ધર્મતેજ

હિન્દુધર્મના સિદ્ધાંતો

જીવનનું અમૃત -ભાણદેવ

પ્રસ્તાવ: હિન્દુધર્મમાં તો અનેક સંપ્રદાયો છે. પ્રત્યેક સંપ્રદાયને પોતાનું વિશિષ્ટ દર્શન છે, પોતાની આગવી સાધનપદ્ધતિ છે. હિન્દુધર્મમાં દાર્શનિક અને આધ્યાત્મિક વૈવિધ્ય અપરંપાર છે. આમ છતાં આ બધા સંપ્રદાયો વચ્ચે એક ગહન ઐક્ય પણ છે અને તેથી જ તો તે બધા હિન્દુઓ છે અને તેથી જ તો આ સર્વ સંપ્રદાયો હિન્દુધર્મના નેજા હેઠળ એક છે.

હિન્દુધર્મના કેટલાક સર્વમાન્ય, સર્વસ્વીકૃત કેન્દ્રસ્થ સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતોને સર્વ હિન્દુઓ માને છે અને સ્વીકારે છે. આ સિદ્ધાંતો હિન્દુધર્મના કોઈ એક સંપ્રદાયના નહીં, પરંતુ સમગ્ર હિન્દુધર્મના પ્રધાન સિદ્ધાંતો છે. આર્ય મનીષીઓએ આર્ષદૃષ્ટિથી જોયેલાં આ મૂળભૂત સત્યો છે. જીવનની ગહનવ્યવસ્થાના સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતોના પાયા પર હિન્દુધર્મની આંતરિક એકતા ટકી રહે છે. હિન્દુધર્મના આ કેન્દ્રસ્થ સિદ્ધાંતો અહીં પ્રસ્તુત છે.

૧. પરમ સત્ય:
આ સમગ્ર અસ્તિત્વના અધિષ્ઠાનરૂપે એક પરમ સત્ય રહેલું છે. તે પરમોચ્ચ સત્ તત્ત્વ છે. તેને જ બ્રહ્મ, આત્મા, પરમાત્મા, પરબ્રહ્મ, પરમેશ્ર્વર આદિ નામો દ્વારા ઓળખવામાં આવે છે. હિન્દુધર્મમાં અનેક સંપ્રદાયો છે, પરંતુ સૌ પરમ સત્તત્ત્વનો સ્વીકાર કરે છે, અને તેને જ ભિન્ન-ભિન્ન નામોથી
ઓળખે છે.

त्रयी सांख्य योगः पशुपतिमतं वैष्णवमिति
प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च ।
रुचिनां वैचित्र्याद् ऋजुकुटिल नाना पथजुषां
नृणामेको गम्यस्तमसि पयसामर्णव इव ॥

  • शिवमहिम्नः स्तोत्र ः 7
    “ત્રણ વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પાશુપતમત, વૈષ્ણવમત – એમ ભિન્ન-ભિન્ન માર્ગો અને શાસ્ત્રો છે. ‘આ શ્રેષ્ઠ છે, આ હિતકર છે’ એમ રુચિઓની વિચિત્રતાઓને લીધે, હે પ્રભુ! સરળ અને જટિલ માર્ગોને આશ્રય લેનારાઓ અંતે તો જેમ બધું જ પાણી અંતે તો સમુદ્રને જ પામે છે, તેમ આપને જ પામે છે.

શૈવો જેને શિવ કહે છે, વૈષ્ણવો જેને વિષ્ણુતત્ત્વ કહે છે, યોગીઓ જેને આત્મા કહે છે, ભક્ત જેને ભગવાન કહે છે, વેદાંતીઓ જેને બ્રહ્મ કહે છે, તે એક પરમ સત્ તત્ત્વ છે. વેદો અને ઉપનિષદો આ એકમેવાદ્વિતીય પરમ સત્તત્ત્વ પ્રત્યે જ અંગુલિનિર્દેશ કરે છે. પ્રત્યેક સંપ્રદાયના અનુયાયીઓ ભિન્ન-ભિન્ન નામે અને ભિન્ન-ભિન્ન સ્વરૂપે પરિચય આપવામાં આવે છે, તે પરમ સત્ય એક જ છે. તેથી તેમને આપસ-આપસમાં વૈમનસ્ય પણ ઉત્પન્ન થતું નથી.
‘મુંડકોપનિષદ’માં એક પ્રસંગ છે. શૌનકજી મહર્ષિ અંગિરાજીને વિધિવત્ પ્રશ્ર્ન પૂછે છે:
कसिमन्नुं भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवतीति।

“હે ભગવાન! કોને જાણી લેવાથી સર્વને જાણી લેવાય છે.

આ પ્રશ્ર્નના ઉત્તરમાં મહર્ષિ અંગિરાજી કહે છે:
यत्तद द्रेश्यम ग्राह्यमगोत्रमर्णमचक्षुः श्रोत्रं तदपाणिपादम् ।
नित्यं विभुं सर्वगतं सुसूक्ष्म तदव्ययं यद्भूतयोनिं परि पश्यन्ति धीराः।


  • (જેને જાણવાથી સર્વ જાણી લેવાય છે તે પરમ તત્ત્વના સ્વરૂપ વિશે મહર્ષિ અંગિરાજી શૌનકજીને કહે છે:)

“તે કે જે અનિર્દેશ્ય છે, અગ્રાહ્ય છે, અજન્મા છે, વર્ણરહિત છે, નેત્રાદિ જ્ઞાનેન્દ્રિયોથી રહિત છે, હસ્તપાદાદિ કર્મેન્દ્રિયોથી રહિત છે, જે નિત્ય છે, વિભ છે, સર્વવ્યાપી છે, અત્યંત સૂક્ષ્મ છે, અવિનાશી છે, જે સમસ્ત ભૂતોનું જન્મસ્થાન છે, ધીરપુરુષો તેને દિવ્ય દૃષ્ટિથી જુએ છે, (તે પરબ્રહ્મ પરમ સત્ તત્ત્વને જાણીને સર્વ જાણી લેવાય છે)
તે પરમ સત્ તત્ત્વ વિશે ‘કેનોપનિષદ’ના ઋષિ કહે છે:
यत् प्राणेन न प्राणिति येन प्राणः प्रणीयते ।
तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते ॥

“જે પ્રાણ દ્વારા ચેષ્ટાયુક્ત બનતું નથી, પરંતુ જેનાથી પ્રાણ ચેષ્ટાયુક્ત બને છે, તેને તું બ્રહ્મ તત્ત્વ જાણ. જેની લોકો ઇન્દ્રિયો દ્વારા ઉપાસના કરે છે, તે બહિરંગ ભૂતસમુદાય તે નથી.
‘કેનોપનિષદ’ના ઉમાહૈમવતી તે બ્રહ્મ તત્ત્વને જ સર્વ દેવોના પ્રેરક અને શક્તિપ્રદાયક ગણાવે છે.

  • सा ब्रह्मेति दोवाच ।
  • તે (ઉમા હૈમવતી) કહે છે: “તે બ્રહ્મ છે.
  • સર્વ હિન્દુઓ, હિન્દુધર્મના સર્વકાળના સર્વમનીષીઓ એક અવાજે આ સર્વોચ્ચ પરમ સત્ય પરબ્રહ્મ પરમાત્માનો સ્વીકાર કરે છે અને તેમને જ ભિન્ન-ભિન્ન નામે અને ભિન્ન-ભિન્ન સ્વરૂપે ઓળખવાની હિન્દુઓની પરંપરાને પણ માન્ય
  • ગણે છે.

૨. અનેક દેવ-દેવીઓ:
હિન્દુધર્મમાં એકમેવાદ્વિતીય પરમ સત્યનો સ્વીકાર છે, તેમ અનેક દેવદેવીઓનો સ્વીકાર પણ છે. ઇંદ્ર, વરુણ, અગ્નિ, અશ્ર્વિનીકુમારો, સૂર્ય, બૃહસ્પતિ, લક્ષ્મી (શ્રી) આદિ અનેક દેવદેવીઓના સૂક્તો વેદમાં ઉપલબ્ધ છે. પુરાણોમાં પણ અનેક દેવદેવીઓની કથા છે. હિન્દુસમાજમાં અને તેમની ઉપાસનામાં પણ અનેક દેવદેવીઓને સ્થાન છે.

પ્રથમ દૃષ્ટિએ એક પરમસત્યના સિદ્ધાંતમાં અને અનેક દેવવાદમાં વિરોધાભાસ લાગે છે, પરંતુ વસ્તુત: આ બંને તથ્યો વચ્ચે કોઈ વિરોધ નથી. માત્ર ઉપરછલ્લી દૃષ્ટિએ અને વામણી નજરે જોઈએ તો જ આ વિરોધાભાસ પ્રતીત થાય છે. આ દેખીતા વિરોધાભાસના મૂળમાં જઈએ તો આ વિરોધ અદૃશ્ય થઈ જાય છે.

એક સમ્રાટ પાસે રાજ્ય સંચાલનમાં અને અધિકારી પુરુષો હોય તો તેથી સમ્રાટનું સમ્રાટપણું બાધિત થતું નથી. સમ્રાટ અને અધિકારી સમૂહના સહ અસ્તિત્વ અંગે કોઈ વિરોધ નથી. બંને સાથે સંભવે છે. તે જ રીતે અનેક દેવો હોવા છતાં એક પરમોચ્ચ સત્ય પરબ્રહ્મ પરમાત્મા છે. અનેક દેવદેવીઓ પરમાત્માના સમકક્ષ પ્રતિયોગી કે વિરોધી નથી. જેમ મનુષ્યોની એક સૃષ્ટિ છે, તેમ દેવોની પણ એક સૃષ્ટિ છે. અનેક મનુષ્યોના સ્વીકારથી જેમ એક પરમ સત્ય બાધિત થતું નથી, અનેક દેવ-દેવીઓના સ્વીકારથી પણ એક પરમ સત્ય બાધિત થતું નથી, અનેક દેવ-દેવીઓના સ્વીકારથી પણ એક પરમ સત્ય બાધિત થતું નથી. બ્રહ્માજીએ રચેલી દશવિધ સૃષ્ટિમાંની એક દેવસૃષ્ટિ પણ છે. ‘શ્રીમદ્ ભાગવત’માં બ્રહ્માજી રચિત દશવિધિ સૃષ્ટિનું વર્ણન છે, તેમાં દેવસૃષ્ટિની ગણના પણ કરેલ છે.
(જુઓ: ‘શ્રીમદ્ ભાગવત’ ૩-૧૦, ૨૭/૨૮)
આમ મનુષ્યસૃષ્ટિની જેમ દેવોની પણ એક સૃષ્ટિ છે, તેથી અનેક દેવદેવીઓને સ્વીકાર અને તેમની ઉપાસનાથી એક પરમ સત્યના સિદ્ધાંતને કોઈ બાધા આવતી નથી. હિન્દુઓ અનેક દેવદેવીઓનો સ્વીકાર શા માટે કરે છે? કારણ કે તેઓ છે. જે છે તેમનો સ્વીકાર કરવો તે જ સત્ય છે. ઇન્કાર કરવાથી જે છે તે ‘નથી’ બની જતા નથી. સત્યનો સ્વીકાર તે જ કલ્યાણનો માર્ગ છે. પરમ તત્ત્વ અને અનેક દેવદેવીઓ – બંને છે, અને તેથી હિન્દુધર્મમાં બંનેનો સ્વીકાર છે.

૩. આત્માની અમરતાનો સિદ્ધાંત :
મનુષ્ય સ્વરૂપત: આત્મા છે. મનુષ્યને શરીર છે. મનુષ્યને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારાદિ પણ છે, પરંતુ સ્વરૂપત: મનુષ્ય આત્મા છે. મનુષ્ય જ નહીં કોઈ પણ પ્રાણીના અસ્તિત્વનું કેન્દ્ર આત્મા જ છે. આ આત્મા અજર અમર છે, શાશ્ર્વત છે. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ના પ્રારંભમાં જ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનજીને આત્માની અમરતાનો સિદ્ધાંત સમજાવે છે:

“આ આત્મા કોઈ કાળમાં જન્મતો નથી અને મૃત્યુ પણ પામતો નથી. આ આત્મા ઉત્પન્ન થઈને ફરીથી બને છે, તેવું નથી. આ આત્મા અજન્મા, નિત્ય, સનાતન અને પુરાતન છે. શરીર મૃત્યુ પામે તો પણ આ આત્મા મૃત્યુ પામતો નથી

‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ હિન્દુધર્મનો પ્રમાણભૂત અને સર્વમાન્ય ગ્રંથ છે. તેમાં ભગવાન શ્રીકૃષ્ણ અનેક સ્થાન પર અને સ્પષ્ટ રીતે આત્માની અમરતા પ્રતિપાદિત કરે છે. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’માં જ નહીં, પરંતુ હિન્દુધર્મનાં સર્વશાસ્ત્રો આત્માની અમરતા અબાધિત સ્વરૂપે પ્રતિપાદિત થઈ છે. હિન્દુધર્મમાં અનેક સંપ્રદાયો છે. અનેક દર્શનો છે, પરંતુ આત્માની અમરતા વિશે સૌ એકમત છે.
આત્માની અમરતા સૌએ સ્વીકારી છે. સાવ અભણ કે મૂર્ખ હિન્દુના મનમાં પણ આત્માની અમરતાનો સિદ્ધાંત દૃઢમૂલ થઈ ગયો છે. સૌ હિન્દુઓ એકમતે અને એક અવાજે માને છે – આત્મા અજર અમર છે, શાશ્ર્વત છે. આત્માને મૃત્યુ નથી. મૃત્યુ તો માત્ર દેહપરિવર્તનની ઘટના છે.

૪. પુનર્જન્મનો સિદ્ધાંત :
પુનર્જન્મની શોધ હિન્દુઓની ખૂબ મૌલિક અને અતિ મૂલ્યવાન શોધ છે. ભારતમાં જન્મેલા (હિન્દુ, બૌદ્ધ અને જૈન) ધર્મો સિવાય વિશ્ર્વના કોઈ ધર્મોમાં પુનર્જન્મનો સ્વીકાર થયો નથી. વસ્તુત: તેઓ આ સત્યને શોધી શક્યા જ નથી. પુનર્જન્મનો ઘટનાની શોધ તે ઓછી મૂલ્યવાન શોધ નથી. સૂક્ષ્મ જગતની આ રહસ્યપૂર્ણ ઘટનાને જેઓએ પહેલી વાર જોઈ છે, જાણી છે, સ્વીકારી છે અને જાહેર કરી છે, તેમણે કેટલું પ્રચંડ કાર્ય કર્યું છે, તે સમજવા માટે પણ ઊંડી કલ્પનાશક્તિ જોઈએ. આ શોધની ભારતીય સંસ્કૃતિ પર અને ભારતીય માનસ પર ભારે મોટી અસર છે.

મૃત્યુ એટલે જીવાત્મા એક શરીરનો ત્યાગ કરે તે અને તે જ આત્મા નવો દેહ ધારણ કરીને આવે તે જન્મની ઘટના છે. આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં અને બીજામાંથી ત્રીજામાં એમ યાત્રા કરતો રહે છે. શરીર નાશ પામે છે, બદલાય છે, આમ અનેક શરીરોને ધારણ કરતો અને છોડતો આત્મા યાત્રા કરતો રહે છે. આ ઘટનાને પુનર્જન્મની ઘટના કહે છે.

હિન્દુધર્મમાં, હિન્દુસમાજમાં, હિન્દુમાનસમાં પુનર્જન્મની ઘટના એટલી દૃઢમૂલ બની ગઈ છે કે ભાગ્યે જ કોઈના મનમાં આ સત્ય વિશે શંકા ઉત્પન્ન થાય છે. હિન્દુધર્મમાં અનેક સંપ્રદાયો, દર્શનો અને મતમતાંતરો છે, પરંતુ પુનર્જન્મના સિદ્ધાંત વિશે સૌ લગભગ સહમત છે. અરે! જૈનો અને બૌદ્ધો પણ પુનર્જન્મની ઘટનાનો સ્વીકાર કરે છે. બૌદ્ધો આત્મતત્ત્વનો કે આત્માની અમરતાનો સિદ્ધાંત સ્વીકારતા નથી, તેઓ પણ પુનર્જન્મની ઘટનાઓ સ્વીકાર કરે છે. બૌદ્ધો આત્મતત્ત્વનો સ્વીકાર કરતા નથી, પરંતુ ‘વિજ્ઞાન’ નામના સંસ્કાર સમુચ્ચયનો સ્વીકાર કરે છે અને તેનો પુનર્જન્મ થાય છે, તેમ માને છે તથા આ ‘વિજ્ઞાન’ના સર્વથા વિસર્જનને ‘નિર્વાણ’કહે છે.

હિન્દુધર્મના સર્વશાસ્ત્રોમાં પુનર્જન્મની ઘટનાનો બહુ સ્પષ્ટતાપૂર્વક સ્વીકાર થયો છે. ભગવાન શ્રીકૃષ્ણ ‘ગીતા’માં અર્જુનજીને કહે છે:


“હે પરંતપ અર્જુન! મારા અને તારા ઘણાં જન્મો વીતી ગયા છે. તે જન્મોને તું જાણતો નથી, પરંતુ હું જાણું છું.
આ દેશનું નાનું બાળક પણ જાણે છે કે આત્મા મરતો નથી, પરંતુ તે શરીર છોડીને નવો જન્મ ધારણ કરે છે.

૫. કર્મનો સિદ્ધાંત :
“માનવ જે કાંઈ કરે છે, તેનું પરિણામ તેને ભોગવવું પડે છે અને માનવ જે કાંઈ ભોગવી રહ્યો છે, તે તેના ભૂતકાલીન કર્મોનું જ પરિણામ છે – કર્મના નિયમને ટૂંકમાં આ પ્રમાણે મૂકી શકાય.
વિજ્ઞાન અને દર્શનશાસ્ત્રની લગભગ બધી શાખાઓએ કાર્ય-કારણના નિયમનો સ્વીકાર કર્યો છે. પ્રત્યેક કાર્યને કારણ હોય છે અને કારણ પરિપૂર્ણ બને એટલે તેમાંથી કાર્ય નિષ્પન્ન થાય જ છે. આ કાર્ય-કરણનો નિયમ છે. આ નિયમ અસ્તિત્વનો સર્વવ્યાપી નિયમ છે. જીવસૃષ્ટિ અસ્તિત્વનો જ ભાગ છે, તેથી કર્મનો નિયમ જીવોને અને તેમના જીવનને પણ પડે જ છે. જ્યારે આપણે કાર્ય-કારણનો નિયમ જીવોના જીવનને લાગુ પાડીએ ત્યારે તેનાથી કર્મનો નિયમ આપોઆપ ફલિત થાય છે. કર્મનો નિયમ કાર્ય-કારણના નિયમનું જ એક સ્વરૂપ છે. જો કાર્ય-કારણનો નિયમ સાચો છે, તો કર્મનો નિયમ પણ સાચો જ છે. વાવશો તેવું લણશો અને કરશો તેવું પામશો – આ વિધાન કર્મના નિયમને સાદી ભાષામાં અને સરળ રીતે અભિવ્યક્ત કરે છે.

કર્મના નિયમ પ્રમાણે કર્મના ત્રણ સ્વરૂપો છે: ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ.

૧. ક્રિયમાણ કર્મ :
વ્યક્તિ જે કર્મ વર્તમાનકાળમાં કરી રહી છે, તે કર્મને ક્રિયમાણ કર્મ કહેવામાં આવે છે. ક્રિયમાણ વ્યક્તિમાં અને સમષ્ટિમાં તેની સંસ્કારરૂપી અસર મૂકે છે, અને તે સ્વરૂપે તે સંચિત કર્મસમૂહમાં એકઠાં થાય છે.

૨. સંચિત કર્મ :
સંચિત કર્મો એટલે એકઠાં થયેલાં કર્મો. ક્રિયમાણ કર્મ પૂરું થાય એટલે તેનો સર્વથા નાશ થતો નથી. બાહ્ય કર્મરૂપે તે પૂરું થાય છે, પરંતુ તેની સૂક્ષ્મ અસર કે પરિણામ તો રહે જ છે, કારણ કે અહીં કશું નાશ પામતું નથી. કર્મની આ સંસ્કારસ્વરૂપિણી પશ્ર્ચાત્ અસર ટકી રહે છે, તે જ સંચિત કર્મ કહેવાય છે. સંચિત કર્મ ભંડાર છે અને તેમાં જીવના જન્મોજન્મનાં કર્મો સંગ્રહિત હોય છે.

૩. પ્રારબ્ધ કર્મ :
સંચિત કર્મ જ્યારે ફળ આપવાનો પ્રારંભ કરે ત્યારે તે પ્રારબ્ધકર્મ ગણાય છે, પ્રારબ્ધ એટલે પ્રારંભ પામેલું. સંચિત કર્મભંડાર નિષ્ક્રિય છે, તેમાંના અમુક ફળ આપવા માટે પરિપકવ બને છે, ઉદ્યત બને છે, ત્યારે તેટલા સંચિત કર્મો પ્રારબ્ધકર્મોનું સ્વરૂપ ધારણ કરે છે, તેમ કહી શકાય.

પ્રારબ્ધકર્મનો ભોગ દ્વારા નવા ક્રિયમાણ કર્મો થાય છે, અને ક્રિયમાણને પરિણામે નવા સંચિત કર્મો બને છે. સંચિતકર્મ પ્રારબ્ધકર્મનું સ્વરૂપ ધારણ કરે છે અને પુન: તેમના ભોગ દરમિયાન ક્રિયમાણ બને છે. કર્મનું આ ચક્ર અનવરત ચાલ્યા જ કરે છે.

તો હવે આ કર્મના ચક્રમાંથી મુક્ત થવાનો ઉપાય શો?

અનાસક્તભાવે કરવામાં આવે તો ક્રિયમાણ કર્મોમાંથી સંચિત કર્મો બનતાં નથી. અહંશૂન્ય અવસ્થામાં આસક્તિ ન હોય અને આસક્તિના અભાવમાં કર્મો કરવામાં આવે તો પણ સંસ્કાર શેષ રહેતો નથી, તેથી નવા સંચિત કર્મો બનતાં નથી. માત્ર જૂના પ્રારબ્ધનો ભોગ થઈ જાય છે.

જ્ઞાન દ્વારા સંચિત કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. કર્મનો નિયમ અહંકારને લાગુ પડે છે, આત્માને નહીં. અહંકાર અજ્ઞાન પર પ્રતિષ્ઠિત છે. જ્ઞાનાગ્નિથી અહંકારનો વિલય થાય છે અને તેના આધારે રહેલા સર્વ સંચિત કર્મો બળીને ભસ્મ થઈ જાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…