન્દુ ધર્મ ટકી ન શકે તેવું નથી. પ્રત્યેક સમાજમાં કોઈ પ્રકારની વર્ણવ્યવસ્થા હોય જ છે. ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા પણ હિન્દુ ધર્મની પરંપરાગત સમાજવ્યવસ્થા છે. આ વ્યવસ્થામાં પરિવર્તનને અવકાશ છે. સમાજવ્યવસ્થામાં પરિવર્તન તો ચાલ્યા જ કરે છે. ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા તૂટી રહી છે, પરંતુ તેમ થવાથી હિન્દુ ધર્મના મૂળભૂત સ્વરૂપને કોઈ આંચ નહીં આવે, કારણ કે ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા હિન્દુ ધર્મનો પાયો નથી, પ્રાણપ્રશ્ર્ન નથી. ચાતુર્વર્ણ્ય અન્ય સ્વરૂપે હોય કે ન પણ હોય તો પણ તેથી હિન્દુ ધર્મના મૂળભૂત સ્વરૂપમાં કોઈ બાધા આવે તેમ નથી.

સમાજવ્યવસ્થા તો પરિવર્તનશીલ છે. યુગપરિવર્તન સાથે સમાજનું માળખું પણ બદલાય છે, તે પ્રમાણે ચાર વર્ણોનું માળખું પણ બદલાય છે, તે પ્રમાણે ચાર વર્ણોનું માળખું કે અનેકવિધ પેટા જ્ઞાતિઓની વ્યવસ્થા બદલાઈ જાય તો હિન્દુ ધર્મને કોઈ હાનિ થવાની નથી. ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા મટી જાય તો હિન્દુ ધર્મ મટી જવાનો નથી. હિન્દુ ધર્મ વર્ણવ્યવસ્થા પર આધારિત નથી.
વર્ણવ્યવસ્થાએ એક સમયે જડ સ્વરૂપ ધારણ કર્યું હતું, અને તેને પરિણામે સમગ્ર હિન્દુ સમાજને ઘણું સહન કરવું પડ્યું છે, તેથી વર્ણવ્યવસ્થામાં ચાલી રહેલું પરિવર્તન સ્વીકાર્ય અને સ્વાગતને પાત્ર છે.

૯. ઋતનો નિયમ:
સમગ્ર અસ્તિત્વ એક મહાનિયમના આધારે ચાલે છે. અસ્તિત્વમાં સંવાદિતા છે, ગહન વ્યવસ્થા છે અને એક પરમ ન્યાય છે. આ સમગ્ર અસ્તિત્વમાં જોગાનુજોગ નથી, અસ્તિત્વમાં અવ્યવસ્થા કે અતંત્રતા નથી. સમગ્ર અસ્તિત્વના પાયામાં, સંચાલનમાં અને સર્વત્ર તે મહાનિયમ પ્રવર્તી રહ્યો છે. આ મહાનિયમને વૈદિક પરિભાષામાં ‘ઋત’નો નિયમ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પ્રારંભથી જ ઋતના નિયમનો સ્વીકાર થયેલો છે. કર્મનો નિયમ, કાર્ય-કારણનો નિયમ, ગુરુત્વાકર્ષણનો નિયમ, બ્રહ્માંડની સ્થૂળ-સૂક્ષ્મ વ્યવસ્થા, પાપ-પુણ્ય અને તેમનાં પરિણામો, વ્યક્તિના જન્મજન્માંતરની યાત્રાની વ્યવસ્થા, સમાજની નૈતિક વ્યવસ્થા આ સર્વ વ્યવસ્થા ઋતના મહાનિયમમાંથી ફલિત થયેલી છે. ઋતનો નિયમ આ સમગ્ર વ્યવસ્થાનું કેન્દ્રસ્થ તત્ત્વ છે.

ઋતનો નિયમ અસ્તિત્વનો નિયમ છે, હિન્દુ ધર્મના ઋષિઓએ તેની સ્થાપના નથી કરી, પરંતુ તેનું દર્શન કર્યું છે અને તેનો હિન્દુ ધર્મ અને દર્શનમાં સ્વીકાર કર્યો છે. ઋતના નિયમનો કોઈ સ્વીકાર કરે કે ન કરે, ઋતના નિયમ કોઈની સ્વીકૃતિ પર આધારિત નથી. ઋતનો નિયમ તો અસ્તિત્વગત નિયમ છે. અસ્તિત્વગત સત્ય છે અને સ્વીકૃતિ કે અસ્વીકૃતિની અપેક્ષા વિના સર્વત્ર, સર્વદા અને સર્વથા કાર્યરત છે જ, તેથી આપણે એમ ન માની શકીએ કે વૈદિક ઋષિઓએ ઋતના નિયમની સ્થાપના કરી છે. ઋતનો નિયમ તો સનાતન નિયમ છે. આપણે માત્ર એટલું જ કહી શકીએ કે આર્ષદૃષ્ટા ઋષિઓએ ઋતના આ સનાતન નિયમનું દર્શન કર્યું છે અને હિન્દુ ધર્મમાં તેનો સ્વીકાર કર્યો છે. આ અર્થમાં જ આપણે ઋતના નિયમને સિદ્ધાંત ગણીએ છીએ.

૧૦. આત્માના દિવ્ય સ્વરૂપનો સિદ્ધાંત:
હિન્દુ ધર્મની સર્વ શાખાઓમાં પ્રારંભથી અંત સુધી એ સત્યનો સર્વસંમતરૂપે સ્વીકાર કરવામાં આવે છે કે આત્મા સ્વરૂપત: દિવ્ય છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્મા પરમાત્માનું જ સ્વરૂપ છે. આ સંબંધને કોઈ અદ્વૈત સ્વરૂપનો અને કોઈ અંશ-અંશી સ્વરૂપનો ગણે છે, પરંતુ આત્માના સ્વરૂપની દિવ્યતા, સચ્ચિદાનંદરૂપતા વિશે સૌ સંમત છે.

હિન્દુ ધર્મમાં પાપ-પુણ્યનો સ્વીકાર થયો છે, પરંતુ હિન્દુ ધર્મમાં પાપને શાશ્ર્વત કલંક માનવામાં આવતું નથી. જીવને પાપ-પુણ્ય હોય છે, પરંતુ પાપ-પુણ્ય ક્યારેય જીવનું શાશ્ર્વત કે સ્વરૂપગત તત્ત્વ બનતું નથી. પાપ-પુણ્યની ગતિ વ્યક્તિના ચિત્ત સુધી છે, પરંતુ આત્મા સ્વરૂપત: દિવ્ય હોવાથી તેને પાપ-પુણ્યનો લેપ લાગતો નથી.

આમ હોવાથી હિન્દુ ધર્મમાં પાપને બહુ મહત્ત્વપૂર્ણ પરિબળ ગણવામાં આવતું નથી. હિન્દુ ધર્મમાં પાપ અને ક્ષમાયાચના તથા માફીની ઘટના તરફ બહુ જોર મૂકવામાં આવ્યું નથી.
આત્મા સ્વરૂપત: દિવ્ય છે, આ સિદ્ધાંતમાં દૃઢ શ્રદ્ધા હોવાથી હિન્દુઓની વિચારસરણીમાં ‘પાપના ખ્યાલ’ને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું નથી અને તેથી હિન્દુઓ પાપથી બહુ ડરતા નથી.
હિન્દુ વિચારધારા પ્રમાણે જીવનનો પ્રારંભ પાપમાંથી નહીં, પરંતુ પરમાત્માની આનંદલીલામાંથી થયો છે.

હિન્દુ ધર્મમાં પાપ-પુણ્યનો સર્વથા ઈનકાર નથી. કર્મનો નિયમ છે અને પાપ-પુણ્ય પણ છે જ તથા જીવનમાં તેની અસર પણ છે જ, પરંતુ ‘પાપ-પુણ્ય’ની ધારણાને હિન્દુ ધર્મમાં સ્થાન છે, પરંતુ તેનું સ્થાન ઘણું ગૌણ છે. આમ બનવાનું કારણ હિન્દુઓની આત્માના દિવ્ય સ્વરૂપમાં શ્રદ્ધા છે.

સમાપન:
અતિ પ્રાચીન પરંપરા, અપરંપાર આધ્યાત્મિક ખેડાણ, સમાજ અને વ્યક્તિના જીવનમાં ધર્મ-અધ્યાત્મને કેન્દ્રસ્થ સ્થાન, સતત વિકાસશીલતા, સમન્વયકારી દૃષ્ટિકોણ – આ બધાં કારણોને લીધે હિન્દુ ધર્મની આંતરિક સમૃદ્ધિ અસાધારણ સ્વરૂપે વિકસી છે, ફૂલીફાલી છે, એટલું જ નહીં, પરંતુ હિન્દુ ધર્મ અસાધારણ ઉદારમતવાદી છે. હિન્દુ ધર્મમાં ભિન્ન-ભિન્ન સંપ્રદાયો અને ધર્મના અનુયાયીઓ પર જડ પ્રતિબંધો નથી. વ્યક્તિગત સ્વતંત્રતા પણ ઘણી છે. પ્રત્યેક અનુયાયી પોતાની રીતે વધે અને વિકસે, તેવી ઉદાર વ્યવસ્થા હિન્દુ ધર્મમાં જોવા મળે છે.

હિન્દુ ધર્મમાં વ્યવસ્થાને નહીં, પરંતુ અધ્યાત્મને કેન્દ્રસ્થ તત્ત્વ માનવામાં આવે છે. હિન્દુ ધર્મની દૃષ્ટિ વ્યવસ્થાકીય ઓછી અને આધ્યાત્મિક વધુ છે. આમ હોવાથી હિન્દુ ધર્મના સિદ્ધાંતો ધર્માનુયાયીઓને માર્ગદર્શન આપે છે, પરંતુ તેમના જીવન વિકાસને રૂંધતા નથી. હિન્દુ ધર્મનો કોઈ અનુયાયી કોઈ એકાદ સિદ્ધાંતનો સ્વીકાર ન કરે તો તેથી તે હિન્દુ મટી જતો નથી. તેના પર કોઈ દબાણ મુકવામાં આવતું નથી. દા.ત. કોઈ હિન્દુ અનેક દેવ-દેવીઓમાં ન માને તો તેથી તે હિન્દુ મટી જતો નથી કે દેવ-દેવીઓમાં માનવા માટે તેમના પર કોઈ દબાણ પણ મૂકવામાં આવતું નથી. હિન્દુ ધર્મ પોતાના અનુયાયીઓને અસાધારણ સ્વતંત્રતા આપે છે.

જેમ-જેમ ધર્મમાં ઊંડાણ વધુ તેમ-તેમ ધર્માનુયાયીઓને વિકાસની સ્વતંત્રતા વધુ મળે છે અને ધર્મની વ્યવસ્થામાં જડતા ઓછી પ્રવેશે છે. હિન્દુ ધર્મમાં અસાધારણ ગહનતા છે, તેથી ધર્મના સ્પષ્ટ સિદ્ધાંતો હોવા છતાં ધર્માનુયાયીઓને વ્યક્તિગત વિકાસની અસાધારણ સ્વતંત્રતા મળી છે અને વ્યવસ્થાકીય કે બહિરંગ માળખાની જડતા ઘણી ઓછી છે.

જ્યારે ધર્મના સિદ્ધાંતો અંધ માન્યતાનું સ્વરૂપ ધારણ કરે ત્યારે ધર્મ વિકાસનું માધ્યમ બનવાને બદલે વિકાસરોધનનું માધ્યમ બની જાય છે. સદીઓ અને સહસ્ત્રાબ્ધિઓથી ચાલી આવતા હિન્દુ ધર્મની ધારામાં આ વિકાસરોધનનું તત્ત્વ કદી પ્રવેશ્યું નથી અને તે હિન્દુ ધર્મની ગરિમા છે, ગૌરવ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button